Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે ટીમ ઈન્ડિયાએ વન-ડે મેચ તો હારી, પણ ન્યુઝીલેન્ડ સામે રમાયેલી ત્રણ વન-ડે મેચોની શ્રેણી તો ગુમાવી...જો કે, હાર જીત તો ચાલ્યા કરે, ફાઈટ સારી આપી, વિરાટ કોહલીની સદી કાબિલે દાદ હતી, તેવા શબ્દપ્રયોગો સાથે ભારતીય ફેન્સ મન મનાવતા જોવા મળ્યા. કાંઈક એવું જ અન્ય ક્ષેત્રોમાં પણ થઈ રહ્યું છે, અને કેટલાક લોકો પોતાના પરાજય અને પડતીનું પણ મહિમાગાન કરતા જોવા મળી રહ્યા છે.
ગુજરાતીમાં તમાચો પોતાને જ મારીને પોતાનો જ ગાલ લાલ રાખવાની કહેવતની જેમ જ કેટલાક લોકો આત્મશ્લાધા અર્થાત પોતાની જ પ્રશંસા (કરાવવા)માં માહીર હોય છે અને પોતાની પ્રશંસા કરાવતા કરાવતા પોતે ફેલાવેલા ભ્રમના પોતે જ ભોગ બની જતા હોય છે, અને પોતાનું ધાર્યું થાય નહીં, ત્યારે "છી...છી...આ દ્રાક્ષ તો ખાટી છે" તેવું કહીને પોતાની જાતને જ છેતરવાનો પ્રયાસ કરતા હોય છે. આ પ્રકારની શખ્સિયતો આપણા ગામડાઓના ગોંદરે તથા શહેરોના મિનારાઓથી લઈને વોશિંગ્ટનના વ્હાઈટ હાઉસ સુધી મળી શકે છે અને હમણાંથી તેની વ્યાપક ચર્ચાઓ પણ ગામડાથી ગ્લોબલ સુધી વ્યાપક રીતે થઈ રહી છે.
જામનગર નજીક ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરનું મોટા ભાગનું કામ પૂરૃં થઈ ગયું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ પહેલા તેનું ઉદ્ઘાટન કરી શકે છે, તેવી વાતો વહેતી થઈ છે. જામનગર નજીક આવેલી રિલાયન્સ, નયારા, એસ્સાર જેવી જાયન્ટ કંપનીઓ, જામનગરમાં ભારતીય સેનાની ત્રણેય પાંખ, બ્રાસ-બાંધણી અને બાંધકામ-ઉદ્યોગના ક્ષેત્રે જામનગરની ખ્યાતિ તથા રજવાડી નગર જામનગરની વ્યૂહાત્મક અગત્યતાના કારણે જામનગરનું નામ વૈશ્વિક કક્ષાએ ચમકવા લાગ્યું છે, તે ખરૃં, પરંતુ એ જ જામનગરને મચ્છરથી મૂક્ત, રખડતા ઢોર તથા આવારા કૂતરાઓથી મૂક્તિ અને ફૂટપાથો-માર્ગો પરના દબાણોથી મૂક્ત નહીં કરાય, તો અન્ય સિદ્ધિઓની સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી સ્થિતિ ઊભી નહીં થાય ?
જ્યાં સુધી નગરની ગંદકી, ગટર અને પ્રાથમિક સુવિધાઓને લઈને ઉઠતી ફરિયાદોનું કાયમી ધોરણે નિવારણ થાય નહીં, ત્યાં સુધી વિશાળ વિકાસ સંકુલો, ફલાય ઓવર બ્રિજો કે ઝળહળતા રિવર ફ્રન્ટોનો કોઈ અર્થ નથી. જ્યાં સુધી ગામડાના માર્ગો તથા નગરના આંતરિક માર્ગોની દૂર્દશા સંપૂર્ણપણે દૂર થાય નહીં, ત્યાં સુધી વિકાસના માચડાઓ ખડકીને વિકાસની હરણફાળ ભરી હોવાની ડંફાસો મારવાનો કોઈ અર્થ નથી. જ્યાં સુધી ગરીબી, મોંઘવારી, બેરોજગારીની સમસ્યાઓ ઉકેલાય નહીં, ત્યાં સુધી ઔદ્યોગિક વિકાસ કે આર્થિક સદ્ધરતાના બણગા ફૂંકવાનો કોઈ મતલબ નથી, એ પ્રકારના પોલિટિકલ ડાયલોગ્સ આપણે બધા આઝાદી પછી આજ પર્યંત સાંભળતા આવ્યા છીએ, પણ કોઈ ફરક પડ્યો છે ખરો ?
આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ કાંઈક એવું જ બની રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટેરિફ તથા રોજેરોજ ચિત્ર-વિચિત્ર નિવેદનો, જાહેરાતો અને હરકતો કરીને ભલે હાસ્યાસ્પદ બની રહ્યા હોય, પરંતુ તેની પાસે વિશ્વના સૌથી જૂના લોકતાંત્રિક સદ્ધર મહાસત્તા ગણાતા દેશની સત્તા છે અને એટલે જ વિશ્વના દેશો અત્યારે તેની ઉટપટાંગ વાતોને ગંભીરતાથી લેતા નથી, પરંતુ જ્યારે અન્ય દેશોના સાર્વભૌમત્વ કે આત્મસન્માનની દૃષ્ટિએ જોખમ જણાય, ત્યારે ઘેરા પ્રત્યાઘાતો પણ પડતા હોય છે. ઈરાન સામે ઉગામેલું યુદ્ધનું શસ્ત્ર ટ્રમ્પે જ્યારે મ્યાન કરવું પડયું, ત્યારે તેમણે કરેલો બચાવ પોતાના ગાલે જ તમાચો મારીને ચહેરો લાલ રાખવા જેવો જ છે ને ? હકીકતે ખાડીના ત્રણ-ચાર દેશોના પ્રેસરમાં આવીને ટ્રમ્પે ઈરાન સામે ઉગામેલું શસ્ત્ર મ્યાન કરવું પડયું હોવાના વૈશ્વિક વિશ્લેષકોના તારણોમાં પણ દમ છે અને ટ્રમ્પ આપણે કદાચ માનીએ છીએ એવા ચક્રમવૃત્તિના પણ નથી, માત્ર તેમણે વલણ જ બદલ્યું છે, તેવી દલીલો કરનારા પણ મોજુદ છે...!
જો કે, ટ્રમ્પે પોતાના પગ પર કૂહાડો માર્યો હતો અને યુરોપ તથા નાટો અંગે પણ હાંસી ઉડાવતા નિવેદનો કર્યા હતા, પરંતુ ગ્રીનલેન્ડના મુદ્દે જ્યારે યુરોપના દેશો એકજૂથ થઈ ગયા, તે પછી ટ્રમ્પ ઢીલા પડયા હોય તેમ જણાય છે, તેથી જો બાકીનું વિશ્વ એકજૂથ થઈ જાય, તો ટ્રમ્પને પણ મિયાઉં...મિયાઉં..કરતી મીંદડી બની જવું પડે, તે હકીકત યુરોપની એકજૂથતાએ પૂરવાર કરી દીધી છે, ઈરાનના મુદ્દે યુદ્ધના બણગાં ફૂક્યા પછી મજબૂરીમાં ઢીલા પડી ગયેલા ટ્રમ્પે "છી...છી...આ દ્રાક્ષ તો ખાટી છે" જેવા કેટલાક હાસ્યાસ્પદ નિવેદનો કર્યા હતા. હવે ટ્રમ્પે ભારતને વિશ્વકક્ષાની શાંતિ સમિતિમાં સામેલ કરવાનો દાવ અજમાવ્યો, તેની પાછળ પણ યુએઈ સાથે ભારતનો ઘરોબો છે. આજે જ યુએઈના રાષ્ટ્રપતિ ભારતમાં છે, તે સૂચક છે.
જયારે બેફામ નિવેદનબાજી થતી હોય ત્યારે ટ્રમ્પ જેવા આપણાં દેશના કેટલાક મોટા નેતાઓની આ પ્રકારની સમાન બણગાંબાજી યાદ આવી જાય, અને ક્યારેક ધાર્યું થયું ન હોય, ચૂંટણીમાં હાર-જીત થઈ હોય કે પછી કોઈએ ચેલેન્જ ફેંકી હોય, પરંતુ તે ઝીલી શકાય તેમ ન હોય, ત્યારે થતા કેટલાક ટ્રમ્પ ટાઈપ નિવેદનો પણ યાદ આવી જાય...
દૃષ્ટાંત તરીકે મહારાષ્ટ્રના એક નેતાએ પોતાના પરાજયને પણ ગરિમામય ગણાવીને પ્રતિસ્પર્ધી પક્ષો પર પ્રહારો કર્યા, ત્યારે પણ "છી...છી...આ દ્રાક્ષ તો ખાટી છે" તેવી કહેવત યાદ આવી જાય. મધ્યપ્રદેશના કોઈ ધારાસભ્યે મહિલાઓ અંગે આપેલા બેજવાબદાર નિવેદન પછી અને જનાક્રોશ ઊભો થયા પછી તેઓની સ્થાનિક નેતાગીરીની ચૂપકીદી હોય કે મહિલા મુખ્યમંત્રી મમતા બેનર્જીના કેન્દ્ર સરકાર પર પ્રહારો હોય, આ તમામ ઘટનાક્રમો પણ પોતાના ગાલે તમાચો મારીને પણ ગાલ લાલ રાખવાના પ્રયાસો જેવા જ જણાય છે.
ગુજરાતમાં પણ બિનપરંપરાગત ઉર્જા ક્ષેત્રે મળેલી સિદ્ધિઓના ગુણગાન ગવાઈ રહ્યા છે, અને ખેતી તથા ઘરવપરાશ માટે પૂરતો વીજપૂરવઠો અપાઈ રહ્યો હોવાના દાવાઓ છતાં તદ્વિષયક ફરિયાદો ઉઠતી જ રહી છે, ત્યારે સરપ્લસ પ્રોડકશન કે ઉર્જા વિકાસના ક્ષેત્રે હજુ ઘણું કરવાનું બાકી છે. ખરૃં ને ?
જામનગર શહેર માટે સારા સમાચાર આવ્યા અને ૧૩૫૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કોઈ લોજિસ્ટિક પ્લાન વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં જામ્યુકોએ રજૂ કર્યો છે, જેમાં ડબલ રીંગરોડ, માઈક્રો ડિલિવરી હબ અને લોજિસ્ટિક પાર્કો તથા રાજય સરકાર દ્વારા નગરને ૯૦૦ જેટલા ઈલેકટ્રીક વાહનોની ફાળવણીની જોગવાઈ હોવાનું જોરશોરથી ચર્ચાયું અને ગુણગાન ગવાયા, પરંતુ પછી ખબર પડી કે આ પ્લાન તો વર્ષ ૨૦૪૭ સુધીનો છે, તેથી કેટલાક લોકોએ કટાક્ષ કર્યો કે પહેલા નગરની મૂળભૂત અને કાયમી સમસ્યાઓ તો દૂર કરો, કારણ કે ન જાણ્યુ જાનકીનાથે, સવારે શું થવાનું છે !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial