Advertisement
Author: નોબત સમાચાર

"શિક્ષણ"નો વિષય ગૌણ કેમ ? પૂરતા શિક્ષકો ક્યારે મળશે ? કયો મુદ્દો છે ટોક ઓફ ધ ટાઉન ?

                                                                                                                                                                                                      

નગરથી પાટનગર સુધી શિક્ષણ ક્ષેત્રના મુદૃાઓ આજે ચર્ચામાં છે. ગુજરાતના શિક્ષણ વિભાગે રાજ્યની સરકારી  અને ગ્રાન્ટેડ શાળાઓમાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકો અને રેગ્યુલર શિક્ષકોની ભરતી કર્યા પછી પણ ખાલી રહી ગઈ હતી, અથવા તે પછી ખાલી થઈ ગઈ હોય, તેવી જગ્યાઓ માટે વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોની સેવાઓ લેવાની છૂટ આપતો પરિપત્ર કર્યો હતો, જેની સામે પ્રચંડ વિરોધ ઉઠયો હતો અને શિક્ષકોના સંગઠનો તથા સંઘોએ નારાજગી વ્યક્ત કરી હતી. આ વિરોધનો વંટોળીયો રાજ્યની રાજધાની સુધી પહોંચ્યો હતો અને શિક્ષણમંત્રી તથા મુખ્યમંત્રી સુધી આ વિરોધ ના પડઘા પડ્યા હતા.તે પછી રાજ્ય સરકારે પરોઠના પગલા ભર્યા અને જોરદાર વિરોધ પછી આ વિવાદાસ્પદ આદેશ રદ થઈ ગયો હતો.

એક તરફ તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૬૭ નવનિયુક્ત શિક્ષકોને ત્યાંના જિલ્લા શિક્ષણાધિકારીએ નવી નિમણૂકના ઓર્ડર એનાયત કર્યા હતા, તો બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લા સરપંચ પરિષદના પ્રમુખ અને સામાજિક અગ્રણી દ્વારા દ્વારકા જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં મોટા પાયે શિક્ષકોની ઘટ હોવાથી વધુ જગ્યાઓ મંજુર કરવા અને પ્રવર્તમાન  ખાલી જગ્યાઓ તત્કાલ મંજુર કરવાની પણ ઉચ્ચકક્ષાએ રજૂઆત થઈ હોવાના અહેવાલો આવ્યા છે. દ્વારકા જિલ્લામાં જ જો એક હજારથી વધુ પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શિક્ષકોની ઘટ હોય અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ૨૦૦થી વધુ શિક્ષકોની ઘટ હોય તો આખા રાજ્યની સ્થિતિ કેવી હશે ? તેનો અંદાજ લગાડી શકાય છે.

ખુદ સરકારે જ ગયા વર્ષે જુલાઈમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પર ભરતી માટેનું જે કેલેન્ડર જાહેર કર્યું હતું, તેમાં ૨૫ હજાર જેટલા શિક્ષકોની ભરતી કરવાની થતી હતી, મતલબ કે તે સમયે જ આટલી જગ્યાઓ ખાલી હતી. આ કેલેન્ડરનો અમલ કર્યા પછી પણ જેમ જેમ શિક્ષકો નિવૃત્ત થતા જશે, તેમ તેમ નવી ખાલી જગ્યાઓ ઊભી થશે. આ સાયકલ ચાલતી જ રહેવાની હોવાથી જ જ્યારે ભરતી કેલેન્ડરો નક્કી થાય, ત્યારે તેના અમલીકરણની છેલ્લી તારીખ સુધીમાં વયનિવૃત્ત થનારા શિક્ષકોની પણ ગણતરી કરવાનો કોન્સેટટ રજૂ થયો હતો, પરંતુ વચ્ચે વિવાદાસ્પદ નિર્ણયો લઈને તાજેતરમાં ખાલી જગ્યાઓ પર નિવૃત્ત શિક્ષકોની સેવાઓ લેવાની છૂટ આપવા સામે વિરોધનો વંટોળીયો ઉઠતા સરકારે ઝુકવું પડ્યું છે, અને હવે ફરીથી ખાલી જગ્યાઓ પર રેગ્યુલર ભરતી કરવાનું દબાણ વધ્યું છે.

આ તો માત્ર દૃષ્ટાંત છે. રાજ્યભરમાંથી આવી જ પ્રકારની પ્રતિક્રિયાઓ તથા રજૂઆતો થતી રહે છે. સરકાર માટે તો શિક્ષણનો વિષય ગૌણ જ હોય તેમ જણાય છે વગરવિચાર્યા નિર્ણયો લઈને તે પાછા ખેંચવા પડી રહ્યા છે કે પછી આ પણ સમય પસાર કરવાનો તથા શક્ય હોય ત્યાં સુધી ભરતીઓની પ્રક્રિયાઓ ઈરાદાપૂર્વક પાછળ ઠેલવાની તરકીબ છે ? તે પણ ચર્ચાનો તથા સંશોધનનો વિષય  છે. ખરૃં ને ?

ગુજરાતમાં શાળાપ્રવેશોત્સવ યોજીને આંગણવાડી, ધોરણ ૧ અને ધોરણ ૯માં પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશના કાર્યક્રમો તો દર વર્ષે યોજાય છે, પરંતુ ડેટા કલેકશન પછી પણ આંકડાકીય સમીક્ષા કરીને જરૂરી રેગ્યુલર શિક્ષકોની ભરતી નિયમિત ધોરણે કરવામાં આવતી નથી, એટલું જ દર વર્ષે ઈન્ફ્રાસ્ટ્રકચર, સ્કૂલની જરૂરિયાતો, સાધન-સામગ્રી અને સુવિધાઓમાં જરૂરી સુધારા-વધારા પણ થતા હોતા નથી. આ કારણે જ એવા સવાલ ઉઠી રહ્યા છે કે શું રાજ્ય સરકાર શિક્ષણના વિષયને મહત્ત્વપૂર્ણ ગણતી નથી ? શું એજ્યુક્ેશન ડિપાર્ટમેન્ટને સરકાર જ ગૌણ ગણે છે કે પછી શિક્ષણ વિભાગનું જ ધરમૂળથી નવીનીકરણ કરવું પડે તેમ છે ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.

જામનગરમાં તો શિક્ષણ ક્ષેત્રે એક અલગ જ પ્રકરણ ગુંજી રહ્યું છે. રાજ્યના નગર પ્રાથમિક શિક્ષક સંઘે આંદોલનની ચિમકી આપી હોવાની ચર્ચા ગઈકાલથી ટોક ઓફ ધ ટાઉન બની છે. આ પ્રકરણના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે અને આ મુદ્દે નગરની રાજનીતિ પણ ગરમાઈ રહી છે.

હકીકતે જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના તાબા હેઠળના તંત્રના આદેશ સામે શિક્ષકોનું સંગઠન મેદાને પડ્યું છે. ગત તા. ૨૬ જુલાઈના દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આ મુદ્દો ઉપસ્થિત થયા પછી તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા, જે અંગે ગઈકાલે યુનિયનને કોઈ હૈયાધારણા મળી હતી, તેવી વાત પણ સામે આવી રહી છે.

વાસ્તવમાં નગરની શાળા નં. ૨૯ની બે શિક્ષકા બહેનો તથા એક શિક્ષકનું એક વર્ષનું ઈન્ક્રીમેન્ટ રોકવાના તથા સર્વિસ રેકોર્ડમાં વિરૂદ્ધ નોંધ થાય તે પ્રકારના શાસનાધિકારીના ઓર્ડર સામે શિક્ષકોનું યુનિયન મેદાને પડયું છે., અને આ પ્રકારની કડક સજાની ફેરવિચારણા નહીં થાય તો તેના ઘેરા પડઘા પડશે અને યુનિયન દ્વારા આંદોલન કરવામાં આવશે.

આ ઉહાપોહ પછી જામનગરની મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં હલચલ થઈ હતી અને યુનિયનોના હોદ્દેદારો તથા સંબંધિત અધિકારી વચ્ચે કોઈ બેઠક યોજીને વિવાદને સમાવવાનો પ્રયાસ કરાયો, અને યુનિયને આ કડક કદમ અંગે ફેરવિચારણા નહીં થાય તો આંદોલનોનો કાર્યક્રમ જાહેર કરવાની ચિમકી આપી હોવાની વાતો વહેતી થઈ હતી. તે પછી તંત્ર કુણુ પડયુ અને ફેરવિચારણાની તૈયારી બતાવાઈ હોવાના દાવાઓ પણ ચર્ચામાં આવ્યા હતા. આ કારણે આ મુદ્દો ગઈકાલે ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો, અને તેના સંદર્ભે આજે જે કાંઈ બની રહ્યું છે તે આપણી સામે જ છે. શિક્ષણ ક્ષેત્રે ઓછામાં ઓછા વિવાદો સર્જાય, અને આ વિવાદોની વિપરીત અસરો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના માનસ પર ન થાય, તેવું ઈચ્છીએ...અંત ભલા તો સબ ભલા...

તાજેતરમાં રાજસ્થાનમાં એક સરકારી સ્કૂલની છત જીવલેણ બની, તેના દેશવ્યાપી પ્રત્યાઘાતો પડયા અને ત્યાનાં મુખ્યમંત્રી ડગમગી રહ્યા છે અને ભાજપ ત્યાંના મુખ્યમંત્રીને ટૂંક સમયમાં બદલવાની વિચારણાચ કરી રહ્યું હોવાના જે અહેવાલો છે, તેમાં રાજ્યની શાળાઓની જર્જરિત સ્થિતિ તથા બનેલી ગમખ્વાર ઘટનાની ભૂમિકા મુખ્ય હોવાનું કહેવાય છે, ત્યારે તેમાંથી બોધપાઠ લઈને ગુજરાતમાં પણ જો આવી રીતે જીવલેણ, જોખમી કે અસુરક્ષિત સ્કૂલો હોય, તો તેનો સર્વે કરાવીને જરૂરી મરામત સમયસર કરાવી લેવી જરૂરી છે, અન્યથા ગંભીરા દુર્ઘટના પછી રાજ્યના પુલોની ગુણવત્તા ચકાસણી કરવા દોડવું પડયું, તેમ ઘોડા છુટ્યા પછી તબેલાને તાળા મારવા નીકળવું પડશે. રાજસ્થાન કરતા ગુજરાતમાં સ્કૂલોની ઈમારતો સારી દેખાતી હોય તો પણ દુર્ગમ ટ્રાયબલ તથા પહાડી વિસ્તારોમાં ઘણી શાળાઓની ઈમારતો નબળી હશે, તેની મરામત જરૂરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh