Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તકનીકી ક્રાંતિના આ યુગમાં આપણે એવા વળાંકે ઊભા છીએ જ્યાં માનવ બુદ્ધિ સાથે સાથે હવે યંત્રસર્જિત બુદ્ધિ એટલે કે કૃતિમ બુદ્ધિ પણ સર્જનશીલ પ્રવૃત્તિઓમાં ભાગીદાર બની રહી છે. આવા સમયમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે કે જો કોઈ કૃતિ (લેખ, ચિત્ર, સંગીત વગેરે) સંપૂર્ણપણે કૃતિમ બુદ્ધિ દ્વારા સર્જાય છે, તો તેનો કાયદેસર માલિક કોણ ગણાશે? વિશ્વના અનેક દેશોએ તેમના રીત-રીવાજ મુજબ આ મુદ્દે નીતિ નિર્ધારણ શરૃ કર્યું છે, જ્યારે ભારત હજુ પણ સ્પષ્ટ કાયદા વિના અંધારામાં છે. આ લેખમાં આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી ચર્ચા, વિવિધ દેશોની પ્રથાઓ અને ખાસ કરીને ભારતમાં વર્તમાન ખામીઓની વિશ્વેષણાત્મક ચર્ચા કરીશું.
ભારતમાં વર્તમાન સ્થિતિ અને કાયદાકીય ખામીઓ એક ઊંડાણપૂર્વકની સમજણ
ભારતમાં કોપીરાઈટ સંબંધિત તમામ મુદ્દાઓનું ન્યાયિક અને વ્યવસ્થાપકીય વહીવટ મુખ્યત્વે કોપીરાઈટ અધિનિયમ, ૧૯૫૭ દ્વારા થાય છે. આ અધિનિયમ, આધુનિક સમયમાં અત્યંત પછાત ગણાશે એવું સ્વરૃપ ધરાવે છે, કારણ કે ટેકનોલોજીના ઝડપથી બદલાતા યુગમાં તે હજુ સુધી કૃતિમ બુદ્ધિ જેવી વૈકલ્પિક બુદ્ધિદાંળી સિસ્ટમોને કાયદેસર માન્યતામાં સમાવિષ્ટ કરતું નથી.
આ કાયદાનું પાયાનું સૂત્ર છે *કોઈપણ સર્જનશીલ કાર્ય ફક્ત માનવ દ્વારા થયેલ હોય ત્યારે જ તે કોપીરાઈટલ પાત્ર ગણાશે*. ધારા ૨(ડી) મુજબ રચયિતા એ વ્યક્તિ ગણાય છે જે માનવી હોય અને જેમાં 'સર્જનાત્મક કાર્ય' માટે યોગદાન આપેલું હોય. એથી સ્પષ્ટ થાય છે કે કૃતિમ બુદ્ધિ (એઆઈ) કે જે સંપૂર્ણપણે એક ઓટોમેટેડ સિસ્ટમ છે, તે કાયદાની દૃષ્ટિએ વ્યક્તિ તરીકે માન્ય નથી અને તેથી તે કોપીરાઈટનો દાવો કરી શકતી નથી.
આમ તો ૨૦૧૨ માં કાયદામાં કેટલાક સુધારા કરાયા હતા, પણ એમાં પણ કૃતિમ બુદ્ધિને લઈને કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી જે આજે ગંભીર ખામી સાબિત થઈ રહી છે. તદ્દન દયનીય સ્થિતિ એ છે કે ભારતમાં આજની તારીખે કૃતિમ બુદ્ધિ દ્વારા રચાયેલી કૃતિઓ માટે કોપીરાઈટ મેળવવાની કોઈ સ્પષ્ટ કાનૂની રીત જ ઉપલબ્ધ નથી.
કોપીરાઈટ રજિસ્ટ્રેશન માટે જે અરજીફોર્મ ભરે છે, તેમાં 'રચયિતાનું નામ', 'કૃતિ સર્જવાની તારીખ', અને 'માનવ યોગદાનની વિગતો' ફરજિયાત દર્શાવવાની હોય છે. જો એમાં કોઈપણ ઘટક ન હોય તો કાયદાકીય રીતે આવું કાર્ય ન તો રજિસ્ટર થઈ શકે, ન તો કાયદાની નજરે તેના માલિકી અધિકાર માન્ય ગણાય.
આ અવ્યાખ્યાયિત સ્થિતિના પરિણામે આજે ઊભા થતા મહત્ત્વના પ્રશ્નો અને પડકારો નીચે મુજબ છેઃ
૧. માલિકીની સ્પષ્ટતા અને વિવાદનું બીજઃ- જો કૃતિમ બુદ્ધિ દ્વારા કોઈ લેખ, સંગીત, ચિત્ર કે વિડિઓ સર્જવામાં આવે છે, તો એના કાયદેસર માલિક તરીકે કોને માનવામાં આવે? શું એ વ્યક્તિ કે જેને કૃતિમ બુદ્ધિ ચલાવ્યું હોય? કે પછી એ ડેવલપર કે જેણે એઆઈ સિસ્ટમ પ્રોગ્રામ કરી? કે એ કંપની કે જેમના તહત આ ટેકનોલોજી કાર્યરત છે?
કોઈ સ્પષ્ટ કાયદો ન હોવાને કારણે, આવાં સંજોગોમાં આપત્તિરૃપ અસમંજસ સર્જાય છે. આજે જો આવા કાર્ય પર વિવાદ ઊભો થાય, તો ભારતીય ન્યાયપાલિકા હજી સુધી આ મુદ્દે પૂર્વદર્શિત દિશા ન આપવાને કારણે એકવિધ નિર્ણય લાવવા માટે કોન્ટ્રાક્ટ કાયદો, નૈતિક માલિકી, અને આંતરરાષ્ટ્રીય નિયમોના સંદર્ભમાં દલીલ કરવી પડે જે એક બહુજ અસ્થિર અને કેસ-ટૂ-કેસ આધારિત પ્રક્રિયા છે.
૨. નકલના અર્થની અસ્પષ્ટતા રચના કે પુનરસર્જન?ઃ- જો કોઈ વ્યક્તિ એ જ કૃતિમ બુદ્ધિ સિસ્ટમ ઉપયોગમાં લઈને મૂળ કૃતિ જેવી જ બીજી કૃતિ બનાવે છે, તો એ નકલ ગણાશે કે સ્વતંત્ર રચના? કૃતિમ બુદ્ધિ તો અનંત સંખ્યામાં વૈવિધ્યપૂર્ણ ફલીતફળ આપી શકે છે ત્યારે કાયદાની દૃષ્ટિએ નકલ (ઈન્ફ્રીગમેન્ટ) કેવી રીતે સાબિત કરવી?
હાલમાં ભારતમાં *સબસ્ટન્ટીયલ સિમિલારિટી ટેસ્ટ* લાગુ પડે છે. પણ કૃતિમ બુદ્ધિ સાથે સર્જાયેલી કૃતિઓમાં એ ટકાવાર પ્રમાણ કે મૂળત્વ કોણ નક્કી કરશે તે આજની ન્યાયિક માળખામાં પૂર્ણ અર્થે અનુકૂળ નથી.
૩. સાચા સર્જકની ઓળખ પુરાવાના અણઘડ મસલોઃ- આજની કૃતિમ બુદ્ધિ સિસ્ટમો આપમેળે કાર્ય કરે છે. અનેક સ્ત્રોતો પરથી માહિતી લઇને નવી રચનાઓ બનાવે છે. તો પછી એ કૃતિમાં માનવ યોગદાન કેટલું હતું તે નક્કી કરવા માટે કાયદેસર પુરાવાનું માળખું શું હોય?
જો કોઇ વ્યક્તિએ ફક્ત કૃતિમ બુદ્ધિને ઈનપુટ આપ્યો હોય. તો એ વ્યક્તિ સર્જક ગણાય? કે પછી એ માત્ર સહાયક ભૂમિકા ભજવે છે?
કાયદાની ગેરહાજરીને લીધે, આવા સંજોગોમાં ઘેરાં વિવાદ ઊભા થઈ શકે છે, અને એ સ્થિતિઓમાં ન્યાયાલય 'મૂળભૂત નૈતિકતા' કે 'ઉદ્દેશ્યપ્રેરિત દૃષ્ટિકોણ' અપનાવી શકે છે જે ખૂબ જ અસમાન અને આગાહી ન કરી શકાય તેવી પ્રક્રિયા સાબિત થાય છે.
૪. અનુકરણ કે સર્જન? કૃતિમ બુદ્ધિના લર્નિંગ મોડેલ સામે કાયદાની નિઃશક્તતાઃ- કૃતિમ બુદ્ધિ સિસ્ટમો અગાઉના ડેટા પરથી શીખીને નવી રચનાઓ બનાવે છે જેમ કે કવિતાઓ, સંગીત, પેઇન્ટિંગ્સ વગેરે. પ્રશ્ન એ છે કે આવી રચનાઓ ને *સ્વતંત્ર સર્જન* તરીકે માનવી જોઈએ કે *અનુકરણ અને પુનર્સર્જન* તરીકે?
ભારતમાં આજની તારીખે એવો કોઈ કાયદો નથી કે જે એ ભેદ સ્પષ્ટ કરે કે કયા તર્કસર રચિત કાર્યને અનુકરણ માનવું અને કયું કાર્ય નવા સર્જન તરીકે કોપીરાઈટલ પાત્ર ગણાવવું.
આવકશમ કાયદાના કારણે થતી વ્યાવહારિક અસરો અને સમયસર પગલાંની જરૃર
જે સમયે કોઈ વ્યક્તિ પોતાના વ્યવસાય માટે જેનેરેટિવ કૃતિમ બુદ્ધિ ઉપયોગમાં લે છે ધારીએ કે કોઈ છાપાનું પત્રકાર, સંગીતકાર કે પબ્લિશિંગ હાઉસ અને એ દ્વારા બનેલી કૃતિ પાછળ માલિકીના હકનો દાવો કરે છે, ત્યારે એ દાવાની કાયદેસર માન્યતા હજી અદ્ધર છે.
જો આવા વિવાદો ઉકેલવા માટે આજે કોઈ નક્કર કાયદો ન હોય, તો આમ તો આંતરરાષ્ટ્રીય સમજૂતી અથવા અંગત કરારનો આશરો લેવો પડે જે દરેક વ્યક્તિ માટે શક્ય પણ નથી અને વ્યવહારૃ પણ નથી.
તે ઉપરાંત, આવા પ્રશ્નો ભારતમાં નવતરતા, સર્જનાત્મકતા અને કૃતિમ બુદ્ધિ આધારિત ઉદ્યોગોના વિકાસને પણ અવરોધે છે. જો માલિકી કાયદેસર રીતે નિર્ધારિત ન થાય, તો ન કોઈ રોકાણ કરશે, ન વિકાસ થશે.
ભારત માટે કાયદાકીય સુધારાની જરૃરિયાત કૃતિમ બુદ્ધિ માટે સ્વતંત્ર કાનૂની માળખું કેટલી આવશ્યક છે?
અત્યાર સુધી જે રીતે ભારતે ડિજિટલ ડેટા સુરક્ષા, ઈન્ટરનેટ સજાગતા અને ટેક ટેક્સનો મુદ્દો હાથ ધર્યો છે. તે જોઈને આશા થાય કે ભારત ટેકનોલોજી બાબતે સાબિતીભર્યું દૃષ્ટિકોણ ધરાવે છે. પરંતુ જ્યારે વાત આવે છે કૃતિમ બુદ્ધિ દ્વારા સર્જાતી કૃતિઓના કોપીરાઈટ મુદ્દાઓ પર, ત્યારે ભારત હજુ પણ સંપૂર્ણ રીતે મૌન છે.
આ મૌનતાની પીઠભૂમિમાં નીચેના કાયદાકીય સુધારા લાવવાનો સમય હવે આવી ગયો છે
૧. કૃતિમ બુદ્ધિ સર્જિત કૃતિ માટે સ્પષ્ટ કલમો ઉમેરવીઃ- કોપીરાઈટ અધિનિયમ, ૧૯૫૭ માં એવી સ્પષ્ટ કલમ ઉમેરવી જરૃરી બની છે કે જેમાં એઆઈ દ્વારા સર્જાયેલું કાર્ય કે જેમાં માનવ યોગદાન વિલક્ષણ રીતે ઓછું હોય, તે માટે માલિકી કઇ રીતે નક્કી થશે તેની દિશા સૂચવવામાં આવે.
૨. પ્રોગ્રામર કે ડેવલપરની માલિકી અંગે સ્પષ્ટતાઃ- કર્મયોગના સિદ્ધાંત પર આધાર રાખીને એવું સ્પષ્ટ કરવું કે જે વ્યક્તિએ કૃતિમ બુદ્ધિ સિસ્ટમ રચી હોય અને તેને ટ્રેનિંગ આપી હોય શું તે કાયદાકીય રીતે રચિત કૃતિનો પોતાનો હિસ્સો દાવો કરી શકે છે? તેનું સ્પષ્ટીકરણ અવશ્ય કરવું જોઈએ.
૩. માફક નકલ અને સ્વતંત્ર સર્જન વચ્ચે કાનૂની ભેદરેખાઃ- આજે જે સૌથી મોટો પડકાર ઊભો થાય છે તે છે. *માફક ઉપયોગ* અને *મહત્ત્વનાપૂર્ણ નકલ* વચ્ચેનો ભેદ. જોકે આ બંનેની વ્યાખ્યા ભારતમાં હજી સુધી પૂર્ણરૃપે વિકસિત થયેલી નથી, છતાં હવે એવું નક્કર અને સુગમ માળખું તૈયાર કરવું જરૃરી બની ગયું છે, જેમાં કૃતિમ બુદ્ધિ આધારિત રચનાઓને અલગ દૃષ્ટિએ માપવા માટે નિર્દિષ્ટ કસોટીઓ અમલમાં મૂકી શકાય.
૪. માનવ સહભાગિતાવાળી કૃતિઓ માટે માલિકીની સંયુક્ત વ્યવસ્થાઃ- જ્યાં એવા કાર્યો સર્જાય છે જેમાં માનવ અને કૃત્રિમ બુદ્ધિ બંનેનું યોગદાન સમાવિષ્ટ હોય ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ સંગીતકાર કૃત્રિમ બુદ્ધિના સાધનોની મદદથી સંગીત રચે છે ત્યારે આવાં કાર્યોમાં માલિકીનું હક સહમાલિકી રૃપે કે તો યોગદાનના પ્રમાણના આધારે નક્કી થવું જોઈએ. આવા સંજોગોમાં કાયદામાં સ્પષ્ટ સૂચના તથા વ્યવસ્થાનો ઉલ્લેખ કરવો અત્યંત આવશ્યક છે, જેથી ભવિષ્યમાં વિવાદના અવકાશને અટકાવી શકાય.
૫. કોપીરાઈટ નોંધણી પ્રક્રિયામાં જરૃરી સુધારાઃ- કૃતિમ બુદ્ધિ દ્વારા રચાયેલી કૃતિઓ માટે નોંધણીની પ્રક્રિયા સંપૂર્ણપણે અલગ પ્રકારની હોવી જોઈએ. તેમાં ખાસ કરીને એવું દસ્તાવેજીકરણ ફરજિયાત બનાવવું જોઈએ જેમાં ઉપયોગમાં લેવાયેલ કૃતિમ બુદ્ધિની પદ્ધતિનું વર્ણન, તેમાં માનવ દખલની કક્ષાનું નિર્દિષ્ટ દાવપેચ, તેમજ જે માહિતી પર આધાર રાખીને એ રચના સર્જાઈ તે માહિતીના સ્વરૃપ અને મૂળ સ્ત્રોતોની વિગત સ્પષ્ટરૃપે દર્શાવવી જરૃરી બને. આ રીતે જ નોંધણી પ્રક્રિયામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા યથાવત રહી શકે.
અંતિમ નિવેદન કાયદા માટે હવે *પ્રતિક્રિયા* નહિ, પણ *પૂર્વસેદી તૈયારી*ની જરૃર
ટેકનિક વિજ્ઞાન આગળ વેગવત્તી ગતિએ આગળ વધી રહૃાું છે, જયારે કાયદા હજુ પણ પાછળથી પગલાં ભરે છે. આ વિસંગતતા હવે એવો ગંભીર વળાંક લઈ રહી છે કે જ્યાં તેની અનદેખી કરવી ભારત માટે ગંભીર ભુલ સાબિત થઈ શકે છે. જ્યારે ભાષા આધારિત મોડેલો, સ્વયંસર્જિત કળા નિર્માણ કરનાર ઉપકરણો અને યંત્રલઘુ સંગીત રચનાકાર જેવી કૃત્રિમ બુદ્ધિ આધારિત સિસ્ટમો હવે રોજિદા વ્યવસાય અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનો અવિભાજ્ય હિસ્સો બની ગઈ છે, ત્યારે ભારત માટે હવે માત્ર *પ્રતિક્રિયાત્મક કાયદાકીય પગલાં* ભરવાને બદલે *પૂર્વ તૈયારી સહિતનું કાયદાકીય માળખું* ઊભું કરવાનો સમય આવી ગયો છે.
આજની પરિસ્થિતિ એવી છે કે જો કોઇ વ્યક્તિ કૃત્રિમ બુદ્ધિ વડે સંપૂર્ણ શ્રમ અને સંશોધનથી કૃતિ સર્જે છે, તો પણ તેના માલિકી હક અને કાનૂની સુરક્ષા વિષે અનિશ્ચિતતા રહે છે અને આવાં સંજોગોમાં એ કોપીરાઈટ હકનો અમલ કેવી રીતે કરશે? આવા પ્રશ્નો ફક્ત ન્યાયાલય સુધી મર્યાદિત નથી. આ પ્રશ્નો તો વિજ્ઞાન, સાહિત્ય, સમાચાર ક્ષેત્ર, શિક્ષણની પ્રક્રિયા અને સમગ્ર આર્થિક વ્યવસ્થાને પણ અસર કરે છે.
જ્યાં સુધી ભારત યોગ્ય કાયદાકીય માળખું ઊભું કરી નવા યુગની પડકારોનો સામનો કરશે નહીં, ત્યાં સુધી ભારત નવતર સંશોધન અને સર્જનાત્મકતાના ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન ગુમાવવાનો જોખમ સહન કરતું રહેશે.
અંતે, દરેક નાગરિક માટે પણ આવશ્યક છે કે તેઓ એજ સમયેથી જાગૃત બને, પોતાના સર્જનાત્મક હકોની સમજણ મેળવેઃ જેથી કોઈ પણ પ્રકારના કાયદાકીય વિવાદ કે અન્યાયનો ભોગ ન બનવું પડે.
ધ્વનિ લાખાણી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial