Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશભરમાં અત્યારે નાતાલના તહેવારોની ધૂમધામ જોવા મળી રહી છે અને નાતાલના મિનિ વેકેશનમાં ઘણાં લોકો હરવા-ફરવા નીકળવાના છે. ટૂર પેકેજો જાહેર થઈ ગયા છે અને એકાદ-બે દિવસથી લઈને આઠ-દસ દિવસ સુધી પ્રવાસ-પર્યટનના પ્લાનીંગ ઘડાઈ રહ્યા છે. ઘણાં ધાર્મિક પ્રસંગો પણ આ સમયગાળા દરમ્યાન જ યોજાનાર હોવાથી રિલિજિયસ ટુરિઝમ, ઈકો-ટુરિઝમ અને સ્ટડી ટુરિઝમનો નવો ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે.
ગુજરાતમાં હજુ કડકડતી ઠંડીનો પ્રકોપ શરૂ થયો નથી અને શિયાળાની પ્રારંભિક ઠંડીના ખુશનુમા અને આહ્લાદક વાતાવરણમાં પ્રવાસને અનુકૂળ શિડ્યુલ સરળતાથી નક્કી થઈ રહ્યું છે, જે ગુજરાતીઓએ આપણાં ગરવા ગુજરાતના જ જોવા, જાણવા અને માણવાલાયક પ્રવાસન સ્થળોની હજુ સુધી મુલાકાત લીધી નહોતી, તેવા હમવતનીઓએ હવે ગુજરાતમાં જ પ્રવાસ કરવાની શરૂઆત કરી હોય, તેમ દક્ષિણ-ઉત્તર અને મધ્ય ગુજરાતના લોકો દ્વારકા-બેટ દ્વારકાથી સોમનાથ, ઊના-તુલસીશ્યામ, મૂળ દ્વારકા, દીવ, ભાવનગર, ગિફટ સિટી, અમદાવાદ, જામનગર, વીરપુર, સાવરકુંડલા, કચ્છમાં ધોળાવીરા, સફેદ રણ, સહિતના હરવા-ફરવાના સ્થળો સાથે યાત્રાધામોને સાંકળીને પ્રવાસે નીકળી રહ્યા છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા, નર્મદા તટે આવેલા પાવનધામો, ચાંપાનેર, અંબાજી, શામળાજી, શ્રીનાથજી, અમદાવાદ અને કચ્છના પ્રવાસન સ્થળોને સાંકળીને ટુર પ્રોગ્રામ બનાવી રહ્યા છે. ટિકિટો, હોટલો અને વાહનો બુક થઈ ગયા છે, અને બસ હવે બે-ત્રણ દિવસમાં પ્રવાસનો આનંદ માણવા નીકળી પડવાની રાહ જોવાઈ રહી છે.
નાતાલનું મિનિ વેકેશન પૂરૃં થતાં જ થર્ટી ફર્સ્ટની ઉજવણી થશે, ઈસ્વીસન મુજબ ૩૧મી ડિસેમ્બરની મધ્યરાત્રિના બારના ટકોરે વર્ષ-૨૦૨૫ પુરૃં થશે અને વર્ષ ૨૦૨૬ના આગમનના વધામણાં થશે. આપણો દેશ સહિયારી સંસ્કૃતિ અને સાર્વજનિક ઉત્સવોનો ચાહક હોવાથી આપણાં દેશમાં પણ નાતાલના વીક-એન્ડમાં થર્ટી ફર્સ્ટની જોરદાર ઉજવણી થવાની છે.
આપણાં દેશમાં વિવિધતામાં એકતાના દર્શન થાય છે અને અનેક ભાષાઓ, બોલઓ, પરંપરાઓ, આસ્થાઓ અને ભિન્ન ભિન્ન જીવનશૈલી હોવા છતાં આપણો દેશ એક તાંતણે બંધાયેલો છે, તેની પાછળ આપણાં દેશની સર્વસમાવેશી મૂળભૂત પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન રહેલું છે અને આ જ ભાવનાને આપણાં બંધારણે પીઠબળ આપ્યું છે, અને તેથી જ આપણાં બંધારણની વિશ્વનું સૌથી વિસ્તૃત, લિખિત અને શ્રેષ્ઠ બંધારણીય વ્યવસ્થાઓ ધરાવે છે.
આ શ્રેષ્ઠ અને સર્વ-સમાવેશી સંવિધાનના સંદર્ભે દેશના સર્વોચ્ચ ન્યાયાધિશ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ એક કાર્યક્રમમાં સંબોધન દરમ્યાન કહ્યું છે કે આપણાં દેશનું સંવિધાન એ માત્ર પથ્થર પર કોતરેલા સ્મારક જેવું નથી, પરંતુ એક બ્લ્યુ પ્રિન્ટ છે, જેનું સર્વોચ્ચ અદાલત અર્થઘટન કરે છે, સંસ્થાઓ તેને સ્ટ્રક્ચર (માળખુ) આપે છે, અને તેને અનુસરવામાં આવે છે, વગેરે...
સીજેઆઈ સુર્યકાંતે વકીલોને ઉદ્બોધન કરતા "કેસ મેકર" અને "નેશન એક્ટ"નો તફાવત સમજાવ્યો હતો, અને એક એવો વિષય આપ્યો છે, જેના પર દેશવ્યાપી ચર્ચાઓ શરૂ થઈ છે.
થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂરી થતાં જ જાન્યુઆરી મહિનો બેસી જશે અને આપણાં દેશને પ્રજાસત્તાક જાહેર કરાયો, તે ૨૬મી જાન્યુઆરીના રિપબ્લિક ડેની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ જશે. આ દિવસે વર્ષ ૧૯૫૦માં ભારતમાં લિખિત બંધારણનો અમલ શરૂ થયો હતો અને આટલું વિસ્તૃત બંધારણ ઘડાયુ, તેનું કારણ એ પણ છે કે આઝાદીકાળના તથા સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય ભાગ લેનારા આપણાં દેશના રાષ્ટ્રીય નેતાઓમાં પ્રથમ હરોળમાં જ ઘણાં વકીલો (ધારાશાસ્ત્રીઓ) હતા. ડ્રાફટ કમિટીના અધ્યક્ષ ડો. બાબા સાહેબ આંબેડકર તો વિદ્વાન વકીલ હતા જ, પરંતુ દ.આફ્રિકાથી વકીલાતની શરૂઆત કરનાર મોહનદાસ કરમચંદ ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોતીલાલ નહેરૂ, જવાહરલાલ નહેરૂ, બાલગંગાધર તિલક, લાલા લજપતરાય, ચિતરંજનદાસ, આસફ અલી, બિપિનચંદ્ર પાલ, સૈફુદિન, વી.જે. પટેલ, તેજબહાદુર સાપ્રન, ગોપાલ ક્રિષ્ણ ગોખલે, દાદાભાઈ નવરોજી, ફિરોઝ શાહ મહેતા, સુરેન્દ્રનાથ બેનર્જી, ડો. રાજેન્દ્ર પ્રસાદ, ગયાપ્રસાદ સિંહ, વ્રજકિશોર પ્રસાદ, રામદયાલુ સિન્હા, પરમેશ્વરલાલ, વિંધ્યાસિની પ્રસાદ, ભૂલાભાઈ દેસાઈ, કનૈયાલાલ માણેકલાલ મુનશી, એચ.જે.મેહતા, ઝવેરચંદ મેઘાણી, રાજગોપાલાચારી સહિતના સંખ્યાબંધ વકીલોએ સ્વાતંત્ર્ય ચળવળ અને આઝાદીકાળમાં પોતાનું યોગદાન આપ્યું હતું. આથી એવું પણ કહી શકાય કે આપણું બંધારણ શ્રેષ્ઠ અને સર્વસ્વીકૃત એટલા માટે પણ બન્યુ હતું કે તેમાં આપણી સહિયારી સંસ્કૃતિનો સર્વ સમાવેશી સિદ્ધાંત આપણા દેશના જ ખ્યાતનામ વકીલો અને વડીલોએ દીર્ઘ દૃષ્ટિથી કર્યો હતો.
સીજેઆઈએ પણ દેશના વકીલોને અનુરોધ કર્યો છે કે માત્ર કેસ નિર્માતા નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માતા બનો, સંવિધાન માત્ર પથ્થર પર કોતરેલું સ્મારક નથી, પરંતુ એવી બ્લૂ પ્રિન્ટ છે, જે આપણાં દેશ માટે પથદર્શક બને છે. વકીલોનો ઉદૃેશ્ય માત્ર કેસ જીતવા, કલાકોનો ટ્રેક રાખવા અને કાનૂની પ્રક્રિયામાં નિપુણતા જેટલો મર્યાદિત નહીં રહેતા સ્વાતંત્ર્ય ચળવળ અને આઝાદ ભારતના ઘડતર સુધી પોતાનું સર્વસ્વ અર્પણ કરીને યોગદાન આપનારા વકીલોની જેમ રાષ્ટ્ર નિર્માતા બનવાનો હોવો જોઈએ, તે પ્રકારનો સીજેઆઈનો અનુરોધ ઘણો જ સૂચક છે અને પ્રોફેશન કરતા દેશ ઉપર છે, તેવી ટકોર પણ કરે છે.
સીજેઆઈનું આ નિવેદન જે પ્લેટફોર્મ પરથી અને જે સંદર્ભે આવ્યું છે, તે પણ મહત્ત્વપૂર્ણ છે. તેઓએ "ભારત જેવા રાષ્ટ્રમાં વકીલોની ભૂમિકા, તેનો ઈતિહાસ અને વર્તમાન" (પ્રેઝન્ટ) જેવો વિષય તરતો મૂક્યો છે, અને તેના પર કદાચ વિવિધ રાજ્યોની બાર કાઉન્સીલો, દેશની બાર કાઉન્સીલ, હાઈકોર્ટો અને સુપ્રિમકોર્ટોના બાર એસોસિએશનોથી લઈને જિલ્લા-તાલુકા અને શહેરોના બાર એસોસિએશનો સુધીના વિવિધ સ્તરે ચર્ચાઓ થશે, અને આ વિષય દેશના સર્વોચ્ચ ન્યાયાધિશો(સીજેઆઈએ) આપ્યો હોય, તો તેમાં તમામ કક્ષાના જસ્ટિસો-ચીફ જસ્ટિસો અને સરકારના કાયદા વિભાગો પણ જોડાશે, તેવી અપેક્ષા રાખવામાં આવતી હોય, તો તેનો પ્રતિસાદ પણ મળવો જ જોઈએ..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial