Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અટવાયેલા ગુજરાતી પ્રવાસીઓ-વિદ્યાર્થીઓ માટે હેલ્પ નંબરો જાહેરઃ નેપાળમાં અરાજકતાનો માહોલ યથાવતઃ સુપ્રિમ કોર્ટમાં હજારો ફાઈલો બળીને ખાખ
નવી દિલ્હી/ ગાંધીનગર તા. ૧૦: નેપાળમાં સંસદ, સુપ્રિમકોર્ટ, વડાપ્રધાનના નિવાસ સ્થાનો સહિતના જાહેર સ્થળો ભડકે બળી રહ્યા છે, ત્યારે ત્યાંની સેનાએ દેશનો કબજો સંભાળી લીધો છે, અને શાંતિ સ્થાપવાના પ્રયાસો શરૂ કર્યા છે. દેશ વ્યાપી રાત્રિ કફર્યુ લાગુ કરાયો છે. બીજી તરફ આંદોલનકારીઓએ કેટલીક માંગણીઓ રજૂ કરી હિંસા અંગેની જવાબદારી ખંખેરી નિષ્ફળ નેતાઓ પર આક્ષેપો કર્યા છે. ગુજરાત સરકારે નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓ માટે હેલ્પ લાઈન નંબર જાહેર કર્યા છે.
નેપાળમાં ઊંડા રાજકીય અને સામાજિક સંકટને કારણે વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ ભ્રષ્ટાચાર વિરોધી દેખાવો અને સોશિયલ મીડિયા પરના પ્રતિબંધના આંદોલન પછી રાજીનામું આપ્યું. પ્રદર્શનોમાં પોલીસ કાર્યવાહી દરમિયાન ૨૨ લોકોનાં મૃત્યુ થયાં અને સેંકડો ઘાયલ થયા. તેમજ પ્રદર્શનકારીઓએ સરકારી ઇમારતો, રાજકીય કાર્યાલયો અને સુપરમાર્કેટમાં આગચંપી કરી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે નેપાળની સેનાએ લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ છે.
આંદોલન પછી પ્રદર્શનકારીઓએ પોતાની માંગણીઓ રાષ્ટ્રપતિ અને સેના સમક્ષ રજૂ કરી છે. તેમણે આંદોલન દરમિયાન શહીદ થયેલા લોકોને સત્તાવાર રીતે 'શહીદ' જાહેર કરવા, શહીદ પરિવારોને રાષ્ટ્ર તરફથી સન્માન, અભિનંદન અને રાહત આપવા, બેરોજગારી, પલાયન અને સામાજિક અન્યાયને સમાપ્ત કરવા માટે વિશેષ કાર્યક્રમો લાવવાની માંગ કરી છે.
આ આંદોલન કોઈ પક્ષ કે વ્યક્તિ માટે નહીં, પરંતુ સમગ્ર પેઢી અને રાષ્ટ્રના ભવિષ્ય માટે છે. શાંતિ ફક્ત નવી રાજકીય વ્યવસ્થાના પાયા પર જ શક્ય બનશે. રાષ્ટ્રપતિ અને નેપાળી સેના પાસેથી આશા છે કે આ પ્રસ્તાવોને હકારાત્મક રીતે લાગુ કરવામાં આવશે, તેમ જણાવી આંદોલનકારીઓએ કહ્યુ છે કે, વર્તમાન પ્રતિનિધિ સભાને તાત્કાલિક ભંગ કરવામાં આવે. બંધારણમાં સુધારો અથવા ફરીથી લખવામાં આવે, જેમાં નાગરિકો, નિષ્ણાતો અને યુવાનોની સક્રિય ભાગીદારી હોય. વચગાળાનો સમયગાળો સમાપ્ત થયા બાદ સ્વતંત્ર, નિષ્પક્ષ અને સીધી જનભાગીદારી પર આધારિત નવી ચૂંટણીઓ કરાવવામાં આવે. સીધા ચૂંટાયેલા કાર્યકારી નેતૃત્વની સ્થાપના કરવામાં આવે. છેલ્લા ત્રણ દાયકામાં લૂંટાયેલી સંપત્તિની તપાસ કરીને ગેરકાયદેસર સંપત્તિનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવે. શિક્ષણ, આરોગ્ય, ન્યાય, સુરક્ષા અને સંચાર જેવી પાંચ મૂળભૂત સંસ્થાઓમાં માળખાકીય સુધારાઓ અને પુનર્ગઠન કરવામાં આવે.
નેપાળમાં પરિસ્થિતિ સતત તણાવપૂર્ણ બની રહી છે. સાવચેતીના પગલા તરીકે, હાલ સેનાએ આખા દેશમાં કર્ફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો છે.
નેપાળ ભડકે બળ્યુ છે ત્યારે ગુજરાતી વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ અટવાઈ પડ્યાં છે. આ બધાયને સુરક્ષિત પરત લાવવા ગુજરાત સરકાર વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે.
હિંસક સ્થિતીમાં નેપાળમાં અભ્યાસ કરતાં ગુજરાતી વિદ્યાર્થીઓ અટવાયા છે. સાથે સાથે નેપાળ પ્રવાસે ગયેલાં ગુજરાતી પ્રવાસીઓ ફસાયા હોવાનું જાણવા મળ્યુ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે હેલ્પ નંબરો જાહેર કર્યાં છે. હાલ ગુજરાતી નાગરિકોને કાઠમંડુ સ્થિત ભારતીય દુતાવાસનો સંપર્ક કરવા માટે જાણ કરાઈ છે. નેપાળની રાજકીય અરાજકતાં અને હિંસક સ્થિતિ વચ્ચે કેટલાં ગુજરાતીઓ ફસાયા છે તેની સરકાર દ્વારા અધિકૃત જાણકારી આપવામાં આવી નથી.
ઉલ્લેખનિય છે કે, ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે વિરોધની ચિંગારી સાથે મંગળવારે બીજા દિવસે પણ નેપાળ સળગતું રહૃાું. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે દેખાવકારોએ સંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન અને સુપ્રિમ કોર્ટને આગ ચાંપી દીધી. વડા પ્રધાન કેપી શર્મા ઓલીના વ્યક્તિગત નિવાસસ્થાનથી લઈને ઘણા મંત્રીઓ અને નેતાઓના ઘરો અને કાર્યાલયો સુધી તોડફોડ અને આગચંપી થઈ. સરકારે ગુસ્સા સામે ઝૂકવું પડ્યું અને વડા પ્રધાન ઓલીએ રાજીનામું આપ્યું.
આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. હિંસક વિરોધ પ્રદર્શનોને રોકવા માટે સેનાએ મંગળવારે રાત્રે ૧૦ વાગ્યાથી સમગ્ર દેશનો કબજો સંભાળી લીધો છે. આ પછી પણ ઘણા વિસ્તારોમાં હિંસા ચાલુ છે. મંગળવારે સાંજે પ્રદર્શનકારીઓએ સુપ્રિમ કોર્ટમાં આગ લગાવી હતી, જેના કારણે ૨૫ હજારથી વધુ કેસ ફાઇલો રાખમાં ફેરવાઈ ગઈ હતી. બુધવારે, નેપાળી સેનાએ ૨૭ તોફાની તત્ત્વોની ધરપકડ કરી હતી.
સેનાનું કહેવું છે કે આ લોકો પરિસ્થિતિનો લાભ લઈ તોડફોડ, અરાજકતા, લૂંટફાટ, આગચંપી અને જાનમાલને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડી રહૃાા હતા. પોલીસે તેમની પાસેથી ૩૩.૭ લાખ રૂપિયા રોકડા પણ જપ્ત કર્યા છે. આ ઉપરાંત, ૨૩ બંદૂકો, મેગેઝિન અને ગોળીઓ સહિત ૩૧ વિવિધ પ્રકારના હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. કેપી શર્મા ઓલીએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે અને કાઠમંડુ છોડી દીધું છે. નેપાળમાં અત્યાર સુધીમાં ૨૨ લોકોના મોત થયા છે, જ્યારે ૪૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.
સુપ્રિમ કોર્ટમાં ૨૫ હજાર ફાઇલો બળીને ખાક
નેપાળના ચિતવન જિલ્લામાં મંગળવારે પ્રદર્શનકારીઓએ સુપ્રિમ કોર્ટ અને સરકારી વકીલોની ઓફિસમાં આગ લગાવી દીધી, જેના કારણે ઘણાં દસ્તાવેજો બળીને ખાક થઈ ગયા.
સુપ્રિમ કોર્ટ પરિસરમાં વાહનોને આગ લગાવવામાં આવી. તેઓ આઈટી રૂમમાં ઘૂસી ગયા. તેમણે તેને પણ આગ લગાવી દીધી. મુખ્ય ન્યાયાધીશ અને મુખ્ય રજિસ્ટ્રારના ચેમ્બર બળીને ખાક થઈ ગયા. ૨૫,૦૦૦ કેસોની ફાઇલો રાખ થઈ ગઈ છે. તોડફોડ અને આગચંપીને કારણે સુપ્રિમ કોર્ટની વેબસાઇટ ડાઉન છે, જોકે ડેટાનો બેકઅપ લેવામાં આવ્યો હતો.
બીજી તરફ નેપાળ સરકારી અધિકારીઓ ઇમરજન્સી હેલિકોપ્ટરમાં લટકીને ઉતાવળમાં દેશ છોડીને ભાગી ગયા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહૃાો છે. નેપાળની નવલપરાસી પશ્ચિમ જિલ્લા જેલમાં ૫૦૦થી વધુ કેદીઓ ભાગી ગયા, તેમણે જેલની અંદર આગ લગાવી અને મુકિતીની માંગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા. મોટાભાગના કેદીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતાં.
નેપાળમાં રાજાશાહી અને લોકશાહીનો રકતરંજીત ઈતિહાસ
વર્ષ ૨૦૦૮ સુધી નેપાળ લગભગ ૨૫૦ વર્ષ સુધી રાજાશાહી રહૃાું. ૧૯૫૧માં લોકશાહીનો પ્રયાસ શરૂ થયો હોવા છતાં, તેને વારંવાર અટકાવવામાં આવ્યો. ૧૯૯૬થી ૨૦૦૬ સુધી, માઓવાદી બળવાખોરો અને રાજાશાહી વચ્ચે ૧૦ વર્ષનું ગૃહયુદ્ધ ચાલ્યું, જેમાં ૧૭ હજારથી વધુ લોકો માર્યા ગયા. અંતે, ૨૦૦૭માં રાજાશાહીનો અંત લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો અને ૨૦૦૮માં નેપાળને લોકશાહી પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું.
જો કે, લગભગ ૩ કરોડની વસતિ ધરાવતા નેપાળમાં ૧૦૦થી વધુ વંશીય જૂથો અને ભાષાઓ છે, જેના કારણે રાજકીય સર્વસંમતિ બનાવવી હંમેશા મુશ્કેલ રહી છે. ૨૦૦૮થી અહીં સરકારો સતત બદલાતી રહી અને ભ્રષ્ટાચારના બનાવો વધતા રહૃાા છે.
સીપીએન-યુએમએલના નેતા કેપી શર્મા ઓલી ૨૦૧૫માં પહેલીવાર વડાપ્રધાન બન્યા. ૨૦૨૪માં તેમણે નેપાળી કોંગ્રેસ સાથે ગઠબંધન સરકાર બનાવી અને એવું નક્કી થયું કે બંને પક્ષો ૨૦૨૭ સુધી વારાફરતી સરકાર ચલાવશે, પરંતુ હિંસક વિરોધ બાદ ઓલીએ મંગળવારે રાજીનામું આપી દીધું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial