Advertisement
Author: નોબત સમાચાર

પિતા સતત કહે કે, 'હું હજી બેઠો છું ને, તમારા પૈસા જોશે ત્યારે માંગીશ મોજ કરો' સંતાનોએ એમાં ઘણું સમજવું જોઈએ...

                                                                                                                                                                                                      

જમાનો બદલાય છે અને એ તો સૌને દેખાય છે.... સંબંધો છે, જે કહેવાય અંતરના પણ એ સંબંધમાં અંતર હોય  છે સ્વાર્થનું. પાસ પડોસમાં રહેવાથી, અભ્યાસ, નોકરી, વ્યવસાય કે વિવિધ પ્રવૃત્તિ થી મિત્રતા કે નજીક આવ્યાના સંબંધો હોય, જે બધા કાયમી કહી ન શકાય. એ મુજબ હવે લોહીના સંબંધમાં પણ ક્યાં  અતૂટ કે અખૂટ બધે રહૃાું છે....કારણ કે નિમિત્ત કોઈ પણ હોય અંતર આવે છે. પગભર થયા પછી જેમણે પગભર કર્યા એ માં બાપ સાથે પણ અંતર રાખે છે....કઈ જ ન થઇ શકે એટલે હવે લોકો કહેતા કે મન મનાવતા થઇ ગયા છે કે *જમાનો બદલાય છે...હવે બધી પરિસ્થિતિ સ્વીકારીને જીવવું પડે*

મુરારીલાલ આ બધું સમજતા હતા એ લાગણીશીલ ચોક્કસ હતા પણ એમની લાગણી મૂર્ખતાભરી નહોતી. એ બહુ જ વિચારશીલ હતા. એ સરકારી ઓફિસમાં જાત મહેનતથી આગળ આવી મોટા ઓફિસર થયા હતા. એમણે કોઈ પર ભરોસો રાખ્યો નહોતો. કોઈનો હાથ પકડયો નહોતો, એન પિતાએ શીખવેલું કે બને તેટલા આત્મનિર્ભર બનજો.... ક્યારેય કોઈના હાથ કે પગ પકડવા પડે  એવા સંજોગો ઊભા નહીં કરતા.કોઈની સામે દુઃખી નહિ થતા કે રોદણાં નહીં રોતા , એ મદદ તો નહીં કરે સલાહ આપશે અને તમને નીચા ગણશે.એટલે મુરારીલાલ તો જ્યારે પૂછો કેવું છે? તો એક જ વાત *આપણે તો રોજેરોજ મોજેમોજ*. એ બહુ જ શાંત,  સારામાં સારા અવલોકનકાર. જોયા કરે બોલે નહીં, કોઈને સલાહ ન આપે. ઓફિસમાં પણ કોઈ પાસે કામ બાબતે મદદ ન લે. પોતાના કામ પોતે જ કરે અને સમસ્યા હોય તો  કોઈને કહે નહીં, પોતે જ હલ કરે. અને આજનું કામ આજે જ કરવું એ સિદ્ધાંત. એના કોઈ સાહેબે એમને કામ સોંપ્યું હોય એટલે એ સાહેબને ભરોસો હોય કે  આ આજે જ કરશે. મુરારીલાલ એ સરકારી ઓફિસમાં જોડાયેલા પ્યુન એટલે કે પટાવાળા તરીકે  પણ, નોકરી સાથે અભ્યાસ કરતા ગયા. ખાતાકીય પરીક્ષા આપી અને કારકુન પછી કાર્યકુશળતા ને કારણે બઢતી મળતી ગઈ. એ રિટાયર થયા ત્યારે  ખાતાકીય વડા હતા *ડિપાર્ટમેન્ટ હેડ* એ આ પદ પર ઘણાં વર્ષ રહૃાા, એ દરમિયાન કાર્યકુશળતા અને  સુંદર વહીવટ માટે એ ખાતાને એવોર્ડ પણ મળ્યા.

એમનું ઘર એમના દાદાએ બનાવેલું.કુલ સાત રૂમની હવેલી હતી. આગળ પાછળ જગ્યા. આગળ બગીચો. પાછળ શાકભાજી ઉગાડતા. હવેલીની ફરતે દીવાલ હતી જેને વંડી કહેતા. એક મુખ્ય ડેલો.. બધા ચાલ્યા ગયા ઈશ્વર ધામ . મુરારીલાલ નોકરીએ લાગ્યા ત્યારે એના માતા પિતા અને એ પોતે બસ. સમય આવ્યે એમના લગ્ન થયા. મુરારીલાલ કહેતા એમના પિતાને કે આપણે ઘરમાં ત્રણ જણા ,તો આવડી  મોટી હવેલી ને શું કરવાનું? ક્યાં ત્રણ ચાર રૂમ ફ્લેટ લઇ લઈએ , આ કાઢી નાખીયે. પિતાજી કહેતા કે જરાય નહીં. તમારા લગ્ન થયા પછી પરિવાર વધશે નહીં? અત્યારે આપણે વેચવાની  કોઈ જરૂર નથી. ભવિષ્યમાં તમને જ કામ લાગશે.પિતાજીની આ વાત બહુ જ દૂરંદેશી હતી. સમય જતા મુરારીલાલના પિતાજી પણ એમના બે પુત્રોનો જન્મ જોઈને ગયા. એ જ્યારે છેલ્લી અવસ્થામાં હતા ત્યારે દીકરા મુરારીને કેતા હતા કે *જો દીકરા, સંજોગોથી જરાય હારી નહીં જાતો. તને તકલીફ પડવાની છે. તારી ફરજ ,હોંસ અને  મારા બાળકોને હું કંઈક બનાવવું એ તમન્નાએ તું બધું કરી છૂટીશ પણ પછી... એ બધા કંઈક બની જાય પછી તું બની નહીં જતો. દરેક સંજોગોમાં શાંત ચિત્તે વિચાર કરી  પગલું ભરજે. આંખ અને કાન ખુલ્લા રાખજો ,મોઢું બંધ...* આટલું કહી તેઓએ જીવનલીલા સંકેલી લીધી.... મુરારીલાલ બહુ જ ઊંડા આઘાતમાં પડ્યા હતા. એ સમયે એમની પડખે ઊભા રહી સાંત્વના આપતા હતા એમના પત્ની મોરલી અને એમના બાળ સખા ગોવિંદ લાલ , મુરારી ગોવિંદ બાળ સખા એટલે એકબીજાની  સારી ખોટી બધી બાબતો જાણતા હોય.... દરેક વાતથી વાકેફ હોય... આ બન્ને ને એવું હતું કે એકબીજાનો સાથ હોય એટલે એમને કાંઈ  ન જોઈએ.બીજું કોઈ ન જોઈએ. ગોવિંદલાલને એક જ દીકરો હતો. પ્રેમજી એટલો પ્રેમાળ ,વિવેકી અને નમ્ર . મુરારીલાલને સમય જતા ચાર દીકરા  થઈ ગયા. ગોવિંદને તો એક જ હતો. મુરારીલાલે એમના દીકરાને સંસ્કાર આપવામાં કાંઈ જ બાકી નહોતું રાખ્યું. વિશેષ તો એમના પત્ની  મોરલી બહેને, જેને બધા મોરલી બા કહેતા. એ ચારેય દીકરાને ઘણી બધી છૂટ આપીને ફાળવ્યા પણ મોરારીલાલે. એમને એવું હતું કે મારા દીકરાઓને : મારી પાસે આ નથી અને બીજા પાસે છે* એવું ના થવું જોઈએ. એ ચારેય ભણ્યા પણ બહુ સરસ અને ગણતરીબાજ પણ એટલા જ સરસ. સૌથી નાનો સુમિત જરા ઢીલો ,વધુ પડતા લાગણીશીલ ,જતું કરવા વાળો અને ફાવશે, ચાલશે એવા સ્વભાવ વાળો. મોટા ત્રણ મહા ચાલાક, સમય જતાં ક્યાં સમય લાગે છે? મોરારી લાલ ના લગ્ન નાની ઉંમરમાં થયેલા એટલે દીકરા ચારેય નોકરીએ લાગી ગયા , ચારેય ના લગ્ન થઈ ગયા છતાં મુરારીલાલ રિટાયર નહોતા થયા. હજી બે વર્ષ બાકી હતા. એમના મિત્ર ગોવિંદલાલ પણ રિટાયર નહોતા થયા. એમનો દીકરો બહુ હોંશિયાર ભણવામાં એટલે એ તો ગયો. વિદેશ ભણવા અને ત્યાં જ ગોઠવાઈ ગયો. એ ત્યાં બેઠા બેઠા પણ પોતાના માતાપિતા જ નહીં પણ મોરારી કાકા અને મોરલી કાકીની ચિંતા કરતો. એ ફોન પણ કરતા .

ગોવિંદલાલને પોતાના બે જણાનો ખર્ચ કાઢવો પડતો અને એમનો દીકરો પણ પૈસા મોકલતો... અહીં મુરારીલાલને નોકરી ચાલુ હતી.... ચારેય દીકરા કમાતા  પણ એમાંના મોટા ત્રણ  ઘરમાં એક પૈસો આપતા નહીં.... નાનો એના પિતાને કહેતો કે હું આપું પૈસા? મુરારી કહેતા કે અત્યારે હું સક્ષમ છું , જરૂર પડે માંગીશ. એ ચારેયને એમના પગાર સીધા બચતમાં હા એમના અંગત ખર્ચ એ એમનામાંથી કરતા બાકી ઘરની કોઈ બાબતમાં નહીં...

હવે તો મુરારીલાલ અને ગોવિંદ બન્ને નિવૃત્ત થઇ ગયા. બેયના ઘરમાં આખા દિવસના નોકર, રસોઈયા વગેરે હતા એટલે શાંતિ હતી. મુરારીના દીકરાઓ સવારે એમની રીતે જમી ટિફિન લઈ નીકળી જાય પણ સાંજે જમવાનું  બધાએ સાથે. સાંજે મુખ્ય ખુરશી પર મુરારીલાલ અને બન્ને તરફ દીકરા વહુ , મહારાજ ગરમ ગરમ પીરસતા હોય. ત્યાં જમતી વખતે બધી વાતો થાય પણ ત્રણ દીકરાઓ પોતાની ખાનગી વાત ખાનગી જ રાખે. નાનો સુમિત ભોળિયો એ બોલી દે... બાપુ આ વખતે દિવાળી બોનસ સારું આવ્યું... ઈન્સેન્ટિવ પણ મળ્યું.... આ દિવાળીએ ઘર સજાવટ માટે હું કંઈક વિશેષ લાવીશ. બાપુ કહે કે દીકરા  તું ચિંતા કર માં , તારા બાપનું પેંશન સારું આવે છે. ઓલા ત્રણ કાંઈ ન બોલે... એ દિવાળીમાં એમના પોતાના કપડાં વગેરે લઇ આવે પણ બાપ માટે નહીં. નાનો સુમિત બાપુને લઇ જાય કે બાપુ અમારી સાથે તમેય એક જોડ મારા તરફથી લ્યો....એ પૈસા ખર્ચતા....

હવે શાંતિ હતી.... સવારે અને સાંજે ગોવિંદલાલ એમના પત્ની સુધા  અને મુરારી અને એમના પત્ની મોરલી સાથે  ગોવિંદલાલ ને ઘેર જ બેઠા હોય. આમ કહો તો  આખો દિવસ જ કહેવાય. આ વસ્તુની વિદેશ બેઠેલા પ્રેમજી ને બધી  ખબર , અમુક વસ્તુ મુરારીલાલની જાણમાં ન હોય પણ પ્રેમજીને ખબર હોય.

એક દિવસ સાંજે આ ચારેય બેઠા હતા ત્યારે ગોવિંદલાલે કહૃાું કે મોરિયા (મિત્રો એકબીજાને આમ બોલાવતા મોરારી ગોવિંદને ગોવલા કહેતા) તને એક વાતની ખબર છે? તારા આ છોકરાઓ પાસે તે કોઈ દિવસ પૈસા લીધા નથી. આટલું કમાય છે છતાં એ એમના પૈસાનું શું કરે છે? તને ખબર છે? મુરારી કહે ગોવલા  ઈ જે કરે ઈ , મુરારી કહે કે બરાબર પણ તને કહેવું તો જોઈએ ને કે એ લોકો એમના પૈસા ક્યાં વાપરે કે નાખે છે? તને ખબર જ નથી.... તારા ત્રણ દીકરાએ  ઓલા મંગળની ત્રણ અલગ અલગ સ્કીમમાં ત્રણ ત્રણ બેડરૂમના ફ્લેટ બુક કર્યા છે... અને એ લોકો મંગળ સાથે સાઠગાંઠ કરે છે કે તારી આ હવેલીની જગ્યાએ  આવા મોટા ફ્લેટની સ્કીમ બનાવે ,ગ્રાઉન્ડ ફ્લોર પર ચારેય ને એક એક ફ્લેટ મળે અને જમીન ઉપરાંત બીજા પૈસા કરોડોમાં તને મળે ,એમાંથી એમને ભાગ મળે ઈ જુદું. આ તને ખબર છે? આ મને મંગળના ભાઈએ વાત કરી. એ સમયે મુરારીલાલ કાંઈ ન બોલ્યા , એટલું જ કહૃાું કે હમણાં એ કોઈને ખબર પડવા નહીં દેતા કે આપણને એમની  આ વાત ખબર છે.

વિદેશ બેઠેલા પ્રેમજીને આ ખબર , એણે પ્લાન બનાવી રાખેલો. અને પ્લાન માં મુરારી મોરલી ગોવિંદ અને સુધા બધા રાજી ખુશી સહમત થયા. અને એ મુજબ થયું.  એક રાત્રે મુરારીલાલ મોરલી પરિવાર જમવા બેઠા હતા વાતાવરણ બહુ જ સરસ હતું...  જમી લીધા પછી બધા બેઠક રૂમમાં બેઠા એટલે મોટા એ કહૃાું કે  બાપુ એક સૂચન છે , આપણો આવડો મોટો પ્લોટ છે અને એમાં આ બંગલો છે. એ જગ્યાએ આપણે કોઈ બિલ્ડરને આ જમીન આપી દઈએ અને અહીં  ત્રણ ત્રણ બેડરૂમના એ ફ્લેટ બનાવે ગ્રાઉન્ડફ્લોર ના ચાર ફ્લેટ આપણને આપે અને ઉપરથી જમીનના પૈસા તો કેવું? મુરારી કહે ક્યાં બિલ્ડરને? મોટો કહે  શહેરમાં બે ત્રણ મોટા બિલ્ડર છે એમાં એક મંગળ દાસ છે એમને અપાય.... મુરારીલાલ હળવું સ્મિત કરી બોલ્યા કે જુઓ મેં બીજા એક સૌથી મોટા બિલ્ડર સોમા ને  આ વેચી દીધું છે. સોદો થઈ ગયો છે... પૈસા કેમ લેવા એ ગોઠવવાનું છે એ ગોવિંદકાકા ગોઠવી દેશે. તરત ત્રણેય ઊભા થઇ ગયા અને કહૃાું * અમને કીધું ય નહીં? * મુરારી તાડૂક્યા *બેસી જાવ ,અવાજ નહીં.... *તમે કમાતા થયા ત્યારથી અત્યાર સુધી મેં પૂછ્યું છે ક્યારેય ? કે તમારી માસિક આવક શું? તમારે  ઘર  બાબતે કોઈ ખર્ચ આપવો નથી પડતો  મેં પૂછ્યું? તમે પૈસાનું શું કરો છો?હું હંમેશાં તમારી સાથે નિખાલસ રહૃાો છું. તમે ત્રણે મંગળની અલગ અલગ  સ્કીમમાં પોતપોતાના ફ્લેટ બુક કરાવ્યા એ મને કહૃાું છે? એની સાથે આ જગ્યા માટે સાઠગાંઠ કરી એ મને કહૃાું છે? શું જોઈને તમે હક્ક કરો છો હું તમને કહું. * બધા ચૂપ થઈ ગયા , મુરારી કહે તમને ત્રણેયને આવતા મહિને પઝેશન મળવાના છે. ત્રણેય ત્યાં ચાલ્યા જજો. મેં એ સોમુ પાસે   બે મહિનાનો સમય માંગ્યો છે. બધા પોત પોતાના રૂમમાં ચાલ્યા ગયા. સૌથી નાનો  સુમિત કહે બાપુ મેં કોઈ ફ્લેટ બુક નથી કર્યો....મુરારી કહે કે તારા માટે મેં બુક કરાવ્યો છે... સોમુ ની જ સ્કીમમાં એ તૈયાર જ છે. તને ઝડપથી ચાવી મળી જશે.

એ પછી એ ત્રણેય દીકરા ની હિંમત નહોતી કે આ બંગલાના વેચાણ પછી આવેલી રકમ માં ભાગ માગે. ત્યાં ફ્લેટ બનવા માંડ્યા અને ગોવિંદલાલ ના દીકરા પ્રેમજીની ઈચ્છા હતી એમ  ચારેય સાથે રહે છે , એ પછી બીજા મિત્રો પણ જોડાયા ટ્રસ્ટ બન્યું. એ જગ્યા નિવૃત્ત વૃદ્ધો માટે બની ગઈ... પૈસા હતા વિકસાવ્યું પણ ખરું.... મુરારીલાલે દીકરાઓને નારાજ ન કર્યા , આ હવેલીના ઘણાં કરોડ આવેલા એમાંથી સરખે ભાગે આપ્યા અને બાકી આ નિવૃત્તિ ધામમાં નાખ્યા... બધા દીકરા સુમિત જેવા નથી હોતા. હવે સમય બદલાયો છે. વડીલોએ બહુ જ વિચારીને નિર્ણય લેવા.

હરેશ ભટ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh