Advertisement
Author: નોબત સમાચાર

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ગોરધનપર પાસે મોટર રોડ ઉતરી થાંભલા સાથે ટકરાઈઃ યુવતીનું મૃત્યુ

ધ્રોલના વાંકીયા પાસે મોટરની ટક્કરે ચઢેલા બાઈકના ચાલકને ફ્રેક્ચરઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગર-ખંભાળિયા રોડ પર ગોરધનપર પાસે શુક્રવારે રાત્રે પોણા ચારેક વાગ્યે એક મોટર તેના ચાલકના કાબૂ બહાર ગયા પછી રોડ ઉતરીને રોડની નીચે આવેલા ઈલેકટ્રીક થાંભલા સાથે ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં નર્સ તરીકે નોકરી કરતા અલિયાબાડાના યુવતીનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. તેમની સાથે રહેલા મંગેતરને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે. ત્રણ સપ્તાહ પૂર્વે ધ્રોલ નજીકના વાંકીયા પાસે એક બાઈકને મોટરે ઠોકર મારતા મોરારસાહેબના ખંભાલીડા ગામના યુવાનનું પગનું હાડકુ ભાંગી ગયું છે.

જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા અલિયાબાડા ગામમાં રહેતા દેવરાજભાઈ જીવાભાઈ ભાગવત નામના પ્રૌઢની પુત્રી વિજયાબેન (ઉ.વ.૧૯) તથા અલિયાબાડામાં જ રહેતા જગદીશભાઈ દેસરાભાઈ યાદવ નામના યુવાન શુક્રવારે રાત્રે અલિયાબાડાથી ખંભાળિયા તરફ જવા માટે જીજે-૧૦-એસી ૫૩૩૭ની મોટરમાં નીકળ્યા હતા.

આ મોટર જ્યારે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ગોરધનપર નજીકની પાર્ક વુડ સોસાયટી સામે પહોંચી ત્યારે મોટર ચલાવી રહેલા જગદીશભાઈ યાદવે કોઈ કારણથી મોટર પરનો કાબુ ગુમાવ્યો હતો. રોડ પર સર્પાકારેે દોડેલી મોટર રોડ ઉતરી જઈને સાઈડમાં આવેલા ઈલેક્ટ્રીકના થાંભલા સાથે ટકરાઈ પડી હતી અને ગોથું મારી ગઈ હતી. આ અકસ્માતમાં જગદીશભાઈ તથા વિજયાબેનને ગંભીર ઈજા થઈ હતી. બંનેને મોડી રાત્રે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી સારવાર દરમિયાન વિજયાબેનનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે જગદીશને જમણા પગમાં ફ્રેક્ચર થઈ જતા તેને સારવાર આપવામાં આવી રહી છે. વિજયાબેનના પિતા દેવરાજભાઈ ભાગવતે સિક્કા પોલીસ સ્ટેશનમાં જગદીશ યાદવ સામે ફરિયાદ નોંધાવી છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ દેવરાજભાઈના પુત્રી વિજયાબેનને તાજેતરમાં જ એક હોસ્પિટલમાં પરિચારિકા તરીકે નોકરી મળી હતી. તે પછી આ યુવતી શુક્રવારે રાત્રે પોતાના મંગેતર જગદીશભાઈ યાદવ સાથે મોટરમાં નીકળ્યા ત્યારે તેઓને અકસ્માત નડતા તેમનો ભોગ લેવાયો છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક આવેલા મોરારસાહેબના ખંભાલીડા ગામમાં રહેતા નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ જાડેજા નામના યુવાન ગઈ તા.૨૨ ફેબ્રુઆરીની સવારે પોતાના જીજે-૩-બીસી ૬૨૫૬ નંબરના મોટરસાયકલમાં ધ્રોલથી મોરાર સાહેબના ખંભાલીડા ગામ તરફ આવવા માટે રવાના થયા હતા.

તેઓ જ્યારે વાંકીયા ગામ પાસે પહોંચ્યા ત્યારે પાછળથી ફૂલસ્પીડમાં ધસી આવેલી જીજે-૧-કેએચ ૬૨૮૧ નંબરની મોટરના ચાલકે તેઓને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં મોટરસાયકલ પરથી રોડ પર ફંગોળાઈ ગયેલા નરેન્દ્રસિંહને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે. તેઓએ ધ્રોલ પોલીસમાં મોટરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh