Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ગોપલ ઈટાલિયા પર જુતુ ફેંકાયુ, અને તેમણે વિધિવત ફરિયાદ ન કરી., જૂતુ ફેંકનારના પૂર્વ-ઈતિહાસની વાતો થઈ, અને તેમણે કયા કારણે આવું કર્યું તેની કરેલી ચોખવટ પણ ચર્ચાના ચાકડે ચડી. આ આખા ઘટનાક્રમનો રાજકીય ફાયદો એકંદરે કોને થશે અને આ પ્રકારની ઘટનાઓ શું પ્રિ-પ્લાનેડ હોય છે કે વ્યક્તિગત ઉશ્કેરાટ કે સંતોષનો ઉભરો હોય છે, તેની ચર્ચાઓ પણ થઈ, પરંતુ અંતે આ પ્રકારની ઘટનાઓ સ્વીકૃતી નથી, તેવા અભિપ્રાયો સાથે પ્રકરણ વાઈન્ડ અપ કરવાની રાબેતા મુજબ કોશિશ થઈ.
બીજી ઘટના જોઈએ, ભાજપના આખાબોલા સંસદસભ્ય મનસુખભાઈ વસાવાએ કોઈનું નામ કે સંદર્ભ જણાવ્યા વિના એવો આક્ષેપ કરી દીધો કે સનસનાટી મચી ગઈ.
તંત્રના અધિકારીઓ પર નાના-મોટા વિકાસકાર્યોમાં તપાસ માંગી, તેને સોશ્યલ મીડિયામાં મૂકી અને પ્રચાર-પ્રસિદ્ધિ કર્યા પછી તેની પાસેથી લાખો રૂપિયાનો તોડ નો આમઆદમી પાર્ટી પર આક્ષેપ મુકતા મુકતા મનસુખભાઈ વસાવાએ કેટલાક દૃષ્ટાંતો આપ્યા, પણ નામ, સંદર્ભ વિના...
એવું કહેવાય છે કે આ વાત કરતા કરતા મનસુખભાઈ આ પ્રકારના ષડયંત્રો તમામ પક્ષોના કેટલાક નેતાઓ કરી રહ્યા હોવાનું કહેતા પોતાની જ પાર્ટી માટે સેલ્ફ ગોલ કરી લીધો હતો, અને પૂરવાર કર્યું હતું કે હમામ મેં સબ નંગે હૈ...!
ત્રીજું દૃષ્ટાંત જોઈએ તો, એક કાર્યક્રમમાં ભાજપ અને વિપક્ષની સેલિબ્રિટિઝ બહેનોએ એક સાથે નૃત્ય કર્યું, અને તેના રાજકીય પ્રત્યાઘાતો પણ પડવા લાગ્યા હતા.
બન્યું હતું એવું કે ભાજપના સાંસદ નવીન જીંદાલને ત્યાં લગ્ન પ્રસંગમાં ભાજપના કંગના રનૌત, તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા અને એનસીપી (શરદજૂથ) ના સુપ્રિયા સુલે એક સાથે એક જ સ્ટેજ પર ડાન્સ કરતા હોય તેવો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. એવું કહેવાય છે કે આ વીડિયો કોઈ કાર્યક્રમ માટે રિહર્સલનો છે, પરંતુ તેમાં રાજનીતિની વાસ્તવિકતા પણ પ્રગટે છે, રાજનેતાઓ ભલે સડકથી સંસદ સુધી સટાસટી બોલાવતા રહેતા હોય, પરંતુ વ્યક્તિગત રીતે તેઓ એકબીજા પ્રત્યે આદર રાખતા હોય છે, અને રાજકીય ખેલદિલીનો પરિચય આપતા હોય છે.
આ પ્રકારે જ એક અન્ય "રાજકીય ખેલદિલી"નો પ્રસંગ ગઈકાલથી જ ચર્ચામાં છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ૩૬નો આંકડો છે, પરંતુ ઘણાં પ્રતિસ્પર્ધી નેતાઓના પરસ્પર મજાક-મસ્તીના સંબંધો પણ હોય છે. સંસદમાં ૬ઠ્ઠી ડિસેમ્બરે ગરમાગરમ આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરતા પ્રતિસ્પર્ધી નેતાઓ ડો. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
આ પ્રસંગે આવેલા કેન્દ્રીયમંત્રી કિરેન રિજિજૂ અને લોકસભામાં વિપક્ષના નેતાએ જ્યારે એકબીજાને જોયા કે તરત જ સસ્મિત હસ્તધૂનન કર્યું અને એકબીજાની મજાક-મસ્તી પણ કરી અને હળવાશથી વાતો કરી. ભાજપ પર હંમેશાં આગબબૂલા રહેતા કોંગી નેતા ઉદિત રાજની હાજરીમાં બનેલી આ ઘટનાનું પણ તાજ્જુબ સાથે "રાજકીય ખેલદિલી" ગણાવાઈ રહી છે.
તે પહેલા પાંચમી ડિસેમ્બરે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના સન્માનમાં રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ભોજન સમારંભમાં વિપક્ષના સાંસદ શશિ થરૂરને આમંત્રણ અપાયું હતું, જેને શાસક પક્ષની "ખેલદિલી" ગણાવાઈ હતી, તો બીજી તરફ કોંગ્રેસના અન્ય દિગ્ગજોને આમંત્રણ નહીં મળ્યું હોવાથી એક અલગ જ વિવાદ શરૂ થઈ ગયો હતો. પવન ખેડાએ આને રાજરમત ઠરાવી હતી, તો થરૂરે પણ વિપક્ષના દિગ્ગજોને આમંત્રણ અપાયું નહીં હોવાને અયોગ્ય ઠરાવ્યું હતું, પરંતુ પોતે હાજરી પણ આપી હતી, તેથી આને પણ રાજરમત જ ગણાવાઈ હતી.
ઈન્ડિગોના મુદ્દે રાહુલ ગાંધીએ સરકાર અને ઈન્ડિગો વચ્ચેના "મેચ ફિક્સીંગ"નું પરિણામ ગણાવ્યું હતું, ત્યારે કેટલાક લોકોએ આ મુદ્દે પ્રત્યાઘાતો આપવાના ટાઈમીંગને લઈને સવાલો ઉઠાવતા કહ્યું હતું કે રાજકીય પક્ષો વચ્ચે પણ આ મુદ્દે "મેચ ફિકસીંગ" જ છે !
ગુજરાતના પ્રવાસે આવેલા "આપ"ના અરવિંદ કેજરીવાલે રાજકોટમાં રણકાર કર્યો અને ભાજપના શાસન પર પ્રહારો કર્યા, તો ગોપાલ ઈટાલિયા પર જૂતુ ફેંકવાની જામનગરની ઘટનાને લઈ પ્રતિક્રિયા આપી. આ દરમ્યાન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સાઠગાંઠ હોવાની કેજરીવાલે જે વાત કરી, તે ઘણી જ સૂચક છે., અને રાજનીતિમાં કાંઈપણ અશક્ય નથી, તેના તરફ પણ ઈશારો કરે છે. ખુદ કેજરીવાલે અન્ના આંદોલન પછી પાર્ટી રચી અને પહેલી વખત દિલ્હીના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે કોંગ્રેસનો ટેકો લીધો હતો, તેને યાદ કરાવીને કોંગ્રેસના અંતરંગ વર્તુળોમાં પણ એવી ચર્ચા છે કે કેજરીવાલ કદાચ રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાને સુરક્ષિત કરવાના ચક્કરમાં છે !
કેન્દ્રીય કક્ષાએ અનેક વિવાદો તથા અદાલતી કાર્યવાહીથી ઘેરાયેલા કેજરીવાલ હવે ગુજરાતમાંથી ભાજપ સામે પડકાર ઊભો કરવાની મહેનત કરી રહ્યા છે, તેવા મહત્તમ પ્રત્યાઘાતો વચ્ચે કેટલાક લોકો એવું પણ કહે છે કે હકીકતે પોલિટિકલ બ્લેક મેઈલીંગ હેઠળ કેજરીવાલ ભાજપના ઈશારે જ ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓમાં તોડફોડ કરી રહ્યા છે. રાષ્ટ્રીય કક્ષાએ કે કોઈ રાજ્યોમાં ચૂંટાયેલા નેતાઓ પક્ષાંતર કરે, ત્યારે તેને ખરીદ-વેચાણ ગણવામાં આવતું હોય, તો ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યો પછી હવે કોંગ્રેસના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલા નેતાઓના પક્ષાંતરને શું કહેશો ? તેવા સવાલો ઉઠતા હોય, તો તેને અવગણી શકાય તેમ નથી.
ટૂંકમાં કેજરીવાલની ભાજપ અને કોંગ્રેસની વિરૂદ્ધમાં ચાલી રહેલી આક્ષેપબાજીને વિશ્લેષકો ભિન્ન ભિન્ન રીતે મુલવી રહ્યા છે, અને વિવિધ અર્થઘટનો થઈ રહ્યા છે.
હકીકતમાં રાજનેતાઓ જાહેરમાં ભલે પરસ્પર આક્રમક -આલોચક દેખાતા હોય, પરંતુ તેઓ વ્યક્તિગત રીતે દુશ્મનાવટ રાખતા નથી, અને રાજનીતિમાં રાગદ્વેશ નહીં રાખતા હોવાનો દાવો કરાય છે. તેવી જ રીતે કલાકારો જયારે સ્ટેજ પર પરફોર્મન્સ કરે ત્યારે તેમાં રાજકીય કંકાસ આડે આવતો નથી. જો કે, આ ખાસ પ્રકારની "ખેલદિલી" હકીકતે આ જ નેતાઓ માટે પરસ્પર ઝઘડતા, કયારેક મારામારી કરતા કે જીવ ગુમાવતા જિલ્લા-ગ્રામ્યકક્ષાના નેતાઓ તથા કાર્યકરો સાથે "ખિલવાડ" જ ગણાય, કારણ કે રાજનીતિના ક્ષેત્રે "હમામ મેં સબ નંગે હૈ..."ની કહેવત લાગુ પડતી હોવાની અવધારણા પણ અગવણવા જેવી તો નથી જ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial