Advertisement
Author: નોબત સમાચાર

કેન્દ્ર-રાજ્ય સરકારોના બજેટોમાં સામાન્ય જનતાની સમસ્યાઓના નિવારણ તથા અપેક્ષાઓ સંતોષતી જોગવાઈઓ થશે ખરી ?

                                                                                                                                                                                                      

મહારાષ્ટ્રમાં ઝળહળતા વિજય પછી ભારતીય જનતા પક્ષ હવે ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ફરીથી જવલંત વિજય મેળવવા માટે એડીચોટીનું જોર લગાવશે એ નક્કી છે, પરંતુ ગુજરાતમાં મહાનગરપાલિકાઓ સહિતના શહેરી તથા પંચાયતી વિસ્તારોમાં ઘણાં સ્થળે જનતાની નારાજગી અને અસંતોષના કારણે ઊભી થયેલી એન્ટી ઈન્કમ્બન્સી તથા કોંગ્રેસની મજબૂત તૈયારીઓ ઉપરાંત આમઆદમી પાર્ટીનું સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં પૂરી તાકાતથી લડી લેવાનું વલણ ભાજપ સામે પડકારો ઊભા કરશે તે પણ નકકી છે.

આ એન્ટી ઈન્કમ્બન્સી અને વિપક્ષોનો પડકાર ઝીલવા ભાજપ દ્વારા સંગઠનની વ્યૂહરચના તો ઘડાઈ જ ગઈ હશે, પરંતુ હવે કદાચ રાજ્ય સરકારના આ વખતે રજૂ થનારા બજેટમાં પણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માટે કોઈ નવતર યોજનાઓ, પ્રોજેકટો અને ફંડ-ફાળવણી તો થશે જ, તેની સાથે સાથે મતદારોને લલચાવવા કોઈ "રેવડી" વહેંચવાની યોજના પણ અમલમાં મૂકાઈ શકે છે. બજેટમાં જ આ પ્રકારની જોગવાઈઓ થઈ જાય, પછી બરાબર ચૂંટણી નજીક આવે તેવા સમયે જ લોભામણી યોજનાઓ અમલી બનાવીને બિહારની જેમ ચોક્કસ મતદારોને રીઝવવા કે આકર્ષવાના પ્રયાસો થઈ શકે છે, કારણ કે બજેટમાં જોગવાઈ થઈ હોય, તેવી યોજનાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગવા લાગે તેવા સમયે પરંતુ ચૂંટણીની તારીખો જાહેર થાય, અને આદર્શ આચાર સંહિતા લાગુ થાય તે પહેલાં ચાલાકીપૂર્વક અમલમાં મૂકીને મતદારોની નારાજગી દૂર કરવાનું સરળ બની જતુ હોય છે.

આ વખતે ઐતિહાસિક ઘટના એ બનવાની છે કે પહેલી ફેબ્રુઆરીના દિવસે કેન્દ્ર સરકારનું બજેટ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે, જેથી કદાચ શેરબજાર પણ રવિવારે ચાલુ રહેશે. આ કારણે કેન્દ્રીય બજેટની સીધી અસરો દેશ-દુનિયાના શેરમાર્કેટમાં પણ તે જ દિવસે પણ થઈ શકે છે. કારણ કે, આપણા શેરમાર્કેટના રિએક્શન મોટા ભાગે બીજા દિવસ સુધી વિશ્વના શેરમાર્કેટોમાં આવતા હોય છે. પહેલી ફેબ્રુઆરીના દિવસે કેન્દ્રીય બજેટ રજૂ થયા પછી રાજ્યોના બજેટો પણ તબક્કાવાર રજૂ થશે, કારણ કે ઘણી કેન્દ્રીય યોજનાઓની અસરો રાજ્યોના બજેટ પર પડતી હોય છે, તો ઘણી યોજનાઓ રાજ્યો અને કેન્દ્ર સરકારોની સંયુક્ત હોય છે. કેન્દ્રીય બજેટ અને રાજ્યોના અંદાજપત્રોમાં જીએસટી કાઉન્સીલ રચાયા પછી હવે કરવેરાની વધઘટનું એટલું બધું મહત્ત્વ રહ્યું નથી, તેમ છતાં વેટ અને મહેસુલ ક્ષેત્ર સહિત કેટલાક રાજ્યોના કરવેરા તથા કેન્દ્રના પેટ્રોલ, ડીઝલ વગેરે પરના જેટલા કરવેરા જીએસટી અંતર્ગત આવરી લેવાયા નથી, તેમાં થતા ફેરફારોની અસર રાજ્યોમાં બજેટ પર થતી હોય છે.

ગઈકાલે જ જાહેર થયું છે કે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ૧૬મી ફેબ્રુઆરીથી શરૃ થશે, અને ૨૫મી માર્ચ સુધી ચાલશે. સત્રના પ્રારંભે પરંપરાગત રીતે વિધાનસભામાં રાજ્યપાલનું અભિભાષણ થશે. તે પછી તે જ સમગગાળામાં સત્ર દરમ્યાન વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી પણ થશે. કુલ ૨૩ દિવસ સુધી ચાલનારા આ સત્ર દરમ્યાન ૨૬ બેઠકો યોજાશે. આ દરમ્યાન રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોડ સહિતના સાત જેટલા નવા વિધેયકો રજૂ કરી શકે છે. બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીના ધારાસભ્યો રાજ્યમાં કાયદો-વ્યવસ્થા, ખેડૂતોના પ્રશ્નો તથા કેટલાક કૌભાંડો તથા મનરેગાના બદલાયેલા નામ તથા યુસીસીના મુદ્દે ચર્ચા માંગશે અને ગૃહમાં હોબાળો સર્જાશે, તેવા અનુમાનો પણ થઈ રહ્યા છે.

આ વર્ષે બજેટનું કદ ગયા વર્ષ કરતા ૧૫ ટકા જેટલું વધારીને અંદાજે ચાર લાખ કરોડ જેટલું થઈ શકે છે. રાજ્યના આર્થિક ક્ષેત્ર તથા બજારક્ષેત્રના જાણકારોના મંતવ્યો મુજબ આ વખતે રાજ્ય સરકાર કદાચ ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે કોઈ નવી યોજના જાહેર કરે કે લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી જમા થતી કેટલીક યોજનાકીય સહાયમાં વધારો કરે, તેવી સંભાવનાઓ પણ છે.

સચિવાલયમાં ચર્ચાતી સંભાવનાઓ મુજબ રાજ્ય સરકાર આ વખતે મહિલાઓ તથા ખેડૂત-ખેતમજુરો, અસંગઠિત ક્ષેત્રો તથા રાજ્યના કર્મચારીઓ માટે પણ કેટલીક નાની જાહેરાતો બજેટમાં કરી શકે છે અને એટલા  માટે જ ૧૫ ટકાથી વધુનો વધારો બજેટના કદમાં થઈ શકે છે.

આ વખતે બજેટ સત્રની તારીખો અને સમયગાળો નક્કી કરવાની સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય સરકારની કેબિનેટમાં વર્તમાન બજેટ, ખર્ચ અને નવી યોજનાઓ અંગે ખૂબ જ ઝીણવટપૂર્વક ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હોવાના પણ અહેવાલો છે. એવું કહેવાય છે કે ઈન્ફ્રાસ્ટ્રકચર અને શિક્ષણ-આરોગ્ય ઉપરાંત કમોસમી વરસાદથી થયેલા નુકસાન બદલ ખેડૂતોને વળતર અને ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે પણ વિસ્તૃત સમીક્ષા સાથે ચર્ચા-પરામર્શ થયો હોય અને તે બજેટમાં સ્ટ્રીટ વેન્ડર્સની સમસ્યાઓ, રખડતા ઢોર-આવારા કૂતરાઓ પર અંકુશ તથા ગ્રામ્ય-શહેરી માર્ગોના નવીનીકરણ અને વિસ્તૃતિકરણની જરૃર પર ભાર મૂકાયો હોય, તેવી મજબૂત સંભાવનાઓ છે અને તમામ કવાયતનો પ્રભાવ અને અસરો રાજ્યના બજેટ પર પડશે, તે નકકી જણાય છે.

વર્ષ ૨૦૨૫-૨૬ના નાણાકીય વર્ષના ગુજરાતના ગત બજેટમાં નવા કરવેરા નખાયા નહોતા પરંતુ ૧૪૮ કરોડ રૃપિયાની કર રાહત જાહેર કરાઈ હતી, તે ઉપરાંત વિકસિત ગુજરાત કોષની સ્થાપનાની જાહેરાત કરાઈ હતી. રાજ્યના ૧૫ જિલ્લાઓના ૩૩૮ ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૃા. ૨૦૦ કરોડ ફાળવાયા હતા. હવે આ વર્ષે ગુજરાત સરકાર તરફથી નાણામંત્રી કનુભાઈ દેસાઈના બજેટમાં કેવી જોગવાઈઓ હશે અને કેટલી નવી યોજનાઓ જાહેર થશે, તેની અટકળો થઈ રહી છે.

રાજ્ય સરકાર રાજ્યના ગરીબમાં ગરીબથી લઈને તમામ વર્ગો, તમામ વયજૂથના નાગરિકો, તમામ વિસ્તારો તથા સામાન્ય જનતાથી લઈને તટસ્થ તજજ્ઞો સહિતના મંતવ્યો-અભિપ્રાયો મેળવીને તમામ સમસ્યાઓ ઘટાડનારૃં અને ખોબલે ખોબલે મતો આપીને પ્રચંડ બહુમતી આપનાર રાજ્યની જનતાની અપેક્ષાઓ સંતોષનારું બજેટ તૈયાર કરશે, તેવી અપેક્ષા રાખીએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh