Advertisement
Author: નોબત સમાચાર

એકાંતવાસ ગાળતા બાપુ સાથે જન્મ દિવસે થોડી ગુફ્તેગુ

                                                                                                                                                                                                      

દોઢ સદી વટાવી ગયેલા બાપુ ખિન્ન હૃદયે ખખડધજ રેંટિયાને નિહાળી રહૃાા હતા!

હું: હેપ્પી બર્થ ડે .. બાપુ

બાપુઃ ભાઈ, ગુજરાતી બોલને..

હું: અંગ્રેજીની આદત ઘર કરી ગઈ છે..

બાપુઃ મને લાગે છે કે મરી મહેનત એળે ગઈ..

હું: કેમ બાપુ એવું બોલો છો?

બાપુઃ અંગ્રેજો હજુ તમારા મગજમાંથી ગયા નથી!

હું: હા બાપુ, હવે તો નસે નસમાં ફેલાઈ ગયા છે!

બાપુઃ ત્યારે તો એક અંગ્રેજ જ હતા, આજે તો આખી દુનિયા મારા દેશને ચોંટી પડી છે.

થોડી વાર અમારા બન્ને વચ્ચે શૂન્યાવકાશ સર્જાઇ ગયો.

હું એકી ટશે બાપુના નિરાશ ચહેરાને તાકતો રહૃાો.

તેમના ચહેરા ઉપરથી લાગતું હતું કે તે લાંબા સમયથી એકાંત ભોગવતા હતા!

અમારે વ્યક્તિગત કોઈ પરિચય નહીં, પરંતુ મળ્યા એટલે મજા આવી.

તેમની સાથે વર્તમાન ભારત વિશે ઘણી ગુફ્તગુ કરી.

તેઓ ચર્ચા દરમિયાન મોટેભાગે ખિન્ન જણાયા.

તે વારંવાર ખૂણામાં પડેલા ખખડધજ રેંટિયાને નિરાશ વદને તાકીને જોતા હતા.

મારી સામે પણ નજર કરી લેતા હતા.

તેમને ઘણી બધી બાબતો વિશે જાણવાની તાલાવેલી હોય તેમ લાગ્યું.

મેં પણ નિર્દોષતાથી મારા જ્ઞાન મુજબ જવાબો આપ્યા.

અમારા વચ્ચેની ગુફ્તગુના કેટલાક અંશો અહીં રજૂ કર્યા છે.

.....

હું: બાપુ, નમસ્કાર

બાપુઃ આવો...

હું: મારા અચાનક આવવાથી આપનો સમય તો નહીં બગડે ને?

બાપુઃ ના, ભાઈ. હવે મને કોણ મળવા આવે છે?

મારી પાસે સમય સિવાય કંઈ બાકી વધ્યું નથી.

હું: તમારા આદર્શો અને દેશપ્રેમની ચર્ચાઓ અને ઉદાહરણો તો આજે પણ ઠેરઠેર દેવાય છે.

બાપુઃ હા, પણ અમલ કોઈ કરતું નથી.

હું: સાચી વાત છે.

બાપુઃ સમય સમય બલવાન.

હું: બાપુ, તમે વાસ્તવિકતા સ્વીકારો છો તે સારું કહેવાય.

બાપુઃ કેમ?

હું: વર્તમાન નેતાઓ તો અમરપટ્ટો લખવી લાવ્યા હોય તેવું વર્તન કરે છે.

બાપુઃ મતદારો સહન શા માટે કરે છે?

બાપુઃ હં..

હું: એક પ્રશ્ન પૂછું?

બાપુઃ બોલને ભાઈ.

હું: તમે વારંવાર રેંટિયા સામે કેમ તાકી તાકીને જોવો છો?

બાપુઃ તમે હમણાં આત્મનિર્ભર ભારતના નાટક ચાલુ કર્યા છે..

હું: રેંટિયાને અને નાટકને શું સંબંધ?

બાપુઃ હું રેંટિયામાં તકલી લગાવી રૂ ની પૂણી કાંતતો, તેના જ વસ્ત્રો પહેરતો.

હું: હા બાપુ.

બાપુઃ હવે વિદેશી વસ્ત્રો, ઘડિયાળો, ગાડીઓમાં ફરનારા સ્વદેશી બનોના નારા પોકારે છે!

બાપુઃ ભાઈ, તે વસ્ત્રો ઉત્તમ ધારણ કર્યાં છે!!

હું: હા બાપુ, શર્ટ અને પગના મોજા અમેરિકન રીબોકના છે, પેન્ટ પીટર ઈંગ્લેન્ડનું છે, ડીજીટલ કાંડા ઘડિયાળ 'નોઈસ' ચાઈનીઝ છે!

બાપુ ખિન્ન થઈ, મોં ફેરવીને ધીરેથી બોલ્યા....

તમારે ત્યાં તો આજકાલ આત્મનિર્ભરના નારાઓ લાગે છે ને...!!

હું: હા બાપુ, જે કારમાં અહી સુધી આવ્યો તે પણ હોન્ડા, જાપાનની છે!

(બાપુનું મોં પડી ગયું, થોડો સમય સાવ મૌન રહૃાા)

થોડી ક્ષણો મારી સામે જોઈ તાકતા રહૃાા. પછી દબાતા અવાજે, આજુબાજુ જોઈ બોલ્યા..

બાપુઃ દેશમાં કેવું ચાલે છે?

હું: ભગવાન ભરોશે..

બાપુઃ સાવ આવું?

હું: કારણ કે, તેને બીજા કોઈ ઉપર ભરોશો નથી ને.. એટલે

બાપુઃ અમેરિકા હારે શું માથાકૂટ ચાલે છે..

હું: બન્નેને પોતે મહાન અને દેશપ્રેમી હોવાનો વહેમ છે.. એટલે

બાપુઃ સારું..

હું: મોદીજીને તમારા માટે બહુ માન છે.

બાપુઃ ના રે ના..

હું: કેમ?

બાપુઃ નરેન્દ્રને ગાંધી શબ્દથી નફરત છે.

હું: રાહુલ ગાંધીની વાત કરે છે.

બાપુઃ એવું છે..

હું: તમારા સાબરમતી આશ્રમને તો વિકસિત કરવા માટે ૧૨૦૦ કરોડનો ખર્ચ કરે છે.

બાપુઃ મારા વિચારો જીવનમાં ઉતારો તો સાચું કહેવાય.

બાપુઃ સારૃં થયું, અંગ્રેજો વહેલા જતા રહૃાા.

હું: કેમ?

બાપુઃ આ તકવાદીઓ તો તક ભાળી અંગ્રેજોના પક્ષમાં ભળી જાત.

હું: સમજ્યો નહીં?

બાપુઃ મુરખ છો..તને નહીં સમજાય.

હું: મતદારોને તમે મુરખ કહો છો?

બાપુઃ હા, પક્ષપલટો કરનારા નેતાઓને સબક શીખવાડવો જોઈએ.

હું: સાચી વાત છે.

હું: બાપુ, તમારે ગોડસેનો આભાર માનવો જોઈએ.

બાપુએ મરકતા મને પુછ્યું.

કેમ?

હું: જીવતા હોત તો... દુઃખી થાત!

બાપુઃ કેમ?

હું: આજકાલ કોંગ્રેસ અને ગાંધીને ગાળો દેવવાની ફેશન ચાલે છે.

બાપુઃ પકિસ્તાન હારે કેવું ચાલે છે?

હું: સંતા કુકડીની રમત જેવું!

બાપુઃ કેમ?

હું: બન્ને દેશ જીતવાના દાવા કરે છે..

બાપુઃ જીત્યું કોણ?

હું: શસ્ત્રો વેંચવાવાળા..

બાપુઃ ભારત આત્મનિર્ભર ક્યારે બનશે?

હું: વાર લાગશે.

બાપુઃ કેમ?

હું: હજુ તો જનજાગૃતિ માટે સ્ટીકરો છાપવા આપ્યા છે, પછી....

બાપુઃ તમે લોકો એ ૭૫ વર્ષ કર્યું શું?

હું: બાપુ, નહેરુએ કશું ન કર્યું!

બાપુઃ તને પણ નરેન્દ્ર જેવી આદત પડી ગઈ લાગે છે?

હું: મનમાં મરકતો રહૃાો.

બાપુઃ તમે ૧૫ વર્ષ શું કર્યું?

હું: નહેરૂ.. નહેરૂ.

મારા વિચારોથી બાપુ બહુ નારાજ અને નિરાશ થયા હોય તેવું લાગ્યું. ફરી તે રેંટિયાને તાકવા લાગ્યા.

હું: કસ્તુરબા નથી?

બાપુઃ ચા પીવી છે..?

હું નિરુત્તર રહૃાો.

બાપુઃ બકરીને ચરાવવા લઈ ગયા છે.

હું: હા, પણ વાર બહુ લાગી..

બાપુઃ રાજકારણીઓ ચરી જાય પછી ત્યાં ઊગતા વાર લાગે છે. એટલે દૂર જવું પડે.

બાપુ ફરી વિચારમગ્ન થઈ ગયા. આંખો બંધ કરીને રુદ્રાક્ષની માળા ફેરવવા લાગ્યા. માળા પૂરી કરી મને વિસ્ફારિત નયને તાકવા લાગ્યા. ગળે ડૂમો બાજી ગયો હોય તેમ લાગ્યું. હળવો ખોંખારો ખાઈને બોલ્યા..

નોબેલ શાંતિ પુરસ્કાર..

મેં તેનું વાક્ય અડધેથી કાપીને કહૃાું..

હવે મોડું થઈ ગયું, તમને ન મળે..

બાપુઃ કેમ?

હું: પાકિસ્તાન વાળા ડોનાલ્ડ ટ્રમ્પ માટે ભલામણ કરી રહૃાા છે,

બાપુઃ તેનું શું ઉપજે?

હું: વર્તમાન સમયમાં કોનું ક્યાં અને કેટલું ઉપજે તે જ ખબર નથી પડતી!

બાપુઃ મારે ઝીણા સાથે સારા સંબંધો હતા, તેને કહું તો મારા માટે બોલે.

હું: અત્યારે જાડાનો જમાનો છે, ઝીણા ન ચાલે.

બાપુઃ આ જાડા વળી કોણ છે?

હું: જાડી ચામડીની વાત કરું છું.

બાપુ ફરી અટવાઈ ગયા. કઈ ન બોલ્યા.

ઊભા થયા અને એક જર્જરિત પુસ્તક લાવી મને હાથમાં આપ્યું.

બાપુઃ લે આ વાંચજે..

હું: શું છે આ?

બાપુઃ સત્યના પ્રયોગો..

હું: ન ચાલે.

બાપુઃ કેમ?

હું: અત્યારે નાણાના પ્રયોગો જ ચાલે છે.

બાપુઃ અંબાણી અને અદાણીનું કેમનું ચાલે છે?

.. .. હવે હું ખખડધજ રેંટિયાને તાકવા લાગ્યો.

બાપુઃ કેમ  શું વિચારમાં પડી ગયો?

હું: ન બોલવામાં નવ ગુણ!

બાપૂ પહેલીવાર મનમાં મલકવા લાગ્યા. મરક મરક હસ્યા.

હું: બાપુ, તમને હજુ પણ દુનિયદારીની બધી ખબર છે..

બાપૂઃ નવરા લોકો બીજું કરે પણ શું?

હું: બાપુ, એક પ્રશ્ન પૂછું..

બાપુઃ બોલ

હું: ભારતમાં ફરી જનમ મળે તો શું કરો?

બાપુઃ ભાજપમાં જોડાઈ જાઉં.

હું: કેમ?

બાપુઃ કોંગ્રેસમાં હવે શું બચ્યું છે?

હું: બધા આમ જ વિચારશે તો તેનો ઉદ્ધાર કેમ થશે?

બાપુઃ ગુજરાતમાં તો વિપક્ષ જેવું કઈં રહૃાું જ નથી.

હું: ગુજરાતીઓની છાપ પહેલેથી જ વેપારીની છે..

બાપુઃ દારૂબંધીનું શું છે?

હું: તમારા જેવી જ હાલત છે.

બાપુઃ કેવી રીતે?

હું: કોઈ ગણકારતું નથી!

બાપુઃ દશેરાના ફાફડા જલેબી ખાધા?

હું: ના બાપુ

બાપૂઃ કેમ?

હું: ઇ અમદાવાદ વાળાનું ચલણ છે.

બાપુ મરકતા મરકતા બોલ્યાઃ અંદરના રાવણને બાળ્યો કે નહીં?

હું ખડખડાટ હસી પડ્યો.

હું: તમને પણ આ ખબર પડી ગઈ છે?

બાપુઃ શું?

હું: આ તો સોસિયલ મીડિયાની ઉપજ છે.

બાપુઃ ભાઈ, જરૂર પણ છે.

હું: શેની?

બાપુઃ અંદરના રાવણને બાળવાની..!!!!!

હું અને બાપુ બન્ને થોડો સમય મૌન થઈ ગયા. લાગ્યું કે વિષયો પૂરા થઈ ગયા. ચર્ચાનો કોઈ નિષ્કર્ષ નીકળ્યો નથી. કસ્તુરબા પણ બકરીને ચરાવીને પાછા આવ્યાં. બકરી બહુ કૃષકાય બની ગઈ હતી.

બા અને બકરી માંડ ચાલી શકતા હતા.

બા મને જોઈને બોલ્યા.

બાઃ કોણ આવ્યું છે?

બાપૂઃ જામનગરથી આવ્યા છે.

બા મારા તરફ વળ્યા અને બોલ્યા..

બાઃ આ બકરીનું કઈક ગોઠવી દે..

મને બહુ મોટું આશ્ચર્ય થયું.. મનમાં વિચારવા લાગ્યો કે, બકરીનું વળી શું ગોઠવવું છે?

હું: બા, બકરીનું વળી ક્યાં ગોઠવવું છે?

બાઃ વનતારામાં..

હું બે હાથ જોડી ઊભો થઈ ગયો. નમસ્કાર કરી ચાલવા લાગ્યો..

બાપુઃ સારૂ ભાઈ, સમય મળે આવતો રહેજે

હું: જરૂર, મારી પાસે પણ હવે સમય સિવાય કંઈ વધ્યું નથી

બાપુઃ સાચવજે.. કામકાજ હોય તો પણ કહેતો નહી...

હું: કેમ?

બાપુઃ મારૃં હવે કંઈ ઉપજતું નથી.

હું: મારૃં પણ એવું જ છે, બાપુ.

મારી સાથે મુલાકાત બાદ બાપુ વધુ નિરાશ જણાયા.

છુટા પડતા સમયે પણ આંખો બંધ કરી મૌન રહૃાા.

કસ્તુરબા નિરાશ વદને મને તાકાત રહૃાા.

બા અને બાપુને પ્રણામ કરી હું નીકળી ગયો.

(આ વાર્તાલાપ કાલ્પનિક-કટાક્ષ છે.)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh