Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોદી-નીતિશકુમારની જોડીએ બતાવી તાકાતઃ જેડીયુ બન્યુ મજબૂતઃ કોંગ્રેસનો રકાસઃ ૨૪૩માંથી એનડીએની ૨૦૦ બેઠક ભણી આગેકૂચ
પટણા તા. ૧૪: આજે બિહાર વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. અને પરિણામો તથા લીડ મળીને એનડીએને બપોરે છેલ્લા અહેવાલો મુજબ ૧૯૭ એ મહાગઠબંધનને ૪૧ બેઠકો મળી રહી છે. આમ નીતિશકુમારની ફરીથી સરકાર રચાશે, જયારે મહાગઠબંધનના સુપડાં સાફ થઈ ગયા છે. સાંજ સુધીમાં ચિત્ર વધુ સ્પષ્ટ થઈ જશે.
વિધાનસભાની ચૂંટણી માટે બિહારમાં રેકોર્ડ બ્રેક મતદાન થયુ હતુ, અને આજે સવારથી તમામ ૨૪૩ બેઠકો માટેની મતગણતરી શરૂ થઈ છે. પ્રાપ્ત થતા તમામ બેઠકોના ટ્રેન્ડ અનુસાર રાજ્યમાં નીતિશકુમારની વાપસી થઈ રહી છે અર્થાત રાજ્યમાં સત્તાનું સુકાન ફરી એક વખત એનડીએના હાથમાં આવી રહ્યું છે.
રાજ્યમાં પીએમ મોદી અને સીએમ નીતિશ કુમારની જોડીએ કરામત કરી છે. ટ્રેન્ડમાં જ એનડીએને બે તૃત્યાંશથી વધુ બહુમતી મળી ગઈ છે જયારે રાજદ-કોંગ્રેસ વગેરેના બનેલા મહાગઠબંધનના સુપડાં સાફ થઈ ગયા છે. આ લખાય છે ત્યારે રાજ્યની ૨૪૩ બેઠકોના ટ્રેન્ડ મળ્યા છે તેમાંથી ૧૯૭ બેઠક પર એનડીએના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે જયારે ૪૧ બેઠક પર મહાગઠબંધન આગળ ચાલી રહ્યું છે. અત્રે એ નોંધનીય છે કે, કુલ ૨૪૩ બેઠકમાંથી બહુમતી માટે ૧૨૨ બેઠકોની જરૂર રહે છે. રાજ્ય માટે જાહેર થયેલા એકઝીટ પોલથી પણ વધુ બેઠકો એનડીએને મળી.
શરૂઆતના વલણોએ માત્ર આરજેડીની સત્તામાં આવવાની આશાઓ પર પાણી ફેરવી દીધું નથી, પરંતુ પાર્ટી ભાજપ અને જેડીયુથી પાછળ રહીને ત્રીજા સ્થાને આવી ગઈ છે. ઘણાં એકિઝટ પોલમાં આરજેડી ફરી એકવાર સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવશે તેવી આગાહી કરવામાં આવી હતી. તે ખોટી પડી છે.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે ભાજપ બિહારમાં વાપસી કરી રહ્યું છે અને પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવવા માટે લાઈનમાં છે. બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી દરમિયાન, ગિરિરાજસિંહે આજતકને કહ્યું, બિહારની જીત આપણી છે, હવે બંગાળનો વારો છે. તેમણે વધુમાં કહ્યું, આપણે બંગાળમાં પણ જીતીશું. ત્યાં અરાજકતાની સરકાર છે. તેજસ્વી યાદવે ચૂંટણી પંચ પાસેથી પ્રમાણપત્ર મેળવ્યા વિના ૧૮મી તારીખ પણ નકકી કરી. તેમને રાંચી અને આગ્રાથી પરત ફરેલા માનવામાં આવશે.
વર્ષ ૨૦૦૨થી નીતિશ કુમારે લોકોમાં 'સુશાસન બાબુ' તરીકેની જે છબિ બનાવી છે, તે પરિણામોમાં સ્પષ્ટપણે જોવા મળી છે. બિહારમાં વીજળી વ્યવસ્થામાં સુધારો અને રાજ્યના દરેક ખૂણા સુધી પહોંચતા સારા રસ્તાઓએ લોકોને વિશ્વાસ અપાવ્યો કે વિકાસની ગતિ ચાલુ રહેશે. ચૂંટણી પહેલાં હત્યાની ઘટનાઓથી કાયદો અને વ્યવસ્થા અંગે સવાલો ઊભા થયા હતા, પરંતુ નીતિશ કુમારે ભાજપ સાથે મળીને 'જંગલ રાજ'ની યાદ અપાવી અને વિપક્ષના આ મુદ્દાને તટસ્થ કરી દીધો. આ ઉપરાંત નીતિશ કુમારની છબિ 'પલટુ રામ' તરીકે બનાવવામાં આવી હોવા છતાં, તેમના કાર્યના આધારે જેડીયુ નેતાએ બધા સવાલોના જવાબ આપી દીધા છે.
ચૂંટણી દરમિયાન નીતિશ કુમાર પર થયેલા વ્યક્તિગત હુમલાઓ પણ તેમને સહાનુભૂતિ અપાવવામાં મદદરૂપ થયા. તેજસ્વી યાદવે નીતિશ કુમારને બીમાર મુખ્યમંત્રી અને ભ્રષ્ટાચારના ભીષ્મ પિતામહ કહૃાા હતા. પ્રશાંત કિશોરે તો મુખ્યમંત્રીનું આરોગ્ય બુલેટિન બહાર પાડવાની માંગ કરી હતી. આ પ્રકારના વ્યક્તિગત હુમલાઓ બિહારના લોકોમાં પડઘો પાડે છે અને પરિણામોએ તે બધાને ખોટા સાબિત કર્યા છે.
એનડીએની આ જીતમાં સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક ચૂંટણીની જાહેરાત પહેલાં બિહાર સરકાર દ્વારા કરવામાં આવેલું ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર હતું. ચૂંટણીની જાહેરાત પહેલાં બિહાર સરકારે ૭૫ લાખ મહિલાઓના ખાતામાં સીધા ૧૦ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાનો પ્રારંભ કર્યો હતો. લાભાર્થી મહિલાઓની સંખ્યા ઝડપથી ૧ કરોડને વટાવી ગઈ. મહાગઠબંધને આ રકમને લોન કે ગ્રાન્ટ ગણાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મતદારો પર તેની કોઈ અસર થઈ નહીં.
ડાયરેક્ટ કેશ ટ્રાન્સફરનો આ સફળ પ્રયોગ મધ્ય પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં પણ સફળ રહૃાો છે. તેજસ્વી યાદવે જીવિકા દીદીઓ માટે ૩૦,૦૦૦ રૂપિયા પગાર અને સરકારી નોકરીની જાહેરાતો કરી, પણ લોકોએ વચન કરતાં રસીદ (પાછળના લાભો) પર વધુ વિશ્વાસ મૂક્યો.
નીતિશ કુમારની જીતમાં મહિલા મતદારોએ નિર્ણાયક ભૂમિકા ભજવી છે, જેનું મુખ્ય કારણ દારૂબંધી છે. ૨૦૧૫ની ચૂંટણીમાં મહિલા કાર્યક્રમમાં માંગ ઉઠતા નીતિશ કુમારે સત્તામાં પાછા ફરવા પર સંપૂર્ણ દારૂબંધી લાગુ કરવાનું વચન આપ્યું હતું, જે તેમણે પૂરું કર્યું. દારૂબંધીના અમલ પર સવાલો ઊભા થયા હોવા છતાં, નીતિશ કુમાર અડગ રહૃાા. પ્રશાંત કિશોરે સરકાર બનવા પર દારૂબંધી ખતમ કરવાની વાત કરી હતી. જો કે, જનાદેશ સ્પષ્ટ દર્શાવે છે કે બિહારના લોકો, ખાસ કરીને મહિલાઓ, દારૂબંધી યથાવત્ રહે તેવું ઇચ્છે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial