Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૦-૦૨-૨૦૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે....
ભારતીય શેરબજાર અત્યારે તેના તેજીના સુવર્ણકાળમાંથી પસાર થઈ રહ્યું છે. ગઈકાલના ઉત્સાહજનક બંધ પછી, આજે ૧૦ ફેબ્રુઆરીના રોજ નિફ્ટીએ ૨૬,૦૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટીને સ્પર્શવાની દિશામાં મજબૂત કદમ ઉઠાવ્યા છે. બજારમાં 'બુલ્સ'નું વર્ચસ્વ એટલું પ્રબળ છે કે નાના-મોટા પ્રોફિટ બુકિંગને બજાર સરળતાથી પચાવી રહ્યું છે. ખાસ કરીને આરબીઆઈ દ્વારા રેપો રેટ ૫.૨૫% પર યથાવત રાખવાના નિર્ણય અને જીડીપી ગ્રોથનો અંદાજ ૭.૪% કરવાના સમાચારથી રોકાણકારોમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે.
બજારની આંતરિક મજબૂતી એટલે કે એડવાન્સ ડીકલાઈન રેશીયો પર નજર કરીએ તો, આજે કુલ ૪,૪૫૦ સ્ક્રિપોમાંથી ૨,૧૦૦ વધનાર અને ૧,૮૫૦ ઘટનાર શેર રહ્યા છે, જ્યારે બાકીના સ્થિર રહ્યા છે. આ ડેટા સૂચવે છે કે તેજી માત્ર ઈન્ડેક્સ પૂરતી મર્યાદિત નથી, પણ મિડકેપ અને સ્મોલકેપમાં પણ લેવાલીનો માહોલ છે.
બજારમાં તેજીના મુખ્ય કારણો જોઈએ તો...
આરબીઆઈની ઉદાર નીતિ : વ્યાજદરમાં વધારો ન થવાથી કોર્પોરેટ જગતને રાહત મળી છે, જે સીધી રીતે નફાશક્તિમાં વધારો કરશે.
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ : આ ઐતિહાસિક વેપાર મંત્રણા નિકાસલક્ષી સેક્ટર્સ માટે 'બૂસ્ટર ડોઝ' સાબિત થઈ રહી છે. ખાસ કરીને ટેક્સટાઈલ અને આઈટી સેક્ટરમાં ટેરિફ ઘટવાની આશાએ રોકાણ વધ્યું છે અને સાથે સાથે બજારોમાં તેજી જોવા મળી રહી છે.
મજબૂત વિદેશી રોકાણ : વૈશ્વિક સ્તરે ભારત એક સ્થિર અર્થતંત્ર હોવાથી વિદેશી ભંડોળ તબક્કાવાર સ્ટોક સ્પેશિફીક શેરોમાં ગોઠવાઈ રહ્યું છે.
સ્થિર રૂપિયો : ડોલર સામે રૂપિયો ૯૦.૬૦ ના સ્તરે મજબૂત રહેતા આયાતકારોનો ખર્ચ ઘટ્યો છે અને રોકાણકારોનો ભરોસો વધ્યો છે.
સાવચેતીના સંકેતો અને મંદીના સંભવિત પરિબળો :
બજાર તેજીમાં હોવા છતાં, કેટલાક પરિબળો પર નજર રાખવી અનિવાર્ય છેઃ
સી૫ીઆઈ ફુગાવાના આંકડા : તારીખ ૧૨ ફેબ્રુઆરીએ જાહેર થનારા મોંઘવારીના આંકડા જો અપેક્ષા કરતા વધારે આવશે, તો બજારમાં કામચલાઉ ઘટાડો આવી શકે છે અને મિડ કેપ, સ્મોલ કેપ સાથે લાર્જ કેપ શેરોમાં વેચવાલીનું પ્રેશર જોવાં મળી શકે છે.
ભૌગોલિક-રાજકીય તણાવ : રશિયા-યુક્રેન અને મધ્ય પૂર્વમાં વધતી અસ્થિરતા ગમે ત્યારે વૈશ્વિક સેન્ટિમેન્ટ બગાડી શકે છે ત્યારે રોકાણકારો એ સાવધાની વર્તી તબક્કાવાર નફો બુક કરતાં રહેવું.
ઓવરબોટ પોઝિશન : કેટલીક લાર્જકેપ સ્ક્રિપોમાં ટેકનિકલ રીતે 'ઓવરબોટ' સ્થિતિ હોવાથી ઉપરના મથાળે મોટું પ્રોફિટ બુકિંગ આવવાની શક્યતા નકારી શકાય નહીં.
કોમોડિટી - ક્રૂડ ઓઈલની ચાલ :
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અત્યારે મિશ્ર પ્રતિસાદ આપી રહ્યું છે. ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ આયાત કરતું હોવાથી તેના ભાવ સીધી અસર કરે છે. હાલમાં રશિયા તરફથી મળતા રાહત દરે ક્રૂડને કારણે ભારતની રાજકોષીય ખાધ અંકુશમાં છે. જોકે, ઓપેક રાષ્ટ્રો દ્વારા ઉત્પાદન કાપની જાહેરાત ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે. હાલમાં ક્રૂડની સ્થિરતા બજાર માટે સકારાત્મક છે.
ટેકનિકલ વ્યૂ અને સ્ટોક સ્પેસિફિક એનાલિસીસ :
નિફ્ટી ફ્યુચર : ૨૫૮૦૮ એ અત્યંત મજબૂત સપોર્ટ છે. ઉપરમાં ૨૬૦૦૬ ની સપાટી કુદાવતા તેજી તરફી ૨૬૦૬૬ - ૨૬૨૦૨ સુધી સપાટી નોંધાવે તેવી શક્યતા છે..
ટેક મહિન્દ્રા (૧૬૧૫) : રૂ।. ૧૫૯૦ ના સપોર્ટથી રૂ।. ૧૬૩૪ થી ૧૬૪૦ ના લક્ષ્યાંક માટે પોઝિટિવ ધ્યાને લઈ શકાય..
એચસીએલ ટેક (૧૫૯૦) : રૂ।. ૧૫૭૦ ના સ્ટોપલોસ સાથે રૂ।. ૧૬૧૮ ના ભાવની શક્યતા ધ્યાને લેવી
ટાટા કન્ઝ્યુમર (૧૧૬૭) : રૂ।. ૧૧૪૦ ના સપોર્ટથી રૂ।. ૧૧૯૯ સુધીની રેન્જ જોવા મળી શકે છે.
બજારની ભાવિ દિશા :
ટૂંકા ગાળામાં બજારમાં વોલેટિલિટી જોવા મળી શકે છે, પરંતુ ભારતની ૭.૪% ની જીડીપી વૃદ્ધિ લાંબા ગાળે સંપત્તિ સર્જનમાં મદદરૂપ થશે. રોકાણકારો માટે અત્યારે દરેક ઘટાડે સારી ક્વોલિટીના શેરોમાં એસઆઈપી (એસઆઈપી) રીતે રોકાણ કરવાની શ્રેષ્ઠ તક છે.