Advertisement
Author: નોબત સમાચાર

વસઈ પાસે થારને ટક્કર મારી બે મોટરમાં આવેલા શખ્સો દ્વારા ત્રણ યુવાન પર ફાયરીંગ

એક યુવાનને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયોઃ બે નગરસેવક વચ્ચેના વધતા જતા વૈમનસ્ય વચ્ચે હુમલાનો ત્રીજો બનાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગર-ખંભાળિયા રોડ પર વસઈ પાસે ગઈરાત્રે જામનગરના એક નગરસેવકના મિત્રો પર બીજા નગરસેવકના ઈશારાથી આઠ શખ્સે અગ્નિશસ્ત્ર, તલવાર, પાઈપ વગેરે હથિયારથી હુમલો કરી બઘડાટી બોલાવી દેતા ત્રણ વ્યક્તિને ઈજા થઈ છે. એકને વધુ સારવાર માટે ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યો છે. એક નગરસેવકે કુલ નવ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એક જ વિસ્તારના બે નગરસેવક વચ્ચે વધતા જતા વૈમનસ્યના કારણે તે વિસ્તારમાં પણ પોલીસ દ્વારા બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે.

જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં આવેલી પાંચહાટડી સહિતના વિસ્તારના નગરસેવક અસલમ કરીમભાઈ ખીલજી ગઈ તા.૨૯મી ડિસેમ્બરની સાંજે જામનગર મહાનગરપાલિકાની ઈમારતમાંથી નીકળીને પોતાના સ્કૂટર પર લાલબંગલાથી ટાઉનહોલ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમના પર મોટરમાં ધસી આવેલા કેટલાક શખ્સોએ અસલમ ખીલજીના જ વોર્ડના બીજા કોર્પોરેટર અલ્તાફ ખફીના કહેવાથી જીવલેણ હુમલો કર્યાની જે તે વખતે પોલીસમાં ફરિયાદ થઈ હતી.

ત્યારપછી અલ્તાફ ખફીના સર્કલના લોકો પર હુમલો થયો હતો. તેની પણ પોલીસમાં ફરિયાદ થયા પછી ગઈકાલે રાત્રે અસલમ ખીલજીના મિત્રો અને ભાણેજ સહિતના વ્યક્તિઓ પર વસઈ પાસે હુમલો થયો છે. આ અંગેની ફરિયાદ આજે વહેલી સવારે અસલમ ખીલજીએ સિક્કા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

આ ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ગઈરાત્રે અગાઉની ફરિયાદના ફરિયાદી શાહનવાઝ તથા રઉફ, અસલમ અને અન્ય વ્યક્તિઓ જામનગરથી જીજે-૧૦-ઈએચ ૩૧૩૦ નંબરની થાર મોટરમાં નીકળ્યા હતા. આ મોટર જ્યારે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર વસઈ ગામ પાસે ચોકલેટના કારખાના નજીક પહોંચી ત્યારે પાછળથી થાર તથા બલેનો મોટરમાં આઠ શખ્સ ધસી આવ્યા હતા.

આ શખ્સોએ પોતાની મોટર વડે ૩૧૩૦ નંબરની થારને ટક્કર મારી રોડ ઉતારી દીધા પછી થંભી ગયેલી મોટરમાં રહેલા યુવાનો પર હલ્લો કર્યાે હતો. જેમાં અનવર ગફાર ખફી ઉર્ફે અન્ના, મુખ્તાર અબ્બાસ ખફી ઉર્ફે ટોપી, તબરેજ, મહેબુબ ખફી, મોહસીન પંચાસીયો, હનીફ મુસા ખફી, હુસેન બોદુ ખફી, હમીદ જાનમામદ ઉર્ફે રાંઝા નામના આઠ શખ્સ તૂટી પડ્યા હતા. જેમાંથી તબરેજના હાથમાં રિવોલ્વર તથા પાઈપ હતા, મહેબુબ ખફીના હાથમાં પણ પિસ્તોલ જેવું હથિયાર અને પાઈપ હતો જ્યારે મોહસીન પંચાસીયાના હાથમાં રિવોલ્વર જેવું હથિયાર હતી. જ્યારે હનીફ મુસા પાસે પાઈપ, હુસેન બોદુ પાસે તલવાર, હમીદ ઉર્ફે રાંઝા પાસે પાઈપ હતા.

આ શખસોએ ૩૧૩૦ નંબરની થાર પર હુમલો   કર્યા પછી જે શખ્સો પાસે રિવોલ્વર અથવા પિસ્તોલ જેવા હથિયાર હતા તે ત્રણ શખ્સે બેથી ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જેમાં શાહનવાઝ, રઉફ તથા અસલમને ઈજા થઈ છે.

પોલીસે અસલમ ખીલજીની ફરિયાદ પરથી અલ્તાફ ખફી તેમજ અન્ય આઠ શખ્સ સામે બીએનએસની જુદી જુદી કલમો અને આર્મ્સ એક્ટ તેમજ જીપી એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે. એક જ વિસ્તારના બે નગરસેવક વચ્ચે વૈમનસ્ય ઉભુ થયા પછી હુમલાની ત્રીજી ફરિયાદ નોંધાવા પામી છે. પોલીસે મામલો નિયંત્રણમાં લેવા માટે મોડીરાત્રે જી.જી. હોસ્પિટલ તથા ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલા આરોપીને પૂરતો બંદોબસ્ત આપ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh