Advertisement
Author: નોબત સમાચાર

દેશીનું દુષણ, ટ્રમ્પ ટેરિફ અને જામનગરની પોષ્ટકાર્ડ ઝુંબેશનું બિહારની ચૂંટણી સાથે કનેકશન ? ટોક ઓફ ધ નેશન

                                                                                                                                                                                                      

ગુજરાતમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દૂરદર્શી નેતૃત્વ માટે ૧.૧૧ લાખથી વધુ પોષ્ટકાર્ડ લખાયા હોવાની ચર્ચા સોશ્યલ મીડિયામાં જોરશોરથી થઈ રહી છે, તેની સાથે-સાથે તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેઓએ ગુજરાતની મહિલાઓને ઉદૃેશીને એવી જાહેરાત કરી હતી કે, રાજ્યની કોઈપણ બહેન (મહિલા) ને મુશ્કેલી હોય કે મદદની જરૂર હોય, તો એક પોષ્ટકાર્ડ લખે, કારણ કે ગાંધીનગરમાં તેનો ભાઈ બેઠો છે, તેની પણ ચર્ચા થઈ રહી છે. મહિલા સુરક્ષા અને મહિલા કલ્યાણ માટે રાજ્ય-ક્ેન્દ્ર સરકારોએ ઉઠાવેલા અન્ય પગલાંને સાંકળીને  પણ ગોબેલ્સ સિસ્ટમથી પ્રચાર થઈ રહ્યો છે.

બીજી તરફ 'ટેરિફાતંક' અને ભારત વિરોધી તથા ખુલ્લેઆમ પાકિસ્તાન તરફી વલણો અપનાવનાર તૂંડમિજાજી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન મોદીની વિવિધ મુદ્દે વાતચીત થઈ હોવાના અહેવાલો આવ્યા પછી આજે વહેલી સવારે એવા અહેવાલો પણ આવ્યા કે ટ્રમ્પ પ્રશાસને યૂ-ટર્ન લઈને હાલ તુરત જેનેરિક દવાઓ પરનો ટેરિફ મુલતવી રાખ્યો છે. આ કારણે ફાર્મા પ્રોડકશન્સની મોટા પાયે અમેરિકામાં નિકાસ કરતા ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોને રાહત પહોંચી છે. અને અમેરિકામાં આયાત થતી દવાઓમાં ૪૭% દવાઓ ભારતથી આવતી હોવાથી તેના પરથી ટેરિફ હટી જતા અમેરિકાની જનતાને પણ ફાયદો થશે. કારણ કે ટ્રમ્પનો ટેરિફ પહેલી ઓક્ટોબરથી લાગુ થનાર હતો, તે નિર્ણય પાછો ખેંચાયો ન હોત તો અમેરિકામાં જીવનજરૂરી મેડિસિન્સના ભાવો ભડકે બળ્યા હોત, કારણ કે આ મેડિસિન્સ તત્કાળ સ્થાનિક ધોરણે પૂરી પાડી શકાય, તેવું ઉત્પાદન અમેરિકામાં જ કરવું અસંભવ છે અને અન્ય કોઈ સસ્તો વિકલ્પ પણ અમેરિકા પાસે નથી, તેથી મજબૂરીમાં ટ્રમ્પે આ નિર્ણય લેવો પડયો હોવાની ચર્ચા પણ થઈ રહી છે, અને ટ્રમ્પના આ નિર્ણયને બંને નેતાઓ વચ્ચે થયેલી વાતચીત સાથે જોડીને યશ લેવાની ચેષ્ટા થઈ રહી હોય, તે ખરૃં. પણ હાલ તુરંત તો ભારતીય ફાર્માસ્યુટીકલ ઈન્ડસ્ટ્રીઝને રાહત થઈ જ છે, તે હકીકત છે, શરત એટલી જ કે ટ્રમ્પ ફરીથી યુ-ટર્ન લઈને નિર્ણય ફેરવી ન નાંખે !

કેટલાક રાજકીય વિશ્લેષકો એવો કટાક્ષ પણ કરી રહ્યા છે કે આ રાહતને "અંકે" કરવા ક્યાંક ભાજપ બ્રિગેડ દેશવ્યાપી પોષ્ટકાર્ડ ઝુંબેશ ન આદરે !

જ્યારે પોષ્ટકાર્ડ ઝુંબેશની ચર્ચા થઈ રહી છે, ત્યારે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી શરૂ થયેલી એક પોષ્ટકાર્ડ ઝુંબેશની પણ નોંધ લેવી જ પડે, અને મહિલા સુરક્ષાના મુદ્દે પણ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બહેનોને પોષ્ટકાર્ડ લખીને જરૂર પડયે મદદ માંગવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલને પણ યાદ કરવી પડે, કારણ કે અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉદ્દેશીને જામનગરના ગામડાઓમાંથી આ ઝુંબેશ શરૂ થઈ છે અને "દેશી દુષણ"ના દુષ્પ્રભાવોને લઈને ચાલી રહેલી આ પોષ્ટકાર્ડ ઝુંબેશે સમગ્ર રાજ્ય અને દેશનું ધ્યાન ખેંચ્યું છે.

જામનગરના ગામડાઓમાંથી ઉદ્ભવેલી આ ઝુંબેશ યોગાનુયોગ ગાંધી જયંતીની ઉજવણી તથા નશાબંધી સપ્તાહના ટાણે જ શરૂ થઈ છે, અને તેની પાછળ દેશી દારૂના દૈત્યના કારણે એક નિર્દોષ ખેડૂતનો જીવ ગયો હોવાથી ગુજરાતની "કડક" દારૂબંધી સામે પણ સ્વાભાવિક રીતે જ સવાલો ઉઠી રહ્યા છે.

બન્યું એવું કે ધૂતારપુર-કાલાવડ રોડ પર થોડા દિવસો પહેલા બે બાઈક અથડાઈ પડતા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જનાર વ્યક્તિ નશાની હાલતમાં હોવાનું સંબંધિત વિસ્તારના ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે અને પંદરેક ગામોના લોકોએ દેશી દારૂના દુષણને લઈને મુખ્યમંત્રીને પોષ્ટકાર્ડ લખવાની ઝુંબેશ ચાલી રહી હોય તો તે રાજ્યની દારૂબંધીની નીતિને અનુરૂપ અને નશાબંધી વિભાગો માટે શરમજનક ગણાય.

દશેરાના દિવસે સર્જાયેલી આ દુર્ઘટનામાં બે વ્યક્તિનો ભોગ લેવાયો, તેમાંથી એક નશામાં ધૂત હોવાની આશંકા સાથે પ્રગટેલી દેશી દારૂના દુુષણ સામે આક્રોશની જ્વાળાએ હવે રાજ્ય અને દેશની નેતાગીરીનું પણ ધ્યાન ખેંચ્યું છે, ત્યારે આ મુદ્દો "પોષ્ટકાર્ડ" ઝુંબેશના કોન્સેપ્ટના માધ્યમથી વડાપ્રધાન સુધી પહોંચશે અને ગુજરાતના મુખ્યમંત્રીનું કાર્યાલય જામનગરના ગ્રામ્યજનોની સામૂહિક પોષ્ટકાર્ડ ઝુંબેશને ગંભીરતાથી નોંધ લેશે તેવું ઈચ્છીએ, આ તમામ પોષ્ટકાર્ડ ટેબલ-ટુ-ટેબલ કચરા નિકાલ ઝુંબેશમાં ડસ્ટબીન્સમાં ન ફેંકાઈ જાય અને તે બધામાં ઈન્વર્ડ નંબર પડે, તેવી ઈચ્છા રાખતા જાગૃત નાગરિકો કેટલા પોસ્ટકાર્ડ આવ્યા, તે અંગે રાઈટ ઓફ ઈન્ફર્મેશન એકટ હેઠળ માહિતી માંગશે, તેવા સંકેતો તથા જો દસ દિવસમાં હજારો પોષ્ટકાર્ડ લખ્યા પછી પણ નક્કર કદમ નહીં ઉઠાવાય તો જરૂર પડયે સત્યાગ્રહ, આશ્ચર્યજનક કાર્યક્રમો અને દેશી દારૂના અડ્ડાઓ અને ફેકટરીઓ ઉપરાંત તેના છાપેલા કાટલા જેવા વિતરકો (વેચાણ કેન્દ્રો અને દેશી દારૂ વેચતા લોકોના ઘરો સહિત) ને ત્યાં જનતા રેડ પાડવા સહિતના આંદોલનોની અપાયેલી ચેતવણી જોતા જામનગરના ગામડાઓમાંથી ઉઠેલી જનજાગૃતિની આ જ્વાળા રાજ્યવ્યાપી બન્યા પછી ગુજરાતની જેમ "દારૂબંધી" ધરાવતા બિહાર સુધી પણ પહોંચી શકે છે, અને ત્યાં ચૂંટણીના પ્રચારનો મુખ્ય મુદ્દો પણ બની શકે છે, તેથી એનડીએના નેતાઓએ પાણી પહેલા પાળ બાંધવી જોઈએ...!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh