Advertisement
Author: નોબત સમાચાર

હાલારમાં સાર્વત્રિક ૬ ઈંચ સુધી વરસાદઃ જળાશયો છલોછલઃ મેઘાવી માહોલ

ફરી એક વખત રણજીતસાગર છલકાયોઃ સસોઈ ડેમની સપાટી ૧૭ ફુટઃ રણમલ તળાવમાં નવા નીરની આવકઃ નદી-નાળા-તળાવો-ચેકડેમ ભરપૂરઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: હાલારમાં ગઈકાલે મેઘાવી માહોલ સવારથી જળવાયો હતો અને સવારે ધીમી ધારે વાસરદ શરૂ થયા પછી બપોર સુધીમાં મેઘરાજાએ જોર પકડયું હતું અને સમગ્ર હાલાર પંથકમાં ઝાપટાથી ચાર ઈંચ વરસાદ થયો હતો. જ્યારે અમુક ગામડામાં ચાર થી છ ઈંચ વરસાદ થયાનાં વાવડ છે. સારા વરસાદનાં કારણે અનેક જળાશયો, તળાવ અને ચેક ડેમમાં નવા નીરની આવક થવા પામતાં તંત્રનાં અને લોકોના હૈય હૈયે ટાઢક વળી ગઈ છે. લાલપુર પંથકમાં આકાશી વિજળી ત્રાટકતા બે શ્રમીકોના મૃત્યુ થયા હતાં. તો બે ખેત શ્રમિકો દાઝી ગયા હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાંદાખલ કરવામાં આવ્યા છે.

હાલારમાં મેઘાવી માહોલ સતત જળવાઈ રહ્યો છે. હવામાન નિષ્ણાત અને હવામન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ ગઈકાલે સમગ્ર હાલાર પંથકમાં ઝાપટાથી ચારેક ઈંચ જેટલો વરસાદ સાર્વત્રિક સ્વરૂપે વરસ્યો હતો. તાલુકા મથકમાં જોઈએ તો આજે સવારે પૂરા થતા ૨૪ કલાકમાં જામનગરમાં ૨૨ મીમી, જોડીયામાં ધોધમાર ૧૦૧ મીમી (ચાર ઈંચ), ધ્રોલમાં માત્રા ઝાપટા સ્વરૂપે ચાર મીમી વરસાદ થયો હતો. કાલાવડમાં ૬૮ મીમી (પોણા ત્રણ ઈંચ), લાલપુરમાં ૯૩ મીમી (પોણા ચાર ઈંચ) અને જામજોધપુરમાં ૭૨ મીમી (ત્રણ ઈંચ) વરસાદ થયો છે. જામનગર શહેર અને તાલુકા મથકમાં ગઈકાલે સારો વરસાદ થયો હતો સાથો સાથ અમુક ગામડામાં પણ સારો વરસાદ નોંધાયો છે.

જેમાં વસઈમાં ૮ મીમી લાખાબાવળમાં ૮, મોટી બાણુંગાર-૧૨, ફલ્લામાં ૧૨ મીમી, જામવણંથલી પર, મોટી ભલસાણ ૧૧૨ અલીયાબાડા ૧૩, દરેડ ૧૦, હડીયાણા ૧૫, બાલંભા ૧૫૦, પીઠડ ૧૦, લતીપુર ૧૩, જાવીયા દેવાણી ૨૦, નિકાવા ૩૦, ખરેડી ૩૦, મોટા વડાળા ૨૮, ભલસાણ બેરાજા ૭૦, નવાગામ ૭૪, મોટા પાંચ દેવડા ૪૪, સમાણા ૯૮, શેઠવડાળા ૭૫, જામવાડી ૬૮, વાંસજાળીયા ૫૫, ધુનડા ૧૦૫, ધ્રાફા ૯૦, પરડવા ૬૦, પીપરટોડા ૫૭, પડાણા ૨૦, ભણગોર ૬૫, મોટા ખડબા ૮૮, મોડપર ૨૬ અને હરીપરમાં ૬૭ મીમી વરસાદ નોંધાયો છે.

સારા વરસાદના કારણે રણજીત સાગર ડેમ ફરી એક વખત છલકાયો અને ઓવરફલો થયો હતો. સસોઈ ડેમમાં અઢી ફૂટ નવા પાણીની આવક થતા ડેમની ૧૭ ફુટે પહોંચી છે. આ ઉપરાંત પણ અનેક ડેમમાં પાણીની આવક થવા પામી છે. શહેરની મધ્યમાં આવેલ રણમલ તળાવમાં પણ નવા પાણીની આવક થવા પામી છે.

સતત વરસાદી પાણીની આવકનાં કારણે રંગમતિ ડેમના ત્રણ દરવાજા ૨ ફુટ ખોલવામાં આવ્યા છે. તો ઉમીયા સાગર ડેમનાં ૬ દરવાજા પોણા પાંચ ફુટ ખોલવામાં આવ્યા છે. આથી હેઠવાસ ગામને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે. દરેડ નજીકનું ખોડીયાર મંદિરને ચો તરફે પાણી ફરી વળ્યું છે.

ગઈકાલે થયેલા સારા વરસાદ સાથે લાલપુર તાલુકાના સેવકધુણીયા ગામમાં આકાશી વીજળીએ કહેર વર્તાવ્યો હતો. સેવક ધુણીયા ગામે ઢાંઢર નદી કાંઠા પાસે ચાર ખેત શ્રમીકો ઉપર વીજળી ત્રાટકી હતી. જેમાં કરણ ધ્યાનસિંગ દાવર (૩૦) અને તેના કૌટુંબીક બનેવી ભુરાસિંગ વાસ્કેલ (૩૦)ના મૃત્યુ થયા હતાં જયારે મહેતાબ દાવર (૩૦) સહિતના બે શ્રમીકો વીજળીથી દાઝી જતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ઉપરાંત હરીપર ગામના ગોકળભાઈ ટપુભાઈ ટોયટાના ચાર ઘેટાના પણ મૃત્યુ થયા હતાં.

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ઝાપટાથી અઢી ઈંચ સુધી સવારે ૬ વાગ્યા સુધી વરસાદ પડયો હતો. જેમાં કલ્યાણપુરમાં ઝાપટા, ખંભાળિયામાં અડધો ઈંચ, ભાણવડમાં અઢી ઈંચ, વરસાદ થયો હતો.

ભાણવડના મોટા કાલાવડમાં ગઈકાલે ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ થયો હતો. પરિણામે ગામમાં જળ બંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ગામની બજારો, શાળા પાસે નદીની માફક પાણી વહેતા થયા હતાં. કેટલાક સેવાભાવીઓએ બાળકોને ટ્રેકટર મારફત સ્કૂલેથી ઘરે પહોંચાડયા હતાં. તો ગામમાં કેટલાક સ્થળે પાકને પણ નુકસાન થયું હતું.

આ ઉપરાંત આજે પણ સવારથી મેઘાવી માહોલ જોવા મળ્યો હતો. જેમાં જામનગરમાં ૧૨ વાગ્યા સુધીમાં બે મીમી અને ત્યાર પછી પણ ધોધમાર આવ્યો હતો. તો ૧૨ સુધીમાં જામજોધપુરમાં ૧૦ મીમી વરસાદ નોંધાયો છે.

જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે સવારે ૬ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ખંભાળિયા અને સલાયામાં એકથી દોઢ ઈંચ તો કલ્યાણપુર પંથકમાં ૩૦ જેટલા ગામમાં ત્રણેક ઈંચ જેટલો સારો વરસાદ થયાના વાવડ છે. આથી નદી, નાળા ચેકડેમો છલકાયા છે. ઉપરાંત સવારથી બપોર સુધીમાં દ્વારકા અને ભાણવડમાં અડધો ઈંચ વરસાદ વરસી ગયો છે.

આમ એકંદરે સમગ્ર હાલાર પંથકમાં છેલ્લા ૨૪ કલાકથી વરસાદ વરસી રહ્યો છે. આથી પાક પાણીનું ચિત્ર  સારૂ  બન્યુ છે. હજુ પણ મેઘાવી માહોલ જળવાયો હોય વરસાદ થવાની શકયતા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh