Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દીપાવલીના તહેવારોમાં એક અગત્યનો દિવસ એટલે ધન્વન્તરિ ત્રયોદશી, જેને સામાન્ય ભાષામાં આપણે ધનતેરસ તરીકે ઓળખીએ છીએ. દીપાવલીની શરૂઆત આ દિવસથી થતી હોય છે. આયુર્વેદના પ્રણેતા ભગવાન ધન્વન્તરિનો આ પ્રાગટ્ય દિવસ છે.
લગભગ બધા જ પ્રાચીન વિજ્ઞાન અને કળાઓના મૂળ વૈદિક સાહિત્યમાં મળે છે. વૈદિક સાહિત્યમાં વેદગ્રંથો (સંહિતા ગ્રંથો), બ્રાહ્મણ ગ્રંથો, ઉપનીષદો અને વેદાંગનો સમાવેશ થાય છે. આ પૈકી મૂળ વૈદિક સંહિતાઓ તેમજ બ્રાહ્મણ ગ્રંથોમાં ભગવાન ધન્વન્તરિનો ઉલ્લેખ મળતો નથી. વેદોમાં આયુર્વેદના દેવ તરીકે અશ્વિનીકુમારોની પ્રતિષ્ઠા થયેલ છે. મહાભારત તથા પુરાણોમાં ભગવાન વિષ્ણુના અંશાવતાર તરીકે ભગવાન ધન્વન્તરિનું વર્ણન મળે છે. શ્રીમદ ભાગવત, હરિવંશ પુરાણ, વાયુ પુરાણ, વિષ્ણુ પુરાણમાં એવું વર્ણન મળે છે કે સમુદ્રમંથન સમયે અમૃત કાળશ સાથે ભગવાન ધન્વન્તરિ પ્રાદુર્ભૂત થયા તથા તે પછી તેમણે ભગવાન વિષ્ણુને સંસારમાં તેમનું સ્થાન અને યજ્ઞ ભાગ નિશ્ચિત કરવા વિનંતી કરી. ભગવાન વિષ્ણુએ તેમને ઉત્તર આપતા કહૃાું કે દેવોમાં યજ્ઞ ભાગની સ્થિતિ પહેલા જ નક્કી થઇ ગઈ હોવાથી તેમને ભાગ આપવો સંભવ નથી. પરંતુ સાથે સાથે ભગવાન વિષ્ણુએ ધન્વન્તરિ દેવને વરદાન પણ આપ્યું કે બીજા જન્મમાં તેમને સિદ્ધિઓ પ્રાપ્ત થશે, તેઓ આયુર્વેદના વિષયો ને આઠ ભાગ માં વિભાજિત કરશે તથા દેવત્વ પણ પ્રાપ્ત કરશે. આ વરદાન અનુસાર તેમણે બીજા જન્મમાં કાશીના રાજા ધન્વના પુત્ર તરીકે જન્મ લીધો તથા ધન્વન્તરિ તરીકે વિખ્યાત થયા.
માર્કન્ડેય પુરાણ તથા સ્કંદ પુરાણમાં પ્રાપ્ત કથા અનુસાર ગાલવ ઋષિના આશીર્વાદથી વીરભદ્રા નામની સ્ત્રીના પૂત્ર તરીકે ધન્વન્તરિનો જન્મ થયો હતો, જે આગળ જતાં આયુર્વેદના પ્રવર્તક બન્યા.
આયુર્વેદની બે મુખ્ય શાખાઓ કાય ચિકિત્સા (જેને પાશ્ચાત્ય વિજ્ઞાન અનુસાર જનરલ મેડિસીન કહી શકાય) તથા શલ્ય શાસ્ત્ર (પાશ્ચાત્ય વિજ્ઞાન અનુસાર સર્જરી) પૈકી સામાન્ય રીતે ભગવાન ધન્વન્તરિનો સંબંધ શલ્યશાસ્ત્ર સાથે જોડવામાં આવે છે, જેનું મુખ્ય કારણ કદાચ એ છે કે શલ્ય શાસ્ત્રના પ્રધાન ગ્રંથ સુશ્રુત સંહિતાના મૂળ ઉપદેશક ભગવાન ધન્વન્તરિ છે. પરંતુ આ માન્યતા અધુરી છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં ભગવાન ધન્વન્તરિ અને નાગદેવી મનસા વચ્ચેના સંવાદમાં વિષ વિજ્ઞાનનું વર્ણન મળે છે. સમગ્ર રીતે જોતાં ભગવાન ધન્વન્તરિ સંપૂર્ણ આયુર્વેદના જ્ઞાતા અને પ્રવર્તક છે. વેદોમાં જે સ્થાન અશ્વિનીકુમારોનું છે તે પુરાણકાળમાં ભગવાન ધન્વન્તરિનું છે.
ભગવાન ધન્વંતરિજીની પ્રતિમા સર્વાંગ સ્વાસ્થયના પ્રતીક સમાન છે. સામાન્ય રીતે પ્રતિમા ચતુરહસ્ત એટલે કે ચાર હાથવાળી જોવા મળે છે. તેમના હાથમાં અનુક્રમે અમૃત કળશ, દિવ્ય ઔષધિ અને જળો ધારણ કરેલ છે અને ચોથો હાથ આશીર્વાદ મુદ્રામાં હોય છે. કેટલીક પ્રતિમા એક હાથમાં ચક્ર ધારણ કરેલી પણ જોવા મળે છે. અહીં ચક્ર એ યુદ્ધના શસ્ત્ર તરીકે નહીં પણ વાઢકાપ (સર્જરી) ચિકિત્સા ને દર્શાવે છે. જળો પણ તેનું જ પ્રતીક છે. આયુર્વેદ ચિકિત્સામાં જળો દ્વારા ઘણા રોગોની સારવાર કરવામાં આવે છે. દિવ્ય ઔષધિ દવાઓ દ્વારા ચિકિત્સા સૂચવે છે. અમૃત કળશ અને આશીર્વાદ મુદ્રા સમગ્ર સૃષ્ટિના આરોગ્યની કામનાનું પ્રતીક છે. આમ ભગવાન ધન્વન્તરિજી સૃષ્ટિના સ્વાસ્થ્યના આશીર્વાદ આપતા હોય તેવું તેમની પ્રતિમાનું અર્થઘટન છે.
ભગવાન ધન્વન્તરિનું સ્મરણ કરીએ એટલે તેની સાથે જોડાયેલ આયુર્વેદનું સ્મરણ થાય જ. એ પણ મોટી વિડંબના છે કે આયુર્વેદ આપણું પોતાનું વિજ્ઞાન હોવા છતાં સમાજનો મોટો ભાગ તેનાથી અલ્પપરિચિત છે. આયુર્વેદ એટલે ઉકાળા એવી એક માન્યતા પ્રવર્તે છે. બહુ ઓછા લોકો જાણે છે કે આયુર્વેદ એક સંપૂર્ણ વિજ્ઞાન છે, જે પોતાના આગવા સિદ્ધાંતો ધરાવે છે. જો કે સદ્ભાગ્યે છેલ્લા થોડા વર્ષોમાં ખાસ કરીને કોરોના કાળ તથા તે પછીના સમયગાળા માં વિશ્વ આખામાં આયુર્વેદ પ્રત્યે જીજ્ઞાસા અને વિશ્વાસ વધ્યા છે. આજે પરિસ્થિતિ એ છે કે યુરોપના દેશો, લેટીન અમેરિકાના દેશો, જાપાન, કોરિયા જેવા અનેક દેશોમાં આયુર્વેદ શીખવતી નાની મોટી સંસ્થાઓ સ્થપાઈ છે. આયુર્વેદના આટલા પ્રમાણમાં પ્રસારની પાછળનું રહસ્ય એ છે કે આયુર્વેદ માત્ર રોગો કે ચિકિત્સા નું શાસ્ત્ર નથી, પરંતુ જીવનનું શાસ્ત્ર છે. આયુર્વેદના પ્રાચીન ગ્રંથોમાં ચિકિત્સા કરતા વધારે મહત્ત્વ સ્વાસ્થ્યની જાળવણીને આપવામાં આવ્યું છે, જે આજના યુગમાં અત્યંત્ય ઉપયોગી સાબિત થયું છે. આહાર, વ્યાયામ, નિદ્રા, બ્રહ્મચર્ય જેવી જીવનની મૂળભૂત બાબતો વીશે આયુર્વેદ ખૂબ જ ઊંડાણ પૂર્વકનું માર્ગદર્શન આપે છે. તે માત્ર શારીરિક સ્વાસ્થ્યની જ વાત નથી કરતું પણ માનસિક સ્વાસ્થ્ય અને આત્માની પ્રસન્નતાની પણ વાત કરે છે, અને આ રીતે સંપૂર્ણ સ્વાસ્થ્ય તરફ લઇ જાય છે.આયુર્વેદની આ સર્વગ્રાહિતા (હોલોસ્ટીક એપ્રોચ) જ તેની સૌથી મોટી વિશેષતા છે. આયુર્વેદનો એક અગત્યનો અને તદ્દન મૌલિક વિચાર એ છે કે મનુષ્ય શરીર અને પ્રકૃતિ બંને સમાન જ છે. આ સિદ્ધાંતને લોક-પુરુષ સામ્યના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. આ સિદ્ધાંત અનુસાર સંપૂર્ણ જગત જે તત્ત્વોથી બનેલું છે તથા જે શક્તિઓ દ્વારા સંચાલિત થાય છે તે જ તત્વો અને શક્તિઓ શરીરને પણ બનાવે છે અને સંચાલિત કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો શરીર એ સૃષ્ટિનું જ નાનકડું સ્વરૂપ છે. આ સિદ્ધાંતને આધારે સૃષ્ટિના પ્રાકૃત દ્રવ્યો દ્વારા જ શરીરની ચીકીત્સા કરવામાં આવે છે.
ચિકિત્સાના દૃષ્ટિકોણથી વિચારીએ તો આયુર્વેદની સૌથી મોટી વિશેષતા એ છે કે એ પ્રત્યેક વ્યક્તિના વૈશિષ્ટયને ધ્યાનમાં રાખી ચિકિત્સા વ્યવસ્થા ગોઠવે છે. આનો સીધો અર્થ એ કે બે વ્યક્તિઓને સરખા લક્ષણો દેખાતા હોય તો પણ તેમની ચિકિત્સા માં ભિન્નતા હોઈ શકે. આટલું જ નહિ પણ એક જ વ્યક્તિના એક જ રોગની ચિકિત્સા જુદા જુદા સમયે જુદી જુદી હોઈ શકે. સાંપ્રત પરિભાષામાં આને પર્સનાલીઝડ મેડિકેશન કહી શકાય. જેમ કોઈ એક માપના કપડાં જુદી જુદી સાઈઝ ધરાવતા જુદા જુદા લોકોને ફીટ ના થાય તેમ એક સરખી ચિકિત્સા જુદી જુદી પ્રકૃતિ ધરાવતા જુદા જુદા લોકોને અનુકુળ ન થાય તેવું આયુર્વેદ માને છે, અને તેની આ વિશેષતા જ આજના વિચારશીલ માનવીને આકર્ષે છે.
આયુર્વેદ એ પ્રકૃતિનું નજીકનું વિજ્ઞાન છે અને તેની ઘણી ખરી ઔષધિઓ વનસ્પતિઓના સ્વરૂપમાં છે. ધાતુઓ, ખનીજો જેવા અન્ય પ્રાકૃતિક પદાર્થોનો પણ ઉપયોગ થાય છે, પરંતુ ચોક્કસ વિધિથી તેને શક્ય તેટલા સૂક્ષ્મ અને સેન્દ્રીય સ્વરૂપમાં પરિવર્તિત કરીને તેવા ઔષધો બનાવાય છે. શરીર જે તત્ત્વોનું જીવંત સ્વરૂપ છે તે જ તત્ત્વોનું અન્ય જીવંત સ્વરૂપ વનસ્પતિઓ છે એટલે સ્વાભાવિક રીતે જ આ ઔષધો શરીરને સામાન્ય રીતે વધુ અનુકૂળ નીવડે છે અને લગભગ નહીવત આડ અસરો દર્શાવે છે. આયુર્વેદની વૈશ્વિક પ્રસિદ્ધિ પાછળ તેની પ્રકૃતિથી નિકટતા પણ એક અગત્યનું કારણ છે. ભારત સરકાર પણ આયુર્વેદના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને અનેક પ્રકલ્પો તેના માટે શરુ કરવામાં આવ્યા છે.
વર્તમાન સરકારે તેના પ્રથમ કાર્યકાળ સમયે જ આયુર્વેદ અને અન્ય ચિકિત્સા પદ્ધતિઓના સુચારુ સંચાલન માટે સ્વતંત્ર આયુષ મંત્રાલયની રચના કરી મહત્ત્વપૂર્ણ પગલું ભરેલું, જેની અસર હવે દેખાય છે.
મંત્રાલયના આયોજનબદ્ધ કાર્યક્રમોને કારણે આજે દેશમાં અને વિદેશોમાં આયુર્વેદની પ્રતિષ્ઠા પહેલાની અપેક્ષાએ અનેક ગણી વધી છે. આશા છે કે આ પ્રગતિ આવનારા વર્ષોમાં ન કેવળ જળવાઈ રહેશે પરંતુ તેમાં અનેકગણી વૃદ્ધિ પણ થશે.
આલેખન પ્રો. હિતેશ એ. વ્યાસ
ડીન, ઈન્સ્ટિટયુટ
ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ -જામનગર
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial