Advertisement
Author: નોબત સમાચાર

ફેસીલીટી લેસ સ્કૂલમાં બેગ લેસ ડેઃ નવા ફતવાનો ફિયાસ્કો!

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: ગુજરાતભરમાં લગભગ દરેક પ્રાથમિક શાળાઓમાં ખાસ કરીને ધો. ૧ થી ૮ સુધીના વિદ્યાર્થીઓ માટે વરસોથી દર શનિવારે શિક્ષણ સિવાયની અન્ય રચનાત્મક સાંસ્કૃતિક કે રમતગમતની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે જ છે. તેમાં ગુજરાતની ભાજપ સરકારે વળી નવું નામ આપી દસ શનિવાર સુધી પ્રાથમિક શાળાઓમાં બેગ લેસ ડેની ઉજવણી કરવાનો ફતવો બહાર પાડયો છે. જેમાં આ ફતવાના પ્રથમ શનિવારે જ મોટાભાગની શાળાઓમાં આ અભિયાનનો રીતસર ફિયાસ્કો થયો હોવાનું જાણવા મળે છે.

ભણે ગુજરાત, ખેલે ગુજરાત, જીતશે ગુજરાત જેવા નારાઓ સાથે અગાઉ યોજાતા યુવક મહોત્સવ, રમતોત્સવને કલા મહાકુંભ, ખેલ મહાકુંભ જેવા નામ આપી દેવાયા છે. બાળકો- વિદ્યાર્થીઓમાં શિક્ષણ સિવાયની છૂપાયેલ વિવિધ રચનાત્મક શકિતઓને ઉજાગર કરવા, પ્રોત્સાહિત કરવા, સ્પર્ધાત્મક મંચ પૂરૃં પાડવા સરકારના દરેક અભિયાન, દરેક પ્રયાસ ખરેખર ખૂબ જ સરાહનિય છે. પણ.... ખાટલે મોટી ખોટ એ છે કે આવી શકિતઓને ઉત્તેજન મળે તે માટેની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે. ?

ગુજરાતની મોટાભાગની પ્રાથમિક શાળાઓમાં મેદાનની સુવિધા જ નથી. ઓરડાઓની અછત હોવાથી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટેના હોલ કે સ્ટેજની તો અપેક્ષા જ કેવી રીતે રાખી શકાય. ? વિવિધ આઉટ ડોર રમતો માટેના જરૂરી સાધનો કઈ શાળામાં છે ? આ બધું તો ઠીક પણ કેટલી શાળામાં વ્યાયામ શિક્ષકો છે ? કેટલી શાળાઓમાં ચિત્રકામ અને સંગીતના શિક્ષકો છે ? અને તે માટેના સાધનો જ નથી.

આમ આટલી અસુવિધાઓ હોવા છતાં વરસોથી શાળાઓમાં બાળકો- વિદ્યાર્થીઓને કોઈ કોઈ શિક્ષકો રસ લઈને તેમને વિવિધ પ્રવૃત્તિઓમાં આગળ વધવાની પ્રેરણા આપતા રહ્યા છે અને ટાંચા સાધનો કે અસુવિધાઓ વચ્ચે પણ ખેલ મહાકુંભ જેવી જિલ્લા/રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી તેમની શકિતના દર્શન કરાવે જ છે. ત્યારે... આ પ્રકારના બેગલેસ ડે જેવા નામ સાથેના ફતવા બહાર પાડવાનું પ્રયોજન માત્રને માત્ર પ્રસિદ્ધિ માટેનું જ જણાય છે. કેટલીક શાળાઓ તો આવા નવા નવા અભિયાનની રાહ જ જોતી હોય છે. જે તે શાળાના આચાર્ય કે શિક્ષકોને ફોટા છપાયુ પ્રસિદ્ધિ મળે તેવી તક મળી જાય છે. એટલું જ નહીં કેટલાંક હરખપદુડા તો વળી આ દિવસે કોઈને કોઈ રાજકીય નેતાને બોલાવી પ્રસિદ્ધિને વ્યાપક બનાવવા દોડધામ કરતા થઈ ગયા છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલે તેમના કાર્યક્રમમાં ભાર વગરના ભણતરનું સૂત્ર આપ્યુ હતું. પાંચ-આઠ કિલોના દફતરના વજન ઉંચકનારા નાના ભૂલકાઓને આ પરેશાનીમાંથી મુકત કરવાનો તેમનો ઉમદા હેતુ હતો.. પણ હાલત યથાવત જ છે... શાળાએ જતા નાના બાળકો અને તેમના વાલીઓની હાલત શાળાએ તેડવા-મુકવા જતી વખતે રીતસર મજુર જેવી જોવા મળે છે !

માત્ર દસ શનિવાર સુધી બેગ લેસ ડે અભિયાન ચલાવવાથી ગુજરાતની શાળાઓમાં અસુવિધાઓ વચ્ચે શું ફરક પડવાનો છે ?

ગુજરાત સરકારે રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધારવાને ટોચની પ્રાથમિકતા આપી તે માટે તમામ જરૂરી સાધન-સુવિધા- શિક્ષકો-અન્ય સ્ટાફની પૂર્તિ કરવાની જરૂર છે. બાકી ઈત્તર પ્રવૃત્તિઓમાં તો બાળકો સ્વયંભૂ પોતાની આવડત અને મહેનત સાથે ઝળકી જ રહ્યા છે અને ઝળકતા રહેવાના જ છે.

ગુજરાત રાજ્ય એક તરફ ઓલિમ્પીક રમોત્સવના યજમાન બનવા તલપાપડ થઈ રહ્યું છે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરના સ્પોર્ટસ કોમ્પલેક્ષ મેદાનો ભલે બને... પણ દરેક શાળામાં કમ સે કમ નાની મોટી રમતો રમાડી શકાય તેવા મેદાનની સુવિધા માટે તો વિચાર કરો..!

જે હોય તે... પ્રથમ શનિવારે જ અનેક શાળાઓમાં બાળકો રાબેતા મુજબ જ ખંભ્ભા ઉપર દફતરના વજન ઉંચકીને ગયા જ હતાં... 'બેગ લેસ ડે'નો પ્રથમ શનિવારે જ ફિયાસ્કો તો થયો જ છે... હવે જોઈએ ફેસીલિટી લેસ સ્કૂલ્સમાં હવે પછીના બાકીના નવ શનિવારે શું થાય છે !!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh