Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર - હાલાર સહિત ગુજરાતમાં માવઠાએ લોકોની મજા તો બગાડી જ નાખી છે, સાથે-સાથે જાન-માલનું મોટું નુકસાન પણ થયું છે. ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઈમેટ ચેઈન્જની ચર્ચા એક વખત ફરીથી શરૂ થઈ ગઈ છે. રાજ્યના ૧૪૦ થી વધુ તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હોવાના અહેવાલો છે. તેફાની પવન, વીજળીના કડાકા-ભડાકા સાથે વારસાદ અને કરા પડતાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા, તો ઘણાંને નાની-મોટી ઈજા થઈ. આકાશી વીજળી પણ પડી અને વીજ પુરવઠો ખોરવાઈ જતા જનજીવન ખોરવાયું.
કેટલાક સ્થળે તો લગ્નના માંડવા પણ ઉડ્યા અને કેટલાક ખુલ્લાં મેદાનમાં યોજાનાર કાર્યક્રમો જ વેરવીખેર થઈ ગયા હોવાથી કુદરત પાસે માનવી કેટલો લાચાર છે તેની પ્રતીતિ પણ થઈ. આઈ.પી.એલ. ની મેચને પણ વરસાદે ધોઈ નાખી અને હૈદરાબાદની ટીમ હોમપીચ પરથી જ એવી સ્થિતિમાં મુકાઈ ગઈ, જ્યાંથી તેમનું છેક સુધી સ્પર્ધામાં ટકી રહેવું લગભગ અસંભવ બન્યુ છે.
ગઈકાલ રાતથી જ જામનગર સિહત સૌરાષ્ટ્રમાં માહોલ બદલાયો અને કમોસમી વરસાદ થયો, તે પછી આ માવઠું ખેડૂતો તથા ખેતીને તો નુકસાન કરશે જ, પરંતુ રોજીંદા વ્યવહારો તથા નિર્ધારિત પ્રસંગો - કાર્યક્રમોને પણ જે માઠી અસર પહોંચી રહી છે, તે આપણી સામે જ છે.
આ માવઠાથી થયેલ નુકશાન પછી સરકાર તેના અસરગ્રસ્તોની પડખે ઊભી રહે અને સહાય કે સર્વે માટે તિવ્ર માંગણીઓ ઉઠે, તેની રાહ ન જુએ, તથા કોરા વાયદાઓના બદલે લોકોને વાસ્તવમાં મદદરૂપ થાય, તેવી આશા રાખીએ.
કુદરતી માહોલ તો બદલાયો જ છે, પરંતુ રાષ્ટ્રીય માહોલ પણ બદલાઈ રહ્યો છે. પહલગામ હુમલાને પખવાડીયું થવા આવ્યું, પરંતુ દેેશની જનતાને જે રીતે વળતા પ્રવાહની ખાતરીઓ અપાઈ, તેવું કદમ ક્યારે ઉઠાવશો, તેવા અહેવાલો વચ્ચે આવતીકાલે કેટલાક રાજ્યોમાં કુલ મળીને ૨૪૦ જેટલાં સ્થળે "અંધારપટ" ની મોકડ્રીલ તથા વડાપ્રધાનની રાષ્ટ્રપતિ સાથેની આજની સંભવિત મુલાકાતના અહેવાલો જોતાં હવે એકાદ બે દિવસમાં કોઈ નિર્ણાયક મોટું કદમ ઉઠાવાશે, તેવી આશા લોકોને બંધાણી છે.
માવઠા પછી થોડી ઠંડકની અનુભૂતિ થઈ અને બળબળતી ગરમીમાં થોડી રાહત પણ મળી, પરંતુ ધગધગતી ધરતી વરસાદી પાણી પી ગઈ અને વરાળ ઉત્પન્ન થતાં આજે ગરમી સાથે બફારાનો જે વરતારો થયો છે, તે જોતાં એવું કહી શકાય કે આ ઠંડક "દઝાડનારી" છે અને ક્ષણિક ઠંડક પછીની વિકરાળ સમસ્યાઓનો સામનો પણ આપણે જ કરવાનો છે ને...?
આતંકવાદ સામે આક્રમક પ્રહાર કરવામાં થતી ઢીલને પણ ઘણાં લોકો યુદ્ધ પહેલાની શાંતિ ગણાવી રહ્યા છે, તો ઘણાં લોકો સમગ્ર ઘટનાક્રમ તથા મેરેથોન બેઠકોના દોરને માઈક્રોપ્લાનીંગના એંધાણ ગણાવી રહ્યા છે. કેટલાક લોકો કહેતા હતા કે પાકિસ્તાનનું પાણી રોકવાની પોકળ જાહેરાતો જ થઈ રહી છે, તો બીજી તરફ ચિનાબ નદીનું પાણી બે સ્થળે રોકી લેવાતા પાકિસ્તાનમાં ચીનાબ નદી સુકાવા લાગી હોવાના દાવાઓ પણ થઈ રહ્યા છે.
ઘણાં લોકો તુર્કીયેને મુશ્કેલીના સમયે ભારતે મદદ કરી હોવા છતાં પ્રવર્તમાન સંજોગોમાં પાકિસ્તાનમાં યુદ્ધજહાજ મોકલીને દુશ્મન દેશને મદદરૂપ થવાથી તુર્કીયેની હરકતને ઘણાં લોકો કેન્દ્ર સરકારની વિદેશનીતિને નિષ્ફળ ગણાવી રહ્યાં છે, અને ટ્રમ્પ ફેઈમ જેવા સાથે તેવાની રણનીતિ (કેટલીક બાબતોમાં) અપનાવવાની જરૂર પણ જણાવી રહ્યાં છે, પરંતુ આ લોકોનું સાંભળે છે કોણ...?
જો કે, રશિયાએ જૂની દોસ્તી નિભાવીને ભારતની પડખે ઊભી રહેવાની જાહેરાત કર્યા પછી ચીને પણ પાકિસ્તાનને ખૂલ્લો ટેકો આપવાની વાત વધુ ભારપૂર્વક દોહરાવી છે, ત્યારે ભારત-પાક. તંગદીલીના મુદ્દે પણ વિશ્વના દેશો બે જૂથમાં વહેંચાવા લાગ્યા છે, જેથી આંતરરાષ્ટ્રીય પ્રવાહો વિચિત્ર રીતે બદલાવા લાગ્યા છે, અને નવા સમીકરણો રચાવા લાગ્યા છે, ત્યારે ભારતમાં પણ તમામ રાજકીય પક્ષોને પાકિસ્તાનની સાથે જે પગલા લેવાય, તેમાં સરકારની પડખે રહેવાની જાહેરાત કરી છે, અને સરકારે સેનાને ખૂલ્લી છૂટ આપી હોવાની બે દિવસ પહેલા જે ઘોષણા કરી, તે પછીની મેરેથોન મિટિંગો જોતા પાકિસ્તાનમાં પણ ફફડાટ ફેલાયો છે, જે ઘણો જ સૂચક છે.
સૌથી વધુ અટકળો ભારત-પાક. પર કઈ પદ્ધતિ પ્રહાર કરશે, તે અંગે થઈ રહી છે. ભારતમાં એવી જનભાવનાઓ છે કે પાકિસ્તાનને આ વખતે એવો સબક શિખવવો જોઈએ કે તેની કમ્મર જ તૂટી જાય, લોકો હવે પીઓકેને પાકિસ્તાનના કબજામાંથી છોડાવીને ત્યાં ભારતનું શાસન સ્થપાય જાય અને પાકિસ્તાનના ત્રણ-ચાર ટૂકડા થઈ જાય તેવા પ્રચંડ પ્રહારની અપેક્ષા રાખી રહ્યાં છે, વર્ષ-૧૯૭૧ માં તત્કાલીન વડાપ્રધાન ઈંદિરા ગાંધીએ પૂરેપૂરી તૈયારીઓ માટે જે રીતે પૂરતો સમય ભારતીય સેનાને આપ્યો હતો, તેવી જ રીતે અત્યારે પણ ભારતીય સેના ફૂલપ્રૂલ પ્લાન બનાવી રહી હોવાનો અંદાજ પણ લગાવાઈ રહ્યો છે, તો બીજી તરફ પૂર્ણ કક્ષાનું યુદ્ધ કરવાના બદલે પાણી રોકવા, વૈશ્વિક મદદો મળતી અટકાવવા અને પાકિસ્તાનને દુનિયામાં એકલુ અટુલુ પાડી દેવાના ડિપ્લોમેટિક પગલાઓને પણ ઘણાં લોકો યથાર્થ ગણાવે છે.
એવું અનુમાન છે કે, પાકિસ્તાનને પાણી મળતુુ અટકાવીને તથા આર્થિક મદદો કે વૈશ્વિક રણનૈતિક સમર્થન અટકાવીને પહેલા પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દેવુ અને તેનાથી વિચલિત થઈને પાકિસ્તાન કોઈપણ ભૂલ કરે કે હૂમલા કરે તો વ્યાપકપણે તૂટી પડવાની કોઈ ઉંડી રણનીતિ ઘડાઈ હોવી જોઈએ. જે હોય તે ખરૃં, પરંતુ હવે નિર્ણાયક પ્રહાર નહીં થાય તો પાકિસ્તાન વિરૂદ્ધ જનભાવનાઓ કઈ તરફ વળી શકે છે, તે જણાવવાની જરૂર નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial