Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાંગલાદેશમાં બદલતા સમીકરણો ભારતને કેવી અને કેટલી અસરો કરશે? શાંતિ અને સ્થિરતાની આશા જાગી
ભારતની ચોતરફ પડોશી દેશોમાં અરાજક્તા અને અજંપો પ્રવર્તે છે અને બાંગલાદેશમાં તો સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે દુનિયાના દેશો બાંગલાદેશ જતા-આવતા કે કોઈ કારણે ત્યાં રહેતા પોતાના દેશવાસીઓને સાવચેત રહેવાની એડવાઈઝરી જાહેર કરી રહ્યા છે, તો બીજી તરફ ભારતે બાંગલદેશમાં રહેતી લઘુમતીઓ અને ખાસ કરીને હિન્દુઓ પર થતા અત્યાચારની નોંધ લઈને કેટલાક ડિપ્લોમેટિક કદમ ઊઠાવ્યા છે, તો બીજી તરફ બાંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં ગુજરાત સહિત દેશભરમાં પ્રચંડ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ સંજોગોમાં બાંગલાદેશ પર સૌની નજરો મંડાયેલી છે અને હવે બાંગલાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલીફા જીયાના પુત્રના લંડનથી થયેલા આગમન પછી બાંગલાદેશમાં સ્થિરતા અને શાંતિ સ્થપાશે, તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે, ત્યારે બાંગલાદેશની વર્તમાન સ્થિતિનો ઘટનાક્રમ જાણવા થોડું પાછળ જવું પડશે, અને ફ્લેશબેક કહાની સંક્ષિપ્તમાં સમજવી પડશે.
શેખ હસીનાને રાજકીય વારસો
વર્ષ ૧૯૭૧ માં પાકિસ્તાનમાંથી બાંગાલદેશને આઝાદી અપાવનાર શેખ મુજીબુર રહેમાનની પુત્રી શેખ હસીનાને રાજકીય વારસામાં પાર્ટીનું પ્રમુખપદ તથા દેશનું વડાપ્રધાન પદ મળ્યું છે તેવું કહી શકાય.
શેખહસીનાની રાજકીય સફર
વર્ષ ૧૯૯૬ માં અવામી લીગને બાંગલાદેશની સંસદની ચૂંટણીમાં બહુમતી મળી અને શેખ હસીના વડાપ્રધાન બન્યા, તે પહેલા ખાલીદા જીયા વડાપ્રધાન હતાં અને બાંગલાદેશ રાષ્ટ્રવાદી પાર્ટી સત્તામાં હતી તે પછી રાજકીય અસ્થિરતા ચાલી અને વર્ષ ર૦૦૧ પછી સત્તાવિહોણા રહેલા શેખ હસીના ૯ મી જાન્યુઆરી-ર૦૦૯ માં ફરી વડાપ્રધાન બન્યા અને આવામી લીગનું શાસન આવ્યું. તે પછી વર્ષ ર૦૧૪, વર્ષ ર૦૧૮ અને વર્ષ ર૦ર૪ માં ફરીથી ચૂંટણીઓ જીતીને શેખ હસીના વડાપ્રધાન બન્યા, જો કે વર્ષ ર૦ર૪ માં ચૂંટણીઓમાં ગરબડ થઈ હોવાના ત્યાંના વિપક્ષોએ ગંભીર આક્ષેપો કર્યા. તે પછી જુદા જુદા કારણો તથા ભિન્ન ભિન્ન માંગણીઓ સાથે બાંગલાદેશમાં થતા આંદોલનના કારણે શેખ હસીના પર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રેસર વધ્યું.
રાજીનામું આપી દેશ છોડ્યો
શેખ હસીના સામે હજારો પ્રદર્શનકારીઓએ આંદોલન કર્યું અને યુવાનો-વિદ્યાર્થીઓ સડક પર ઉતર્યા. ત્રીજી ઓગસ્ટે શહીદ મીનાર પાસે એક્ઠા થયેલા આંદોલનકારીઓએ શેખ હસીનાના રાજીનામાની માગણી કરી. તા. પાંચમી ઓગસ્ટે 'ચલો ઢાકા'ના સૂત્ર હેઠળ લાંબી કૂચ નીકળી. તે પછી વિદ્યાર્થીઓએ સંસદભવન, વડાપ્રધાન કાર્યાલય અને વડાપ્રધાન નિવાસસ્થાન 'ગણભવન'ને ઘેરો ઘાલ્યો. પોલીસ અને પેરામિલ્ટ્રી ફોર્સ આંદોલનકારીઓને રોકી શકી નહીં, અને બપોરે બાંગલાદેશની સેનાના પ્રમુખ જનરલ-ઉઝ-ઝુમાને રાષ્ટ્રજોગ પ્રવચનમાં જાહેર કર્યું કે શેખ હસીનાએ રાજીનામું આપ્યું છે અને સ્વૈચ્છિક રીતે દેશ છોડ્યો છે. તે પછી ભારત સરકારે તેણીને રાજ્યાશ્રય આપ્યો છે અને ત્યારથી શેખ હસીના ભારતમાં રહે છે.
વચગાળાની સરકાર
તે પછી વર્ષ ર૦ર૪ની આઠ ઓગસ્ટે નોબેલ પારિતોષિક વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં બાંગલાદેશમાં વચગાળાની સરકાર રચાઈ. મોહમ્મદ યુનુસના શાસનમાં કટ્ટરપંથીઓ બેલગામ બન્યા અને બાંગલાદેશમાં રહેતા લઘુમતી સમુદાયો અને ખાસ કરીને હિન્દુઓ પર હુમલાઓ વધ્યા અને સરાજાહેર હત્યાઓ થવા લાગી. બાંગલાદેશ અને ભારત વચ્ચે સંબંધો વણસ્યા અને બાંગલાદેશની વચગાળાની સરકાર પાકિસ્તાન તરફી બનતા અખત્યાર કરવા લાગી. બીજી તરફ અવામી લીગને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકી દેવાયો. બાંગલાદેશમાં તે પછી અરાજક્તા એટલી હદે ફેલાઈ ગઈ છે કે વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ પોતે પણ ચોતરફથી ઘેરાવા લાગ્યા છે અને સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય દબાણ પણ વધ્યું છે.
અત્યારે બાંગલાદેશમાં આંતરિક ગૃહયુદ્ધ જેવી બેકાબુ સ્થિતિ છે, તેવા સમયે બાંગલાદેશના ગંભીર રીતે બીમાર વડાપ્રધાન ખાલીદા જીયાના પુત્ર પોતાના પરિવાર સાથે લંડનથી પરત આવતા રાજકીય સમિકરણો બદલાયા છે.
તારીક રહેમાનની ઘરવાપી
બાંગલાદેશમાં ઘણાં વર્ષો સુધી શાસન કરનાર ખલીદા જીયાના પુત્ર તારીક રહેમાન જ્યારે બાંગલાદેશ પરત આવ્યા ત્યારે હજારો લોકોએ સડકો પર ઉતરીને તેને ઉમળકાભેર આવકાર આપ્યો છે. આગામી ફેબ્રુઆરીમાં બાંગલાદેશમાં સંસદની જનરલ ચૂંટણી થવાની છે, તેમાં અવામી લીગ પર ચૂંટણી લડવાનો જ પ્રતિબંધ હોવાથી બાંગલાદેશ નેશનાલિસ્ટ પાર્ટી એટલે કે બાંગલાદેશ રાષ્ટ્રવાદી પાર્ટી બીએનપી માટે મેદાન મોકળુ થઈ ગયું છે, અને તારીક રહેમાન કટ્ટરવાદી પરિબળો દ્વારા લઘુમતીઓની હત્યા થાય, તેના પણ વિરોધી હોવાથી દેશમાં સ્થિરતા અને શાંતિની સ્થાપના કરી શકશે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. ૧૭ વર્ષે સ્વદેશ પરત ફરેલા તારીક અહેમદે પણ માત્ર મુસ્લિમ નહીં, પણ બધા ધર્મોની વાત કરીને નવી આશા જગાવી છે. તેમણે હિન્દુઓની હત્યાની ટીકા પણ કરી છે.
બાંગલાદેશમાં હિન્દુઓની
હત્યાનો સીલસીલો
બીજી તરફ બાંગલાદેશમાં હિન્દુઓની હત્યાઓનો સીલસીલો યથાવત્ રહ્યો છે. દીપુની હત્યા પછી તેના દેશવ્યાપી અને વિશ્વવ્યાપી પ્રત્યાઘાતો પડ્યા હતાં. તે પછી પણ હત્યાઓનો સીલસીલો અટકાયો નથી અને તે પછી મોબલીન્ચીંગમાં શ્યામ નામના હિન્દુનો જીવ ગયો અને હવે અમૃત નામના હિન્દુ યુવાનને ટોળાએ મારપીટ કરીને મારી નાખ્યો. આ સીલસીલો કટ્ટરવાદી વિદ્યાર્થી નેતા ઉસ્માન હાદીની હત્યા પછી શરૂ થયો છે, અને અટકવાનું નામ લઈ રહ્યો નથી.
જો કે, પોલીસે અમૃતની હત્યાને ખંડણી પ્રકરણમાં ખપાવી દીધી છે, છતાં કોઈપણ કારણે થતી હત્યાને જસ્ટીફાય તો કરી જ શકાય નહીં ને? બીજી તરફ રશિયાની જેમ અમેરિકાના ટ્રમ્પ, ચીનના શી જિન્પિંગે આ મુદ્દે સ્પષ્ટ સ્ટેન્ડ લીધું નથી. તે ઘણું જ સૂચક છે.
વિશ્વના માનવતાવાદીઓ ચૂપ કેમ?
ભારતમાં જ્યારે ભૂતકાળમાં મોબલીન્ચીંગથી કોઈનો જીવ જવાની એકાદ ઘટના બનતી ત્યારે દુનિયાભરના માનવાધિકારીઓ હુઆપો મચાવતા હતાં, તે જ માવતાવાદીઓ બાંગલાદેશમાં ઉપરાછાપરી હિન્દુઓની હત્યાઓ થતી હોવા છતાં ચૂપ કેમ છે, અને એકાદ-બે અપવાદ સિવાય ભારતની માનવાતાવદી હોવાનો દાવો કરતી કેટલીક સંસ્થાઓ પણ કેમ બહુ કાંઈ બોલતી નથી, અને ભારતના કેટલાક નેતાઓ રાજનીતિની અસર હેઠળ બાંગલાદેશમાં થતી હિન્દુઓની હત્યાને જસ્ટિફાઈ કરવા જેવા મૂર્ખામીભર્યા નિવેદનો કેમ આપી રહ્યા છે? તે પણ વિચારવા જેવું ગણાય.
જો શેખ હસીનાની પાર્ટીને ચૂંટણી લડવા જ ન દેવાય તો ખાલીદા જિયાની પાર્ટીને મોકળુ મેદાન મળે અને તારીક રહેમાન બાંગલાદેશના વડાપ્રધાન બને, તેવી શક્યતાઓ નકારી શકાતી નથી અને તેવું થાય તો પણ ભારત માટે ક્યાંક બકરૂ કાઢતા ઊંટડું ઘૂસી જાય, તેવો ઘાટ તો નહી સર્જાયને? તેવી ચર્ચાઓ પણ થવા લાગી છે, કારણ કે તારીક રહેમાનની વિચારધારા પણ ભારત વિરોધી જ ગણાય છે, જો કે તારીક રહેમાન અને તેના માતા ખાલીદા જિયાની મૂળ વિચારધારામાં દેશમાં અશાંતિ કે લઘુમતીઓની હત્યાને છૂટ આપવા જેવી કટ્ટરપંથી માનસિક્તા નહીં હોવાથી ભારત માટે 'મામા હોય જ નહીં, તેના કરતા કાણામામા હોય તો શું ખોટ?' તેવી કહેવત મુજબ મહમદ યુસુફની સરખામણીમાં તારીક રહેમાન ભારત માટે ઓછા હાનિકર્તા બને તેમ છે, તેવી માન્યતાઓ સાથે ઘણાં લોકો એવું પણ કહે છે કે, ભારતે લીલીઝંડી આપ્યા પછી જ તારીક રહેમાનની બાંગલાદેશમાં વાપસી થઈ છે અને તેની પાછળ આંતરરાષ્ટ્રીય રાજનીતિનું દબાણ પણ કામ કરી રહ્યું છે. જોડા સમય પહેલા જ ખાલીદા જિયાની બીમારીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંવેદના વ્યક્ત કરી હતી. તેને સાંકળીને વૈશ્વિક રાજનીતિના વિશ્લેષકો એવી અટકળો કરી રહ્યા છે કે કટ્ટરવાદી અને આતંકવાદી તરફી પાકિસ્તાન પરસ્ત પરિબળો બાંગલાદેશ પર કાયમી કબજો જમાવી દ્યે કે પછી ચીન ખાછલા બારણેથી ઘૂષણખોરી કરે, તે પહેલા ભારતે શેખ હસીનાને ભારતમાં જ રાજ્યાશ્રિત રાખીને તારીક રહેમાન પર દાવ ખેલાયો હોય, તેવું બની શકે છે. જે હોય તે ખરૂ, પરંતુ તારીક રહેમાનની દેશવાપસીએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે, તે હકીકત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial