Advertisement
Author: નોબત સમાચાર

માળિયા-સુરજબારી વચ્ચે ૩ વાહનો વચ્ચે જોરદાર ટક્કરથી લાગી ભીષણ આગઃ ૪ મુસાફરો ભડથુ

પાંચ ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં: પલટેલા કન્ટેનર સાથે ટેન્કર અને કાર અથડાતા સર્જાઈ કરૂણાંતિકાઃ

                                                                                                                                                                                                      

મોરબી તા. ૮: માળિયા-સુરજબારી વચ્ચે ગત રાત્રે ત્રણ વાહનો ટકરાતા ભીષણ આગ લાગી હતી અને ચાર  મુસારફરોના મૃત્યુ થયા હતા. જ્યારે પાંચ ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં ખસેડાયા હતા, અને સાત લોકોને રેસ્ક્યૂ કરાયા હતા. આગ બુઝાવવા માટે નજીકના શહેરોમાંથી ફાયરબ્રિગેડ દોડી ગઈ હતી.

મોરબી નજીક માળિયા-સુરજબારી પુલ પર ગઈ રાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. એક કન્ટેનર પલટી મારી જતા પાછળ આવતી અર્ટીગા કાર સાથે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં આગ લાગી હતી, જેમાં બે વિદ્યાર્થી અને ટેન્કરમાં સવાર ડ્રાઈવર અને કલીનરના કરૂણ મૃત્યુ થયા છે.

મોરબી-કચ્છ હાઈવે પર માળિયા મિયાણા તાલુકાના હરિપર ગામ પાસે સુરજબારી પુલ નજીક ગઈરાત્રે ૧૧ વાગ્યાના અરસામાં ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. સૌ પ્રથમ એક કન્ટેનર પલટી મારી ગયું હતું. ત્યાર પછી એની પાછળ આવી રહેલું ટેન્કર સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં પાછળથી આવી રહેલ અર્ટિગા કાર પણ ટેન્કર સાથે અથડાઈ હતી.

અકસ્માત પછી વાહનોમાં આગ લાગી હતી. આ આગમાં અર્ટિગા કારમાં સવાર બે બાળકો અને ટેન્કરના ડ્રાઈવર તથા કલીનર સહિત કુલ ચાર વ્યક્તિ ભડથુ થઈ ગઈ હતી. અર્ટિગા કારમાં સવાર અન્ય લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. મૃતકોના પાર્થિવ દેહોને પોષ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવાની પ્રક્રિયા પણ આરંભાઈ હતી. માળિયા તાલુકા પોલીસ તથા મોરબી જિલ્લા એસ.પી.ને બનાવની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને અકસ્માત થયેલા વાહનોને રોડ સાઈડમાં ખસેડવા માટેની કામગીરી કરવામાં આવી હતી. અને કચ્છ-મોરબી હાઈવેને ક્લિયર કરવામાં આવ્યો હતો.. આ અકસ્માતમાં ઘાયલ થયેલા પાંચ વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે સામખિયાળીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માત પછી આ કચ્છ તરફ જતા હાઈ-વે પર પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ અને હાઈવે ઓથોરિટીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતગ્રસ્ત  વાહનોને રોડની એક તરફ ખસેડવાની કામગીરી શરૂ કરી હતી.

આ ભયાનક અકસ્માતમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી, જ્યારે ટેન્કરનો કેબિન સહિતનો મોટો ભાગ પણ આગમાં નાશ પામ્યો હતો. વાહનો હટાવવાની કામગીરી બાદ ટ્રાફિક ધીમે ધીમે પૂર્વવત થયો હતો.

અકસ્માતગ્રસ્ત અર્ટિગા કારમાં સવાર ૭ બાળકો જુનાગઢ આહિર બોર્ડીંગમાં અભ્યાસ કરતા હતા. સાતમ-આઠમના તહેવારને લઈને પોતાના વતન કચ્છ ગાંધીધામ જતા હતા. અર્ટિગા કારમાં સવાર ૭ બાળકોમાંથી બે ના મોત થયા હતા.

આ અકસ્માતમાં રૂદ્ર ગોપાલભાઈ ગુજરીયા ઉ.વ. ૧૫, રહેવાસી મીઠી રોહર, ગાંધીધામ, જૈમીન જગદીશભાઈ બાબરીયા ઉ.વ. ૧૭, રહે. મીઠી રોહર, ગાંધીધામ, શિવરામ મંગલરામ નાઈ, બિકાનેર, રાજસ્થાન અને એક અજાણ્યા વ્યક્તિ સહિત ચારના મોત થયા છે. પાંચ ને સારવાર માટે સામખિયાળી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh