Advertisement
Author: નોબત સમાચાર

વૈશ્વિક સ્તરે ટેરીફ મુદ્દે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર અપેક્ષિત ઘટાડો !!

તા. ૧૩-૧૦-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....

અમેરિકાએ જીનેરિક દવાઓ પર ટેરિફ નહીં વસૂલવાનું જાહેર કરતાં અને ભારત સાથે સંબંધો સુધારવા ટ્રમ્પ સરકાર પર અમેરિકામાં વધતા દબાણની પોઝિટીવ અસર તેમજ યુ.કે.ના વડાપ્રધાન કેઈર સ્ટારમેરની ભારત મુલાકાતમાં બન્ને દેશો વચ્ચે વેપાર કરારોની પોઝિટીવ અસરે ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો, જો કે ચીનના માલસામાન પર અમેરિકાએ ૧૦૦% ટેરિફ લાગુ કરવાના નિર્ણય બાદ આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં અંદાજીત ૪૫૦ પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો.

ભારત સરકાર દ્વારા ટેરિફને લઈ સરકારની આત્મનિર્ભર ભારત પર ફોક્સ કરતી નીતિના એક પછી એક લેવાઈ રહેલા પગલાં પૈકી જીએસટી દરોમાં ફેરફાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના દેશના ઉદ્યોગોને બેંકોનું વધુ ધિરાણ સરળતાથી ઉપલબ્ધ કરાવવાના પગલાઓને કારણે નીચા મથાળેથી સામાન્ય રીકવરી જોવા મળી હતી.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો શુક્રવારે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૮૫%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૨.૭૧% અને નેસ્ડેક ૩.૫૬% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૭% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૩૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૨૦ અને વધનારની સંખ્યા ૯૭૦ રહી હતી, ૨૪૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર સર્વિસીસ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂ.આતે ડીસેમ્બર ગોલ્ડ રૂ.૧,૨૩,૨૩૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૨૩,૬૮૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૨૩,૦૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૭૯૯ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૨૩,૧૭૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂ.આતે ડીસેમ્બર સિલ્વર રૂ.૧,૪૮,૫૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૫૨,૩૨૨ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૪૮,૧૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૪૯૭૯ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૫૧,૪૫૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

આઈસીઆઈસીઆઈ બેન્ક (૧૩૮૨) : પ્રાઇવેટ બેન્ક સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૬૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૫૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૯૪ થી રૂ.૧૪૦૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૪૦૮ ઉપર તેજી તરફી ધ્યાન...!!

ઝાયડસ લાઈફસાયન્સીસ (૯૯૨) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૯૮૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૯૭૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૦૭ થી રૂ.૧૦૧૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

એચડીએફસી બેન્ક (૯૭૯) : રૂ.૯૬૪ નો પ્રથમ તેમજ રૂ.૯૫૫ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૯૪ થી રૂ.૧૦૦૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (૮૮૦) : પબ્લિક બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૮૯૪ થી રૂ.૯૦૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૮૬૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, વર્ષ ૨૦૨૫માં ભારતીય પ્રાઈમરી માર્કેટમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. આઈપીઓ મારફત ભંડોળ ઊભા કરવામાં ભારત વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે પહોંચ્યું છે. ચાલુ વર્ષે અત્યાર સુધી અંદાજીત ૭૪ કંપનીઓએ આઈપીઓ દ્વારા કુલ ૧૪.૨૦ અબજ ડોલર, એટલે કે અંદાજીત રૂ.૮૫,૨૪૦ કરોડ ઊભા કર્યા છે. છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ મુજબ, વર્ષ ૨૦૨૫ દરમિયાન ઊભી કરાયેલી રકમનો આંક ત્રીજો સૌથી મોટો રહ્યો છે. એક તરફ પ્રાઈમરી માર્કેટમાં ઉછાળો જળવાઈ રહ્યો છે, જ્યારે બીજી બાજુ સેકન્ડરી માર્કેટમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો સતત નાણાં બહાર ખેંચી રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધી એફઆઈઆઈએ આશરે ૧૮ અબજ ડોલર બજારમાંથી પાછા  ખેંચ્યા છે.

જોકે, પ્રાઈમરી માર્કેટમાં તેમનું રોકાણ હજી પણ આશરે પાંચ અબજ ડોલર જેટલું રહ્યું છે. આઈપીઓ બાદ લિસ્ટિંગમાં રોકાણકારોને મળતા આકર્ષક વળતરના કારણે પ્રાઈમરી માર્કેટમાં રોકાણકારોનો ઉત્સાહ યથાવત રહ્યો છે. વિદેશી રોકાણકારોના આઉટફ્લોને વચ્ચે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ્સે બજારમાં મહત્વનો ટેકો આપ્યો છે. પ્રાપ્ત આંકડા મુજબ, મ્યુચ્યુઅલ ફંડ્સે અત્યાર સુધીમાં ભારતીય ઈક્વિટીમાં અંદાજીત રૂ.૪ લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે, જે ગયા વર્ષના રૂ.૪.૩ લાખ કરોડની સરખામણીએ થોડું ઓછું છે, પરંતુ પ્રવાહ હજી મજબૂત છે, તેથી આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં પોઝિટિવ સેન્ટીમેન્ટ યથાવત્ જોવા મળી શકે છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh