Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈંગ્લેન્ડના જે મેદાન પર ભારત જ નહીં, એશિયાના કોઈપણ દેશની ટેસ્ટ ક્રિકેટ ટીમે વિજય મેળવ્યો નહોતો, અને આ મેદાનમાં ભારતે અત્યાર સુધી મેચો પૈકી એક જ ડ્રો ગઈ, અને બાકીની તમામ મેચો ભારતીય ટીમ હારી ગઈ હતી. આ મેદાન પર ભારતીય ટીમે ગઈકાલે શાનદાર વિજય મેળવ્યો, અને ૩૩૬ જેટલા જંગી અંતરથી ઈંગ્લેન્ડની ટીમને પરાજય આપ્યો, ખાસ કરીને બંને ઈનિંગમાં શુભમન ગીલે સદીઓ ફટકારી અને પ્રથમ ઈનિંગમાં અઢી સદીથી પણ ઉંચો પહાડ ખડકીને કુલ મળીને ૪૩૦ રન બનાવ્યા, તો બૂમરાહના વિકલ્પે ટીમમાં લેવાયેલ આકાશદીપે ૧૦ વિકેટ લીધી. ટીમ એફર્ટ અને બેટીંગ, બોલીંગ અને ફિલ્ડીંગ (કેટલોક અપવાદ બાદ કરતા) તમામ ખેલાડીઓએ કરેલા ઉત્કૃષ્ટ દેખાવના કારણે આ મેદાન પર એક જ ટેસ્ટમાં ૧૦૦૦ થી વધુ રન બનાવવાનો કીર્તિમાન પણ ટીમે સ્થાપિત કર્યો છે, અને શુભમન ગીલે તો અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે., તેથી આ ઐતિહાસિક વિજયને આપનો દેશ બીરદાવી રહ્યો છે, અને આ ટેસ્ટ મેચમાં જામનગરના ખેલાડી રવિન્દ્ર જાડેજાએ પણ પહેલી ઈનિંગમાં ૮૯ રન અને બીજી ઈનિંગમાં ભારતે દાવ ડિકલેર કર્યો ત્યારે અણનમ ૬૯ રનો બનાવ્યા હતા, તો સિરાજે પણ બંને ઈનિંગમા મળીને કુલ ૭ વિકેટ લીધી હતી, આમ, આ વિજયમાં સમગ્ર ટીમનું યોગદાન ગણાય.
ભારતે સમગ્ર ટેસ્ટમેચમાં ઐતિહાસિક વિજય મેળવ્યો, તેની પાછળ બેટધરોના ચોકા-છક્કા, બોલરોની કાતિલ બોલીંગ અને ફિલ્ડીંગમાં વ્યૂહાત્મક બદલાવની સાથે કેટલાક અસાધારણ કેચ લઈને ભારતીય ટીમે એ પૂરવાર કરી દીધું છે કે રોહીત શર્મા, વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓઓ વારસો યુવા ટીમે શાનદાર રીતે નિભાવ્યો છે.
આજે એક તરફ દેશમાં આ ઐતિહાસિક વિજયની જ ચર્ચા સૌથી વધુ થઈ રહી છે, તો બીજી તરફ મેઘાની મહેર તથા કહેર અને આવી રહેલ ચૂંટણીઓને લઈને ગરમાયેલી રાજનીતિ વચ્ચે ગુજરાતમાં આમઆદમી પાર્ટીના ધારાસભ્યની ધરપકડ પછી રાજકીય માહોલ ગરમાયો છે, તો દેશના કેટલાક સ્થળે અશાંતિ ઊભી થઈ હોવાના કારણે દેશમાં જાણ કે "કહીં ખુશી કહીં ગૂમ" જેવી સ્થિતિ સર્જવા પામી છે.
ગુજરાતમાં આમઆદમી પાર્ટીના એક ધારાસભ્યની ધરપકડ અને તે પછી તંત્ર સાથે બીજા ધારાસભ્યનો વાદ-વિવાદ જોતા એ પૂરવાર થાય છે કે ગુજરાતમાં આમઆદમી પાર્ટીનો નવો પડકાર ઊભો થઈ ગયો છે. તાજેતરમાં ઈશુદાન ગઢવીના નિવેદનો, મિસ-કોલ દ્વારા ભાજપ ફેઈમ સભ્ય નોંધણી ઝુંબેશ અને ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તથા વર્ષ ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓમાં ઈન્ડિયા ગઠબંધન તરીકે નહીં, પરંતુ સ્વતંત્ર રીતે ઝંપલાવશે, તેવા સંકેતો અરવિંદ કેજરીવાલે આપ્યા પછી ગુજરાતમાં ત્રિપાંખીયા રસાકસીભર્યા રાજકીય જંગના એંધાણ વર્તાઈ રહ્યા છે, અને ભારતીય બેટધરોની ફટકાબાજી જેવા આમઆદમી પાર્ટીના નિવેદનો દેશના બંને મુખ્ય રાષ્ટ્રીય કક્ષાના રાજકીય પડકારોને પડકારી રહ્યા હોય તેમ જણાય છે.
આમ પણ, સત્તા પરિવર્તનનો વાવડો હંમેશાં ગુજરાતમાંથી જ ફૂંકાતો રહ્યો છે, વર્ષ ૧૯૭૫ ની કટોકટી સમયે પણ ગુજરાતમાં જનતા મોરચાની સરકાર હતી, અને કટોકટી પછી ગુજરાતની તર્જ પર જ જયપ્રકાશ નારાયણે ઈંદિરા ગાંધી સામે તમામ વિપક્ષોને અકજૂથ કરીને જનતાપાર્ટીથી મોરારજી દેસાઈની સરકાર રચી હતી. તે પછી વર્ષ ૧૯૯૫ પછી ગુજરાતમાં કેશુબાપાની સરકાર આવ્યા પછી રાજકીય કક્ષાએ એન.ડી.એ.ની વાજપેયી સરકાર રચાઈ હતી. જો કે, તે પછી તમામ સમયે કોંગ્રેસે વાપસી કરી હતી, પરંતુ ફરીથી ગુજરાત મોડલના આધારે જ અત્યારે કેન્દ્રની એન.ડી.એ. ની સરકાર સત્તામાં છે. તે પહેલાં પણ આઝાદી મેળવવા માટે બે સદી જેટલા સંઘર્ષમાં અનેક રાજ્યોમાંથી સ્વાતંત્ર્ય ચળવળનું જુદાજુદા સમયે નેતૃત્વ સંભાળ્યું હતું, પરંતુ જયારે આઝાદી મળી, ત્યારે ગુજરાતના જ ગાંધીજી સર્વસર્વો હતા, પરંતુ સરદાર પટેલ, મોરારજી દેસાઈ, ક.મા.મુનશી જેવા ગુજરાત નેતૃત્વનો સિંહફાળો રહ્યો હતો. ટૂંકમાં દેશની રાષ્ટ્રીય રાજનીતિ ની દશા અને દિશા બદલવાની બુનિયાદ ગુજરાતમાંથી રચાઈ હોવાના અનેક દૃષ્ટાંતો ઈતિહાસ અને વર્તમાનમાં જોવા મળે છે, ત્યારે ગુજરાતમાં ફરીથી એકવખત ભાજપ અને કોંગ્રેસ સિવાયના ત્રીજા પક્ષનો ઉદય થશે અને તે સત્તા મેળવશે કે પછી ભૂતકાળના દૃષ્ટાંતોની જેમ થોડા સમયના ચળકાટ પછી ત્રીજો પક્ષ ગાયબ થઈ જશે, તે જોવું રહ્યું...
ગુજરાત અને ગુજરાતીઓનો વિરોધ કરતા પરિબળોને પણ ગુજરાતની આ તવારીખ સાવધ કરે છે અને દેશની એકતા, અખંડીતતા અને આપણી સંસ્કૃતિની વસુધૈવ કુટુંબકમની ભાવનાને પ્રજ્વલિત રાખવાની પ્રેરણા આપે છે, કારણ કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત... તેવી ખુમારી ગુજરાતના કવિઓની કવિતાઓમાં પણ સંભળાય છે...
કેટલાક કેન્દ્રીયમંત્રીઓ પણ હમણાંથી સેલ્ફ ગોલ કરતા હોય તેમ લાગે છે. કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ હિંમતપૂર્વક વાસ્તવિકતા સ્વીકારીને કહ્યું કે ભારતની સમૃદ્ધિ તો વધી રહી છે, પરંતુ ગરીબો ગરીબ જ રહે અને અમીરો વધુ ને વધુ અમીર થતા જાય, તે યોગ્ય નથી. આ વાસ્તવિકતા સ્વીકારતુ તેમનું નિવેદન એન.ડી.એ. સરકાર માટે સેલ્ફ ગોલ જેવું બની ગયું છે., કારણ કે આ જ વાત કોંગી નેતા રાહુલ ગાંધી અવાર-નવાર અલગ શબ્દોમાં કરતા હોય છે...!
તેવી જ રીતે પોરબંદરની ગુંડાગીરી છાપના કારણે વિકાસ પ્રક્રિયા અવરોધાતી હોવાનું કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાનું નિવેદન પણ કાંઈક સેલ્ફ ગોલ જેવું જ છે. અને તેના સંદર્ભે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જે પ્રત્યાઘાતો આપ્યા છે, તે પણ આજે ટોક ઓફ ધ સ્ટેટ બન્યા છે.
ક્રિકેટમાં ઐતિહાસિક વિજય મેળવ્યો, તેથી ક્રિકેટરસીયાઓ ખુશખુશાલ છે. અને કેટલાક સ્થળે નુકસાન થવા છતાં સાર્વત્રિક વરસાદની ખુશી પણ લોકોમાં જોવા મળી રહી છે, અને મહોર્રમની શાનદાર ઉજવણી પછી હવે આવી રહેલા રક્ષાબંધન, સ્વાતંત્ર્યદિન અને જન્માષ્ટમી સહિતના શ્રેણીબદ્ધ તહેવારો ઉજવવાની તૈયારી કરીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial