Advertisement
Author: નોબત સમાચાર

મેળાઓ, ઉજવણીઓ, પ્રસંગો, કાર્યક્રમો માટે ચોક્કસ જવાબદારી નક્કી કરવી જરૂરી... પહેલેથી જાહેર થવું જોઈએ કે, જવાબદાર (રહેશે) કોણ ?

                                                                                                                                                                                                      

જામનગરમાં પડેલા ખાડાઓ હવે જીવલેણ બન્યા છે, અને એક યુવાનનો ભોગ લેવાયો હોવાની ચર્ચા પછી રાજ્યવ્યાપી ખાડાઓ બુરવાની ઝુંબેશ સામે પ્રશ્નો ઉઠયા છે, તો બીજી તરફ શ્રાવણી મેળાઓને લગતા નીતિનિયમો હળવા કરાયા હોવાની ચર્ચા દરમ્યાન ધંધાર્થીઓના લાભાર્થે તંત્રો લોકોના જીવ જોખમમાં મુકવાનું કદમ ન ઉઠાવે, તેવી જનલાગણીઓ પણ ઉભરી રહી છે. જો સરકાર કે તેના તંત્રો લોકલાગણીઓને અવગણીને જનસલામતિ સાથે બાંધછોડ કરશે, તો તે પગ પર કૂહાડો મારવા જેવું હશે, તેવા પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે. બીજી તરફ શ્રાવણી મેળાઓમાંથી અડધા વર્ષની રોજગારી મેળવતા સામાન્ય ધંધાર્થીઓના હિતોને પણ જાળવવા જરૂરી હોવાથી બંને બાજુ સમતુલન જાળવવું પણ એટલું જ જરૂરી છે., અને ધંધાર્થીઓને બિનજરૂરી અડચણોનો સામનો ન કરવો પડે તે રીતે લોકોની સલામતિ તથા જોખમી પ્રવૃત્તિઓ, રાઈડ્સ અને અન્ય સંલગ્ન બાબતોમાં નક્કર નિયમો, નિયંત્રણો કે અંકુશો મુકવા જોઈએ, તેવો જનસામાન્ય નિષ્કર્ષ નીકળે છે. રાઈડ્સ માટે આર.સી.સી. ફાઉન્ડેશન ભલે મરજીયાત કરી દેવાયો હોય, પરંતુ એકંદરે જમીન ચકાસણી પછી રાઈડ્સની મંજુરી માટે નિયમ પ્રમાણપત્ર કે મંજુરી આપનાર અધિકારીઓને સંભવિત દુર્ઘટના માટે જવાબદાર ગણવા જોઈએ, તેવો અભિપ્રાય પણ વ્યક્ત થઈ રહ્યો છે, જે ધ્યાને લેવો જ પડે તેમ છે.

હકીકતે તો કોઈપણ પ્રસંગ, સેમિનાર, સમારોહ, મેળાઓ, મેળાવડાઓ, સામૂહિક પ્રવાસો, ઉજવણીઓ કે કાર્યક્રમો જાહેર સ્થળો કે ખાનગી સ્થળે થતાં હોય, જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાના હોય, ભીડ થવાની હોય કે કોઈપણ પ્રકારનું નાનું-મોટું ગેધરીંગ, સમૂહભોજન કે ખાણી-પીણી-મનોરંજનની પ્રવૃત્તિઓ યોજાનાર હોય, તેની જવાબદારી પ્રાથમિક રીતે તેના આયોજકોની જ (પૂરેપૂરી) ગણાય, તે માટે એડવાન્સમાં "જવાબદાર" ની નોંધણી થવી જોઈએ., આ રીતે જવાબદાર સંસ્થા, સંગઠન, તંત્ર કે વ્યક્તિગત હોય, તેની સ્પષ્ટ જવાબદારી ચોક્કસ વ્યક્તિઓની ગણાય, તે પ્રકારે રજિસ્ટ્રેશન કરાવીને તેમાં એ પ્રકારની બાહેંધરી પણ લેવાવી જોઈએ કે "આ સંપૂર્ણ કાર્યક્રમ, ઈવેન્ટ કે મેળા-મેળાવડા-સમારંભ વગેરેમાં કોઈપણ રીતે જનસલામતિ કે લોકોની માલ-મિલકતને નુકસાન થાય, તો તેની જવાબદારી અમારી વ્યક્તિગત રહેશે...વગેરે".

બેંગલુરૂમાં આઈ.પી.એલ.માં વિજયની ઉજવણીની જવાબદારીની ફેંકાફેંકી થઈ અને અંતે આર.સી.સી.ની જવાબદારી નક્કી થઈ, તે જોતા ઉપર મુજબની જોગવાઈ પહેલેથી જ થવી જરૂરી છે. તેમજ આ આયોજનોની મંજુરી આપનાર, રાઈડ્સ વગેરેની ચકાસણી કરીને પ્રમાણપત્ર આપનાર અધિકારી, આયોજનો મંજુર કરનાર અધિકારી તથા કાયદો-વ્યવસ્થા જાળવવા અને દુર્ઘટના ટાળવા, લોકોની આવાગમન-ટ્રાફિકની વ્યવસ્થા જાળવવા, તબીબી સેવાઓ-દુર્ઘટના નિવારણ સેવાઓ અને દુર્ઘટના સમયે રાહત બચાવ માટે પૂરતા પ્રમાણમાં જગ્યા અને ઈમરજન્સી એકઝીટની પણ પર્યાપ્ત વ્યવસ્થા જાળવવાની સરકાર અને તેના તાબાના સંબંધિત તંત્રો, પાલિકા-મહાપાલિકાઓ તથા તેના તંત્રોની પણ એટલી  જ રહેવી જોઈએ. ટૂંકમાં આયોજકો જેટલી જ જવાબદારી સંબંધિત જવાબદાર તંત્રો તથા મંજુરીઓ આપનાર અધિકારીઓની પણ વ્યક્તિગત રીતે થવી જોઈએ. જાહેર વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા અને નાગરિકોના હક્કોનું રક્ષણ , જાહેર-આરોગ્ય, સફાઈ અને તબીબી વ્યવસ્થાઓની જવાબદારીમાંથી તંત્રો પણ છટકી શકે નહીં.

આયોજકો તથા તંત્રો જવાબદારીપૂર્વક આયોજનો પાર પાડે અને જાહેર સુરક્ષા-સલામતિ અને વ્યવસ્થાઓ જળવાઈ રહે તેની એકંદરે જવાબદારી તો શાસન અને પ્રશાસન, એટલે કે સરકારની જ ગણાય. ટૂંકમાં જ્યાં લોકોના જીવનની સલામતિ, સુરક્ષા અને સુવિધાઓ સંકળાયેલી હોય, ત્યાં કોઈ દુર્ઘટના કે અનિચ્છનિય ઘટના બને તો તેના ચોક્કસ જવાબદારોની વ્યાખ્યા પહેલેથી નક્કી હોવી જોઈએ, જેથી જવાબદારીની ફેંકાફેંકી કરવાની મનોવૃત્તિ કામિયાબ જ ન થઈ શકે.

જામનગરમાં અંતે અડધા પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણીઓ મેળો યોજવાનું નક્કી જ થઈ ગયું હોય, તો ન કરે નારાયણ ને કોઈપણ અનિચ્છનિય સ્થિતિ ઊભી થાય, તો તે માટે જવાબદાર કોણ રહેશે, તે અત્યારથી જ નક્કી થઈ જવું જોઈએ, અને તે માટે જામ્યુકો કે જિલ્લા વહીવટી તંત્રના ક્યા ક્યા ચોક્કસ અધિકારીઓ અને પદાધિકારીઓની જવાબદારી રહેશે, તે અત્યારથી જ નક્કી અને જાહેર થઈ જવું જોઈએ, તેમ નથી લાગતું ?

માત્ર જામનગર નહીં, જ્યાં જ્યાં લોકમેળાઓ યોજાવાના છે ઉજવણીઓ થવાની છે અને તહેવારોના મેળાવડા થવાના છે, ત્યાં તમામ સ્થળે જાહેર વ્યવસ્થાઓ માટે તો સરકાર અને તંત્રો તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પહેલેથી જ જવાબદાર છે, પરંતુ જ્યારે જવાબદારી નક્કી કરવાની થાય, ત્યારે હોદ્દાની રૂએ કે આયોજક તરીકે અથવા વ્યક્તિગત રીતે કોણ કોણ જવાબદાર રહેશે, તે પહેલેથી નક્કી થવું જોઈએ. અને તે પબ્લિક ડોમેનમાં હોવું જોઈએ.

આપણે બધા એવું જ ઈચ્છીએ કે મેળાઓ સહિતના તમામ પ્રસંગો-તહેવારો-ઉજવણીઓ-કાર્યક્રમો વિનાવિઘ્ને અને આનંદપૂર્વક સંપન્ન થાય, પરંતુ તાજેતરની અને ભૂતકાળની કેટલીક ગમખ્વાર ઘટનાઓને લક્ષ્યમાં લઈને હવે ચોક્કસ જવાબદાર નક્કી કરવાની નક્કર વ્યવસ્થા થવી અત્યંત જરૂરી છે. આશા રાખીએ કે શ્રાવણી મેળો, તહેવારોનો ટ્રાફિક અને કામચલાઉ બસડેપોની વ્યવસ્થાઓ પ્રજાને પરેશાન કર્યા વિના સુચારૂ ઢબે સફળ નિવડે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh