Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સવિતાને અભિમાન બહુ જ હતું. કઈ વાતનું એ તો એને પણ ખબર નહિ હોય. પણ બહુ જ તોછડી બોલવામાં, કોઈને પણ ઉતારી પાડે. એના પિતા મુરારીલાલને શેરબજારનું બહુ જ સારૂ ચાલતું હતું. તેજીના સમયમાં ખૂબ ધન કમાઈ લીધું હતું એટલે શેરની આપ લે વધી ગઈ હતી. એની ગણના નિષ્ણાતોમાં થતી હતી, લોકો એમની સલાહ લેવા આવતા. કહેવાય કે ક્યા શેર લેવા કે કાઢવા એ એમને ખબર પડતી અને એ રીતે લે વેચ કરતા.... પણ આ તો શેર બજાર ક્યારેક કોઈપણ કારણસર ગણતરી ઊંધી પડી જાય.એમાં મુરારીલાલે ઘણાં ગુમાવ્યા પણ ખરા. જોકે આગળ કમાયા હતા ઘણું એટલે વધુ ઊંડા ના વેતરાયા હોય. મુરારીલાલ ને બે સંતાનો ,મોટો દીકરો જયરામ અને નાની આ દીકરી સવિતા.
જયરામને શેરબજારમાં જરા પણ રસ નહિ. એ જાણે પણ નહિ અને જાણવા શીખવા પ્રયત્ન પણ ન કરે. એ કહે કે આ શું? ક્યારેક આવે તો જથ્થાબંધ આવે અને જાય તો? ભુવા પડે એમ મોટો ખાડો પડે. એમણે એમાં કેટલા ઉઠી ગયા.. એ કહે કે આપણે સારું ભણી અને સારી નોકરી મળી જાય એટલે બસ શાંતિથી જીવવાનું. અને એ ભણ્યો પણ સરસ એ પછી એને બેંકમાં નોકરી મળી ગઈ સારી પોસ્ટ પર , એને થયું કે હવે જીવન શાંતિથી જીવવું. એ કોઈપણ પ્રકારના જોખમ લેવા માંગતો નહોતો. એને આ નોકરીમાં હજી તો વર્ષ માંડ થયું હશે અને એ સૌમાં એના સ્વભાવને કારણે પ્રિય થઈ પડ્યો , એમાં એને સાથે કામ કરતી શ્વેતા સાથે મન હ્ય્દય મળી ગયું એ પછી એ બન્ને ને ખબર પડી કે આપણે એક જ જ્ઞાતિ ગોળ ના છીએ અને દૂર દૂર સબંધ પણ થાય છે. એટલે વાત સરળ બની ગઈ બન્ને એ એમના માં બાપને વાત કરી અને લગ્ન ગોઠવાઈ ગયા. છ મહિનામાં લગ્ન થઈ પણ ગયા. લગ્ન પછી બન્ને એક જ બ્રાન્ચમાં ન રહી શકે એટલે શ્વેતાની બીજી બ્રાન્ચમાં બદલી થઇ ગઈ. બેય એક જ શહેરમાં હતા એટલે સારું હતું. સવારે નીકળે અલગ અલગ, જયરામની બ્રાન્ચ દૂર હતી. શ્વેતાની બ્રાન્ચ ઘરથી દસ મિનિટ એટલે એ પછી નીકળતી.
લગ્ન પછી શરૂઆતમાં સવિતા પોતાની ભાભી સાથે વાત બહુ સરસ રીતે કરતી પણ પછી ધીરે ધીરે પોત પ્રકાશ્યું એ ભાભીને ગમે તેમ બોલવા લાગી. આ બધું થાય જયરામ નીકળી ગયા પછી. શરૂઆતમાં શ્વેતા આ બાબતે જયરામને કાંઈ ન કહેતી. ધીરે ધીરે સવિતાનું બોલવાનું બહુ જ વધી ગયું. હવે હદ થવા માંડી. જોકે સવિતાનું વર્તન ભાઈ જયરામ સાથે પણ બદલાઈ ગયેલ પણ જયરામ ગણકારતો નહીં. આ અત્યાચારના બે વર્ષ પછી એક દિવસ સાંજે જયરામ અને ૫ત્ની શ્વેતાને બેન્કના જ એક કર્મચારીના લગ્ન રિસેપશનમાં જવાનું હતું એટલે શ્વેતા ફટાફટ ઘરે આવી ગઈ અને તૈયાર થવા માંડી. એને સરસ તૈયાર થયેલા જોઈને સવિતા જાતજાતના ટોણા મારવા લાગી. શ્વેતાની આંખમાં આંસુ આવી ગયેલા પણ એણે દેખાવા ન દીધા. વિચારો સવિતા કેટલી હદે શું શું બોલી હશે. થોડીવાર પછી. જયરામ આવી ગયો. એણે ઘરમાં શાંત વાતાવરણ , સવિતાનો ઘુરકિયું કરતો ચહેરો અને આંગિક અંગભંગી જોઈ અને શ્વેતાનો દુઃખી જેવો ચહેરો જોઈ તાગ મેળવી લીધો કે નણંદ ભાભી વચ્ચે કંઈક થયું. છે એ કંઈ ન બોલ્યો. એ પણ તૈયાર થયો અને બન્ને તૈયાર થઇ નીકળી ગયા. રસ્તામાં જયરામે પૂછ્યું કે શું થયું? સવિતા કંઈ બોલી? તમારા બંનેના ચહેરા કહે છે કે કંઈક થયું છે. શ્વેતા કહે બધું જ, આપણે પ્રસંગમાં જઈ પાછા ફરીયે ત્યારે કહીશ. અત્યારે મૂડ ખરાબ નથી કરવો. એ બન્ને બધું ભૂલી મોજ કરી બે કલાકે પાછા નીકળ્યા. કારમાં બેસતા જ જયરામે પૂછ્યું કે શું થયું હતું કહે? અને શ્વેતા એ કહૃાું કે આપણા લગ્નને કેટલા વર્ષ થયા? જયરામ કહે અઢી...વર્ષ. શ્વેતા કહે બરાબર? હવે સાંભળો આજે જે ઘટના બનીને એવી અને એનાથી વિશેષ આ પ્રકારની ઘટનાઓ આપણા લગ્નના છ જ મહિના પછી મારી સાથે ઘટવા માંડી હતી જે મેં તમને ક્યારેય કહૃાું નથી. સવિતા બહેન ને એકેય દિવસ એવો નહીં ગયો હોય કે એણે મને સારું ખોટું કેટલુંય કહૃાું ના હોય. અનેક વાર મને રોવડાવી છે. હું સવારે બધી રસોઈ કરીને નીકળું છું તોય એ કહે કે શેઠાણીને તો રોજ નીકળી જવું છે ઘરના બધા કામ મારે કરવાના હોય છે. ઘરમાં પૈસા આપો છો એનો અર્થ એ નથી કે ઘરના એકેય કામ કરવા નહિ.હકીકતે સવારે રસોઈ હું બનાવું છું. રસોડું એ આટોપતાં હશે. સાંજે રસોઈ એ કરે હું રસોડું સંપૂર્ણ આટોપી સવાર ની ગોઠવણી કરીને સુવા આવું છું. તોય આવું કહે છે, એવું તો કેટલુંયે કીધા કરે છે. આજે તો નવી વાત કે અઢી વર્ષ થયા કોઈ સારા સમાચાર આપતા નથી, બેય ફૂલફટાક મજા જ કરે છે... ઉપરાંત ઘણું બધું.... પાછા કહે ભવિષ્યમાં લોકો વાંઝણી ન કહે એ ધ્યાન રાખજો... એને કેમ સમજાવું કે મારે ઉતાવળ નથી, પ્લાનિંગ થી ચાલીએ છીએ. જય મને આ હવે સહન નથી થતું. જયરામ કહે' આટલો સમય કહૃાું કેમ નહીં.* શ્વેતા કહે કે તમારા ભાઈ બહેન વચ્ચે અણબનાવ થાય અને પપ્પાને ખબર પડે તો એ તમારા પર ગુસ્સે થાય કારણ કે એમને તો દીકરી જ વહાલી છે.અને વળી એમના ધંધામાં મદદ કરે છે. તમારી સાથે તો પપ્પા વાત જ ક્યાં કરે છે? જરૂર પૂરતી જ વાત કરે છે.
એ જ રાત્રે ઘેર પહોંચીને સવિતા જયરામ અને પછી સવિતા મુરારીલાલ વિરૂદ્ધ જયરામ શ્વેતા વચ્ચે રાત્રે બે સુધી ભીષણ વાગ્યુદ્ધ ચાલ્યું.... અનેક વાતો પછી મુરારીલાલ બોલ્યા કે આ મારું ઘર છે... અહીં હું કહું એમ રહેવું પડશે, ના ફાવે તો બીજું ઘર શોધી લેજો.જુદા થઇ જાવ. સવારે શ્વેતા જયરામે બેંકમાં રજા મૂકી ,ઘરનો પોતાનો બધો સામાન લઇ ઘર છોડી દીધું. નીકળતા મુરારીલાલે કહી દીધું કે હવે મારી પાસેથી કોઈ અપેક્ષા રાખતા નહિ. વારસામાં પણ બધું સવિતાનું હશે , રાત્રે એક બ્રોકર મિત્ર સાથે વાત કરેલી એ મુજબ એક ઘર તાત્કાલિક ભાડે લઇ લીધું અને ગોઠવાઈ ગયા. એક વર્ષમાં પોતાના ત્રણ બેડરૂમનો ફ્લેટ ખરીદી લીધો.
એ ઘટના પછી થોડા સમયમાં એમણે એમની દીકરી સવિતા ના લગ્ન એના શેર બજારના જ એક જોડીદારના દીકરા સાથે કરી દીધા. અલબત્ત એ લગ્નની એમણે દીકરા જયરામ અને પુત્રવધૂ શ્વેતાને જાણ થવા જ ન દીધી અને લગ્નમાં આમંત્રણ આપ્યું જ નહોતું. એમને તો લગ્ન પછી ત્રણ દિવસે ખબર પડી. જયારે બેન્કના જ એક ભાઈએ કહૃાું કે તમારી બહેનના લગ્નમાં તમે જ નહીં? અરે એ જમાઈ હવે ઘરજમાઈ રહેવાના છે. જય રામે કહૃાું કે હશે.
પપ્પાએ અમને બધી રીતે બેદખલ કર્યા છે. અમને અફસોસ નથી. હવે અમે બંને અમારી બદલી આ રાજ્યની બહાર કરાવી દઈશું.
અને એમ જ થયું જયરામ શ્વેતા એ એમની બદલી બીજા રાજ્યમાં જ કરાવી દીધી. અને ગયા ત્યાં. સાત વર્ષ થયા. એમને એક સુંદર દીકરી પણ જન્મી. એ પણ સ્કૂલમાં ભણવા જવા માંડી. એમનું જીવન સરસ ચાલતું હતું અને એક દિવસ જયરામે અખબારમાં વાંચ્યું કે ગુજરાતના મોટા ગજાના શેર બ્રોકર દિવાળી આવવાના સમયે જ. નાદાર થઈ ગયા. હ્ય્દયરોગથી અવસાન થયું , એમનો બંગલો નીલામ થશે અને એમના દીકરી જમાઇને રસ્તા પર આવી જવું પડશે. આ શનિવારે એ લોકો રસ્તા પર આવી જશે. શેઠ મુરારીલાલની સઘળી સંપત્તિ જપ્ત થઈ ગઈ છે. દીકરી જમાઈ નું શું થશે? કોઈ સગા સંબંધી કે મુરારીલાલના મિત્રો અને જેમને મુરારીલાલે ઊભા કર્યા છે એ લોકોએ પણ મોઢા ફેરવી લીધા.
સવિતાએ આટઆટલો જુલમ કર્યા છતાં અને ઘરમાંથી જે ખરાબ વર્તન કરી કાઢ્યા છતાં ભાઈનું હ્ય્દય પીગળી ગયું , એટલું જ નહિ. શ્વેતાએ પણ કહૃાું કે જાઓ અને આપણો ફ્લેટ એમને આપી દ્યો. પૈસા પણ આપતા આવો. નિલામીની સવારે જ જયરામ પહોંચી ગયો , સવિતા દોડીને વળગી પડી અને પગમાં પડી ગઈ. જયરામ કહે બહેન ઉભી થા , ચાલો સામાન ક્યાં છે? બનેવી કહે આ રહૃાો પણ ક્યાં જવું? જયરામે બેન્કના ટ્રાવેલરને ફોન કર્યો... મુવર્સ પેકર્સ ના ટેમ્પો વગેરે આવી ગયા , બધો સામાન જયરામ ના ફ્લેટ પર પહોંચી ગયો શ્વેતા ત્યાં હતી જ મજૂરો સાથે, એણે કલાકમાં મજૂરોની મીમ લઇ ઘર ગોઠવી નાખ્યું, જયરામ બેન બનેવીને લઇ આવ્યો સવિતા શ્વેતા ભાભીના પગમાં પડી અને એના આંસુથી એના પગ ભીના થયા. બોલવા લાગી ભાભી મને માફ કરો. બધા નહૃાા ધોયા અને જયરામ હોટલમાં જમવા લઇ ગયો. પાછા આવી જાય રામે કહૃાું કે હવે અહીં જ રહો આ ઘર તમારું. સવિતા કહે આટલું મોટું? અમારું? જયરામ કહે કે બહેન મારા નામે જ છે... હું તમારા નામે કરી નાખીશ અને આ એક લાખ રોકડા... રાખો . બનેવીલાલ માટે હું પછી નોકરીની વ્યવસ્થા કરીશ. ચિંતા ન કરો હજી ભાઈ બેઠો છે. એમ કહી જયરામ શ્વેતા નીકળી ગયા. બહેન બનેવી સજળ નયને એ લોકોને જતા જોઈ રહૃાા. ભાઈ બહેન કે કોઈપણ લોહીના સંબંધ હોય એ અતૂટ જ હોય છે. ભલે બોલાચાલી થાય, સંબંધોમાં અંતર થઈ જાય પણ કોઈ એક ને મુસીબત આવે ત્યારે એક થઈ જાય. દુઃખી પાત્રને ત્યારે પોતાની ભૂલ સમજાય.કે મેં કેવું વર્તન કર્યું હતું? અંતે પારકા કોઈ નહીં પણ અંગત જ આવીને ઊભા ક્યા.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial