Advertisement
Author: નોબત સમાચાર

બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો અને સુચિતાર્થો... પૂનરાવર્તનનો જનાદેશ... જો જીતા વોહી સિકંદર...

                                                                                                                                                                                                      

આજે વહેલી સવારથી બિહારમાં તો રાજકીય ચહલપહલ તેજ થઈ જ ગઈ હતી, પરંતુ રાજધાની દિલ્હીમાં પણ રાષ્ટ્રીયકક્ષાના મુખ્ય રાજકીય પક્ષોમાં પણ હલચલ વધી ગઈ હતી. બિહાર વિધાનસભાની ચૂંટણીઓની મતગણતરી જેમ જેમ આગળ વધી રહી હતી, તેમ તેમ લોકોની ઉત્કંઠા અને કુતૂહલ પણ વધી રહ્યા હતા. બે દાયકાથી મુખ્યમંત્રીપદ સંભાળી રહેલા નીતિશકુમાર માટે આ લિટમસ ટેસ્ટ હતો અને આરપારની લડાઈ હતી. તો તેજસ્વી યાદવ માટે તેની રાજકીય કારકીર્દિની અગ્નિપરીક્ષા હતી. બિહારની ચૂંટણીના બહુ કોણીય મુકાબલો હતો પરંતુ મુખ્ય ફાઈટ એનડીએઅ ને મહાગઠબંધન વચ્ચે હતી., અને ભારતીય જનતા પક્ષ, જે.ડી.યુ.ની સામે આર.જે.ડી. અને કોંગ્રેસની પ્રતિષ્ઠાનો સવાલ પણ હતો. બિહારની ૨૪૩ સભ્યોની વિધાનસભામાં સાદી બહુમતી માટે ૧૨૨ બેઠકોની જરૂર હતી, પરંતુ મતદારોએ દોઢીથી વધુ બેઠકો આપી દીધી છે.

એકઝીટ પોલના તારણો એન.ડી.એ.ની તરફેણમાં આવ્યા હતા પરંતુ મહાગઠબંધન અને ખાસ કરીને તેજસ્વી યાદવે તે ફગાવી દીધા હતા તથા હરિયાણાની જેમ બિહારમાં પણ એકઝીટ પોલ્સ ઉલટા પૂરવાર થશે તથા તેજસ્વી યાદવના નેતૃત્વમાં જ સરકાર રચાશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગઈકાલે સાંજે તેજસ્વી યાદવે તો મહાગઠબંધનની બેઠક પણ બોલાવી લીધી હતી, પરંતુ આજે પરિણામોમાં સુપડા સાફ થતાં જણાયા હતા.

બિહાર વિધાનસભાની ચૂંટણીની રાષ્ટ્રીય રાજનીતિમાં પણ વ્યાપક અસરો થવાની છે, અને આગામી બે-ત્રણ વર્ષમાં આવનારી અન્ય રાજ્યોની ચૂંટણીઓ પર પણ તેની પ્રત્યક્ષ કે પરોક્ષ અસરો થવાની છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં જયાં જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવતા વર્ષે થનાર છે, ત્યાં પણ આ પરિણામોની અસરો થવાની સંભાવના હોવાથી પણ આજના પરિણામોની દૂરગામી અસરો થશે, તથા તેના સુચિતાર્થોનું વિશ્લેષણ પણ થશે, એટલું જ નહીં, ચૂંટણી પ્રક્રિયા તથા એસ.આઈ.આર.ના મુદ્દા પણ રાષ્ટ્રીયકક્ષાએ ગુંજતા રહેવાના છે.

આજે સવારે જ્યારે પહેલા પોષ્ટલ મતો ગણાતા હતા, ત્યારે પ્રારંભમાં મહાગઠબંધનની સરસાઈ હતી, પરંતુ પછી કાંટે કી ટક્કર હતી. તે પછી રાઉન્ડવાર મતગણતરી શરૂ થયા પછી ચિત્ર ધીમે ધીમે બદલવા લાગ્યું હતું, અને મહાગઠબંધનમાં તેજસ્વી યાદવની આરજેડીની સર્વાધિક બેઠકો પર સરસાઈ હતી, જ્યાએ એનડીએ ગઠબંધનમાં ભાજપ અને જેડીયુ અગ્રેસર જણાતા હતા. બિહારમાં કોંગ્રેસનો પહેલેથી જ નબળો દેખાવ રહ્યો હતો, જ્યારે ગઠબંધનોના સાથીદાર અન્ય પક્ષોના પરિણામો પર પણ સૌ કોઈની નજર મંડાયેલી હતી. એનડીએને મળેલા પ્રચંડ જનાદેશના કારણો અને તારણોની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

પક્ષવાર જોઈએ તો શરૂઆતથી જ પ્રથમ ત્રણ (ટોપ થ્રી) માં ભાજપ, જેડીયુ અને આરજેડીનો સમાવેશ થતો જણાયો હતો. મહાગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય તથા પ્રાદેશિક પક્ષોમાં તેજસ્વીના સમર્થક મતદારો અથવા આરજેડીના મતો ટ્રાન્સફર થયા નહીં હોવાનું તારણ પણ  નીકળી રહ્યું છે તો ઘણાં વિશ્લેષકો કોંગ્રેસે એકલા હાથે લડવાની જરૂર હતી તેવું માને છે, જ્યારે કેટલાક વિશ્લેષકોના અભિપ્રાય મુજબ આરજેડીએ એકલા હાથે ચૂંટણી લડી હોત તો પણ કાંઈક સારૃં પરિણામ આરજેડીને મળ્યું હોત.

આ ચૂંટણીમાં એનડીએને પ્રચંડ બહુમત મળ્યો, પરંતુ જેડીયુને પાછળ રાખીને ભાજપની તોતીંગ બહુમતી થાય, તેવા ગૂપ્ત કથિત મનસુબા ઘણાં નેતાઓના હતા, તે સાકાર થયા નથી. અને જેડીયુનો હાથ ઊંચો રહ્યો છે. બીજી તરફ એનડીએમાં તમામ પક્ષોના સમર્થકોના મતો એકબીજાને ટ્રાન્સફર થયા, પરંતુ મહાગઠબંધનમાં તે પ્રકારે મતો ટ્રાન્સફર નહીં થવાના તારણો નીકળી રહ્યા છે. જે હોય તે ખરૃં, પરંતુ હવે તો જો જીતા વોહી સિકંદર...!!

મહાગઠબંધનના નેતાઓ ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણીતંત્રને લઈને પહેલેથી જ સવાલો ઉઠાવી રહ્યા હતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તો ઘણાં સમયથી "વોટચોરી" નો મુદ્દો ઉઠાવી રહ્યા હતા, ત્યારે હવે બિહાર વિધાનસભાની ચૂંટણી પછી વિપક્ષી ગઠબંધનનું આવું જ મંતવ્ય રહેશે, તે સ્વાભાવિક હતું અને ચૂંટણીપંચ પર થતા આક્ષેપો તથા ચૂંટણીપંચ દ્વારા અપાતા જવાબોનું પિષ્ટપિંજણ પણ થતું રહેશે, જો કે, એકઝીટ પોલ્સમાં પણ એનડીએના આટલા પ્રચંડ બહુમતની સંભાવના દર્શાવાઈ નહોતી.

હવે આ પરિણામોની રાષ્ટ્રીય રાજનીતિ પર ઘેરી અસર થશે, અને ખાસ કરીને કોંગ્રેસે આત્મમંથન કરવું પડે તેમ છે. જો આ રીતે રકાસ જ થતો રહેશે તો કોંગ્રેસ માટે હવે પછીની ચૂંટણીઓ માટે વધુ મોટા પડકાર ઊભા થશે. કોંગ્રેસે જો પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કરવાના બદલે એકલા હાથે ચૂંટણી લડે, તો પણ આ વખતે આવી છે તેના કરતા ઘણી વધુ બેઠકો આવી શકે છે. બિહારની જનતાએ પૂનરાવર્તનનો આદેશ આપ્યો હોવાથી હવે આગામી પાંચ વર્ષ માટે નીતિશકુમાર જ બિહારના મુખ્યમંત્રી રહેશે કે પછી તેઓને રાષ્ટ્રીય રાજનીતિમાં ખસેડીને (અથવા હાંસીયામાં ધકેલીને) બિહારને કોઈ નવો ચહેરો મળે છે, તે જોવાનું રહેશે. મહાગઠબંધન જો ૨૪૩ માંથી ૫૦ મા જ સમેટાઈ ગયું હોય તો તેના સંદર્ભે ઊંડા વિશ્લેષણો તથા મંથનની જરૂર છે, બીજી તરફ વિપક્ષો દ્વારા સતત ઉઠાવાઈ રહેલા ચૂંટણી પ્રક્રિયા તથા વોટચોરીને સંબંધિત સવાલોનો ટ્રાન્સપરન્ટ સંતોષજનક જવાબ પણ આપવો જોઈએ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh