Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ વર્ષે ચોતરફ શ્રીકાર વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે પૂરથી નુકસાન થતા મેઘરાજાએ મહેર જ કરી છે, તેથી જ જનતા અને જગતનો તાત ખુશ છે. કેટલાક ખેતર-વાડીઓમાં પાણી ભરાઈ જતા પાકને નુકસાન થયું છે, પરંતુ એકાંદરે અત્યાર સુધી મેઘરાજા મહેરબાન થઈને અમૃતવર્ષા કરી રહ્યા છે, તેમ કહી શકાય.
જામનગર સહિત ગુજરાતના ઘણાં શહેરોમાં ભારે વરસાદના કારણે માર્ગો ધોવાઈ ગયા છે, પરંતુ જામનગરમાં તો આક્રમક વરસાદ થયો જ નથી, ત્યાં માર્ગો તૂટી-ફૂટી ગયા છે, જે નબળી ગુણવત્તા દર્શાવે છે, પરંતુ ચાલાકીપૂર્વક દોષનો ટોપલો મેઘરાજા પર ઢોળવામાં આવ્યો છે, તેથી એવું કહી શકાય કે, "શરમ કરો...શરમ કરો... મેઘ કા નામ બદનામ ના કરો"...
જામનગરમાં કોંગ્રેસ દ્વારા આ હકીકતને ઉજાગર કરવા "ખાડાપૂજન" કરીને વિરોધ વ્યક્ત કરવાની નવતર પદ્ધતિ અપનાવીને જે તસ્વીર પ્રસિદ્ધ કરાવી છે, તે આંબેડકર બ્રિજનું ઈ-લોકાર્પણ મુખ્યયમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ ૨૦૨૨માં જ કર્યું હતું, અને આટલા જ સમયગાળામાં આ બ્રિજની આવી દૂર્દશા થઈ હોય, અને ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાઓ થતી હોય, તો જામનગરમાં નિર્માણ થઈ રહેલા ફ્લાઈઓવર બ્રિજની ગુણવત્તા કેવી હશે, તે અંગે પણ આશંકાઓ વ્યક્ત થવા લાગી છે. એવું કહેવાય છે કે આ બ્રિજમાંથી પણ થોડા વરસાદમાં જ "ચૂવાક" થવા લાગ્યો છે. જો કે, આંબેડકર બ્રિજનો ખાડો તો કામચલાઉ ધોરણે બુરી દેવાયો છે, પણ થીગડાં ક્યાં સુધી ચાલશે ?
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સાથે જોડતા ગંભીરા બ્રિજની ગંભીર ઘટનાના અહેવાલો પછી સરકાર હચમચી ગઈછે, અને જવાબદાર કોણ ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.
જામનગરનો કોઈ વિસ્તાર ખાડામાર્ગોથી બાકાત નથી. ભૂગર્ભ પાઈપલાઈનના કારણે ખોડીયાર કોલોનીથી એરફોર્સ તરફ જતા માર્ગે મસમોટા ખાડા સર્જાયા છે. બ્રિજ પર બરાબર ઢાળ પર પડેલા મોટા મોટા ખાડાઓ ગમે ત્યારે અકસ્માત નોતરી શકે છે. નગરમાં પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાય, ત્યારે તો રોડ દેખાતો જ નહીં હોવાથી જળમગ્ન મોટા ખાડાઓના કારણે ભયંકર દુર્ઘટનાની સંભાવનાઓ વધી જતી હોય છે. લોકો રજવાડી જામનગરને ખાડાનગર કહીને કટાક્ષ કરતા હોવાથી કેટલાક આદરણીય મહાપુરૂષોનું દિલ દુભાતુ હશે, પણ શું થાય ?
જામનગરમાં હાપા જી.આઈ.ડી.સી. માટે જે નવો ડામર રોડ મંજુર થયો છે, ત્યાં પાકો આરસીસીનો સિમેન્ટ રોડ બનાવવાની માંગણી પણ ઉઠી રહી છે, કારણ કે મસમોટા ટ્રકોને તકલાદી ડામર રોડ ખમી નહીં શકે. એવી જ રીતે સમર્પણ હોસ્પિટલથી બેડીબંદર તરફ જતા રીંગરોડનું વિસ્તૃતિકરણ પણ આરસીસી સિમેન્ટ કોંક્રીટ રોડથી થાય, તે જરૂરી છે, કારણ કે બેડીબંદર તરફ ભારે ભરખમ વજન સાથે લાંબા અને તોતીંગ ટ્રકો તથા ટેન્કરો મોટી સંખ્યામાં દરરોજ પસાર થાય છે.
એક તરફ કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સરકાર પર તડાપીટ બોલાવે છે, તો બીજી તરફ ભાજપના જ કોઈ ધારાસભ્યે ભાજપના જ કાર્યકરને તકલાદી માર્ગોના મુદ્દે ઉદ્ધત જવાબ આપ્યો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મુખ્યમંત્રીએ તૂટેલા-ફૂટેલા માર્ગો માટે અપનાવેલા અભિગમ મુજબ કોન્ટ્રાકટરોને જ જવાબદાર ગણવાની ચર્ચા હવે બૂમરેંગ પુરવાર થઈ રહી છે. જામનગર સહિત રાજ્યભરના નાના મોટા શહેરોમાં તૂટેલા-ફૂટેલા માર્ગો પર વરાપ નીકળતા જ થીગડા મારવાની તૈયારી થઈ રહી હોવાના સંકેતો પણ તંત્રોની હડિયાપટ્ટી પરથી મળી રહ્યા છે, પરંતુ "અબ પછતાને સે ક્યા ફાયદા... જબ ચિડિયા ચુભ ગઈ ખેત..."
એક તરફ વિપક્ષો દ્વારા સરકારી તૂટેલા-ફૂટેલા રોડની મરામતની માંગણી ઘણાં સમયથી ઉઠી રહી હોવા છતાં રાજ્ય સરકારે યોગ્ય કદમ ઉઠાવ્યા નહીં, અને હવે ગુતવત્તાવિહોણા માટે કોન્ટ્રાક્ટરોને જવાબદાર ગણવાની ઘોષણાઓ કે આદેશો થતા હોય, તો તે જવાબદારીમાંથી છટકવાની એક ચાલાકીભરી ડ્રામેબાજી જ નથી ? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
જામનગરમાં તો વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. એક તરફ રક્ષાબંધન, સ્વાતંત્ર્યદિન થી લઈને જન્માષ્ટમીના તહેવારો આવી રહ્યા છે, તો બીજી તરફ ધીમીધારે વરસેલા વરસાદમાં જ નગરના મોટા ભાગના રોડ તૂટી-ફૂટી ગયા છે, જેની મરામત માટે પણ વરાપ નીકળે તેની લાંબો સમય રાહ જોવી પડે તેમ છે, તેવા સંજોગોમાં શ્રાવણી મેળો કેવી રીતે યોજાશે ? તેવી આશંકાઓમાં પણ વજૂદ છે.
જામનગરમાં તો હજુ ગઈકાલ સુધી શ્રાવણી મેળો ક્યાં યોજાશે ? તે પણ નક્કી થયું નથી. અડધા પ્રદર્શન ગ્રાઉન્ડ અને સામેની એમ.પી.શાહ કોલેજના મેદાનમાં અડધો-અડધો મેળો યોજાવાનો કેટલો વ્યવહારૂ છે, તેની ચર્ચા પણ થઈ રહી છે, કારણ કે અહીં જ એસ.ટી.ડેપો ખસેડાયો છે, અને કેટલીક પ્રાઈવેટ ટ્રાવેલ્સની બસો પણ એ જ રોડ પરથી ઉપડે છે, અને નીકળે છે. આ બસોની અવર-જવર ઉપરાંત સરકીટ હાઉસ, લાલબંગલો તથા કોર્ટનો પણ આ મુખ્ય માર્ગ છે, બીજી તરફ ફલાયઓવર બ્રિજનું કામ પણ હજુ પૂરૃં નથી થયું, તેથી આ પ્રકારની તમામ સંભાવનાઓ ધ્યાનમાં લેવી જ પડે તેમ છે, તેથી જો કોલેજના એક જ ગ્રાઉન્ડમાં મેળો થઈ શકે, તેવી સંભાવના પણ ચકાસવી જોઈએ.
જો કે, જામનગર સહિતના રાજ્યના મહાનગરો જ નહીં, નાના શહેરોના આંતરિક માર્ગો તથા ગામડાઓને જોડતા એપ્રોચ રોડથી માંડીને સ્ટેટ અને નેશનલ હાઈ-વે પર પણ જ્યાં જ્યાં ભારે વરસાદના કારણે માર્ગો તૂટી ગયા છે, ત્યાં ત્યાં થોડો વરાપ નીકળતા જ કામચલાઉ મરામત કરીને ચોમાસા પછી (કોન્ટ્રાકટરોના ખર્ચે ?) તમામ માર્ગોનું ટકાઉ અને મજબૂત પુનઃનિર્માણ થાય, તે અત્યંત જરૂરી છે... હવે જે માર્ગો અદ્યતન બને, તે એક દાયકાની ગેરેંટીવાળા બને, અને તેની જવાબદારી પણ નક્કી હોય, તે અનિવાર્ય છે.
યાત્રાધામ દ્વારકા હોય કે બેટ દ્વારકા, જળાશયો નજીકના માર્ગો હોય કે મહાકાય કંપનીઓ તથા બંદરોને જોડતા માર્ગો હોય, ઘણાં માર્ગો તદૃન તૂટી-ફૂટી ગયા છે, અને જે માર્ગોનું નિર્માણ તાજેતરમાં જ થયું હોય, અને ટૂંક સમયમાં જ તેની દૂર્દશા થઈ ગઈ હોય તો સંબંધિત કોન્ટ્રાકટરો પાસે તેના ખર્ચે પુનઃનિર્માણ ઉપરાંત ભારે દંડ પણ ફટકારવો જોઈએ, તેમ નથી લાગતું ?
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જો ગુણવત્તા વગરના કામો માટે વાસ્તવિક જવાબદારો સામે કદમ ઉઠાવવા માંગતા હોય, તો વિધાનસભામાં કાયદો પસાર કરીને ગુણવત્તાવાળા વિકાસકામો માટે કોન્ટ્રાકટરો તથા સંબંધિત અધિકારીઓને પ્રોત્સાહનની સાથે નબળી કામગીરી કરનાર કોન્ટ્રાકટરો અને તે કામો મંજુર કરનાર અધિકારીઓને દંડ અને સજા થાય, અને ફોજદારી રાહે કાર્યવાહી થાય, તેવા પ્રબંધો કરાવે, અન્યથા આવી જાહેરાતોને જનતા માત્ર ડ્રામેબાજી જ ગણશે તે હકીકત છે....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial