Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન સામે વળતર આપવાના મુદ્દે રાજ્ય સરકાર દ્વિધા (વિમાસણ)માં હોય તેમ જણાય છે. મુખ્યમંત્રી પોતે નુકસાનનું નિરીક્ષણ કરવા નીકળ્યા અને જુદા જુદા મંત્રીઓને ખેતીને માવઠાથી થયેલા નુકસાનના અંદાજો કાઢવા મોકલ્યા, તે દરમ્યાન પણ વરસાદ ઘણાં સ્થળે વરસ્યો હતો, અને એક વખત થયેલા સર્વે અથવા અંદાજોને ફરીથી ચકાસવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ, તો બીજી તરફ આ વખતે માવઠું જાણે ફરીથી ચોમાસુ બની ગયું હોય તેમ જામ્યુ અને સાર્વત્રિક કમોસમી વરસાદ પડ્યો, એટલું જ નહીં, કેટલાક જિલ્લાઓમાં તો ધોધમાર વરસાદ પડ્યો અને ત્યાં ખેતીનો ઊભો પાક અને મગફળી વગેરેના પાથરા કે કાલરા પલળી જતાં, થોડું ઘણું નુકસાન નહીં પરંતુ તમામ ખેતી ઉત્પાદન જ બરબાદ થઈ ગયું. આ કારણે હવે સર્વે અને રિસર્વે કરવામાં સમય બગાડવાના બદલે તમામ ખેડૂતોને સહાય આપવાની માંગણી માત્ર વિપક્ષો જ નહીં, પરંતુ શાસક પક્ષમાંથી પણ જોરદાર રીતે ઉઠવા લાગ્યા પછી હવે રાજ્ય સરકારે કોઈ ને કોઈ ચોક્કસ નિર્ણય તો લેવો જ પડે તેમ છે.
જો કે, રાજ્ય સરકારે ખેડૂતોને નુકસાનનું વળતર આપવાના રાહત પેકેજની તૈયારી બતાવી અને ઝડપભેર રાહત પૂરી પાડીને જે પાક બરબાદ થયો છે, તે હટાવીને રવિપાકની તૈયારી ખેડૂતો કરી શકે, તે માટે સહાયની રકમ તેઓના હાથમાં ઝડપથી આવી શકે, તેવી તૈયારીઓ પ્રશાસન કરી રહ્યું હોવાના સંકેતો પણ મળ્યા, પરંતુ તમામ ખેતી જ બરબાદ થઈ ગઈ હોય, ત્યારે સર્વે કરવાના ખર્ચા કરવાના બદલે તમામ ખેડૂતોને લમસમ સહાય આપવાની જે માંગણી ઉઠી, તે પછી ગઈકાલે રાજ્ય સરકાર અનિર્ણાયક કે મુંઝવણભરી સ્થિતિમાં મુકાઈ ગઈ હોય, તેવા સંકેતો મળી રહ્યા હતા. વારંવાર સર્વેક્ષણોને અર્થહિન ગણાવીને વિપક્ષના નેતાઓ તો તમામ ખેડૂતો તત્કાળ સહાય પૂરી પાડવાની માંગણી કરી જ રહ્યા હતા, તેવામાં દ્વારકા-કલ્યાણપુરના ધારાસભ્ય પબુભા માણેક સહિતના ભાજપના જ કેટલાક નેતાઓએ પણ આ જ પ્રકારના મંતવ્યો વ્યક્ત કર્યા, તે પછી રાજય સરકાર પણ પુનઃવિચારણા કરી રહી હોય તેમ જણાતું હતું. રાજ્ય સરકાર કોઈ રાહત પેકેજ જાહેર કરે તે પહેલા જ સૌરાષ્ટ્રમાંથી શરૂ થયેલો વિરોધ રાજ્યવ્યાપી બની ગયો છે. અને હવે તો શાસકપક્ષના દિગ્ગજો પણ આ મુદ્દે ખુલીને પોતાના અભિપ્રાયો આપી રહ્યા છે. પૂર્વ રાજ્યમંત્રી અને ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણીએ તો મુખ્યમંત્રીને એક પત્ર લખીને ખેડૂતોને દેવાદારના બદલે દેવામૂક્ત કરવાના ઉપાયો સૂચવ્યા છે અને વિકાસના (માચડા સમા) કેટલાક પ્રોજેક્ટો સ્થગિત કરીને પણ ખેડૂતોની પડખે (હકીકતે) ઊભા રહેવાની સલાહ આપી છે. કુમાર કાનાણીએ કહ્યું છે કે ખેડૂતોની આર્થિક બરબાદી, ગંભીર સમસ્યાઓ ઊભી કરશે અને જો ખેડૂતો ખેતી જ કરતા બંધ થઈ જશે, તો તે સમગ્ર માનવજીવન માટે હાનિકર્તા નિવડશે. વગેરે.
દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરષ્ટ્ર-કચ્છ માટે અલગ-અલગ કૃષિ સહાય પેકેજો જાહેર થાય અને જ્યાં સૌથી વધુ નુકસાન થયું છે, તેવા સૌરાષ્ટ્રના હાલાર સહિતના જિલ્લાઓને વધુ સહાય મળે, તેવી માંગણી પણ ઊઠી રહી છે, કારણ કે માવઠાથી દ. ગુજરાતના કેટલાક જિલ્લાઓ અને સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છને સર્વાધિક નુકસાન થયું છે, અથવા સંપૂર્ણ ખેતી તબાહ થઈ ગઈ છે, તેમ કહી શકાય.
માવઠાથી થયેલા નુકસાનના ડિજિટલ સહિતના સર્વેની પદ્ધતિ સાથે રાજ્યવ્યાપી વિરોધવંટોળ ઉઠ્યો છે અને કેટલાક સ્થળે તો ભાજપના ધારાસભ્યોને ખેડૂતોના આક્રોશનો જાહેર કાર્યક્રમોમાં જ સામનો કરવો પડયો હતો, તે જોતાં રાજ્ય સરકાર માટે ખેડૂતોને સંતોષકારક રાહત પેકેજ કઈ રીતે અને કેટલા પ્રમાણમાં આપવું અને કયા માપદંડો રાખવા, તેનો પડકાર ઊભો થયો છે અને છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્ય સરકાર અને તંત્રો દ્વારા થઈ રહેલી ગોળ-ગોળ વાતો અને વિરોધાભાસી પ્રત્યાઘાતો-નિવદેનો જોતા ખરેખર રાજ્ય સરકાર આ મુદ્દે મુંઝવણ અનુભવી રહી હોય તેમ જણાય છે. આ અંગે કેન્દ્રીય નેતૃત્વ પણ બિહારના ચૂંટણીપંચમાં વ્યસ્ત હોવાથી રાજ્ય સરકારે સ્વયં કોઈ નિર્ણય લેવો પડે તેમ છે. જો કે, જે જંગી નુકસાન થયું છે, તે જોતાં મોટું રાહત પેકેજ જાહેર કરવું પડે અને તેમાં કેન્દ્રીય સહયોગ અનિવાર્ય બને, પરંતુ ચૂંટણીની વ્યસ્તતાના કારણે કેન્દ્રીય નેતૃત્વ કદાચ આ મુદ્દે ધ્યાન આપી શકતું ન હોય, તેવું પણ બની શકે છે. કેટલાક કૃષિક્ષેત્રના વિશ્લેષકો ખેતીના નુકસાનનું સર્વે કર્યા વિના જ સહાય ચૂકવવાની જગ્યાએ જેને સર્વાધિક નુકસાન થયું હોય કે જેની ખેતી તદ્ન તબાહ જ થઈ ગઈ હોય, તેને મહત્તમ વળતર આપવા અને પ્રક્રિયામાં સમય જાય તેમ હોય તો ટોકનની જેમ લમસમ કાર્યકારી સહાય તત્કાળ ચૂકવીને તેને સર્વે પછી મળવાપાત્ર સહાય સાથે સરભર કરવાનો વચલો રસ્તો કાઢવાની એડવાઈઝ પણ આપી રહ્યા છે.
એવું મનાય છે કે રાજ્ય સરકાર હાલ તુરંત કોઈ લમસમ રાહત તત્કાળ ચૂકવીને કેન્દ્રના સહયોગથી નેતા દ્વારા જ જાહેર થાય, તેવો તખ્તો ગોઠવાય રહ્યો છે. ઘણાં લોકો આ જાહેરાતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસ સાથે સાંકળી રહ્યા છે, તો કેટલાક લોકો આ પ્રકારની જાહેરાત કેન્દ્રીય કૃષિમંત્રી કરશે, તેવું પણ માને છે. રાજ્ય સરકારના પ્રવક્તા અને રાજ્યના કૃષિમંત્રી આ મુદ્દે રાજ્ય સરકાર તરફથી આજે કોઈ તો સંકેતો આપશે તેવું મનાતું હતું, અને આજે આ મુદ્દે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે. જગતના તાતને તબાહ થતો અટકાવવા હવે સરકાર કેટલી ઝડપથી ખેડૂતોના હાથમાં રોકડ સહાય મૂકે છે, તે જોવું રહ્યું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial