Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
થોડા સમય પહેલા પી.એમ.ના આયુષ્માન કાર્ડની હેલ્થ સ્કીમમાં જામનગર સહિત ગુજરાતમાં કૌભાંડો પકડાયા અને કૌભાંડિયાઓ સામે કાનૂની કાર્યવાહી થઈ હતી. તે પહેલા કેન્દ્ર સરકારની તે સમયની મનરેગા યોજનામાં વ્યાપક કૌભાંડોની રાવ ઉઠી હતી અને તેમાં પણ તપાસ યોજાયા પછી કાનૂની કાર્યવાહીની પ્રક્રિયા ચાલી રહી છે. હવે 'કેગ'ના રિપોર્ટમાં કેન્દ્ર સરકારની કૌશલ્ય યોજનામાં કૌભાંડના અહેવાલો આવ્યા છે, તેથી કેન્દ્રીય યોજનાઓમાં કચાશના કારણે કૌભાંડોની ભરમાર હોવાની ચર્ચા આજે ટોક ઓફ ધ નેશન બની રહી છે.
યુવાવર્ગને રોજગારીની વિપુલ તકો મળશે, તેવા દાવા સાથે વર્ષ-૨૦૧૫માં પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના શરૂ કરાઈ હતી, જેને ટૂંકમાં પી.એમ.કે.યુ.વાય. તરીકે ઓળખવામાં આવે છે. યુવાવર્ગને ઉદ્યોગ અને વ્યવસાય સંબંધિત ટૂંકાગાળાની તથા લાંબાગાળાની તાલીમ પૂરી પાડીને તેઓને સન્માનજનક રોજગારી પ્રાપ્ત થાય, તેવા હેતુથી શરૂ થયેલી આ યોજના હેઠળ નિઃશુલ્ક શિક્ષણ-પ્રશિક્ષણ-તાલીમ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારો આપવામાં આવે છે. આ યોજનામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોનો યુવાવર્ગ, મહિલાવર્ગ અને એસ.સી., એસ.ટી., ઓબીસી વર્ગોને વિશેષ લક્ષ્યમાં રાખીને ત્રણ વર્ષના અકસ્માત વિમા ઉપરાંત સ્કીલ લોનની જોગવાઈઓ પણ કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૧૫માં શરૂ થયેલી આ યોજનાનો વર્ષ ૨૦૨૨ સુધીમાં ૪૦ કરોડથી વધુ યુવાવર્ગે લાભ લીધો હોવાના અહેવાલો હતા અને ટેલિકોમ કંપનીઓ, ખાનગી કંપનીઓ તથા કેટલાક જાહેર સાહસોમાં યુવાવર્ગને નોકરી મળી હોવાના તથા આ તાલીમ મેળવ્યા પછી કેટલાક યુવાનોએ સ્ટાર્ટ-અપમાં ઝંપલાવ્યું હોવાના દૃષ્ટાંતો સાથે ઘણાં લાભાર્થીઓએ પોતીકો વ્યવસાય શરૂ કરીને રોજગારી મેળવ્યા ઉપરાંત આર્થિક પ્રગતિ કરી હોવાના સાફલ્યગાથાઓ પણ ગજવવામાં આવી રહી હતી, પરંતુ 'કેગ'ના રિપોર્ટે આ દાવાઓની પોલ ખોલી નાખી છે અને તેમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
લોકસભામાં રજૂ થયેલા 'કેગ'ના રિપોર્ટની વિસ્તૃત વિગતો જેમ જેમ બહાર આવતી જાય છે, તેમ તેમ કેટલીક કેન્દ્રીય યોજનાઓમાં રહેલી "કચાશ"ના કારણે ચાલી રહેલા કૌભાંડોનો પર્દાફાશ થતો જાય છે. આ જ પ્રકારના કેગના એક રિપોર્ટમાં પી.એમ. કૌશલ વિકાસ યોજનાના કૌભાંડનો ઘટસ્ફોટ પણ થયો છે.
પીએમકેવીવાય યોજના તરીકે ઓળખાતી આ યોજનાના કેગના રિપોર્ટ મુજબ સંખ્યાબંધ લાભાર્થીઓની મુળભૂત વિગતો જ બોગસ નીકળી છે. અને બેંકખાતા, ઈ-મેઈલ આઈડી, મોબાઈલ નંબર સહિતની મહત્ત્વપૂર્ણ વિગતો જ કાં તો અધુરી બતાવાઈ છે, અથવા તો તદ્દન ખોટી બતાવાઈ છે.
કન્ટ્રોલર એન્ડ એડિટર જનરલ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ અનેક લાભાર્થીઓ માટે એક જ તસ્વીર, કે એડ્રેસ અપાયા છે. ઘણાં ટ્રેનિંગ સેન્ટરો પર તાળા લટકતા હોવા છતાં તેના પ્રોગ્રેસ રિપોર્ટ બતાવાયા છે. વાસ્તવમાં ચાલતા હોય તેવા કેન્દ્રોના ૩૪ લાખથી વધુ ઉમેદવારોને પેમેન્ટ જ મળ્યું નથી. ગયા વર્ષના રિપોર્ટ મુજબ ૯૫ લાખમાંથી ૬૧લાખ જેટલા પ્રમાણિત ઉમેદવારોને જ યોજનાકીય સહાય મળી છે. ઘણાં લાભાર્થીઓના બેંક એકાઉન્ટ તો છે, પરંતુ નંબર ખોટા છે.
વર્ષ ૨૦૧૫-૧૬માં આ યોજના માટે પ્રથમ તબક્કામાં ૧૫૦૦ કરોડનું બજેટ ફાળવાયુ હતું. અને ૨૪લાખના લક્ષ્યાંક સામે લગભગ ૨૦લાખ યુવાનોને આ તાલીમ અપાઈ હતી.
બીજા તબક્કામાં કેન્દ્ર અને રાજ્યકક્ષાએ લાગુ કરાયેલી આ યોજના હેઠળ ૧૨હજાર કરોડનું બજેટ ફાળવાયુ હતું, જેમાં ૨૫ટકા હિસ્સો રાજ્ય સરકારોનો હતો, અને એક કરોડથી વધુ યુવાવર્ગોને કૌશલ્યવર્ધનની તાલીમ અપાઈ હોવાનો દાવો કરાયો હતો. કોરોનાકાળ પછી વર્ષ ૨૦૨૧-૨૨માં ત્રીજા તબક્કામાં ૯૪૯ કરોડનું બજેટ રખાયુ હતું.
કેગના રિપોર્ટ મુજબ સ્કિલ ઈન્ડિયા પોર્ટલ પર નોંધાયેલા બેંક એકાઉન્ટ્સના નામોના કોલમમાં 'નલ' કે 'ઝીરો' લખાયું હોય કે તે ખાના ખાલી જ રખાયા હોય તો તેમાં ગરબડની આશંકા જાગે છે. કેટલાક બેંક ખાતાના નંબરો એકથી વધુ લાભાર્થીઓ માટે નોંધાયા હતા. તો કેટલાક નંબરો તો માત્ર સિમ્બોલિક હોય તેમ બધા એકડા અથવા એકથી નવ સુધીના આંકડા લખીને કોલમ ભરી દેવાયા હતા.
કેગના રિપોર્ટ મુજબ વધુ ગરબડ જોવા મળી હોય તેવા રાજયોમાં ઉત્તરપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્ર મોખરે છે. ઘણાં સેન્ટરો યોગ્યતા નહીં ધરાવતા હોવા છતાં તેને કાગળ પર "શ્રેષ્ઠ"નો દરજ્જો આપી દેવાયો હતો. સૌથી વધુ આશ્ચર્યજનક તથ્ય તો એ બહાર આવ્યું છે કે એક જ અધિકારી એક જ દિવસે આ યોજના સંદર્ભે આંધ્રપ્રદેશ, બિહાર અને ગુજરાતના અનેક કેન્દ્રોની સ્વયં મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હોવાનો રેકર્ડ પર દર્શાવાયુ હતું.
રિપોર્ટનો સંદર્ભ આપીને આવી રહેલા અહેવાલો મુજબ રેકર્ડ પર દર્શાવેલા ૩૬ટકાથી વધુ ઈ-મેઈલ આઈડી જ બોગસ નીકળ્યા હતા. ઈ-મેઈલ પર પત્ર વ્યવહાર કરતા માત્ર ચાર ટકા લાભાર્થીઓએ જ પ્રતિક્રિયા આપી હતી. અહેવાલ મુજબ હવે સુધારાત્મક પગલાં લેવાયા છે અને કે.વાય.સી., ક્યૂ આર કોડ, અને ડિજિટલ પ્રમાણપત્ર જેવી "સિસ્ટમ" લાગુ કરાયા પછી "બોગસ" ખાતાઓ બંધ થયા છે અને ખોટા લાભાર્થીઓ બતાવીને કૌભાંડો કરનાર સંસ્થાઓ અને સેન્ટરોના સંચાલકો પાસેથી વસુલાત સહિતની કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. જો કે, "અબ પછતાને સે ક્યા ફાયદા, જબ ચિડિયા ચુભ ગઈ ખેત..."ની કહેવત મુજબ આ બધી ઢાંક પીછોડો કરવાની કવાયત હોય તેમ જણાય છે.
પી.એમ. જેવા શબ્દો સાથે જોડીને શરૂ કરાયેલી અન્ય કેટલીક કેન્દ્રીય યોજનાઓમાં પણ વ્યાપક કચાશ રહેલી છે અને કૌભાંડો બહાર આવી રહ્યા છે, ત્યારે "કેગ"ના આ રિપોર્ટને "દર્પણ" ગણીને સરકારે હવે અરીસો નહીં પણ સ્વયં આત્મમંથન તથા ઊંડી તપાસ કરીને મળતીયાઓના હિતોને એકબાજુ રાખીને પારદર્શક સિસ્ટમો અમલી બનાવવી જોઈએ તેવો જનમત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial