Advertisement
Author: નોબત સમાચાર

જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં ભીષણ આગઃ ૮ દર્દીઓ ભડથુ

અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરીઃ ગઈકાલે ચિલ્ડ્રન હોસ્પિટલમાં પણ આગ લાગી હતી

                                                                                                                                                                                                      

નવી  દિલ્હી તા. ૬: હોસ્પિટલોમાં આગ દુર્ઘટનાઓ વધી રહી છે. અમદાવાદમાં ગઈકાલે     ચિલ્ડ્રન હોસ્પિટલ પછી એસવીપી હોસ્પિટલમાં આગ લાગી હતી. આજે જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા આઠ વ્યક્તિ બળીને ભડથુ થઈ જતા તેઓના કરૂણ મૃત્યુ થયા હોવાના અહેવાલો આવી રહ્યા છે.

આજે વહેલી સવારે રાજસ્થાનના જયપુરમાં સવાઈ માનસિંહ હોસ્પિટલના ઈન્ટેન્સિવ કેર યુનિટ વોર્ડમાં ભીષણ આગ લાગવાથી ૮ દર્દીઓના મોત થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મૃતકોમાં ૩ મહિલાઓ અને પ પુરુષોનો સમાવેશ થાય છે.

એસએમએસ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ઈન્ચાર્જ ડો. અનુરાગ ધાકડે જણાવ્યું હતું કે ટ્રોમામાં શોર્ટ સર્કિટ થયો હતો, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને ઝેરી ધૂમાડો નીકળ્યો હતો. ડો. ધાકડે જણાવ્યું હતું કે ટ્રોમામાં ૧૧ દર્દીઓ હતાં, જ્યાં આગ લાગી અને ફેલાઈ ગઈ.

ડો. અનુરાગ ધાકડે જણાવ્યું કે ટ્રોમ સેન્ટરમાં બીજા માળે બે આઈસીયુ છે. એક ટ્રોમા અને એક સેમી-આઈસીયુ હોસ્પિટલમાં ઘટના સમયે ર૪ દર્દીઓ દાખલ હતાં, જેમાં ૧૧ ટ્રોમામાં અને ૧૩ સેમી-આઈસીયુમાં દાખલ હતાં. ટ્રોમામાં શોર્ટ સર્કિટ થયું હતું અને આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. જેનાથી ઝેરી ગેસ લીક થયો હતો.

હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું હતું કે મોટાભાગના ગંભીર દર્દીઓ બેભાન થઈ ગયા હતાં. અમારી ટ્રોમા સેન્ટર ટીમ, અમારા નર્સિંગ અધિકારીઓ અને વોર્ડ બોય્સે તાત્કાલિક તેમને ટ્રોલીમાં લોડ કર્યા અને આઈસીયુમાંથી બહાર કાઢ્યા. તેમને અન્ય સ્થળોએ ખસેડવામાં આવ્યા હતાં. છ દર્દીઓની હાલત ગંભીર હતી. અમે સીપીઆર દ્વારા તેમને પૂનર્જિવિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને બચાવી શકાયા નહીં.

મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, સંસદીય બાબતોના મંત્રી જોગારામ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી જવાહરસિંહે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ટ્રોમ સેન્ટરની મુલાકાત લીધી હતી. તે પછી રાજસ્થાનના મંત્રી જવાહરસિંહે કહ્યું, મુખ્યમંત્રીને શોર્ટ સર્કિટના કારણે આઈસીયુમાં આગ લાગી હોવાની જાણ કરવામાં આવી હતી. તેઓ પોતે અહીં આવ્યા હતાં, અને અમે પણ આવ્યા છીએ. આ ઘટના દુઃખદ છે, અને અહીં સારવાર લઈ રહેલા કેટલાક લોકો આગમાં મૃત્યુ પામ્યા છે. અમારી પ્રાથમિક્તા ર૪ લોકોમાંથી મોટાભાગના લોકોને બચાવવાની છે. તેમને શ્રેષ્ઠ શક્ય સારવાર મળવી જોઈએ અને આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે મુખ્યપ્રધાને સૂચનાઓ આપી છે.

અમદાવાદમાં આગની      બે દુર્ઘટના

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી એસવીપી હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં પણ આજે સવારે ઈલેક્ટ્રીક ડકમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તત્કાળ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

પ્રાપ્ત થતી વિગતો મુજબ આજે સવારે અમદાવાદ ફાયર વિભાગના કંટ્રોલ રૂમને એસવીપી હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આગ લાગ્યાનો મેસેજ મળ્યો હતો. મેસેજ મળતાની સાથે જ નવરંગપુરા ફાયર સ્ટેશનની ત્રણ ફાયર ગાડીઓને ઘટના સ્થળે રવાના થઈ હતી. ઘટના સ્થળે પહોંચીને ફાયર વિભાગની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ઈલેક્ટ્રીક ડક જ્યાંથી પસાર થતી હતી, ત્યાંથી આગ લાગી હતી અને ધૂમાડો નીકળી રહ્યો હતો. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો.

એસવીપી હોસ્પિટલમાં આગ લાગી હોવાના મેસેજ મળતાની સાથે જ એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડિવિઝનલ ફાયર ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં અને આગના કારણો અંગે તપાસ શરૂ કરી દીધી હતી. આગના પગલે લગભગ ૩૦ મિનિટ સુધી હોસ્પિટલના બિલ્ડિંગમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં છે, પરંતુ ઈલેક્ટ્રીક ડકમાં આગલાગી હોવાના પગલે વીજ કનેક્શન બંધ કરી દેવાયું છે અને ફાયર તેમજ ઈલેક્ટ્રીક વિભાગની ટીમો સમગ્ર મામલે તપાસ કરી   રહી છે.

રવિવારે પાલડીમાં ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગી હતી

ઉલ્લેખનિય છે કે, રવિવારે (પાંચમી ઓક્ટોબર) અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગી હતી. આ ઘટનાને લઈને તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાૂબ મેળવી લીધો હતો, જો કે સમગ્ર ઘટનામાં કોઈ પ્રકારે જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh