Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ફેબ્રુ. ૨૦૨૬માં રિધમ્સ ફાઉન્ડેશન દ્વારા ૫૫૫૫ કુંડી અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ

'છોટીકાશી' માં વિશ્વ વિક્રમોની વણઝાર સર્જવાનાં લક્ષ્ય સાથે અભૂતપૂર્વ ધર્મોત્સવ યોજાશે

                                                                                                                                                                                                      

 'છોટીકાશી'  જામનગરમાં ખંભાળીયા હાઇ-વે પર એરપોર્ટ નજીક રિધમ્સ ફાઉન્ડેશન દ્વારા આગામી વર્ષે ૧૨ ફેબ્રુઆરી થી ૨૦ ફેબ્રુઆરી (મહા વદ દશમથી ફાગણ સુદ ત્રીજ) દરમ્યાન ૫૫૫૫ કુંડી અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા પત્રકાર પરિષદ યોજી સમગ્ર આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી.

 રિધમ્સ ફાઉન્ડેશનનાં નિયામકો  રામ પઢિયાર, રાજ કારેણા, રણજીત તામહાણે, કૃષ્ણાબેન આહિર, લખમણભાઇ આહિર અને અરવિંદભાઇ ગોરફાડ દ્વારા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા પ્રસ્તુત કરવામાં આવી હતી. તેમજ ઈવેન્ટ મેનેજમેન્ટ ટીમ ભટ્ટ સાઉન્ડ (રાજકોટ)નાં સંચાલક અભિષેકભાઈ, જયભાઈ, કિરીટભાઈ, ગૌતમભાઈ વગેરે દ્વારા સુવિધાઓ - સુરક્ષા  વગેરે બાબતે તથા યજ્ઞશાળા - યજ્ઞવિધિના મુખ્ય આચાર્ય રવીન્દ્રભાઈ શાસ્ત્રીજી (જુનાગઢ)નાં પ્રતિનિધિ મયુરભાઈ પંડ્યા, મયુરભાઈ ભટ્ટ દ્વારા ધાર્મિક વિધિઓ અંગે  માહિતી આપવામાં આવી હતી

 આયોજકોનાં દાવા મુજબ ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારત કાળમાં યુધિષ્ઠિરને જે મુહૂર્તમાં અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો એ જ મુર્હૂતમાં ૫૫૫૫ વર્ષ પછી ફરી અશ્વમેઘ યજ્ઞ થવા જઇ રહૃાો છે જેને તેઓ કળયુગનો પ્રથમ અશ્વમેઘ યજ્ઞ ગણાવી રહૃાા છે.

પૌરાણિક કાળમાં અશ્વમેઘ યજ્ઞ રાજાઓ દ્વારા તેમનું સાર્વભૌમત્વ સ્થાપિત કરવા માટે કરવામાં આવતો હતો. જેમાં રાજાનો અશ્વ સમગ્ર પ્રદેશ - દેશમાં ફરતો અને કોઈ તેને રાજ્ય તેને રોકીને પડકાર ન કરે તો એ રાજાને ચક્રવર્તી સમ્રાટ ઘોષિત કરવામાં આવતા. આ પરંપરા વર્તમાનમાં અને લોકશાહી દેશમાં શક્ય નથી ત્યારે તેને પ્રતીકરૂપે નિભાવવામાં આવશે અને ધાતુનો અશ્વ તથા ગંગાજળનો કળશ એક રથરૂપી વિશેષ વાહનમાં સમગ્ર દેશનાં અગત્યનાં તીર્થધામોમાં ભ્રમણ કરશે. ૨૧ દિવસ અને ૯૯૯૯ કિ.મી.ની આ ભારત ભ્રમણ યાત્રા ૧૪ જાન્યુઆરીએ હાલારનાં ઝારેરા ગામથી આરંભ થઇ અનેક જ્યોતિર્લિંગ - શક્તિપીઠ તથા પ્રસિદ્ધ - પૌરાણિક યાત્રાધામોમાં ફરી જામનગર અશ્વમેઘ યજ્ઞ સ્થળે પહોંચી પૂર્ણ થશે. આ સમગ્ર કાર્યક્રમ ૧૪ જાન્યુઆરીથી ૩ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમ્યાન યોજાશે.

અશ્વમેઘ યજ્ઞ રાજાઓ દ્વારા કરવામાં આવતો ત્યારે વર્તમાનમાં આ આયોજનમાં કુલ ૫૫૫૫ કુંડ રાખવામાં આવ્યા છે તેમાં દરેક કુંડ એક રાજાનાં નામથી આરક્ષિત રહેશે જેમાં રાજાઓનાં પ્રતિનિધિ રૂપે યજમાનો આહુતિઓ આપશે. આ એકદમ અનોખુ પૂજા કર્મ છે. એક યજ્ઞ કુંડ દીઠ એક યજમાનનો પરીવાર જ આહુતિઓ આપશે એટલેકે કુલ ૫૫૫૫ યજમાન યજ્ઞમાં ભાગ લેશે.

એક યજમાન પરિવાર દીઠ રુ. ૨૧ હજારની દક્ષિણા નિર્ધારીત કરવામાં આવી છે. જેમાં યજમાન પરિવારોનાં રહેઠાણ તથા ભોજન વગેરેની સુવિધાઓનો પણ સમાવેશ થઇ જાય છે.

અશ્વમેઘ મહાયજ્ઞમાં કુલ ૧૨૫૦ આચાર્ય અને બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ સંલગ્ન તમામ યજ્ઞ કર્મ કરાવવામાં આવશે. મુખ્ય આચાર્ય તરીકે જૂનાગઢનાં રવિભાઇ શાસ્ત્રીજી સમગ્ર ધર્મોત્સવની કમાન સંભાળશે.

આયોજકોનાં દાવા મુજબ આટલી મોટી સંખ્યામાં યજ્ઞનાં યજમાનો મેળવવા માટે અઢારેય વર્ણ અર્થાત દરેક જ્ઞાતિનાં આગેવાનો સાથે સંકલન સાધવામાં આવી રહૃાું છે અને હાલની સ્થિતિમાં કુલ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ૮૦૦ જેટલા યજમાનો નોંધાઇ ચૂક્યા છે તેમજ કુલ ૨૪૦૦ યજમાનો નોંધાઇ ચૂક્યા છે.

સમગ્ર આયોજનો કુલ અંદાજીત ખર્ચ ૩૦ કરોડ કરતા વધુ હોવાનું આયોજકોએ જણાવ્યુ હતું.

પત્રકાર પરિષદમાં આયોજકો ઉપરાંત જામનગરનાં સગર સમાજનાં અગ્રણી રામસીભાઈ મારુ, જયસુખજી પાથર,સતવારા સમાજના અગ્રણી જમનભાઈ રાઠોડ, જયેશભાઈ સોનગ્રા તથા મગનભાઈ પરમાર,પ્રજાપતિ વિશ્વકર્મા સમાજનાં અગ્રણી ગિરિશભાઈ અમેથીયા, આહિર સમાજનાં યુવા અગ્રણી સંજયભાઈ કાંબરિયા, દ્વારકા આહિર સમાજનાં મહિલા અગ્રણી કાજલબેન કાંબરિયા તથા અવનીબેન અને મોનિકાબેન,બ્રહ્મ સમાજનાં અગ્રણી હિરેનભાઈ કનૈયા અને મહિલા વિભાગ હોદ્દેદાર મનીષાબેન સુંબડ, રાજપૂત સમાજનાં યુવા અગ્રણી એડવોકેટ હરદેવસિંહજી ગોહિલ,જામનગર શહેર પત્રકાર સમિતિનાં હોદ્દેદાર હિમંતભાઈ ગોરી, નગરસેવિકા કાજલબેન ગનીયાણી, રાધિકા એક્ઝિબિશનનાં સંચાલિકા રાધિકા ભાનુશાલી વગેરે ઉપસ્થિત રહૃાા હતાં.

મહોત્સવ સંદર્ભે વધુ માહિતી માટે રાજ કારેણા (મો. ૭૯૮૪૯ ૯૮૨૭૫), અરવિંદ સગર (મો. ૬૩૫૧૧ ૦૫૬૫૬), ક્રિષ્ના આહિર (મો. ૯૭૭૩૨ ૫૬૩૪૧)નો સંપર્ક કરવા જણાવ્યું છે.

મહોત્સવમાં ૯ દિવસમાં ૨૧  વર્લ્ડ રેકોર્ડ સર્જવાની તૈયારી

અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવમાં હજારો યજમાનો દ્વારા લાખો આહુતિઓ આપવામાં આવશે જે પણ એક વિશ્વ વિક્રમ બની રહેશે. આ ઉપરાંત ખૂબ વિરાટ સ્તરે યોજાનાર આ ધર્મોત્સવમાં ૯ દિવસ દરમ્યાન કુલ ૨૧ વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. જો આ તૈયારીઓ પછી વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં સફળતા મળશે તો આ ધર્મોત્સવનું ધાર્મિક - આધ્યાત્મિક ઉપરાંત ઐતિહાસિક મહત્વ પણ રહેશે.

સંતો મહંતો - સેલિબ્રિટીઓ સહિત કુલ ૫૦ લાખ લોકો ઉમટવાનું અનુમાન

૨૫ હજારના ઉતારાની વ્યવસ્થાવાળું ટેન્ટ સિટી-અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ

રિધમ્સ ફાઉન્ડેશન દ્વારા શ્રી અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવમાં ખંભાળીયા હાઇ-વે પર ટેન્ટ સિટી બનાવવામાં આવશે. જેમાં ૬ હજાર ટેન્ટમાં કુલ ૨૫ હજાર લોકોનાં ઉતારાની વ્યવસ્થા હશે. આ ઉપરાંત સનાતન હિન્દુ ધર્મનાં દરેક સંપ્રદાયની ધર્મસભા સહિતનાં ધાર્મિક કાર્યક્રમ તથા પ્રતિદિન કલા - સાહિત્યને લગતા કાર્યક્રમો યોજવામાં આવશે. આ ધર્મોત્સવમાં સંતો-મહંતો ઉપરાંત બોલીવુડનાં ફિલ્મી કલાકારો તથા અન્ય સેલિબ્રિટીઓ અને રાજકીય આગેવાનો, ઉદ્યોગ સાહસિકો સહિતનાં વીવીઆઇપીઓ સહિત કુલ ૫૦ લાખ લોકો ઉમટવાનું અનુમાન છે અને એ માટે ટ્રાફિક નિયમન તથા સુરક્ષા વગેરે મુદ્દે વ્યવસ્થાઓ માટે એજન્સીઓ તથા સ્વયંસેવકોને જવાબદારીઓ સોંપવામાં આવી છે. લાખોની મેદની ઉમટવાની હોય  ધર્મોત્સવનાં ઉપક્રમે એક્ઝિબિશન - ફનફેર સહિતનાં વ્યવસાયિક આયોજનો પણ કરવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh