Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગેસ્ટહાઉસમાં રાજસ્થાનના યુવકનો ફાંસો કેન્સરની બીમારીથી કંટાળી ચંદ્રાવાડાના વૃદ્ધનું વિષપાન

કાલાવડના છતરમાં સુરતના યુવાનને હાર્ટએટેકઃ બેભાન બનેલા શ્રમિકનું મૃત્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: કાલાવડના છતર ગામમાં આવેલા હાલમાં સુરતમાં રહેતા એક યુવાનને ગઈકાલે હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે. જ્યારે પડાણામાં શિવપરા વિસ્તારમાં બેભાન બની ગયેલા શ્રમિક મોતની ગોદમાં સરી ગયા છે. કલ્યાણપુરના ચંદ્રાવાડામાં એક વૃદ્ધે કેન્સરની બીમારીથી કંટાળી વિષપાન કર્યા પછી તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે અને જામનગરમાં એક ગેસ્ટહાઉસમાં રાજસ્થાનના યુવાને અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા પડાણા નજીકના શિવપરા વિસ્તારમાં રાયમલભાઈ રબારી નામના આસામીના ઈંટના ભઠ્ઠામાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામના વતની દિલીપભાઈ કરશનભાઈ વાઘેલા નામના પાંત્રીસ વર્ષના યુવાન સોમવારે બપોરે ભઠ્ઠામાં કામ કરતા હતા ત્યારે કોઈ કારણથી બેશુદ્ધ બની ગયા હતા.

આ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેઓને મૃત્યુ પામેલા જાહેર કરાયા છે. ખીમાભાઈ કરશનભાઈ વાઘેલા એ પોલીસને જાણ કરી છે.

કાલાવડ તાલુકાના છતર ગામમાં રહેતા અશોકભાઈ રણછોડભાઈ અકબરી નામના ખેડૂતના મોટાભાઈ જેઓ હાલમાં સુરતના મોટા વરાછામાં ભગવતી કૃપા સોસાયટીમાં વસવાટ કરે છે તે નરેન્દ્રભાઈ રણછોડભાઈ (ઉ.વ.૪૩) છતર ગામમાં આવ્યા હતા. આ યુવાન ગઈકાલે બપોરે પોતાના ઘરે આરામ કરતા હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને ચકાસ્યા પછી તેઓનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું. અશોકભાઈએ પોલીસને જાણ કરી છે.

જામનગરના બેડીનાકા નજીક આવેલા જયશ્રી કોમ્પલેક્ષમાં જયશ્રી ગેસ્ટહાઉસમાં રાજસ્થાનના અજમેરના રહેવાસી જતીનભાઈ જશવંતસિંગ ચંદાવત (ઉ.વ.ર૮) નામના યુવાન ઉતર્યા હતા. આ યુવાને ગઈકાલે સવારે કોઈ અકળ કારણથી ગેસ્ટહાઉસના રૂમ નં.૪૪૨માં રહેલી છતના હુંકમાં લટકતા પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો જેની બારેક વાગ્યે આ ગેસ્ટહાઉસમાં નોકરી કરતા મૂળ ઝારખંડના બાલગોવિંદ નંદુગોપ યાદવને જાણ થઈ હતી. પોલીસને વાકેફ કરાતા સિટી એ ડિવિઝનનો પોલીસ સ્ટાફ ધસી આવ્યો હતો. પોલીસે જતીનભાઈને નીચે ઉતારી ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી બાલગોવિંદનું નિવેદન નોંધ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામની સીમમાં રહેતા પરબતભાઈ મુળૂભાઈ અમર નામના પાંસઠ વર્ષના વૃદ્ધને કેન્સરની બીમારી વળગી હતી. તેનાથી કંટાળી ગયેલા પરબતભાઈએ ગયા રવિવારે સાંજે પોતાના ઘરે કોઈ ઝેરી દવા ગટગટાવી હતી. સારવાર માટે દવાખાને ખસેડાયેલા આ વૃદ્ધનું ગઈકાલે સારવાર દરમિયાન જ મૃત્યુ થયું છે. તેમના નાનાભાઈ વેજાભાઈ અમરે પોલીસને વાકેફ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh