Advertisement
Author: નોબત સમાચાર

ખાખરા-જીવાપર રોડ પરથી મોટરમાં લઈ જવાતી દારૂની ૧૮૫૨ બોટલ કબજેઃ એક પકડાયો, સાતના નામ ખૂલ્યા

ભીમવાસમાં મકાનમાંથી મળી ૭૧ બોટલઃ આઠ ચપલા સાથે બે ઝડપાઈ ગયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: ધ્રોલ તાલુકાના ખાખરા ગામથી જીવાપર વચ્ચેના રોડ પર ગઈરાત્રે એક મોટરમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૧૮૫૨ બોટલ સાથે મૂળ ખાખરાના એક શખ્સને દબોચી લીધો છે. આ શખ્સે દારૂ મોકલાવનાર તથા મંગાવનાર મળી સાતના નામ આપ્યા છે. રૂ।.૧૮,૨૨,૮૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. ભીમવાસમાં એક મકાનમાંથી દારૂની ૭૧ બોટલ મળી આવી છે. સિક્કા તથા આઈટીઆઈ ગેઈટ પાસેથી દસ બોટલ કબજે કરવામાં આવી છે. બીયરના ત્રણ ટીન સાથે એક પકડાયો છે અને આઠ ચપલા સાથે બેની ધરપકડ કરાઈ છે.

ધ્રોલ તાલુકાના ખાખરા ગામ પાસે એક મોટરમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી મળતા ગઈરાત્રે ધ્રોલ પોલીસ સ્ટેશનના સ્ટાફે પીઆઈ એચ.વી. રાઠોડના વડપણ હેઠળ વોચ રાખી હતી. તે દરમિયાન રાત્રે એકાદ વાગ્યે ખાખરા ગામથી જીવાપર તરફ જવાના રસ્તા પરથી જીજે-ર૭-ડીબી ૭ નંબરની ફોર્ચ્યુનર મોટર પસાર થઈ હતી. તેને પોલીસે રોકાવી લઈ મોટરની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની જુદી જુદી બ્રાંડની ૧૮પર બોટલ મળી આવી હતી. ૧૫૪ જેટલી દારૂની પેટી સાથે આ મોટરના ચાલક રાજકોટના રહેવાસી અને મૂળ ખાખરા ગામના ઘનશ્યામગીરી જગદીશગીરી ગોસાઈ ઉર્ફે ધુળાથી ધરપકડ કરાઈ છે. દારૂ, મોટર, બે મોબાઈલ મળી રૂ।.૧૮,૨૨, ૮૦૦નો મુદ્દામાલ કબજે કરી લેવાયો છે.

આ શખ્સની પૂછપરછ કરાતા તેણે રાજકોટના પૃથ્વીરાજ શાંતુભાઈ ધાધલ, યશપાલસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ રામશી જાડેજા, સિદ્ધરાજસિંહ વેલુભા જાડેજા, મફતસિંહ બળુભા જાડેજા ઉર્ફે જયપાલસિંહ, અરવિંદસિંહ કિરીટસિંહ જાડેજા તથા શાંતુભા જશુભા જાડેજાના નામ આપ્યા છે. પોલીસે આ સાત શખ્સોની શોધ શરૂ કરી છે.

જામનગરના સુમેર કલબ રોડ પર આવેલી આઈટીઆઈ પાસે શનિવારે સાંજે ઈંગ્લીશ દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી પરથી સીટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે વોચ ગોઠવી હતી.

તે દરમિયાન ખારવાચકલા નજીક ટીમડા ફળીમાં રહેતો અમિત નરશીભાઈ સોલંકી નામનો શખ્સ મળી આવ્યો હતો. તેની પાસેથી પોલીસે ઇંગ્લિશ દારૂની છ બોટલ કબજે કરી છે અને બે મોટરસાયકલ ઝબ્બે લીધા છે. આ શખ્સને કુશલ પ્રકાશભાઈ સોલંકી તથા જીજે-૧૦-ઈબી ૨૭૪૭ નંબરનો સ્કૂટરનો ચાલક દારૂ આપવા માટે આવ્યા હતા. પોલીસના દરોડા વેળાએ કુશલ સોલંકી તથા સ્કૂટરનો ચાલક નાસી ગયા હતા. પોલીસે અમિતની ધરપકડ કરી બાકીના બે આરોપીની શોધ શરૂ કરી છે.

જામનગરના જૂના રેલ્વે સ્ટેશન નજીક આવેલા ભીમવાસની શેરી નંબર ત્રણમાં એક શખ્સના મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી સિટી બી ડિવિઝનના સ્ટાફે ત્યાં આવેલા મહેમુદ સીદીક દલ અને ઈકબાલ સીદીક દલ નામના શખ્સોના મકાનમાં દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની જુદી જુદી બ્રાન્ડની ૭૧ બોટલ મળી આવી હતી. પોલીસે રૂ।.૩૫,૫૦૦ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી નાસી ગયેલા બંને શખ્સને શોધ હાથ ધરી છે.

જામનગરના રણમલ તળાવની પાળના પાછળના ભાગ પરથી ગઈકાલે સાંજે નિલેશ અમૃતલાલ હંજડા નામનો શખ્સ બીયરના ત્રણ ટીન સાથે પકડાઈ ગયો છે. જ્યારે દિગ્વિજય પ્લોટ-૪૯વાળા રોડ પરથી હીરેન હસમુખભાઈ નંદા નામનો શખ્સ ઈંગ્લીશ દારૂના ત્રણ ચપલા સાથે ઝડપાયો છે.

જામનગરના કાલાવડ નાકા નજીક મટન માર્કેટ પાસેથી શંકરટેકરીના શાસ્ત્રીનગરવાળો દિવ્યરાજસિંહ બળવંતસિંહ જાડેજા નામનો શખ્સ ઈંગ્લીશ દારૂના પાંચ ચપલા સાથે ઝડપાયો છે.

સિક્કાની ભગવતી સોસાયટીમાંથી ગઈરાત્રે રાહુલ પ્રફુલભાઈ મહેતા નામનો શખ્સ ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે મળી આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh