Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત પર મેઘમહેરઃ મગફળી સહિતના પાકો માટે વરદાનઃ ખેડૂતો ખુશઃ પરિવહન અને જનજીવન પ્રભાવિતઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સર્વાધિક વરસ્યોઃ
જામનગર-અમદાવાદ તા. ર૦: જામકલ્યાણપુર અને મેંદરડામાં ૧૦ થી ૧૧ ઈંચ સહિત રાજ્યના ૧૬૮ તાલુકાઓમાં શ્રીકાર વરસાદ પડ્યો છે. નદી-નાળા છલકાયા છે, તો જનજીવન-પરિવહન પ્રભાવિત થયું છે. સરકાર તરફ મીટ માંડીને બેઠેલા ખેડૂતો ખુશખુશાલ થયા છે.
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા ર૪ કલાક દરમિયાન શ્રીકાર વરસાદ નોંધાયો છે. છેલ્લા ર૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ ૧૧ ઈંચ વરસાદ નોંધાયો છે, જેમાં કલ્યાણપુર તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૧૧ ઈંચ તથા દ્વારકા તાલુકામાં ૬ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે પોરબંદર તાલુકામાં ૪ ઈંચ જેટલો, માંગરોળ તાલુકામાં ૩.૭૪ ઈંચ, સુત્રાપાડા તાલુકામાં ૩.૩પ ઈંચ, જાફરાબાદ તાલુકામાં ૮.૦૭ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત આજે સવારે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં માત્ર ૪ કલાકમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ૧૦ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વંથલીમાં પાંચ ઈંચથી વધુ તથા કેશોદમાં પાંચ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના મહુઆ તાલુકામાં ૪.૭૬ ઈંચ તથા ગીરસોમનાથના તલાલા તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત કેશોદમાં ૪૮ ઈંચ, માંગરોળમાં ર.પ૬ ઈંચ, માળિયા હાટીનામાં ર.પ૬ ઈંચ, જૂનાગઢમાં ૧.૯૭ ઈંચ, જૂનાગઢ શહેરમાં ૧.૯૭ ઈંચ માણાવદરમાં ૧.૦ર ઈંચ અને માણાવદરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.
દ્વારકા પંથક
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મહેરબાન બન્યા છે. સતત વરસતા વરસાદે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં જીવનપ્રવાહને અસર કરી છે. ખાસ કરીને ગઈકાલે એક જ દિવસમાં ૬ ઈંચ જેટલો વરસાદ પડતા દ્વારકા શહેરમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. વહેલી સવારે માત્ર બે કલાકમાં વધુ એક ઈંચ વરસાદ વરસતા દ્વારકા શહેરના ઈસ્કોનગેટ, ભદ્રકાલી ચોક અને આસપાસના મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતાં, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નિચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસી જતા લોકોએ પરેશાનીઓ અનુભવી પડી હતી.
સતત વરસાદને કારણે ગામડાના રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. તળાવો, ચેકડેમ અને નદીનાળા છલકાઈ રહ્યા છે. જન-જીવન પ્રભાવીત થયું છે.
રાવલ-કલ્યાણપુર પંથક
ભારે વરસાદના કારણે કલ્યાણપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પવનના સુસવાટા સાથે પડેલા સાંબેલાધાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
કલ્યાણપુર, પાનેલી, ભાટિયા, રાવલ, ટંકારિયા સહિતના ગામોમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશહીનો માહોલ છે. મગફળી સહિતના પાકો માટે આ વરસાદ વરદાન રૂપ સાબિત થયો છે. કલ્યાણપુર તાલુકામાં સાર્વત્રિક સારો વરસાદ નોંધાયો છે.
સાની કોઝવે પર પી.જી.વી.સી.એલ કર્મી તણાયોઃ બચાવ
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પાસે રાવલ, સૂર્યાવદર માર્ગ પર કોઝવેમાં લાંબા ગામના કપિલ બાબરિયા નામનો પી.જી.વી.સી.એલ.નો કર્મચારી બાઈક સાથે નીકળતા તે તણાઈ ગયો હતો. ડિઝાસ્ટરના નાયબ મામલતદાર રામભાઈ ચાવડાએ સ્થાનિક મામલતદાર તથા તંત્રને જાણ કરતા તેમણે રેસ્ક્યુ કરીને સ્થાનિક ખેડૂતોની મદદથી આ યુવાનને બચાવ્યો હતો, જો કે તેનું બાઈક પાણીમાં તણાઈ ગયું હતું. આ યુવાન સાની નદીના પૂરમાં તણાયો હતો ત્યારે કુદરતી રીતે તેના હાથમાં એક ખેતરની કાંટાળી વાડનો વાયર હાથમાં આવી જતાં તેનો ટેકો લઈને તે ખેતરના પાળા પર ચડી ગયો હતો તે પછી સ્થાનિક ખેડૂતોએ ટ્રેક્ટરની મદદથી તેને બચાવી લીધો હતો.
વિચિત્ર ભારે વરસાદ
દ્વારકા જિલ્લામાં ગઈકાલે વિચિત્ર ભારે વરસાદ પડ્યો હતો. ખંભાળિયા તાલુકાના દ્વારકા રોડ પરના વિસ્તારો ખોડિયાર મંદિરથી દાત્રાણા નેશનલ હા-વે પર બપોરે ચાર વાગ્યે માત્ર પંદર મિનિટમાં દોઢ ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો, તો ભાડથર તથા દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં પણ અનેક સ્થળે એક કલાકમાં ત્રણ-ચાર ઈંચ જેવો ભારે વરસાદ પડતા પાણી પાણીની સ્થિતિ થઈ ગઈ હતી.
ભાટિયા સહિત પંથકમાં અઢીથી ૩ ઈંચ વરસાદ
ભાટિયામાં ગઈકાલે જોરદાર વરસાદના એક ઝાપટા પછી આજે સવારે અનરાધાર મેઘમહેર થતા ભાટિયા સહિત પંથકના કેનેડી, કલ્યાણપુર, લાંબા બંદર, ભોગાત, રાવલ, નંદાણા, ગાગા, લીંબડી, સતાપર, હર્ષદ, ગાંધવી સહિતના ગામોમાં ધોધમાર અઢીથી ૩ ઈંચ જેટલો વરસાદ નોંધાતા નદી-નાળા-તળાવ-ડેમ-ચેકડેમ સહિતમાં ઠેર ઠેર પાણીની આવક થઈ છે અને નિચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતાં, જ્યારે બજારોમાં પાણીના પૂર વહેતા થયા હતાં. સર્વત્ર સારા વરસાદથી ખેડૂતો અને લોકોમાં ખુશી વ્યાપી જોવા મળે છે.
મેંદરડા-વંથલી
મેંદરડામાં મુશળધાર વરસાદથી મધુવંતી નદી ગાંડીતૂર બની છે. નદીના પાંચ કોઝવે પર ઓવરટોપિંગ થતા રસ્તાઓ બંધ થઈ ગયા છે. મીઠાપુર અને દાત્રાણા ગામના નિચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે.
વંથલી તાલુકાના ખોરાસા ગામ પાસે આવેલા સાબલી જળાશયમાં ઉપરવાસમાં પાણીની આવક વધતા હાલ ડેમના ૧૧ દરવાજા ૧.પ૦ મીટર ખોલવામાં આવ્યા છે. વંથલી તાલુકાના ખોરાસા, સેંદરડા અને કેશોદ તાલુકાના મઘરવાડા, માણેકવાડા, ડેરવાણ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
વંથલી તાલુકાના શાપુર ગામ પાસે આવેલા ઓઝત વિયર શાપુર જળાશયમાં પાણીની આવક થતા ડેમમાં હાલ ઓવરફ્લો ૧.૭૦ મીટર છે. જૂનાગઢ તાલુકાના બાદલપુર ગામ પાસે આવેલા ઓઝત-ર જળાશયમાં પણ પાણીની આવક વધતા ડેમના ૩ દરવાજા ૦.૬૦ મીટર ખોલવામાં આવ્યા છે.
વહીવટી તંત્ર દ્વારા ૩પ-૪૦ લોકોને અગમચેતીના ભાગરૂપે સલામત જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ જૂનાગઢ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અત્યતં ભારે વરસાદ પડવાની સંભાવના હોવાથી જૂનાગઢના તમામ નાગરિકોને જરૂરી સાવચેતી રાખવ, કોઝવે/રસ્તા પરથી પાણી પસાર થતું હોય ત્યારે તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી છે.
હવામાન ખાતાની આગાહી
હવામાન વિભાગે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી અને દમણ સહિત ૧૩ જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, તાપી અને ડાંગ સહિત ૬ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે. તેથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.
રાજ્યના અન્ય ૧૭ જિલ્લાઓ જેમ કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં હળવા કે મધ્યમ વરસાદની સંભાવના છે.
જળાશયોની સ્થિતિ
રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાં હાલ ર૬,૦૧૭૪ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમ હાલ ૭૭.૮૮ ટકા ભરાયો છે. સરદાર સરોવર સિવાયના રાજ્ઠયના અન્ય ર૦૬ જળાશયોમાં ૪,૧પ,પ૩૭ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ થયો છે જે કુલ સંગ્રહ ક્ષમતાના ૭૪.૪૮ ટકા છે. રાજ્યમાં હાલ ૬૪ ડેમને હાઈ એલર્ટ, ર૯ ડેમને એલર્ટ તથા ર૧ ડેમને વોર્નીંગ આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ આજે ર૦ ઓગસ્ટ ર૦રપ ના સવારે ૬ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ ૭૧ ટકાથી વધુ નોંધાયો છે, જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૭પ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૭૧ ટકાથી વધુ, ઉત્તર ગુજરાત ઝોનમાં ૭ર ટકાથી વધુ, મધ્ય-પૂર્વ ગુજરાતમાં ૬૯.૯ર ટકા તેમજ સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી ઓછો ૬૯.૦૬ ટકા જેટલો વરસાદ નોંધાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial