Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત સરકાર આવતીકાલે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સમરસતાથી નવા ચૂંટાયેલા હજારો સરપંચોનું સન્માન કરવાની છે, ત્યારે તેમાં ઘણાં સરપંચો હાલારથી પણ જવાના છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ પણ હાજર રહેવાના છે, અને તેઓ હાલમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ હોવાથી આ સરકારી કાર્યક્રમને સાંકળીને ભાજપ દ્વારા કોઈ રાજકીય એજન્ડા સેટ કરવામાં આવી રહ્યો છે અને ગ્રામ પંચાયતોની આ ચૂંટણીઓ પછી આવતા વર્ષ સુધીમાં થનારી અન્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની વ્યૂહાત્મક બુનિયાદ અત્યારથી જ રચાઈ રહી હોવાની વાતો પણ વહેતી થઈ છે. એક બીજી વાત એવી પણ છે કે આ અઠવાડિયાના અંતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ફરીથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોવાથી પ્રદેશ ભાજપ અધ્યક્ષ તથા રાષ્ટ્રીય કક્ષાએ જે.પી.નડ્ડાના વિકલ્પોની આગામી બે-ત્રણ દિવસમાં જાહેરાત પણ થઈ શકે છે.
બીજી તરફ ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર ફટાફટ નવી-નવી જાહેરાતો કરી રહી છે, અને ખાસ કરીને મધ્યમવર્ગ તથા નોકરિયાત વર્ગને સંબંધિત લોકલક્ષી નવી યોજનાઓ જાહેર થઈ રહી છે, તે જોતાં રાજ્યમાં રાજકીય સમિકરણોમાં બદલાવ, આમઆદમી પાર્ટીની લોકપ્રિયતા વધવાની સંભાવના તથા કોંગ્રેસમાં થઈ રહેલા સુધારાઓ સામે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભાજપ પાણી પહેલા પાળ બાંધવામાં સરકારને માધ્યમ બનાવી રહી હોય, તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.
આજે રાજ્યમાં રાજ્ય સરકારે જાહેર કરેલી નવી યોજનાઓ તથા કરેલી જાહેરાતોમાંથી સ્ટેમ્પ ડ્યુટીની રાહત, બેલિફના ભથ્થામાં વધારો, યાત્રી સહાય યોજના અને બેગલેસ ડે ની સર્વાધિક ચર્ચા થઈ રહી છે.
ભૂતકાળમાં આ કોન્સેન્ટ ઘણી સ્કૂલોમાં સ્થાનિક કક્ષાએ હતો જ, પરંતુ તેને હવે સિસ્ટોમેટિક તથા અદ્યતન સ્વરૂપે લાગુ કરવામાં આવી રહ્યો છે. દાયકાઓ પહેલા પણ શનિવારે અડધો દિવસ માટે શાળાએ જવાનું રહેતું, તે દરમ્યાન બાલસભા, વ્યાયામ અથવા પી.ટી., રમતગમત, અંતાક્ષરી જેવી બુદ્ધિગમ્ય સ્પર્ધાઓ કરવામાં આવતી અને મહિને એકાદ શનિવારે ટૂંકો પગપાળા પ્રવાસ યોજાતો, જેમાં મોટા ભાગે નદીકાંઠો, હરિયાળી, લીલાછમ ખેતરો, નૈસર્ગિક વાતાવરણ હોય તેવા આસ્થાના સ્થળો અને નજીકમાં કોઈ મોટા સંકૂલો કે યાત્રાસ્થળ હોય, તો તેનો સમાવેશ થતો હતો. આ તમામ પ્રવૃત્તિઓ કેટલીક શાળાઓ દ્વારા સ્વૈચ્છિક ઢબે સ્થાનિક કક્ષાએ થતી હતી. તેથી આ "બેગલેસ ડે"નો કોન્સેપ્ટ તરત જ સર્વસ્વીકૃત અને આવકારવાદાયક બન્યો છે.
જો કે, સિક્કાની બીજી બાજુ પણ છે. દાયકાઓ પહેલાં ગામડાઓમાં મોટા મોટા મેદાનો સ્કૂલોની નજીકમાં જ હતા, અને ઘણી શાળાઓ પોતાના મોટા મેદાનો ધરાવતી હતી, જ્યાં આજે શિક્ષણનો વ્યાપ વધવાથી વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ગઈ તેમ નવા ઓરડાઓ તથા અન્ય સુવિધાઓ માટે બાંધકામો થઈ ગયા. જમીન માફિયાઓએ પણ ગૌચર સહિતની ઘણી જમીનો દબાવી લીધી, જેથી આઉટડોર ગેઈમ્સ, વ્યાયામ કે ઈત્તર પ્રવૃત્તિઓ યોજવાની જગ્યા જ બચી નહીં હોવાથી બેગલેસ ડે ના દિવસે જે અન્ય પ્રવૃત્તિઓ કરવાનો ઉદૃેશ્ય જાહેર કરાયો છે, તે પૂરેપૂરો સિદ્ધ થાય, તેમ જણાતુ નથી.
એવું કહેવાય છે કે રાજ્યની લગભગ સાતેક હજાર જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં તો યોગ્ય મેદાનો જ નથી. જો મેદાનો જ નહીં હોય, તો વ્યાયામ, રમતગમત અને અન્ય આઉટડોર ઈત્તર પ્રવૃત્તિઓ ક્યાં કરાવશે ? અત્યારે તો ઘણાં ગામો પણ એવા છે, જ્યાં રમતગમત તો ઠીક, ગૌચરની ખૂલ્લી જમીન પણ બચી નથી, તેથી બેગલેસ ડે ના દિવસે માત્ર ઈન્ડોર પ્રવૃત્તિઓ જ કરાવવી પડશે, જે બેગલેસ ડે ના મૂળ ઉદૃેશ્યને અનુરૂપ નહીં હોય અને બાળકોનો શારીરિક, માનસિક અને નૈસર્ગિક વિકાસનો કોન્સેપ્ટ તો માત્ર સપનું જ બની જશે, ખરૃં ને ?
ઈન્ડોર પ્રવૃત્તિમાં કલાત્મક કૌશલ્ય વિકસાવવા બાળકોને પેઈન્ટીંગ, ભરત-ગુંથણ, ગીત-સંગીત વગેરે તજજ્ઞ શિક્ષકો પણ હોવા જરૂરી છે. રાજ્યમાં પી.ટી. ટિચર (વ્યાયામ શિક્ષકો), સંગીત શિક્ષક, ચિત્ર શિક્ષક વગેરેની દોઢેક દાયકાથી ભરતી જ ન થઈ હોય, અને આમ પણ હજારો શિક્ષકોની જગ્યાઓ ખાલી હોય, ત્યારે નિષ્ણાત માનવબળ અને જરૂરી સુવિધાઓ તથા મેદાનો વગર બેગલેસ ડે ના દિવસે બાળકો કરશે શું ? તેવો યક્ષપ્રશ્ન આજે ગામેગામ ચર્ચાઈ રહ્યો છે. એવી ચર્ચા થઈ રહી છે કે સરકારે આ બધો વિચાર કરીને તથા લોકોના સૂચનો મેળવીને આવી જાહેરાત કરવી જોઈતી હતી. એવો કટાક્ષ પણ થઈ રહ્યો છે કે બેગલેસ ડે ક્યાંક બાળકો માટે "યુઝલેસ ડે" તો નહીં બની જાય ને ? કહેવત છે ને કે વગર વિચાર્યું જે કરે, પાછળથી પસ્તાય...
રાજ્ય સરકારે તગડી ફી લેતા તથા કુદરતી ન્યાયના સિદ્ધાંતોની વિરૂદ્ધ જઈને વેકેશનમાં એક પણ કિલોમીટર દોડાવ્યા વિના સ્કૂલબસનું પૂરેપૂરૃં ભાડુ વસુલતી શૈક્ષણિક સંસ્થાઓ તથા ખાનગી વાહન ચાલકો-રિક્ષા ચાલકો પર અંકુશ લગાવવો જોઈએ, અને વિવિધ ચાર્જીસના નામે ઉઘાડી લૂંટ ચલાવતી શાળાઓને ખૂલ્લી છૂટ ન મળવી જોઈએ, તેવા પ્રત્યાઘાતો પણ વાલીવર્ગમાં પડી રહ્યા છે. આજે ટોક ઓફ સ્ટેટ બનેલો બીજો મુદે સ્કૂલ ઓફ એકસલન્સનો પણ છે. એવી આશંકા વ્યક્ત થઈ રહી છે કે મળતિયાઓ સંચાલિત ખાનગી સ્કૂલોને ફી વધારવા એટલે કે એફ.આર.સી.માંથી મૂક્ત કરી દઈને વાલીઓને લૂંટવાની છૂટ આપવાનું આ ગૂપ્ત સરકારી ષડયંત્ર છે !
લોકોમાં ચર્ચાઓ થાય, લોકોના પ્રતિભાવો આવે, રાજકીય પક્ષો, એન.જી.ઓ. કે જાગૃત નાગરિકોના પ્રત્યાઘાતો સામે આવે કે સ્થાનિક તંત્રો કે ગ્રામ્ય-તાલુકા-જિલ્લાકક્ષાએથી સૂચનો આવે, તો તેનું સંકલન કરીને જરૂરી સુધારા-વધારા કરવા અને આ તમામ ચર્ચાઓ-પ્રત્યાઘાતો પૈકી જરૂર જણાય ત્યાં તૂર્ત જ જરૂરી ખુલાસાઓ કરીને સત્ય હકીકત લોકો સમક્ષ રજૂ કરવાની જવાબદારી પણ સ્થાનિક થી રાજ્યકક્ષા સુધીના શાસકો, તંત્રો તથા પ્રચારતંત્રોની છે, પરંતુ તેવું થતું નથી. રાજ્યકક્ષાનું પ્રચારતંત્ર માત્ર ને માત્ર સરકારની વાહવાહી કરતું રહેશે, આજે જરૂરી સ્પષ્ટતાઓ કે ખુલાસાઓ નહીં કરે અને સરકાર જરૂરી સુધારા-વધારા નહીં કરે, તો ભ્રમ ફેલાતો જ રહેશે, જે રાજ્યમાં સત્તા પરિવર્તન સુધી પહોંચશે, એટલું જ નહીં, કોંગ્રેસ હવે સંપૂર્ણપણે સક્રિય નહીં થાય તો ત્રીજો પક્ષ તૈયાર જ બેઠો છે !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial