Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
*એ તમારે તમારા ભાઈબંધને કંઇ કહેવું છે કે હું પીયર જતી રહું?*
સવાર સવારમાં જ ચુનિયાની ઘરવાળી સવારની ઠંડીની જેમ મોબાઇલમાં ફરી વળી.
મેં શાંત પાડતા કહૃાું *હું ચુનિયાને સમજાવીશ. પણ મારે સમજાવવાનું શું છે?*
તો ધાણીફૂટ ગોળીબારની જેમ મારા પર તૂટી પડ્યા કે *તમને બધી ખબર જ છે. અને મને તો ખાતરી છે કે તમે જ તેને ચડાવ્યા હશે.*
*અરે મને કશું ખબર નથી થયું છે શું? આ તો તમારો ફોન આવ્યો એટલે મને સમજાઈ ગયું કે ચુનિલાલનો કાંઈક વાંક હશે. એટલે મેં કહૃાું.*
*એમ કોઈના ધણીને સીધેસીધો વધાઈ નહીં પહેલા કારણ જાણવું પડે. આ શિયાળાની શરૂઆત થઈ છે ત્યાં તો મારા હાથમાં લિસ્ટ બનાવી અને પકડાવી દીધું. અડદીયા બનાવજો,ગુંદર પાક બનાવજો, મેથીપાક બનાવજો.*
*તમને ખબર છે ને ગયા વર્ષે મેં આ તમામ વસ્તુ બનાવી હતી અને પછી એકે એક વસ્તુ કેવી બની કે આખી સોસાયટીમાં ઢંઢેરો ટીપ્યો હતો.
અડદીયાનો લોટ થોડો વધારે ફેંકાઈ ગયો તો કડક થઈ ગયા હતા.*
*ગુંદર પાકમાં ભૂલથી મેં ગુંદરની આખી ટ્યુબ ખાલી કરી નાખી હતી. ખાવાનો ગુંદર જુદો આવે છે તે કહેવું જોઈએ ને? *
*ગોળને ભારોભાર મેથી લઈ અને મેથીપાક બનાવ્યો. ગોળના વાગે બે દાંત તમારા ભાઈના મેથીપાકમાં સલવાઈ ગયા તેમાં મારો વાંક?*
*યુ-ટ્યુબમાં કેવો ગોળ લેવો તે થોડું જણાવે છે?*
ચાલુ ફોને હું ભૂતકાળમાં સરી ગયો.એક વર્ષ પહેલાં ચુનિયો આ તમામ પાક લઈ અને મારા ઘરે આવ્યો હતો.
*મિલનભાઈ આખી જિંદગી કાર્યક્રમ કરતા રહેશો અને દોડાદોડી કરતા રહેશો.તમારી તબિયતનું પણ ધ્યાન રાખતા જાવ. આ લ્યો શિયાળુ પાક ખાવ.*
હરખ પેર મેં એક આખો અડધો ઉપાડી લીધો અને મોઢામાં મુક્યો. ત્રણ કલાક સુધી ચગળ્યો ત્યારે ઓગળ્યો.
પછી થયું કે મેથીપાક ચાખીયે. મેં મોઢામાં મૂકી અને હતી એટલી તાકાતથી બે દાંત વચ્ચે કટકાને ભીસ્યો. કટક અવાજ આવ્યો. મારા બે દાંત મેથીપાકમાં ખુંચી ગયા હતા. અને જિંદગીમાં આટલી કડવાણી મેં ખાધી ન હતી. પછીના બે દિવસ સુધી મોઢું કડવું રહૃાું. દર ત્રણ કલાકે ડોક્ટરના ડોઝની જેમ બે બે પેંડા ચગળીને ખાધા.
દુનિયાની જૂની આદત પ્રમાણે તે ખાવા પીવાનો શોખીન પરંતુ આવડે કંઈ નહીં.
ઘરેથી કોથમીર લેવા મોકલ્યો હોય તો ગામની લીલોતરી જોતો જાય અને શાકભાજીની લીલોતરી પણ ઉપાડતો આવે.
પાપડી, તુવેર, રીંગણા, વટાણા, લીલી ડુંગળી,લીલુ લસણ, મેથીની ભાજી અને મૂળ મુખ્ય મુદ્દો કોથમીર ભૂલી ગયો હોય.
ઘરે આવી અને ઢગલો કરે અને ઓર્ડર કરે *આજે શાક માર્કેટમાં લીલા શાકભાજી જોઈ અને તને ઊંધિયું ખવડાવવાનું મન થયું.*
ભાભી ખુશ ખુશાલ થઈ જાય અને તેને લાગે કે હમણાં બધું ફોલીને આપશે. ચુનિયો બધું ખોલીને આપે ફોલવાનું ભાભીએ.
ઊંધિયું તો માંડ એક ટંક ચાલે પરંતુ કપડા ત્રણ ચાર દિવસ ચાલે.
માંડ શાંતિ થઈ હોય ત્યાં એક દિવસ પાછો લીલી હળદર, આંબા હળદર,આમળા, બીટ, ગાજર, દૂધી... લઈ આવે અને *તારા પિયરેથી બધા આવવાના છે તો આ બધાના જ્યુસ બનાવી રાખ તારું સારૃં લાગે.* આવો કોણીએ ગોળ લગાડી આઠ દસ દિવસ સુધી પોતે જ જ્યુસ ઠપકારી જાય.
શિયાળાના આવા માલમલીદા ખાઈ ચુનિયો લાલ ગલગોટા એવો થઈ જાય અને ભાભી બળતરા કરી કરી અડધા થઈ જાય.
મને યાદ છે અમારા પાડોશીને ઘરે શિયાળામાં તલની ચીકી બનાવી હતી. કંઈક નવીન કરવા માટે થાળીમાં પાથરવાની જગ્યાએ નાની નાની ગોળીઓ વાળી હતી.
કોઈને દેવાનો જીવ ચાલે નહીં પરંતુ આખો દિવસ ચગળ્યા પછી પણ તલની ગોળી ઓગળી નહીં એટલે સોસાયટીના છોકરાઓને ભેગા કરી બધાને વહેંચી દીધી.
છોકરાઓ ઉનાળાની શરૂઆત સુધી તેનાથી લખોટી રમ્યા હતા.
અમારી સોસાયટીમાં રહેતા પથુભા દરબાર એની બે નાળી બંદૂક લઇ અને તેમના ઘરે ગયા હતા. ૨૦-૨૫ તલની ગોળીઓ લઈ ફાયરિંગ પ્રેક્ટિસ કરી હતી.
ચુનિયાના ઘરે બનેલો ગુંદર પાક બાળકોને હોમવર્કમાં આવેલા પ્રોજેક્ટ માં વસ્તુ ચોંટાડવા કામ આવ્યો હતો.
ઓળાના રીંગણા લઇ અને ઘરવાળી સામે ઢગલો કરો અને કહો કે આજે ઓળો બનાવજે ત્યારે એક મિનિટ માટે તો ઘરવાળીને મનમાં થતું હશે કે ભઠ્ઠામાં આને શેકુ?
ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ઘરે ઘરે શિયાળાના વ્યંજનો બનવાના શરૂ થશે. પરંતુ વ્યંજનો ખાવા માટે વપરાવવા જોઈએ મ્યુઝિયમમાં રાખવા માટે નહીં આટલી સમજ દરેક બનાવનારે કેળવવી જોઈએ.
આપણે પુરૂષોએ તો ઓર્ડર કરી દીધો બહેનોને પણ ખોટા પ્રયોગો કરવા ઉશ્કેરવા નહીં.
વિચારવાયુઃ ચુનિયા આ સ્વેટર પહેરીને, હાથમાં છત્રી લઈને ક્યાં ચાલ્યો?
ચુનિયોઃ એ. સી. લેવા. મિક્સ ઋતુની મોજ
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial