Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અશાંતિની આગમાં દાઝતી દુનિયા માટે ભારતનો સાંસ્કૃતિક વારસો માનવતા માટે આશાનું કિરણઃ મોદી
ગાંધીનગર તા. ૩૧: વડાપ્રધા નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે અને કોબામાં મહાવીર જયંતી પર્વે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમના લોકાર્પણ પ્રસંગે તેઓએ મ્યુઝિયમના દૂરગામી ફાયદાઓ વર્ણવી કહ્યું હતું કે, અત્યારે જ્યારે વિશ્વ અશાંતિની આગમાં સળગે છે, ત્યારે ભારતનો સાંસ્કૃતિક વારસો માનવતા માટે આશાનું કિરણ છે. વડાપ્રધાન આજે અબજો રૂપિયાના વિકાસ કામોના લોકાર્પણ, ખાતમુહૂર્ત તથા ઉદ્ઘાટન પણ કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મદી આજે (૩૧ મી માર્ચ) ના ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન રાજ્યના ઔદ્યોગિક, પરિવહન અને આધ્યાત્મિક વિકાસને વેગ આપતા અબજો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ઉપરાંત શ્રેણીબદ્ધ અન્ય કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે.
કોબામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનની શરૂઆત 'જય જિનેન્દ્ર'ના જયઘોષ સાથે કરી હતી. તેમણે જણાવ્યું કે, 'હું કોબા તીર્થથી દેશવાસીઓને મહાવીર જયંતીની શુભકામના આપું છું. હું આજે પ.પૂ. આચાર્ય કૈલાશસાગર સૂરિશ્વરજીને યાદ કરૂ છું. તેમની પ્રેરણાથી આ મહાન તીર્થની સ્થાપના થઈ છે. અહીં મૂલ્યોનું સંરક્ષણ થાય છે, સંસ્કારને સંબલ મળે છે અને જ્ઞાનનું પોષણ થાય છે. આ ત્રિવેણી ભારતીય સભ્યતાનો આધાર છે. આ ત્રિવેણીને અવિરત જાળવી રાખવાનું આપણું દાયિત્વ છે. હજારો વર્ષની ભારતીય વિરાસત, જૈન ધર્મનું જ્ઞાન આગલી પેઢી સુધી પહોંચાડવા આપણા સંતોએ આ મ્યુઝિયમની સંકલ્પના કરવામાં આવી. આ સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય જૈન દર્શન અને પ્રાચીન વારસાનું પવિત્ર કેન્દ્ર બન્યું. હું સૌ જૈન મુનિનું અભિનંદન અને તેમના ચરણોમાં પ્રણામ કરૂ છું.'
પીએમ મોદીએ કહ્યું છે કે દુનિયા અસ્થિરતા અને અશાંતિની આગમાં દાઝી રહી છે, અને આવા સમયે ભારતનો સાંસ્કૃતિક વારસો સમગ્ર માનવતા માટે આશાનું કિરણ છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ભાર મૂકતા કહ્યું કે, આ મ્યુઝિયમમાં જે વારસો સાચવવામાં આવ્યો છે અને તે જે સંદેશ આપે છે, તે માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે મહત્ત્વ ધરાવે છે. હું ઈચ્છું છું કે જે લોકો આ સ્થળની મુલાકાત લે, તેઓ ભારતીય જૈન પરંપરાના ઉપદેશોને વિશ્વના ખૂણે-ખૂણે લઈ જાય.
મહાવીર જયંતીના પવિત્ર અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના કોબામાં જે 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'નું લોકાર્પણ કર્યું છે તેની પાછળ એક મહાન સંતનો દાયકાઓનો પુરુષાર્થ અને સમર્પણ છૂપાયેલું છે. આ મ્યુઝિયમ માત્ર એક ઈમારત નથી, પરંતુ રાષ્ટ્રસંત પ.પૂ. આચાર્યદેવ પદ્માસાગરસૂરિશ્વરજી મહારાજનું જીવનભરનું સ્વપ્ન છે.
આ મ્યુઝિયમમાં સંગ્રહિત અમૂલ્ય વારસો કોઈ સામાન્ય ખરીદી દ્વારા નથી આવ્યો, પરંતુ રાષ્ટ્રસંત પ.પૂ. આચાર્યદેવ પદ્મસાગરસૂરિશ્વરજીએ છેલ્લા ૬૦ વર્ષોમાં ભારત અને નેપાળની પદયાત્રા કરી છે. આ પદયાત્રા દરમિયાન તેમણે વિવિધ પ્રદેશોમાંથી અતિ દુર્લભ સાંસ્કૃતિક અવશેષો, હસ્તપ્રતો અને ઐતિહાસિક પુરાવાઓ શોધી કાઢ્યા હતાં. આ અમૂલ્ય ખજાનાને આવનારી પેઢીઓ માટે અત્યંત શ્રદ્ધા અને આધુનિક તકનિક સાથે આ મ્યુઝિયમમાં સુરક્ષિત કરવામાં આવ્યો છે.
આ મ્યુઝિયમનું નામ સમ્રાટ ઓશકના પૌત્ર સમ્રાટ સંપ્રતિ પરથી રાખવામાં આવ્યું છે. જૈન ઈતિહાસમાં તેમનું સ્થાન અત્યંત ગૌરવશાળી છે. તે અહિંસા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા માટે જાણીતા હતાં. જૈન પરંપરા મુજબ તેમણે જૈન ધર્મના પ્રચાર-પ્રસારમાં અને અનેક જિનાલયોના નિર્માણમાં પાયાનું યોગદાન આપ્યું હતું. મ્યુઝિયમ દ્વારા સમ્રાટ સંપ્રતિના સમયની અને જૈન ધર્મના સમૃદ્ધ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાની ઝાંખી વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવામાં આવશે.
ર૩ મી એપ્રિલથી મ્યુઝિયમ જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ મ્યુઝિયમ દેશ-વિદેશના પ્રવાસીઓ અને સંશોધકો માટે ભારતની પ્રાચીન આધ્યાત્મિક ચેતાને સમજવાનું એક મુખ્ય કેન્દ્ર બની રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે મુખ્યમંત્રી અને રાજ્યપાલે તેમનું સ્વાગત કર્યું હતું.
સાણંદમાં 'કેઈમ્સ' સમિકોનના આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બી ટેસ્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન થતા આ પ્લાન્ટ ગુજરાત અને ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈનમાં મજબૂત સ્થાન અપાવશે અને હજારો યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરશે, તે ઉજવણી પરિવહન ક્ષેત્રે મહત્ત્વની સિદ્ધિ સમાન ૧૦૯ કિ.મી. લાંબા 'અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેેસ-વે'નું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થતાં પ૧૦૦ કરોડથી વધુના ખર્ચે નિર્મિત આ હાઈવેના કારણે અમદાવાદથી ધોલેરાનું અંતર માત્ર ૪પ મીનીટમાં અને ભાવનગરનું અંતર માત્ર ૧ કલાક ૪પ મિનિટમાં કાપી શકાશ.
પ્રવાસના અંતિમ તબક્ક વડાપ્રધાન વાવ-થરાદથી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે. ઉલ્લેખનિય છે કે આ તમામ વિકાસકાર્યોની કુલ કિંમત ૧૯,૮૦૬.૯ કરોડ રૂપિયા જેટલી થાય છે, જે ઉત્તર ગુજરાત અને સમગ્ર રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ઊંચાઈએ લઈ જશે.
કાનાલુસ-જામનગર રેલખંડ ડબલિંગ યોજનાનું લોકાર્પણ
જામનગર તા. ૩૧: આજે ગુજરાતની મુલાકાત દરમ્યાન વડાપ્રધાનના હસ્તે રૂ।. ૮૯૧ કરોડના રેલવે પ્રોજેકટોના લોકાર્પણમાં કાનાલુસ-જામનગર રેલખંડ ડબલિંગ યોજનાનો પણ સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial