Advertisement
Author: નોબત સમાચાર

દિવાળી પહેલા જ ગુજરાતના મંત્રીમંડળમાં ધરખમ ફેરફારોની સંભાવનાઃ અટકળોની આંધી

૬ થી ૭ મંત્રીઓ પડતા મૂકાય અને ડઝનેક નવા ચહેરા જોવા મળી શકે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: ભારતીય જનતા પક્ષ દ્વારા સમગ્ર રાજ્યમાં અનેકવિધ અવનવા કાર્યક્રમો, સંમેલનો, મેળાવડાઓ, કાર્યશાળાઓ, બેઠકોના આયોજનોની હારમાળા ચાલી રહી છે.

ગુજરાત પ્રદેશ ભાજપના નવા વરાયેલા પ્રમુખ રાજ્યના દરેક જિલ્લાનો પ્રવાસ કરશે. જ્યાં મુખ્ય શહેરોમાં પક્ષના વિરાટ સંમેલનો સાથે તેમનું સ્વાગત સન્માન કરવામાં આવશે તેવી જોહરાતો થઈ રહી છે.

તો રાજ્ય સરકાર નરેન્દ્ર મોદીના ર૪ વર્ષના નેતૃત્વ-સુશાસન સંદર્ભે વિકાસ સપ્તાહ રાજ્યભરમાં ઉજવી રહી છે. આ ઉજવણીના સંદર્ભમાં રોજેરોજના વિવિધ કાર્યક્રમોમાં પક્ષના હોદ્દેદારો-કાર્યકરો તો ઠીક, સમગ્ર સરકારી તંત્ર કામે લાગી ગયું છે. શાળાઓના દિવાળી વેકેશનની જાહેરાત ભલે થઈ, પણ હાલ પરીક્ષાઓ ચાલી રહી છે.

આમ સમગ્ર રીતે અત્યારે ગુજરાત રાજ્યમાં સમગ્ર સરકારી તંત્ર અને ભારતીય જનતા પાર્ટીના નાના કાર્યકરથી લઈ મોટા નેતાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ દિવાળીના તહેવારોને ભૂલીને જુદા જુદા કામમાં જોતરાઈ રહ્યા છે.

તેમાં વળી રાજ્ય સરકાર આગામી વાઈબ્રન્ટ સમીટ માટે રાજ્યના ચારેય ઝોનમાં ખૂબ મોટા પાયે કોન્ફરન્સો યોજાનાર છે. તેમાં પણ મસમોટા ખર્ચાઓ-ભપકાઓ સાથે સૌ કોઈ વ્યસ્ત છે.

આટલા વ્યસ્ત ગુજરાતમાં રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. હવે દિવાળીના તહેવારો સુધી મોવડીમંડળ રાહ જોવા માગતું નથી. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ આગામી તા. ૧પ/૧૦ અથવા તા. ૧૬/૧૦ ના રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ કરી દેવામાં આવશે.

જેમાં વર્તમાન મંત્રીઓમાંથી ૬-૭ ને પડતા મૂકવામાં આવશે અને નવા ૬-૭ ચહેરાઓનો સમાવેશ થશે, જો કે વિસ્તરણમાં આમ જુઓ તો લગભગ એકાદ ડઝન નવા ચહેરા જોવા મળશે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો બે કેબિનેટ મંત્રીઓમાંથી કોઈ એકનું પત્તુ કપાશે. રાજકોટના ભાનુબેન બાબરિયા, બચુ ખાબડ જેવા મંત્રીઓના પદ પણ છીનવાઈ જવાની શક્યતા છે, તો રાહ જોઈ રહેલા જયેશ રાદડિયા, અર્જુન મોઢવાડિયા, સી.કે. ચાવડાનો સમાવેશ નિશ્ચિત માનવામાં આવે છે. તેમજ સંગીતા પાટીલને પણ વજનદાર વિભાગ મળે તેવી શક્યતા છે. એકંદરે સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી વધુ પ્રતિનિધિત્વ મળે તેવી ગોઠવણ ચાલી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh