Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે મિત્રો નાન૫ણથી સાથે.. સાથે ભણ્યા, સાથે મોટા થયા, સાથે રખડ્યા.. પછી બંનેએ સાથે મળીને ભાગીદારીમાં ધંધો શરૂ કર્યાે.. થોડા વર્ષાે બધું બરાબર ચાલ્યું પણ પછી બંને વચ્ચે નાનો-મોટો ખટરાગ શરૂ થયો. ધંધાની બાબતમાં, મૂડીની બાબતમાં, ખરીદીની બાબતમાં, ચૂકવણીની બાબતમાં એમ ખટરાગ શરૂ થયો. એક મિત્ર લાગણીશીલ.. લાગણીમાં આવીને કોઈકને ઉધાર માલ આપી દે, તેમાં ક્યારેક નુકસાન થાય. બીજો મિત્ર ગણતરીવાળા મગજ વાળો. નુકસાન સહન ન થાય એટલે માથાકૂટ થાય.. એક દિવસ ગુસ્સામાં તેણે કહી દીધું કે, 'હવે આપણે સાથે ધંધો નહી કરી શકીએ, આપણે છૂટા પડીએ' બીજા મિત્રએ કહ્યું, 'વાંધો નહી, જેમ તું કહે તેમ... મને કામધંધો ખોવાનું પોષાશે, મિત્ર ખોવો નહી પોષાય... અને તેણે દોસ્તી બચાવી લીધી... આમ જોઈએ તો તેના આ જવાબમાં ક્યાંક અહંકાર દેખાય, પણ બીજી રીતે વિચારીએ તો આ જવાબ એક સમજદાર, લાગણીશીલ વ્યક્તિનો હોય તેવું લાગે. વર્ષાેની દોસ્તી થોડા રૂપિયા માટે તોડતા તેનું મન ન માન્યું.
બે વિજાતીય મિત્ર.. વર્ષાેની દોસ્તી.. યુવક જે સંસ્થામાં કામ કરે. તેનાથી હરીફ સંસ્થામાં થોડા વર્ષાે પછી યુવતી જોડાય, જો કે તેનાથી દોસ્તીમાં ફેર ન જ પડ્યો. યુવકે જ તેને કહ્યું કે આપણી સંસ્થા એકબીજાની હરીફ છે. આપણે નહી, કામ વચ્ચે દોસ્તી કે દોસ્તી વચ્ચે કામ નહી લાવીએ.. થોડા સમય પછી યુવતી જે સંસ્થામાં હતી ત્યાંના બોસને તેની દોસ્તી વિશે ખબર પડી, તેણે યુવતીને બોલાવીને કહ્યું કે, તમારે હરીફ સંસ્થાને વ્યક્તિ સાથે દોસ્તી છે. તે દોસ્તી તમે તોડી નાખો. યુવતીએ હાથ જોડ્યા કે.. તમે કામની ના પાડશો તો હું નીકળી જઈશ, પણ નોકરી માટે મારી વર્ષાેની દોસ્તી નહી તોડું.
મોટાભાગે ધંધાની શરૂઆત ઘરના સભ્યો, મિત્રો સાથે થતી જ હોય છે, એક વ્યક્તિને એકલાને સફળ બનવું થોડું અઘરૃં છે. એટલે તે સાથ સહકાર માટે અંગત પર વધુ ભરોસો કરે છે અને સાથે શરૂ કરેલા કોઈપણ કાર્યમાં થોડા વર્ષાે પછી ક્યારેક નાના મોટા ખટરાગ થાય એ સ્વાભાવિક છે, પણ એ સમયે ધંધો મહત્ત્વનો કે સંબંધ એ પ્રશ્ન અગત્યનો છે. મોટાભાગે વ્યવસાયિક મતભેદ બે પ્રતિભાશાળી-બુદ્ધિશાળી લોકો વચ્ચે થાય એ સહજ અને સ્વાભાવિક છે, દુનિયાના કોઈપણ વ્યવસાયમાં એક જ વ્યક્તિ નિર્ણય કરે, એ જ મહેનત કરે તો વિકાસ કે વિસ્તાર શક્ય નથી. દરેક સફળતા પાછળ એકથી વધુ વ્યક્તિના મન-મગજ-વિચારો કામ કરતા હોય છે અને જ્યારે વધારે વ્યક્તિ હોય ત્યારે દરેકના પોતાના વિચારો અલગ અલગ હોય ત્યારે મતભેદ સહજ છે, આ મતભેદને સર્જનાત્મકના મતભેદ તરીકે જોવામાં આવે, વિકાસ માટેની ચર્ચામાં જોડવામાં આવે તો જ વિકાસ અને સફળતા સહજ બને.
ખાસ કરીને પતિ-પત્ની, મિત્રો કે ભાઈઓ એક વ્યવસાયમાં સાથે હોય ત્યારે આવી ગેરસમજ અથવા અહંકારના ટકરાવ થવાની સંભાવના રહે છે. બેમાંથી કોઈ એક વ્યક્તિ પોતાનો મતભેદ પ્રગટ કરે ત્યારે બીજી વ્યક્તિએ એને સાંભળવાની અને સમજવાની તૈયારી બતાવવી જોઈએ, તેને વિરોધ તરીકે નહી પણ જુદા અભિપ્રાય તરીકે તપાસવી જોઈએ એ બધી વાત, એ બધી સમજણ બે વ્યક્તિ સામસામે ઊભા હોય ત્યારે ક્યાં ખોવાઈ જાય છે એ સમજાતું નથી.
આપણે ક્યારેક ભૂલી જઈએ છીએ કે ધંધામાં અંગત લોકોની ભાગીદારી હોય ત્યારે એકબીજાની સાથે નહી, સાથે ઊભા રહેવા જોઈએ. અપવાદ હોઈ શકે, પણ અંગત સંબંધોમાં વ્યવસાય સ્વાર્થને દૂર રાખવો જોઈએ. ક્યારેક વ્યવસાયીક સંબંધોમાં એટલો સ્વાર્થ આવી જાય છે કે વર્ષાેની દોસતી, વર્ષાેના સંબંધોમાં ખટરાગ આવી જાય છે. એવા સમયે આપણને આપણી આવડત જ વધુ લાગે છે. જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે, પસંદગી કરવાની પરિસ્થિતિ આવે ત્યારે આપણા સંબંધોની પરીક્ષા હોય છે. આપણને બધાને આપણી ભૂલ બતાવનાર, સાચુ કહેનાર તોછડા અને વીરોધી જ લાગે છે. આપણે સ્વાભાવ અને અભિમાનનો ભેદ ભૂલી જઈએ છીએ અને જેને આપણા માટે લાગણી હોય, આપણું સારૂ ઈચ્છતા હોય, આપણને આર્થિક નુકસાનથી બચાવવા માંગતા હોય ત્યારે આપણને તે ખોટા જ લાગે છે, પાછંુ ક્યારેક કોઈ બે જણાના સંબંધો, દોસ્તીથી કોઈને ઈર્ષા થાય છે અને આવા ઈર્ષાયુ લોકો દોસ્તીમાં ભંગાણ પડાવે છે. આવા સમયે આપણે ધ્યાન રાખવું જોઈએ. કયારેક વ્યવસાયિક સંબંધ જ્યારે અંગત સંબંધની ઉપર નીકળી જાય અને તેના પડછાયામાં અંગત સંબંધ ગુંચવાવા લાગે ત્યારે વ્યવસાય મૂકીને સંબંધ જાળવી લેવા એ જ સાચો અને સારો રસ્તો છે. મોટાભાગે લોકો આવું વિચારવાને બદલે આર્થિક ફાયદો જોતા હોય છે અને સંબંધ છોડીને વ્યવસાય સાચવી લે છે. વ્યવસાય, પૈસા, સફળતા, કારકિર્દીને મહત્ત્વ આપે છે અને અન્ય સંબંધ બિન મહત્ત્વનો ગણીને તેનાથી દૂર થઈ જતા હોય છે. પણ આગળ જતી વખતે એ પાછળ વળીને જોતા નથી કે છોડી દીધેલા સંબંધોમાં કેટલા ઉઝરડા પડ્યા છે, અંગત વ્યક્તિ કેટલા ઘાયલ થયા છે એ વિચારતા નથી. આવા લોકો સફળ તો થાય છે, પણ સુખી નથી થતા. વ્યવસાય કે કારકિર્દી માટે અંગત સંબંધને દાવ પર લગાડનારા લોકો પછીથી પસ્તાય છે. કારણ કે આપણી સફતળા, સંપત્તિ કે સુખને વહેંચવા માટે પણ આપણે એવી અંગત વ્યક્તિની જરૂર હોય છે. જે આપણી સાથે હોય અને આપણને સુખી જોઈને તેને આનદ થાય. માણસ એકલો રડી શકે છે, પણ એકલો હસી શકતો નથી. આનંદની અભિવ્યક્તિ કરવા, ખુશી વહેંચવા, પાર્ટી કરવા એક સાથીની જરૂર હોય જ છે, અંગત વ્યક્તિની જરૂર હોય છે. વ્યવસાય અને કારકિર્દી માટે આવા સાથીને, અંગતને ઠોકર ન મારવી. જેની પાસે આવડત હોય છે, કળા હોય છે, બુદ્ધિ છે તેને કામ મળી જ રહે છે. પણ જે સંબંધ વર્ષાે સુધી સાથે હોય, જે સંબંધ આપણા જીવનનુ મહત્ત્વનું અંગ હોય તેવો સંબંધ એકવાર દૂર જાય તો પછી કદાચ ફરીથી મળે તો પણ તેમાં એ લાગણી કદાચ ન હોય. કામ, નોકરી, પ્રોજેક્ટ તો બીજા મળી જાય, પણ મિત્ર, પ્રેમ, ભાઈ-બહેન બીજા ન મળે. એટલે કામને બદલે કુટુંબને સાચવી લેવું વધુ યોગ્ય છે.
અંગત સંબંધના ભોગે મળેલી વ્યવસાયિક સફળતા અંતે જીવનની નિષ્ફળતા પુરવાર થાય છે. એક દોસત, એક સંબંધ કે એક અંગત વ્યક્તિ થોડા હજાર, થોડા લાખ રૂપિયા કરતા વધુ મહત્ત્વના છે. કારણ કે રૂપિયાથી સગવડતા ખરીદી શકાય છે, સુખ નહી. રૂપિયાથી મકાન ખરીદી શકાય છે, ઘર નહી, રૂપિયાથી પાર્ટી કરી શકાય છે તો ખુશી નથી મળતી... આ સુખ, ઘર, ખુશી માટે તો અંગત વ્યક્તિઓ જ જોઈએ.
- દિપા સોની, જામનગર.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial