Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ર૯ તાજીયાઓનું આકર્ષણઃ વરસાદના વિક્ષેપ પછી રાબેતા મુજબ આગળ વધ્યા તાજીયાઃ અલ્પાહાર-ઠંડા પીણાનું વિતરણ
જામનગર તા. ૭: જામનગરમાં મોહર્રમ નિમિત્તે ઈમામ હુશેન અને તેમના ૭ર વફાદાર સાથીઓની શહાદતની યાદમાં દર વર્ષની જેમ પરંપરાગત મુજબ જામનગર અને જિલ્લાના મુસ્લિમ બિરાદરોએ સરઘસની રાત્રિ અને આસુરાના દિવસે ભવ્ય અને કલાત્મક તાજીયાઓના ઝુલુસ કાઢી શાંતિ સદ્ભાવ એકતા અને ભાઈચારાના માહોલમાં અને એહતરામની સાથે મોહર્રમના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ વિખ્યાતી જામનગરના બેનમુન કલાત્મક તાજીયા નિહાળવા હિન્દુ-મુસ્લિમો અને આસપાસ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં.
કરબલાના મેદાનમાં શહીદ થયેલાની યાદમાં જામનગર શહેર ઉપરાંત સમગ્ર હાલારમાં સલાયા, ખંભાળીયા, વાડીનાર, મીઠાપુર, ઓખા, ધ્રોલ, કાલાવડ, અલીયાબાડા, લાલપુર, મસીતીયા, સિક્કા, દ્વારકા, બેડી, જોડિયા, ભૂંગા, જવાહરનગર-૧/ર સહિત જિલ્લાભરમાં કલાત્મક તાજીયાઓના ઝુલુસ નીકળ્યા હતાં. જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતાં.
જામનગર શહેરમાં પરવાના ધરાવતા ર૯-તાજીયા મધ્યરાત્રિએ (સરઘસની રાત્રે) શહેરના માર્ગો પર ઝુલુસ સ્વરૂપે ફર્યા હતાં અને વહેલી સવારે માતમમાં આવ્યા હતાં, અને તા. ૬-૭-ર૦રપ ના આસુરાના ઐતિહાસિક દિવસે ચાંદીના તાજીયાની આગેવાની હેઠળ આ ભવ્ય અને કલાત્મક તાજીયાઓ નક્કી કરેલા શહેરના માર્ગો પર ઝુલુસ સ્વરૂપે કતારબદ્ધ રીતે ફર્યા હતાં.
ચાંદીનો તાજીયો
ઝુલુસમાં પ્રથમ નંબર ધરાવતા આ ઐતિહાસિક ચાંદીના તાજીયાના દિદાર (દર્શન) માટે આ વર્ષે પણ લોકોની ભારે ભીડ જામી હતી. હંમેશાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતા આ ચાંદીના તાજીયા નિહાળવા દૂર-દૂરથી લોકો આવ્યા હતાં. જામનગરના રાજવી પરિવારે ભેટ આપેલ આ ચાંદીના તાજીયાનું વજન ૧૯૦ કિલો છે. તેમનું સંચાલન સૈયદ પરિવાર કરે છે.
અમી ધૂળધોયાનો તાજીયો
આ તાજીયાનો નંબર ઝુલુસમાં ર૩ મો છે. દરવર્ષે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનતા આ તાજીયાને ૬૦૦૦ જેટલા બલ્બ વડે સુશોભિત કરાયો હતો. ઉલ્લેખનિય છે કે, આ તાજીયાને માતમમાંથી લંઘાવાડનો ઢાળિયો ચઢાવતી વખતે હજારોની મેદની એકત્ર થાય છે. શ્રદ્ધાળુઓની માન્યતા છે કે, આ વેળાએ દુઆ કબુલ થાય છે. આ તાજીયો હિન્દુ-મુસ્લિમોનું પ્રતીક છે.
મેમણ જમાતનો તાજીયો
આ તાજીયો ઝુલુસમાં એક જમાનામાં ફૂલોની ડોલી તરીકે ઓળખાતા તાજીયાને ૭૦૦૦ હજાર બલ્બો વડે શણગારમાં આવેલ હતો. આ તાજીયાને બનાવવામાં કમિટીએ દોઢ માસની જહેમત ઉઠાવી હતી.
પટણી જમાતનો તાજીયો
પટણી જમાતના આ તાજીયાનો ક્રમ ત્રીજો છે. આવતા આ તાજીયો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. લાઈટીંગ કામમાં આગવું સ્થાન ધરાવતા તાજીયાને હજારો બલ્બ નવીન લાઈટીંગથી ઝળહળતો કરાયો હતો. સર્વે સભ્યો તેમજ કાર્યકરોએ આ તાજીયાને સુશોભિત કરવામાં બે માસ જહેમત ઉઠાવી હતી. આ તાીજયાને બનાવવા માતબર રકમ વાપરેલ હતી.
મકરાણી જમાતનો તાજીયો
આ તાજીયાનો નંબર રપ મો છે. દર વર્ષે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનતા આ તાજીયાને ૭૦૦૦ જેટલા બલ્બો વડે સુશોભિત કરાયો હતો. ખાદીમ ઉમરબાપુ અને જાવેદ બાપુની નિગરાનીમાં બનતા તાજીયાને બનાવવા કમિટીએ બે માસની જહેમત ઉઠાવી હતી.
ગોવાળ મસ્જિદનો તાજીયો
ઝુલુસમાં આ તાજીયાનો ક્રમ ૧૮ મો છે. થર્મોકોલની સીટ ઉપર - બારીક કોતરકામની કમાલ હતી. પ૦૦૦ બલ્બો દ્વારા રોશનીથી ઝળહળતા કરાયેલા કમિટીના સર્વે સભ્યોએ બે માસની જહેમત પછી આ તાજીયો તૈયાર કરાયો હતો.
કુરેશી કસાઈ જમાતનો તાજીયો
આ તાજીયાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. તાજીયા કમિટીની બે માસની જહેનત પછી તૈયાર કરવામાં આવ્યો હતો.
ગુજરાતી બારીગર જમાત
આ તાજીયાનો નંબર ઝુલુસમાં બીજો ક્રમ છે. આ તાજીયો પાંચથી આઠ હજાર બલ્બોથી શણગારવામાં આવ્યો હતો. આ તાજીયાને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં.
પઠાણ જમાતનો તાજીયો
રરમો ક્રમ ધરાવતા આ તાજીયાને નિહાળવા લોકોની ભારે ભીડ જામી હતી. પોતાની અનેક વિશિષ્ટતાઓને લીધે આ તાજીયો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. કમિટીના સભ્યોએ આ તાજીયાનું નિર્માણ કરવામાં બે માસથી વધુ જહેમત ઉઠાવી હતી.
પીંજારા જમાતનો તાજીયો
ઝુલુસમાં ર૭મા ક્રમે આવતો આ તાજીયાને ૩૦૦૦ બલ્બોથી સુશોભિત કરવામમાં આવ્યો હતો. આ તાજીયાને બનાવવા કમિટીના સર્વે સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
ગોરી જમાતનો તાજીયો
ઝુલુસમાં ૧પ મા ક્રમે આવતા તાજીયાને ૩૦૦૦ જેટલા બલ્બોથી ઝળહળતો કરવામાં આવ્યો હતો. ગોરી જમાતની કમિટીના સર્વે સભ્યોએ આ તાજીયાને નિર્માણ કરવામાં ભારે જહેમત ઉઠાવી હતી.
મોટા દાવલશાહનો તાજીયો
મોટા દાવલશાહના તાજીયાને અસંખ્ય બલ્બોથી ઝળહળતો કરી સુશોભિત કરવામાં આવ્યો હતો. કમિટીના સભ્યોએ બે માસથી વધુ જહેમત ઉઠાવી આ તાજીયાનું નિર્માણ કાર્ય કરાયું હતું.
સમગ્ર એશિયામાં મોખરાનું સ્થાન ધરાવતા શહેરના કલાત્મક તાજીયા
સમગ્ર એશિયામાં મોખરાનું સ્થાન ધરાવતા શહેરના ભવ્ય અને કલાત્મક તાજીયાઓની સુન્નીસાટી જમાતનો તાજીયો, નવીવાસનો તાજીયો, સફિયા જમાતનો તાજીયો, મણીયાર જમાતનો તાજીયો, ટીટાફળી, ગરાણા જમાતનો તાજીયો, દુલદુલ ઘોડો, સેજો આ ઉપરાંત જુદી-જુદી કમિટીઓ દ્વારા બનાવેલા પરવાના વિનાના નાના-મોટા તાજીયાઓ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. ઉપરાંત બુલંદી કમિટી, હૈદરી કમિટી, નિગાહે કરમ કમિટી આસિક હુશેની કમિટી દ્વારા નિર્માણ કરાયેલા રોઝાઓ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. આ નિમિત્તે મુસ્લિમ વિસ્તારોમાં અને તાજીયાના ઝુલુસ દરમિયાન શહેરની જુદી-જુદી જમાતો અને કમિટીઓ દ્વારા બી-બટેટા, વેજ સમોસા, વડાપાઉં, પાઉંભાજી, હલીમ, ચણા-બટેટા, ચા-કોફી, કોલ્ડ્રીંક્સ, સરબત, આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગરમાં મોહર્રમ પર્વની ઉજવણી અંતર્ગત તાજીયા પડમાં આવ્યા પછી ઝુલુસમાં રજૂ થયેલા કલાત્મક તાજીયાઓએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં. કેટલાક તાજીયાઓમાં ઝીણવટભરી કામગીરી સાથે કરવામાં આવેલી સજાવટ ઊડીને આંખે વળગી હતી.
પંજાબી-ગુજરાતી નાસ્તાનું ન્યાજરૂપે વિતરણ
જામનગરમાં દિપક ટોકિઝ પાસે ન્યાઝ કમિટીના નેજા હેઠળ ગુજરાતી ડીસ છોલેચણા, રોટી, હૈદ્રાબાદી વેઝ બેરિયાનીનું વિતરણ કરવામાં આવેલ હતું. જેમાં નાત-જાતના ભેદભાવ વગર હજારોની સંખ્યામાં ભાઈઓ-બહેનોએ લાભ લીધો હતો.
અકબરશા ચોક, સરઘસની રાત્રે દાલફ્રાય, ચોખા, રોટી, જાંબુનું મોટા પ્રમાણમાં વિતરણ કરવામાં આવેલ બિસ્મિલ્લાહ કમિટીના સભ્યોએ ન્યાઝનું વિતરણ કરવામાં ભારે જહેમત ઉઠાવી હતી.
લંઘાવાડના ઢાળીયે મોટા પાયે ન્યાઝરૂપે ભજીયાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યાં હજારોની સંખ્યામાં હિન્દુ-મુસ્લિમોએ લાભ લીધેલ હતો.
માનતા પૂરી કરવા શ્રદ્ધાળુઓ ઉમટ્યા
જામનગરમાં મોહર્રમ નિમિત્તે સરઘસની રાત્રે અને આસુરા (ઠંડા) ના દિવસે માનતાઓ પૂરી કરવા દરેક શ્રદ્ધાળુઓની કતારો લાગી હતી. કોઈ રૂપિયાના સિક્કાથી પેંડા, બરફી, સાકર, જાંબુ અને અન્ય મીઠાઈના ભારોભારથી વજન કરી પોતાની માનતાઓ પૂરી કરી હતી.
ઝુલુસમાં વરસાદનો વિક્ષેપ
આસુરા ઠંડાના દિવસે સાંજે વરસાદ શરૂ થતા ઝુલુસમાં વિક્ષેપ પડેલ હતો. વરસાદના વિરામ પછી બધા ઝુલુસ રાબેતા મુજબ આગળ વધેલ હતાં.
મોહર્રમ પર્વે બેડીના તાજીયા દેશમાં આગવું સ્થાન ધરાવે છે
બેડીમાં મોહર્રમ પર્વની ઉજવણી શૌકત-શાનથી કરવામાં આવે છે. જ્યા સતત દસ દિવસ વાએઝ શરીફના કાર્યક્રમો, બેડીમાં બે પ્રવેશ દ્વારા, બેડીના તાજીયા અને ન્યાઝ, ડેકોરેશન જે સમગ્ર દેશમાં આગવું સ્થાન ધરાવે છે. તાજીયાઓને આસુરાના દિવસે ઠંડી કરવાની પ્રક્રિયા તો બેડીમાં જોઈ શકાય છે. જેને જોવા માટે રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, ઓખા, મીઠાપુર, ખંભાળીયા અને આસપાસના ગામડાઓમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
૭ર મણ વેજીટેરિઅન પુલાવ અને કોલ્ડ્રીંક્સનું વિતરણ
જામનગરમાં રતનબાઈ મસ્જિદ પાસે હુશેની કમિટી દ્વારા દર વર્ષે ન્યાઝનું આયોજન કરવામાં આવે છે. હાજી મહંમદભાઈ (મોટાભાઈ), હાજી ઈકબાલભાઈ એરંડીયા, આમદભાઈ આંબલીયાના માર્ગદર્શન હેઠળ ૭ર મણ વેજીટેરીયન પુલાવની ન્યાઝનું આસુરાના દિવસે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં કોઈપણ જાતના ભેદભાવ વગર હજ્જારોની સંખ્યામાં હિન્દુ-મુસ્લિમોએ લાભ લીધો હતો. આ વિસ્તારમાં દૂધ કોલ્ડ્રીંક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યને સફળ બનાવવા ૩૦૦ જેટલા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. આ વિસ્તારના હિન્દુ-ભાઈઓ અને વેપારીઓએ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૃં પાડ્યું હતું.
અહેવાલઃ મહમદ બ્લોચ, સફવાન ઝૈનુલભાઈ લુસવારા
સંકલનઃ ભાવેશ તન્ના,
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial