Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોના બે 'બહાદુર' લાંચિયા અધિકારીઓને અદાલતે ફટકારી એક-એક વર્ષની સજાઃ તંત્ર સુધરશે?

વર્ષ ર૦૧૩ના કેસના ચૂકાદાએ એસ્ટેટ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ પણ કર્યો છે...

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭ઃ જામનગર મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા વર્ષોથી મોટા પાયે હપ્તાખોરી, ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપો સતત થતા રહ્યા છે, જેમાં ર૦૧૩ ના એક કિસ્સામાં એસ્ટેટ વિભાગના બે દબાણ હટાવ અધિકારીને લાંચ લેવાના ગુન્હામાં અદાલતે તક્સીરવાર ઠરાવી એક-એક વર્ષની સજાનો હુકમ આપતા એસ્ટેટ વિભાગના કાળા કરતૂતોના આક્ષેપોને પુષ્ટિ મળી છે.

એસ્ટેટ વિભાગના અધિકારી, કર્મચારીઓ દ્વારા સમગ્ર શહેરમાં રસ્તા વચ્ચોવચ્ચ રેંકડીઓના દબાણોને તગડા હપ્તા લઈને ફૂલવા-ફાલવા દીધા છે, જેના કારણે જામનગરની જનતા સમગ્ર શહેરમાં માથાના દુઃખાવા જેવી ટ્રાફિક સમસ્યાનો ભોગ બની રહી છે. કોમર્શિયલ કોમ્પલેક્ષોના પાર્કિંગ ખુલ્લા કરાવવામાં જાણી જોઈને માત્ર નોટીસો આપી કોમ્પલેક્ષો સામે કોઈ કરતા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી.

અતિ વ્યસ્ત એવા મુખ્ય માર્ગો પર રસ્તાની બન્ને બાજુ સવારથી રાત્રિ સુધી રેંકડીઓવાળા બિન્દાસપણે ખડકાયેલા રહે છે. સાયકલના શો-રૃમવાળા પાર્કિંગની જગ્યામાં થોકબંધ સાયકલો ડીસપ્લેમાં મૂકી પાર્કિંગની જગ્યા ગુમ કરી દ્યે છે. હોટલ-રેસ્ટોરન્ટવાળા રસ્તા પર ટેબલ-ખુરશી-કાઉન્ટર રાખી અવર-જવરમાં મુશ્કેલી સર્જે છે.

શહેરમાં આજે જે અતિ વિકૃત અને વિકરાળ ટ્રાફિક સમસ્યા પ્રવર્તે છે તે માત્રને માત્ર, એસ્ટેટ વિભાગની હપ્તાખોરી, નિષ્ક્રિયતા અને કાયરતા જ જવાબદાર હોવાની ઉગ્ર ટીકા શહેરીજનોમાં થઈ રહી છે. જી.જી. હોસ્પિટલ સામેની દુકાનો, ચાની હોટલોવાળાને તો રસ્તા પર દબાણો કરવા, ગંદકી ફેલાવવાનો જાણે પીળો પરવાનો મળી ગયો હતોય તેમ એસ્ટેટ વિભાગ દ્વારા અહીં ક્યારેય કાયમી ઉકેલ જેવી કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, પરિણામે શહેરના અનેક મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી રહે છે.

રણજીત રોડ અને જુની દિપક ટોકીઝથી શાક માર્કેટ સુધીનો માર્ગ તો સવારથી સાંજે ૪-પ વાગ્યા સુધી શાક-બકાલાની રેંકડીઓના બાનમાં હોય તેવી સ્થિતિ જોવા મળે છે.

અંતે... અદાલતે એસ્ટેટ વિભાગના બે 'બહાદુર' ગણાતા દબાણ હટાવ અધિકારીઓને ગુન્હેગાર ઠરાવી સજા ફટકારી દીધી છે. મનપા દ્વારા દર વર્ષે યોજાતા શ્રાવણી લોકમેળામાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની ચર્ચાને આ ચૂકાદાએ સાચી પૂરવાર કરી આપી છે.

આ ચૂકાદામાંથી ઘડો લઈને એસ્ટેટ વિભાગના હાલના અધિકારી, સ્ટાફ, મ્યુનિ. કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ એસ્ટેટ વિભાગની કામગીરી પ્રજાને રાહત થાય તે દિશામાં કડકપણે કરવાની જરૃર છે.

બાકી...૨૫-૩૦ વર્ષથી સત્તા પર રહેલા ભાજપના હોદ્દેદારો, કોર્પોરેટરો, એસ્ટેટ વિભાગની આવી હરકતોથી અજાણ હોય તેમ માની શકાય નહીં... સરવાણી તો ક્યાંક પહોંચતી જ હોય છે.!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh