Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેઘરાજાએ વિરામ લીધો અને ચોમાસુ વિદાય લેવા લાગ્યું , પરંતુ હજુ પણ છુટા છવાયા વરસાદની છુટી છવાઈ આગાહીઓ થતી રહે છે અને નવરાત્રિમાં પણ વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે, તેવી ચર્ચા વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત મધ્યરાત્રિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી, અને વડાપ્રધાને તેનો આભાર માન્યો, સાથે સાથે યુક્રેન યુદ્ધ સહિતના મુદ્દે ચર્ચા થઈ, તે મુદ્દો આજે સવારથી "ગ્લોબલ ટોક" નો વિષય બન્યો છે, તો બીજી તરફ મોન્ટુ પટેલના મહાકૌભાંડની "અંદરની" વાતો પણ ચર્ચાવા લાગતા ભાજપ સામે તડાપીટ બોલી રહી છે, અને તેના પ્રત્યુત્તરો પણ અપાઈ રહ્યા છે. આ મહાકૌભાંડ પછી શાસન, પ્રશાસન, સિસ્ટમ ઉપરાંત રાજકીય પક્ષોમાં ચાલતા લોલંલોલની પોલ પણ ખુલી ગઈ છે. મહા કૌભાંડો કરીને વિદેશ ભાગી ગયેલા વિજય માલ્યા, લલિત મોદી, નિરવ મોદી, મેહુલ ચોક્સી અને હવે મોન્ટુ પટેલ પણ જો "ફરાર" થઈ ગયા હોય તો એવું કહી શકાય કે દાળમાં કાળુ નહીં, પણ આખી દાળ જ કાળી છે, એવું કહેવાય છે કે પીસીઆઈ એટલે કે ફાર્મસી કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષપદેથી હકાલપટ્ટી કરાયા પછી મોન્ટુ પટેલની પરિવાર સાથે કેનેડા ભાગી જવાની તૈયારી હતી અને કરોડો રૂપિયા હવાલાથી તેના કોઈ મિત્ર પ્રોફેસરને મોકલી પણ દીધા હતા. વૈભવી જીવન જીવતા ૩૫ વર્ષીય મોન્ટુ પટેલને ક્યા ક્યા મોટા માથાઓ સાથે સંબંધો હતા, કોની સાથે ધરોબો હતો અને કોની કોની સાથે "સેટીંગ" હતું, ક્યા દિગ્ગજોની મહેરબાનીથી તે આગળ વધ્યો અને કાળા કરતૂતોમાં તેના સાગરિતો કોણ કોણ હતા, તેની ચર્ચા આજે 'ટોક ઓફ ધ નેશન' બની છે. મોન્ટુ પટેલે ફાર્મસી કોલેજોને આડેધડ માન્યતાઓ આપીને કોલેજ દીઠ તગડી રકમ ભેગી કરી લીધી, તથા તેના પત્નીએ બીજાના નામે લાખો રૂપિયા લઈને પરીક્ષાઓ આપી હોય, તો તે ગંભીર ગુન્હાઓ છે. હવે તેની સામે સીબીઆઈની તપાસ ચાલી રહી છે, અને દરોડા પડી રહ્યા છે, ત્યારે ભ્રષ્ટાચાર સામે કડક વલણ રાખવાનો યશ લેતા શાસકપક્ષના નેતાઓ આ આખા કૌભાંડો વર્ષો સુધી ચાલ્યા, ત્યાં સુધી ક્યાં હતા અને ભાજપ તરફથી આ પહેલા તેની સામે કોઈ કદમ કેમ ન ઉઠાવાયા ? તેવા સવાલો પણ પુછાઈ રહ્યા છે. સોશ્યલ મીડિયામાં પણ આ મુદ્દે ભાજપ પર તડાપીટ બોલી રહી છે.
મોન્ટુ પટેલ વિરૂદ્ધ તપાસ એજન્સીને મજબૂત પૂરાવા મળ્યા છે અને તે પોતે ફરાર હોવાનું કહેવાય છે, ત્યારે આ મુદ્દે રાજનીતિ પણ ગરમાઈ છે, કેટલાક લોકો એવું પણ કહે છે કે હજુ તપાસ ચાલી રહી હોય, ત્યારે આરોપીને અપરાધી ગણાવી દેવો યોગ્ય નથી, તો ઘણાં લોકો ભાજપમાં ભળી ગયેલા ભ્રષ્ટાચારીઓના કારણે પાર્ટી તથા સરકાર બદનામ થતા હોવાનું કહે છે. વિપક્ષો વ્યંગ કરી રહ્યા છે કે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હોય, તેવા ઘણાં નેતાઓ ભાજપના ઉચ્ચ સ્થાનો પર બિરાજમાન હોય ત્યારે મોન્ટુ પટેલ સામેની કાર્યવાહી કદાચ આંતરિક ખેંચતાણનું પરિણામ પણ હોઈ શકે છે. રાજ્યમાં મીડિયામાં તથા સોશ્યલ મીડિયામાં થતી કોમેન્ટો વચ્ચે કોંગ્રેસે પણ તીખો પ્રત્યાઘાત આપ્યો છે.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ મોન્ટુ પટેલ ભાજપ સાથે સીધા સંકળાયેલા હોવાનું જણાવી કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. કેન્દ્રમાં ભાજપના ૧૧ વર્ષના શાસન દરમ્યાન વિવિધ કાઉન્સીલોમાં લૂંટનો કારોબાર ચાલે છે. અને આ કાઉન્સીલો મંજુરીઓ તથા રિન્યુઅલના નામે નાણા ઉઘરાવે છે, આ માટેના જુદા જુદા પ્રાઈસલિસ્ટ (ભાવપત્રકો) છે. તેવા આક્ષેપો સાથે મનિષ દોશીએ સણસણતો સવાલ પૂછ્યો છે કે સ્ટેટ ફાર્મસી કાઉન્સીલમાં ચાલતી ગરબડ અંગે સરકાર મૌન કેમ છે ?
તેમણે ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું કે ગુજરાતમાં ૮૪ માંથી ૮૧ ફાર્મસીની કોલેજો પ્રાઈવેટ સેક્ટરની છે. આ ખાનગી કોલેજોના સંચાલકોને ફી ના નામે મોટા પેકેજ અપાય છે, જે દિલ્હીમાં બેઠેલા ભાજપના આકાઓ (મોટા માથાઓ)ના ઈશારે ચાલે છે.
બીજી તરફ એવું પણ કહેવાય છે કે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ, દાદરાનગર હવેલીનું તેમનું નોમિનેશન અટકાવાયા પછી તેમને કાઉન્સીલના સભ્યપદેથી દૂર કરાયા અને ફાર્મસી કાઉન્સીલ ઓફ ઈન્ડિયાનો હવાલો વાઈસ પ્રેસિડેન્ટને સોંપાયો, પરંતુ તેને હોદ્દા પરથી દૂર કરાયા છે કે નહીં, તે ગઈકાલે સાંજ સુધી સ્પષ્ટ નહોતું થયું.
રાજ્ય-કેન્દ્ર સરકારો અને ભાજપ-એનડીએના વર્તુળો કોંગ્રેસ દરેક મુદ્દે રાજનીતિ કરતી હોવાના આક્ષેપ સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી અભિગમનો દાવો કરી રહ્યા છે અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ જ દરોડા પાડીને તપાસ કરી રહી છે, તેમ જણાવી રાજ્ય અને કેન્દ્ર સરકારો ભ્રષ્ટાચાર કરનાર કોઈપણ ચમરબંધી હોય, તો તેની સામે પણ કડક કદમ ઉઠાવવાનો અભિગમ ધરાવે છે, તેવા દાવાઓ પણ થઈ રહ્યા છે.
આજે ગુજરાતના વતની અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોઈ, તેઓને દેશ-દુનિયામાંથી અભિનંદન અપાઈ રહ્યા છે અને આ પ્રસંગને સાંકળીને ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકાર ઉપરાંત પક્ષ-ગઠબંધન દ્વારા પણ ગાંધી જયંતી સુધી વિવિધ સેવાકાર્યો દ્વારા ઉજવણી થઈ રહી છે, ત્યારે આપણે પણ દેશના વડાપ્રધાનને હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ, અને ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન વધુ વેગીલું બને અને તેના વાસ્તવિક પરિણામો મળે તેવું ઈચ્છીએ...
જામનગર સહિત હાલારમાં વડાપ્રધાનના જન્મદિનથી ગાંધી જયંતી સુધીના સેવાકાર્યોનો પ્રારંભ પહેલેથી જ થઈ ગયો છે અને ઠેર-ઠેર રક્તદાન કેમ્પો, શ્રેષ્ઠ સિદ્ધિઓ મેળવનાર લોકોના સન્માન, સરકારી કામોને સાંકળીને વિવિધ કેમ્પો, નવી યોજનાઓનો પ્રારંભ તથા સ્વચ્છતા અભિયાન વગેરેનો ધમધમાટ ચાલી રહ્યો છે, અને આજે પ્રેસ-મીડિયા-સોશ્યલ મીડિયા ઉપરાંત ટ્રેડિશ્નલ મીડિયા દ્વારા પણ વડાપ્રધાનને જન્મદિનના અભિનંદન અપાઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial