Advertisement
Author: નોબત સમાચાર

આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડતા ૧૦ના મૃત્યુઃ વાહનો નદીમાં ખાબકયા

એનડીઆરએફ તથા ફાયર બ્રિગેડની ટીમ પહોંચીઃ રાહત-બચાવની કામગીરી ચાલુઃ જર્જરિત થવા છતાં બિર્જ ચાલુ કેમ રખાયો?: પ્રશ્નો ઉઠયા

                                                                                                                                                                                                      

વડોદરા તા.૯: આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રજ તૂટી પડતા ૭ વાહનો મહીસાગર નદીમાં ખાબકતા ૧૦ના મૃયુ થયા હોવાના અહેવાલો છે. રાહત-બચાવ કામગીરી ચાલુ હોઈ મૃતકાંક વધી શકે છે. એક ટ્રક લટકતી હાલતમાં જોવા મળી રહ્યો છે.

વડોદરા-આણંદ જિલ્લાને જોડતો પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં કુલ ૭ વાહનો નદીમાં ખાબકયા છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૦ લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે. જયારે પાંચ લોકોના રેસ્કયુ કરાયા હતા. શરૂઆતમાં ૫ાંચ મૃતદેહો પછી વધુ પાંચ મૃતદેહો મળતા મૃતકાંક ૧૦ થઈ ગયો છે. હજુ મૃતકાંક વધી શકે છે.  મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

માહિતી અનુસાર એક ટ્રક, એક બોલેરો અને એક બાઈક સહિત પાંચ વાહનો નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ છે. આ મામલે ખુદ કલેક્ટરે ઘટનાની જાણકારી આપી છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પણ એક્સ પર પોસ્ટ કરીને ઘટનાના વીડિયો શેર કર્યા હતા. બ્રિજ ધરાશાયી થઈ જવાને કારણે મોટાપાયે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે. જેને ધ્યાનમાં રાખીને અમિત ચાવડાએ ટ્રાફિકનો નિકાલ લાવવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા તંત્રને અપીલ કરી હતી. આ બ્રિજનું નામ ગંભીરા બ્રિજ હોવાની જાણકારી મળી છે. નદીમાં ખાબકેલા વાહનો પાસે એક મહિલા મદદ માટે કરગરતી દેખાઈ હતી. જયારે ત્રણ બાળકોના પણ જીવ ગયા હોવાનું જાણવા મળે છે.

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને આકલાવના ધારાસભ્ય ચાવડા દ્વારા આપવામાં આવેલી માહિતી  મુજબ આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને કનેક્ટ કરે છે અને આ બ્રિજની હદ વડોદરા જિલ્લામાં આવતી હોવાથી તંત્રએ કામગીરી હાથમાં લીધી છે.

તેમણે જણાવ્યું કે બ્રિજ તૂટવાની ઘટના બાબતે પોલીસને જાણકારી આપી દેવામાં આવતી હતી. હાલ બ્રિજ તૂટવાના કારણે પાંચ જેટલા વાહનો નદીમાં પડ્યા છે અને એક ટ્રક લટકતી હાલતમાં છે.

અકસ્માત પછી સ્થાનિક વહીવટીતંત્ર ફાયર બ્રિગેડ અને આપત્તિ રાહત ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી ચાલુ છે. ડાઇવર્સની મદદથી, નદીમાં પડી ગયેલા ડ્રાઇવરો અને અન્ય  ઘાયલ વ્યક્તિઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં સતત વરસાદ પડી રહૃાો છે. ગંભીરા પુલ મધ્ય ગુજરાતના મહત્વપૂર્ણ પુલોમાંનો એક છે. તે મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડે છે. માહિતી અનુસાર, આ પુલ ૪૫ વર્ષ જૂનો છે. આ પુલ વડોદરા અને આણંદને જોડે છે અને દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો મુખ્ય માર્ગ છે. વર્ષ ૧૯૮૫માં નિર્માણ પામેલો આ બ્રિજ છેલ્લા ઘણાં સમયથી ભારે વાહનોના સતત પરિવહનને કારણે જર્જરિત સ્થિતિમાં હતો.

સત્તાવાર માહિતી મુજબ અત્યાર સુધીમાં ૩ વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે. આ દુર્ઘટનાને પગલે ભાદરણ તરફથી આવતો સમગ્ર ટ્રાફિક તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક પ્રશાસન અને એનડીઆરએફ ટીમ દ્વારા બચાવ કામગીરી ઝડપથી ચાલુ કરવામાં આવી છે.

પુલ પરનો ભારે વાહનોનો ભાર અને વર્ષોથી જર્જરિત હોવું આ ભંગાણનું મુખ્ય કારણ માનવામાં આવી રહૃાું છે. હાલ પુલના બંને છેડા સીલ કરવામાં આવ્યા છે અને તાત્કાલિક નવા માર્ગ વ્યવસ્થાનો પ્રયાસ ચાલુ છે.

આ બ્રિજ મહિસાગર નદી પર આવેલો છે. તેનું નિર્માણ ૧૯૮૫માં પૂર્ણ કરાયું હતું. બ્રિજ ધરાશાયી થતાં જ માર્ગ નિર્માણ વિભાગની ગંભીર બેદરકારીની પોલ ખુલી ગઇ છે કેમ કે સરકારે નવો બ્રિજ બનાવવા મંજૂરી આપી હતી અને નવા બ્રિજ માટે સરવે પણ હાથ ધરાયો હતો પરંતુ આ બ્રિજની હાલત જર્જરિત થઇ ગઇ હોવા છતાં તેને બંધ નહોતો કરાયો.

દ્વારકાના એક વ્યકિતને ઈજા

મીડિયા અહેવાલો મુજબ દ્વારકાના રાજુભાઈ ડુડાભાઈ પરમાર (ઉ.વ.૩૦) પણ આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh