Advertisement
Author: નોબત સમાચાર

પરીક્ષાના પરિણામો આવી ગયા, હવે શું ? નિરાશાઓમાં પણ અમર આશા છે મોજુદ...

                                                                                                                                                                                                      

આજે હાયર સેકન્ડરીના ધેરણ ૧૨નું વિજ્ઞાનપ્રવાહ અને સામાન્યપ્રવાહ ઉપરાંત ગુજકેટના પરિણામો જાહેર થયા અને વિદ્યાર્થીઓ તથા વાલીઓ - પરિવારજનોની સવારથી જ ઊભી થયેલી કુતૂહલતા બપોર થતાં થતાં  ભવિષ્યના આયોજન, ચિંતા અથવા દ્વિધામાં પલટાઈ ગઈ અને સ્વાભાવિક રીતે જ "કહીં ખુશી કહીં ગમ" નો માહોલ સર્જાયો છે, અને ઉત્કૃષ્ટ પરિણામો મેળવનાર વિદ્યાર્થીઓ તથા તેના પરિવારજનોમાં ઉમંગ ઉછળી રહ્યો છે. બીજી તરફ ધાર્યુ પરિણામ ન આવ્યુ હોય તે ઉત્તીર્ણ ન થયા હોય તેવા વિદ્યાર્થીઓએ પણ હતાશ થવાની જરૂર નથી, તેવું કાઉન્સીલીંગ કરીને તેઓને હવે પછીના વિકલ્પો સમજાવાઈ રહ્યા છે. ઓછી ટકાવારી આવી હોય, તેવા વિદ્યાર્થીઓ માટે પણ ઉજ્જવળ ભવિષ્ય તથા કારકિર્દી ઘડવાના ઉપલબ્ધ સંખ્યાબંધ વિકલ્પોની સમજ પણ અપાઈ રહી છે, ત્યારે એવું કહી શકાય કે પરિણામો પછીનો આ સમય વિદ્યાર્થીઓ માટે એક નવો પડકાર પણ છે અને એક ઉજ્જવળ અવસર પણ છે.

પરીક્ષા હોય કે પોલિટિકસ, બન્નેમાં પડકારો પણ હોય છે અને તેમાં જ સફળતાઓ પણ સમાયેલી હોય છે. જેવી રીતે એકાદ વખત ચૂંટણી હારી ગયા પછી હતાશ થઈને મેદાન છોડીને ભાગવાના બદલે પોલિટિકસને મોટા ભાગે ૫ુનઃ પ્રયાસો કરતા રહે છે તેવી જ રીતે જીવનના કોઈપણ ક્ષેત્રમાં એકાદ-બે વખત નિષ્ફળતા સામે હારી જવાના બદલે વધુ મક્કમતાથી આગળ વધવાના પરિણામો પણ મોટા ભાગે ઉત્તમ અને આશાવાદી જ રહેતા હોય છે. માત્ર રાજકીય ક્ષેત્ર જ નહીં, વ્યાપાર, ઉદ્યોગ, અને વ્યવસાયો તથા ઉચ્ચ કારકિર્દીના ક્ષેત્રે પણ એવા અનેક ઉદાહરણો મળી આવશે, જેમાં નિષ્ફળતાઓની જ નિસરણી બનાવીને લોકોએ ઝળહળતી સિદ્ધિઓ અને સર્વોચ્ચ સફળતાઓ હાંસલ કરી હોય.....

આપણાં દેશમાં પણ વિવિધ ક્ષેત્રે અનોખી ઉપલબ્ધિઓ ઉપલબ્ધ કરતાં પહેલાં અનેક પડકારોનો સામનો વૈજ્ઞાનિકો, સંશોધકો, ઈન્ડસ્ટ્રીયાલીસ્ટો, પોલિટિશ્યન્સ, બિઝનેસમેન અને બ્યુરોક્રેટ્સ વગેરે એ કર્યો હતો તે પણ હકીકત જ છે ને ?

આપણા દેશમાં અંતરિક્ષ વિજ્ઞાનના પ્રારંભે આપણા સાયન્ટિસ્ટો અને સંલગ્ન વૈધાનિક સંસ્થાઓએ પણ ઘણો જ પડકારોનો સામનો કર્યો હતો. એક સમય એવો હતો, જયારે લગભગ ૬ દાયકાઓ પહેલા વર્ષ ૧૯૬૦ ના દાયકામાં ઈસરોએ પહેલું રોકેટ થુમ્બાથી લોન્ચ કર્યુ હતું, તેને સાયકલ અને બળદગાડામાં લોન્ચીંગના સ્થળ સુધી પહોંચાડ્યુ હતું. ભારતે જ્યારે વર્ષ ૧૯૬૩ માં પ્રથમ રોકેટ લોન્ચ કર્યુ ત્યારે ઘણાં મર્યાદિત સાધનો હતા, ફંડની લિમિટ હતી અને, જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા સંસાધનો પણ ઘણાં જ ઓછાં હતા, તેમ છતાં આપણા સ્પેસ સાયન્ટિસ્ટો હિંમત હાર્યા નહોતા અને જે સુવિધાઓ ઉપલબ્ધ હતી તેનો પરિશ્રમપૂર્વક ઉપયોગ કરીને અવકાશી સિદ્ધિઓની બુનિયાદ રચી હતી. એ જ દેશ આજે અંતરિક્ષમાં ડોગ ફાઈટીંગ જેવી અંતરિક્ષની અત્યાધુનિક સફળતાઓ મેળવી રહ્યો છે. આપણો દેશ ભારત અત્યારે ચંદ્ર, મંગળ અને સૂર્યનો અભ્યાસ કરવા સુધીના મિશન્સ તો ચલાવી જ રહ્યો છે પરંતુ દુનિયાભરના ઉપગ્રહોને ઈસરોના માધ્યમથી અંતરિક્ષમાં સ્થાપવામાં આવી રહ્યા છે. આમ, શૂન્યમાંથી સર્જન કરીને સર્વોચ્ચ સફળતાઓની સોનેરી સિદ્ધિઓ મેળવનાર વિક્રમ સારાભાઈ થી લઈને આજ સુધીના તમામ અંતરિક્ષ વૈજ્ઞાનિકોના જીવનમાંથી પ્રેરણા મેળવીને અને નિષ્ફળતાને જ સફળતાનું પગથિયું બનાવતા રહીને આગળ વધતા રહેવું જોઈએ.

આપણી અંતરિક્ષની સફળતાઓને આજે વિશ્વની મહાસત્તાઓ પણ સલામ કરે છે અને આખી દુનિયામાં ઈસરોનો દબદબો છે, એટલું જ નહીં, હવે ઈસરો જેવી ભગિનિ સ્પેસ ક્ષેત્રની સંસ્થાઓ જેની ઝળહળતી સિદ્ધિના કારણે આપણો દેશ સ્પેસ સમ્રાટ ગણાઈ રહ્યો છે અને નાસા જેવી ઈન્ટરનેશનલ કક્ષાની સ્પેસ સંસ્થાઓની હરોળમાં આપણા દેશની સ્પેસ ઉપલબ્ધિઓ ગણાવાઈ રહી છે, તેની પાછળ અનેક વખતનાં પડકારો, પ્રારંભિક નિષ્ફળતાઓ તથા હાર્યા વગર ફરી ફરીને પ્રયાસો કરતા રહેવાની તત્પરતા અને તાકાત છુપાયેલી છે, જે આજે અનુતીર્ણ થયેલ કે થોડા ઓછા પર્સેન્ટાઈલ મેળવનાર વિદ્યાર્થીઓએ પણ લક્ષ્યમાં લેવું જ જોઈએ.

ઈસરોએ મંગળયાન સફળતાપૂર્વક પ્રથમ પ્રયત્ને જ લોન્ચ કર્યુ. ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારા પ્રથમ દેશ તરીકે ભારતનું નામ સુવર્ણ અક્ષરે નોંધાયુ અને હવે સૂર્યના અધ્યયન માટે ગગનયાન તથા શુક્ર ગ્રહ પર ઉતરાણ કરવાનાં મહત્વકાંક્ષી અભિયાનો શરૂ થવા જઈ રહ્યા છે, જે સૂચવે છે કે અનેક નિરાશાઓમાં એક અમર આશા છુપાયેલી હોય છે. અંતરિક્ષની સિદ્ધિઓમાં ગુજરાતીઓનો પણ બુનિયાદી સિંહફાળો છે. અંતરિક્ષ વિજ્ઞાનના ભારતના જનક વિક્રમ સારાભાઈથી લઈને તાજેતરમાં સ્પેસ સ્ટેશનમાં ઘણાં મહિનાઓ વિતાવીને ધરતી પર પરત ફરેલી સુનિતા વિલિયમ્સ સુધીના ભારતીઓએ ગ્લોબલ સિદ્ધિઓ મેળવીને ભારતમાતાનું નામ રોશન કર્યુ છે, તેમાંથી પ્રેરણા લઈને આજના પરિણામો પછી સફળ-અસફળ રહેલા અને ઉચ્ચ પર્સેન્ટાઈલ મેળવેલા તમામ વિદ્યાર્થીઓએ હવે પછીની કારિકર્દી ઘડવા આગળ વધી જવું જોઈએ, ખરું ને ?

તાજા અહેવાલો મુજબ ભારતે સ્પેડેક્ષ મિશન અંતર્ગત પૃથ્વીથી લગભગ ૫૦૦ કિલોમીટર દૂર ભ્રમણ કરી રહેલા "ચેંઝર" અને "ટાઈગર" ઉપગ્રહો વચ્ચે આકાશમાં જ દાવપેચ કરાવીને અત્યાધુનિક સ્પેસ ટેકનોલોજીની ભારતની સિદ્ધિઓ તથા શક્તિઓનો પરિચય આપ્યો છે. આ બન્ને ઉપગ્રહો અંતરિક્ષમાં પ્રતિ કલાક ૨૮હજારથી વધુ કિલોમીટરની ગતિએ ઉડી રહ્યા છે. થોડો સમય પહેલા અમેરિકાએ ચીનના ઉપગ્રહો વચ્ચે અવકાશમાં ડોગ ફાઈટ અંગે ચિંતા વ્યકત કરી હતી, ત્યારે ભારતની આ સિદ્ધિથી અમેરિકાને પણ કહીં ખુશી કહીં ગમની અનુભૂતિ એક સાથે થઈ હશે !

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh