Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વંશવાદથી માત્ર તક મળે છે, સફળતા તો કાર્યક્ષમતા અને બુદ્ધિથી જ મળે છે
વંશવાદ બહુ બદનામ શબ્દ અને પ્રથા છે. લોકોને આ શબ્દ અને પ્રથાથી નફરત છે. અંગ્રેજીમાં નેપોટીઝમ શબ્દ છે, તે એ દર્શાવે છે કે, અંગ્રેજોમાં પણ વંશવાદ હોવો જોઈએ. માત્ર ભારત જ નહીં, આખી દુનિયામાં સંતાનો અથવા સગા સંબંધીઓને આગળ કરવાની પ્રથા ચાલી આવે છે. અંગ્રેજી ડિક્ષનેરી મુજમ નેપોટીઝમનો અર્થ... હોદ્દા કે નોકરી આપવા બાબતે સગા વ્હાલા પ્રત્યે ખાસ પક્ષપાત થાય છે. વર્તમાન સમયમાં આ માટે ગાંધી પરિવારના રાહુલ ગાંધી અને અમિત શાહના પુત્ર જય શાહને ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે.
વંશવાદથી માત્ર તક મળે છે, સફળતા તો કાર્યક્ષમતા અને બુદ્ધિથી જ મળે છે. ધાર્મિક લોકો મને માફ કરે પણ, જો વંશવાદથી જ વ્યક્તિ મહાન, સફળ, ધનિક કે હીરો બની શકતો હોત તો, રામના પુત્રો, કૃષ્ણના સંતાન, રાવણના વંશજ ઇતિહાસ લખી શકાય તેટલા મહાન બન્યા હોત! હિટલરના વારીસ, ચાર્લી ચેપલીનના સગા સંબંધી, નેપોલિયન બોનપાર્ટના પુત્ર-પુત્રીઓ મહાનતા પ્રાપ્ત કરી શક્યા હોત. લી'ઓનારડોના સંતાનો કલાકાર બન્યા હોત.
ક્ષમતા અંદરની બાબત છે. સચિનદેવ બર્મનના પુત્ર રાહુલ દેવ બર્મન મહાન સંગીતકાર બન્યા, પરંતુ તેમણે તેમની પ્રતિભા દર્શાવી હતી. મહંમદ રફી, મુકેશના સંતાનો તક મળી હોવા છતાં પણ કાઠું કાઢી શક્યા નથી. આર,ડી. બર્મનના સંતાનો ક્યાં છે? કોઈને ખબર નથી! જવાહરલાલ નહેરૂના પુત્રી ઇન્દિરા ગાંધીએ પોતાની ક્ષમતાનો પરિચય આખા વિશ્વને આપ્યો હતો. રાજીવ ગાંધી અને રાહુલ ગાંધી પણ નેપો કિડ્ઝની કેટેગરીમાં આવે. નરેન્દ્ર મોદી વંશવાદના વિરોધી હોવા છતાં પક્ષમાં અનેક નેતાઓના સંતાનો હોદ્દા ભોગવી રહૃાા છે.
વંશવાદ
સગાવાદ એટલે સગાસંબંધીઓ અથવા નજીકના મિત્રોને, ખાસ કરીને તેમને નોકરી, પ્રમોશન અથવા અન્ય લાભો આપીને, તેમની લાયકાત અથવા યોગ્યતાને ધ્યાનમાં લીધા વિના, પક્ષપાત દર્શાવવાની પ્રથા. તેને વ્યાપકપણે ભ્રષ્ટાચારનું એક અનૈતિક સ્વરૂપ માનવામાં આવે છે જે વ્યવસાય, રાજકારણ અને અન્ય ક્ષેત્રોમાં ન્યાયીપણા અને યોગ્યતાને નબળી પાડે છે. લાયકાત કરતા વધારે મળવું તે વંશવાદ છે. વંશવાદથી માત્ર સીડીના એક કે બે પગથિયાં ચડી શકાય છે, ટોચ ઉપર પહોંચવા માટે તો બાહુબળ જ જોઈએ.
દુનિયામાં માત્ર ૧૦ ટકા લોકો જ પરિવરવાદને કારણે આગળ વધે છે અથવા સફળ બને છે. ભારતના બે વર્તમાન નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ આપબળે આગળ વધેલા લોકો છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ આપબળે આગળ આવ્યા છે. વંશવાદ બદનામ છે, પરંતુ ૧૦૦ ટકા સફળતાની ગેરંટી નથી.
તાજેતરમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર જામનગર આવ્યા હતા, તે નેપો કીડ' કહી શકાય. ધંધા અને રાજકારણમાં વંશવાદ શક્ય છે. સચિન તેંડુલકરના પુત્ર અર્જુન ખાસ કંઈ ઉકાળી શક્યો નથી. હા, તેને આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટમાં બેટ પકડવા મળ્યું તે.. વંશવાદ છે!
ગળથૂથી
ગુજરાતીમાં આ શબ્દ બહુ પ્રચલિત અને પ્રાચીન છે. બાળકના જન્મ બાદ નજીકના સગા કે જે, સફળ, સુઘડ, નસીબદાર અને સર્વ માન્ય હોય તે ગળથૂથી પીવડાવે છે. ગળથૂથીમાં ગોળનું પાણી અથવા મધ આપવામાં આવે છે. માન્યતા છે કે, નવજાત જે પ્રથમ આહાર લે, તેના ગુણ અને સ્વભાવ આવે તેવી માન્યતા છે.
નરેન્દ્ર મોદીને અને રાહુલ ગાંધીને ગળથૂથી કોણે પીવડાવી હશે તે રામ જાણે! પુત્ર, પુત્રીને સંસ્કાર અને અનુભવ પરિવારમાંથી મળે તે સ્વાભાવિક છે. ગળથૂથી પીવડાવે તેવાજ સંસ્કાર અને કાર્યક્ષમતા બાળકમાં આવશે તેવું કોઈ વિજ્ઞાનમાં સાબિત થયું નથી! આમ છતાં આજે પણ આ પ્રથા અમલમાં છે. નરેન્દ્ર મોદી અને ધીરૂભાઈ અંબાણીને કોણે ગળથૂથી પીવડાવી હશે?
નેપો બેબી
વાલીઓનો વારસો બાળકને મળે તેને હું બહુ સ્વાભાવિક માનું છે. ગૌતમ અદાણી શું પાડોશીના છોકરા છોકરીઓને ગાદીએ બેસાડે? ગાદી તો અતિ વિશ્વાસુ કે લોહીના સંબંધો હોય તેને જ મળે. સંતાન કે ભાઈ, ભત્રીજામાં આ બન્ને ગુણ જોવા મળે. લાલુ પ્રસાદ યાદવ અને મુલાયમસિંહ યાદવના સંતાનો રાજકારણમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી લે તે બહુ સ્વાભાવિક છે!
અન્યાય
વંશવાદ સામાન્ય લોકોના પ્રતિભાશાળી બાળકોને બહુ અન્યાય કરે છે. મોટા લોકોના બાળકો સીધાં સીડીના પહેલાં પગથિયે ઊભા રહે છે ત્યાં સામાન્ય લોકોના બાળકોએ પહોંચવા માટે જાત ઘસી નાખવી પડે છે. અમિત શાહના પુત્ર જય શાહ સીધા બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઓફ ઈન્ડિયા (બીસીસીઆઈ)ની ટોચની ખુરશી ઉપર બેસી ગયા, ત્યાં સામાન્ય યુવાન કે સફળ ખેલાડીને પહોંચતા જન્મારો વીતી જાય છે! આવી મોટી જગ્યાઓ ઉપર જેમને બેસવા ન મળે તે મોટો અન્યાય થયો ગણી શકાય.
અનેક યુવક-યુવતીઓ ફિલ્મ જગતમાં સફળ થવા માટે જિંદગી પસાર કરી નાખે ત્યાં સુપર સ્ટારના સંતાનો મોટા બેનરની ફિલ્મો સરળતાથી મેળવે છે. શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જ્હાન્વી કપૂર તેનું ઉત્તમ ઉદાહરણ છે. રાજકારણમાં લાલુપ્રસાદ યાદવ અને મુલાયમસિંહ યાદવના સંતાનો પિતાના નામે કાઠું કાઢી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાઈઓને રાજકારણથી અળગા રાખે છે.
બ્રિટનમાં ધનાઢ્ય પરિવારોમાં જેની ગણના થાય છે તે ભારતીય હિન્દુજા પરિવારમાં ત્રીજી પેઢીના પરિવારના સભ્યો પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ધરાવે છે, જેમાં ગોપીચંદના પુત્રો અશોક લેલેન્ડ અને ગલ્ફ ઓઇલ ઇન્ટરનેશનલના અધ્યક્ષ છે, અને શ્રીચંદની પુત્રી હિન્દુજા બેંક (સ્વિટ્ઝર્લેન્ડ)નું નેતૃત્ત્વ કરે છે.
પ્રતિભા
વંશવાદ કે નેપોટીઝમ સફળતા માટે એકમાત્ર મંત્ર નથી. એક જમાનાના જ્યુબિલી સ્ટાર રાજેન્દ્ર કુમારના પુત્ર કુમાર ગૌરવની પ્રથમ ફિલ્મ લવ સ્ટોરી સુપર હિટ રહી. તે બીજી ફિલ્મથી જ સુપર ફ્લોપ રહૃાા. આજે કુમાર ગૌરવ ક્યાં ખોવાઈ ગયા તે ખબર નથી. પૃથ્વીરાજ કપૂરના સંતાનોએ વંશવાદનો ભરપુર લાભ ઉઠાવ્યો. જો કે, અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેકની કારકિર્દી જામતી નથી, આમ છતાં બચ્ચન હોવાને કારણે ચાલ્યા જાય છે. વંશવાદથી તક મળે છે, પરંતુ પ્રતિભા હોવી જરૂરી છે. ટેનિસ ખેલાડી પ્રકાશ પાદુકોણેની પુત્રી દિપીકા પાદુકોણે હાલમાં ફિલ્મ જગતમાં ટોચના સ્થાને છે.
હલેસાંના કારણે હોડી તરે, પરંતુ હલેસાં કોઈ દિવસ હોડી નથી બની શકતી!
લીકર કિંગ મનાતા વિજય માલ્યાનો પુત્ર સિદ્ધાર્થ પિતાનો વારસો સાચવી શક્યો નથી. હાલમાં લંડનમાં છે. પ્રસિદ્ધ ઉધોગપતિ ધીરૂભાઈ અંબાણીના પુત્ર અનિલ અંબાણી પણ કાઠું કાઢી શક્યા નથી. એક સમયના મોટા વિડીયોકોન જૂથના વેણુગોપાલ ધૂતના સંતાનો કંપની સંભાળી શક્યા નથી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સંતાનો ચાર્ટર્ડ વિમાનમાં ઊડે તે સ્વાભાવિક છે. મીડિયા મોગલ રૂપાર્ટ મરડોકના સંતાનો આ ક્ષેત્રમાં જ પ્રવૃત્ત છે.
દુનિયાના અતિ ધનાઢ્ય સોફ્ટવેર જાઈન્ટ બિલ ગેટ્સ વંશવાદમાંથી મુક્ત રહૃાા છે. તેમની ભૂતપૂર્વ પત્ની મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સને ત્રણ બાળકો છેઃ પુત્રીઓ જેનિફર કેથરિન ગેટ્સ (જન્મ ૧૯૯૬) અને ફોબી એડેલે ગેટ્સ (જન્મ ૨૦૦૨), અને પુત્ર રોરી જોન ગેટ્સ (જન્મ ૧૯૯૯). બાળકો પ્રમાણમાં ખાનગી જીવન જીવે છે, દવા, ઘોડેસવારી રમતો, ફેશન અને હિમાયતમાં પોતાની રૂચિઓ ધરાવે છે, જેનિફર ડોક્ટર અને ઘોડેસવાર છે, રોરી અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અને ફોબી ડિજિટલ ફેશન અને સામાજિક મુદ્દાઓમાં સામેલ છે. જો કે તેમણે પિતાના નામ અને પ્રસિદ્ધિનો લાભ મળી રહૃાો છે તે અલગ બાબત છે. એમેઝોન કંપનીના સ્થાપક જોફ બેસોસ તેના સંતાનો બાબતે ચૂપકીદી સેવે છે. તેને પોતાના વિશાળ સામ્રાજ્યથી દૂર રાખે છે. એલોન મસ્કના બાળકો બહુ નાના છે તેથી તેની ચર્ચા કરવી અસ્થાને છે.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના પુત્ર રિતેશ દેશમુખે રાજકારણ અપનાવ્યું નથી. તે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં એક સફળ અભિનેતા/નિર્માતા છે અને કોમેડી અને ખલનાયકની ભૂમિકાઓ માટે જાણીતા છે. અન્ય નોંધપાત્ર ઉદાહરણોમાં મંત્રી તાનાજી સાવંતના પુત્ર રૂષિરાજ સાવંતનો સમાવેશ થાય છે, જે મરાઠી સિનેમામાં પણ અભિનય કરે છે. જો કે બીજી તરફ એવી પણ દલીલો થઈ રહી છે કે રિતેશને પિતાના હોદ્દાને કારણે ફિલ્મ ઉદ્યોગમાં તકો મળી રહી છે!
ગુજરાતમાં માધવસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરીના પુત્રો રાજકારણમાં છે. નિરમા કંપનીના કરશનભાઇ પટેલના સંતાનો પણ નિરમાનો કારોબાર સંભાળી રહૃાા છે. વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશનું રાજકારણમાં મોટું નામ છે.
ટોરેન્ટ ફાર્મા, ટોરેન્ટ ગ્રુપ યુ.એન. મહેતા દ્વારા સ્થાપિત એક જૂથ છે, જે હવે તેમના પુત્રો સમીર મહેતા (ચેરમેન) અને સુધીર મહેતા (ચેરમેન એમેરિટસ) સંભાળે છે, એમડી અમન મહેતા જેવી ત્રીજી પેઢી હવે આ બહુ-અબજ ડોલરના કૌટુંબિક વ્યવસાયમાં મુખ્ય નેતૃત્ત્વ ભૂમિકાઓ સંભાળી રહી છે. ડો. રાજીવ મોદી કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના વર્તમાન ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. આ કંપનીની સ્થાપના તેમના પિતા, ઇન્દ્રવદન એ. મોદીએ કરી હતી, અને ડો. રાજીવ મોદીએ ૨૦૧૨ માં તેમના પિતાના અવસાન પછી કંપનીમાં નેતૃત્ત્વની ભૂમિકાઓ સંભાળી હતી. ધીરૂભાઈ અંબાણીની કંપની રિલાયન્સ હવે તેના પુત્ર મુકેશભાઇ સંભાળે છે. મુકેશભાઈના સંતાનો પણ હવે દાદા અને પિતાનો વારસો આગળ વધારી રહૃાા છે.
ફરજ
સંતાનને યોગ્ય તક આપવી તે દરેક વાલીની પ્રાથમિક ફરજ છે. દરેક માતાપિતા પોતાનું સંતાન મહાન બને, સફળ બને અને આગળ વધે તે દિલથી ઈચ્છે છે. સંતાન નાનું હોય ત્યારે લાલન પાલન કરે, અને યુવાન બને ત્યારે પણ તેને બાળક સમજીને જ મદદ કરે છે. અંગ્રેજીમાં તેને 'બેબી ફીડિંગ' કહેવાય છે. માતા પિતા જીવે ત્યાં સુધી બેબી ફીડિંગ ચાલુ રહે છે. આ માનસિકતા સમગ્ર વિશ્વમાં છે. સંતાનની કાળજી રાખવી તે માનવ સહજ સ્વભાવ છે. મોટા માણસનું બાળક મોટું બને તે સ્વાભાવિક છે.
સારાંશ
નોપોટીઝમ અથવા વંશવાદ એ સામાન્ય વલણ છે. તેમાં સફળતા અપવાદ છે. પરિવારનો ધંધો કે પ્રથા આગળ વધારવા માટે પરિવારના સભ્યોને જ પસંદ કરવામાં આવે તે બહુ સામાન્ય બાબત બની રહી છે. તેમાં સફળતાની બહુ ગેરંટી હોતી નથી. આગળ જતાં પ્રતિભા જરૂરી બની રહે છે.
પોતાના બળે અને જ્ઞાને આગળ વધતાં તમામ લોકોને શુભકામના.
૫રેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial