Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતી કાલે *મધર્સ ડે* છે. આ વિદેશી પ્રથા છે , આપણા દેશમાં તો દરેક પળ દરેક ક્ષણ દરેક દિવસે માં નો દિવસ હોય છે. વિદેશમાં તો કોઈને કોઈ વાતનો સમય જ નથી હોતો. માત્ર વિદેશીઓ નહિ આપણા ભારતીયો ત્યાં ગયા છે એ બધાની પરિસ્થિતિ આ જ હોય છે. સમય જ નથી. તમારા સંતાનો ત્યાં હોય તો એક વાર જવાની તક તો મળી જ હશે અને અનુભવ પણ કર્યો હશે કે સંતાનો શનિ-રવિ જ હાથમાં આવે અથવા તો એમ કહીએ કે એ લોકો શનિ રવિ જ માં બાપ સાથે ગાળી શકે. હા એક વાત તો છે જ કે ત્યાં રહેતા આપણા સંતાનો શનિ રવિ કે રજામાં માતા પિતા ને સંપૂર્ણ સમર્પિત હોય છે, ત્યાં ના અંગ્રેજો ને તો એ સમય પણ નથી હોતો.અરે એમના સંતાનો મોટા થાય એટલે એકલા રહેવા જતા રહે છે. આવા દિવસ આવે *ફાધર્સ ડે* મધર્સ ડે*વુમન્સ ડે* વગેરે ડે હવે એ દુષણ આપણે ત્યાં આવી ગયું છે.
વિદેશના ઘણાં ડે અહીં ઘેલા થઈને ઉજવાય છે, આપણા પ્રેમના પર્વ *વસંત પંચમી* ને ભૂલી ઘેલા ઓ એ બનાવેલો *વેલેન્ટાઈન ડે * અને એ પહેલા આવતા રોજ રોજ વિવિધ ડે ,રોઝ ડે , ચોકલેટ ડે અને કંઈક કેટલું. જે પહેલા અહીં નહોતું. આમાં વચ્ચે એક વાત લઇ લઉં કે પહેલા દિવાળી ની રાત્રે પૂજન પત્યા પછી
એકબીજાને ભેટી, પ્રણામ કરી દિવાળીની શુભેચ્છા આપે એ પછી સવારે ચાર - પાંચ વાગ્યામાં નવા વર્ષની શુભેચ્છા આપવા એક બીજાને ઘેર પહોંચી જાય. ભલે રાત્રે એક સુધી સાથે હોય તોય સવારે પહોંચે જ.. હવે દિવાળી પૂજન ક્યાંક ડિજિટલ અને ક્યાંક વિવિધ સમયે પછી સવારે કોઈ વહેલું ના ઉઠે, એકબીજાને ઘેર જવાનું તો માંડ હોય. પણ ૩૧ ડિસેમ્બરે આખી રાત રખડપટ્ટી ઊલળવાનું અને કાંઈક કેટલું. ટૂંકમાં આ વિવિધ ડે સમયના અભાવે વિદેશમાં ઉજવાતા દિવસ છે.અહીં એનું ઘેલું અનુકરણ છે. એમ આવતી કાલે રવિવાર ૧૧ મે મધર્સ ડે. છે. આજના સમયમાં સંતાનો વધુ વ્યસ્ત હોય છે, માં બાપને એટલો સમય નથી આપી શકતા. એટલી હદે કે મધર્સ ડે ના દિવસે પ્રણામ કરી માત્ર શુભેચ્છા આપે. ઘણાં માતા પિતા ને સાંજે બહાર ફરવા જમવા લઇ જાય. ત્યારે ઘણાં એવા છે કે એ લોકો માતા પિતા ને પૂરતો સમય આપે. સવારે એમની સાથે ચ્હા-નાસ્તો અને રાત્રે એમની સાથે જ ભોજન, એથી વિશેષ એમની સલાહ સતત લેવાની, એમનો પડ્યો બોલ ઝીલવો.એક મિત્ર ને પૂછ્યું કે તારા માતાપિતા તારી સાથે રહે છે ને ? ત્યારે એણે કહૃાું કે *ના જરાય નહિ, અમે એમની સાથે એમની છત્રછાયા માં રહીએ છીએ.* આ સંસ્કાર છે ઘણાં માં. પોતાના સંતાનોને પણ દાદા દાદી ને સન્માન આપવાનું શીખવે, અને સંતાનો એના દાદા કે દાદી વગર રહે જ નહિ. આવી એક વાત મધર્સ ડે ના દિવસે.
જોડકા એટલે કે ટવીન્સ દિપક અને જ્યોતિ જન્મ્યા ત્યારે કેવો ઉત્સવ મનાવ્યો એના દાદીએ , મારો કુળદીપક જન્મ્યો અને ખુશીઓ ની જ્યોત પ્રગટી એટલે જ બેયના નામ રાખ્યા હતા દિપક અને જ્યોતિ..એ પછી એ બાળકો લગભગ દાદી સાથે જ હોય.દાદી સાથે જ રમે, જમે અને સુઈ જાય. દાદીની પુત્રવધુ બહુ જ સંસ્કારી ઘરની હતી. એ એના પતિને સાચવે, બાળકોને સાચવે અને સાસુમાનું પૂરતું ધ્યાન રાખે. દિપક જ્યોતિ મોટા થવા માંડ્યા. એમની માતા રશ્મીએ એમને કેવા સરસ સંસ્કાર આપેલા કે એ લોકો સ્કૂલે જાય ત્યારે દાદીને ચરણસ્પર્શ કરીને જાય. રશ્મી નોકરી પણ કરતી અને ઘર પણ સાંભળતી. એનો પતિ વિજય જરા વિચિત્ર બધી રીતે પૂરો. વિજયને એની માં સારી રીતે ઓળખે પણ એમને સંતોષ હતો કે વહુ મારી દીકરી જેવી છે એ બધું સાચવશે.
સમય કોઈના સરખા નથી હોતા, બદલાતા રહે છે, ક્યાંક તકલીફવાળું પરિવાર સુખ માં આવી જાય તો ક્યાંક એકદમ હસતું રમતું પરિવાર વેરવિખેર થઈ જાય એવું આપણે ઘણું જોયું છે. એમ જ આ પરિવારનું થયું. ઘરની લક્ષ્મી રશ્મીનું કોઈ કારણોસર અવસાન થયું. બસ આ પછી બધું બદલાવાનું શા થયું. રશ્મીની એક બહેન ન્યુ જર્સીમાં રહેતી હતી. એણે બધી ગોઠવણ કરી દિપક જ્યોતિને એની પાસે બોલાવી લીધા ત્યાં ભણવા માટે. એ સમયે એ સરળ હતું એટલે થઈ ગયું. દાદી વગર એ લોકો રહી ન શકે. પણ શું કરે? સતત સંપર્કમાં તો રહે જ. એ સમયે દીપક જ્યોતિના પિતાએ બીજા લગ્ન કરી લીધા. એની સાથે કે જેની સાથે રશ્મીની હાજરીમાં જ સંબંધ હતા. રશ્મી જાણતી હતી પણ એ બોલતી નહોતી. એણે પરિવાર ખુશ રહે અને સાસુને આઘાત ન લાગે. એ છોકરી સાથે લગ્ન કર્યા. એને ખબર હતી કે બાળકો હવે પાછા નહિ આવે. પણ એક વર્ષે દાદીને મળવા આવે. એ સમયે વિજય અને એની બીજી પત્ની સુરેખા બાળકોને સાચવે સારું. દિપક કે જ્યોતિ ક્યારેય સુરેખાને માં કે મમ્મી ન કહે. વિજય કહે તો દિપક કહી દે કે માં તો અમારી એક જ હતી. દિપક હવે જો માં હોય તો અમારા દાદી બસ. સુરેખા એ રશ્મી ક્યારેય ન થઇ શકે અને એનું વર્તન પણ સાસુ સાથે જરાય સારૃં નહિ.
સમય જતા જ્યોતિના ત્યાં જ ન્યૂજર્સીમાં જ લગ્ન થઈ ગયા. એ મધર્સ ડે પર અને ગ્રાન્ડ પેરેન્ટસ ડે પર દાદીને શુભેચ્છા આપે અને ભેટ મોકલે. હવે બે વર્ષે આવતો પણ એકલો હવે જ્યોતિ નહોતી આવી શકતી. સમય જવા માંડ્યો. આ દિપક એટલો લાગણીશીલ હતો કે યુએસ માં હતો તો ત્યાં પણ ઓલ્ડ એજ હોમ માં કોઈના દાદા દાદી હોય તો મળવા જતો અને મધર્સ ડે કે ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે પર તો ખાસ જતો. એ રાજાનો દિવસ એ લોકો સાથે ગાળે , ત્યાં વડીલો ઓલ્ડ એજ હોમ માં પોતાની ખુશી માટે રહેતા હોય છે. સંતાનોથી થાકીને કે સંતાનો જવાબદારી લેવા ન માંગતા હોય, એમને ન ફાવતું હોય એવું નહિ. અહીં તો બાળકોને માં બાપ ન જોતા હોય એટલે વૃદ્ધાશ્રમમાં હોય.
દિપક સતત દાદીના સંપર્કમાં દાદી પાસે મોબાઈલ નહિ એટલે દિપક ભારતમાં સવાર હોય. એ સમયે દાદી ને લેન્ડલાઈન પર ફોન કરે. થોડા સમય પછી વિજયે દીપક ને ફોન કર્યો કે તારા દાદીને અચાનક એટેક આવ્યો અને એ ગુજરી ગયા છે હવે છે નહિ. દિપક ભાંગી પડ્યો. એને તો દુનિયા લૂંટાઈ ગઈ. એની માસી માસા એ એને સાચવી લીધો. એને સતત એમ થતું હતું કે દાદી કેમ અમને મૂકીને ચાલી ગયા? આમને આમ વર્ષ થયું એ પછી દાદી ના અવસાનના સમાચાર પછી બે વર્ષે એ ઇન્ડિયા આવ્યો, આમ જ મધર્સ ડેના બે દિવસ પહેલા. ઘરમાં આવ્યો દાદીના રૂૂમ માં ગયો અને દાદીના ફોટા આગળ બેસી ખૂબ રોયો. એ પછી ત્રીજા દિવસે રવિવારે મધર્સ ડે હતો એટલે એને થયું કે આજે વૃદ્ધાશ્રમમાં જાઉં. ત્યાં વડીલોને મળું, કોઈ દાદીને મળું એમને ભેટ આપું,મને માં અને દાદી ને મળ્યાનો સંતોષ થશે. એણે એના જીગરી મિત્ર કિશનને કહૃાું કે ચાલો જઈએ કયા વૃદ્ધાશ્રમ જવાય? કિશને કહૃાું કે જીવનધારા જઈએ. એ વિશાળ છે અને ત્યાં સારું લાગશે. કિશન ની વાત માની એની સાથે દિપક ગયો. બધા દાદા દાદી બેઠા હતા , કિશને કહૃાું કે દીપક જો બધા બેઠા છે.તું દરેકને મળ અને ભેટ આપ એ એક પછી એક બધાને મળતો હતો ત્યાં એક બા ખસ્તા જતા હતા દિપક ઝડપથી એ તરફ ગયો અને કહૃાું કે બા તમે કેમ દૂર જતા જાવ છો? અને એણે બા ને પકડી બેસાડી દીધા એમણે માથે ઓઢેલું હતું , એમને બેસાડી દીપકે એમના ખોળામાં માથું મૂક્યું અને દીપકને થયું કે આ તો જાણીતો ખોળો લાગે છે, અજીબ હૂંફ છે.
દીપકે બાએ માથે ઓઢેલું એ ખસેડ્યું તો એના જ દાદી. દિપક મોટેથી *બા* કહી એમના ખોળામાં માથું મૂકી રોવા લાગ્યો. બા એને વળગી ને રોવા લાગ્યા. એ સાથે ત્યાં રહેલા સૌની આંખો ભીની થઇ ગઈ. બા એ બધી વાત કરી વિજય સુરેખાના ત્રાસની અને કેમ અહીં આવ્યા? સુરેખા મારીને મૂકી ગઈ. પણ બેટા તું એ લોકોને કંઈ ન કહેતો. મારા સમ.
દીપકે પિતા સાથે સંબંધ પૂરો કરી નાખ્યો. એણે બધી વ્યવસ્થા કરી અને એક વર્ષ પછી દાદીને મધર્સ ડેના દિવસે ત્યાં લઇ ગયો. દરેક જગ્યાએ જોજો પૌત્ર પૌત્રીને ગ્રાન્ડ પેરન્ટનું ખૂબ ખેંચાણ હોય છે, આ પરસ્પર છે. વ્યાજ વહાલું લાગે ને? આપણે પ્રાર્થના કરીએ કે મધર્સ ડે દિવસે માં સંતાનો સાથે જ હોય. ઈશ્વર આપણા ભારત દેશમાં એ દિવસો પાછા આપે કે જે સમયે માં બાપ નું મહત્વ અંત સુધી સન્માનનીય હતું. જ્યાં વર્ષનો એક દિવસ નહીં પણ દરેક દિવસ માતા-પિતાનો હોય.
દરેક માતાને નતમસ્તક વંદન
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial