Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મકર સંક્રાંતિની મજેદાર ઉજવણીઃ નગરના નભમાં પતંગો છવાયા

તહેવારને અનુરૂપ ચીજવસ્તુઓ વેચવાના એક હજારથી વધુ હંગામી સ્ટોલ ઉભા કરાયાઃ સ્ટ્રીટ વેન્ડર્સને ફાયદોઃ મોડીરાત સુધી ઘરાકી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગર શહેરની ઉત્સવ પ્રેમી જનતા કે જે દરેક તહેવારોને ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવે છે તે પરંપરા મુજબ ગઈકાલે મકરસંક્રાંતિના પર્વની પણ ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ હતી, અને શહેરના અનેક વિસ્તારોમાં પતંગ ઉડતા જોવા મળ્યા હતા, અને જામનગર શહેરનું આકાશ પણ ગઈકાલે રંગબેરંગી પતંગો થી છવાયેલું જોવા મળ્યું હતું. જામનગર શહેરના અનેક વિસ્તારોમાં પતંગ, દોરા, ફુગ્ગા તેમજ તલ મમરાના લાડુ, ઊંધિયું, બોર, ઝીંઝરા, શેરડી સહિતની ખાદ્ય સામગ્રીના કુલ ૧,૦૦૦ થી વધુ હંગામી સ્ટોલ અથવા તો ફેરીયાઓ ઉભેલા જોવા મળ્યા હતા, અને જામનગર શહેરમાં મકરસંક્રાંતિનો ઉત્સવ ગઈકાલે ભારે ધામધૂમપૂર્વક ઉજવાયો હતો.  જામનગર શહેરમાં એક દાયકા પહેલાં આકાશમાં એક પણ પતંગ જોવા મળતો ન હતો, પરંતુ ધીમે ધીમે તેમાં પરિવર્તન આવ્યું છે, અને ઉત્સવ પ્રેમી જનતા પતંગ મહોત્સવને પણ સારી રીતે ઉજવી રહૃાા છે. ખાસ કરીને જામનગર શહેરના જુના ગીચ વિસ્તારો, ઉપરાંત પટેલ કોલોની, નવાગામ ઘેડ, રણજીતનગર સહિતના કેટલાક વિસ્તારોમાં પણ મોટા પાયે પતંગ ઉડતા જોવા મળ્યા હતા. શહેરના કેટલાક એપાર્ટમેન્ટની અગાસી પર પતંગરસીયાઓ ગીત સંગીતના સથવારે પતંગ ઉડાવી રહેલા જોવા મળ્યા હતા, અને ક્યાંક :કાયપો છેઃ એવો અવાજ અને ચિચિયારી પણ સાંભળવા  મળી હતી.

 જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં લોકો મન ભરીને પતંગ ઉડાવ્યા હતાં. જેના માટે પતંગ વિતરણના અનેક સ્થળે  હંગામી સ્ટોલ ઊભા થયેલા જોવા મળ્યા હતા. ખાસ કરીને રણજીત સાગર રોડ, ખોડીયાર કોલોની થી સમર્પણ હોસ્પિટલ સુધીના માર્ગે, ઉપરાંત ગુલાબ નગર મેઇન રોડ સહિતના અન્ય વિસ્તારો તેમજ જામનગરના દિપક ટોકીઝથી શાક માર્કેટ સુધીના વિસ્તારમાં અનેક સ્થળે પતંગ વિતરણના હંગામી સ્ટોલ ઊભા થયા હતા, અને ૧૩ મી તારીખે રાત્રિના બે વાગ્યા સુધી પતંગની ખરીદી માટેનો માહોલ જોવા મળ્યો હતો.

 આ ઉપરાંત જામનગર શહેરના અનેક વિસ્તારોમાં મુખ્ય રોડ પર બાળકો માટે ગેસના વિવિધ રંગોવાળા ફુગ્ગા ઉપરાંત કેટલાક કાર્ટુન સાથેના ફુગાના વેચાણ માટે ફેરીયાઓ ગોઠવાઈ ગયા હતા, અને લોકોએ પણ ધૂમ ખરીદી કરી હતી.  શિયાળાની સિઝનને અનુરૂપ તલ મમરાના લાડુ, ચીકી, શેરડી, બોર, જીંજરા તેમજ અન્ય ખાદ્ય સામગ્રીના પણ અનેક સ્થળે વેચાણ કેન્દ્રો શરૂ થયા હતા, અને તેનું પણ ધૂમ વેચાણ થયું હતું.  લોકોએ ગઈકાલે અનેક સ્થળે ઊંધિયું મેળવવા માટે કતાર લગાવી હતી, અને ઊંધિયું તેમજ જલેબીના હંગામી વેચાણ કેન્દ્ર પણ કેટલાક સ્થળે જોવા મળ્યા હતા. એકંદરે ગઈકાલે મકરસંક્રાંતિ ના પર્વને અનુલક્ષીને લોકોએ મન ભરીને તહેવાર મનાવ્યો હતો, શહેરમાં કોઈ અન્ય ઘટના ન બને, તે માટે પોલીસ તંત્ર પણ ખડે પગે રહૃાું હતું અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી, ઉપરાંત ટ્રાફિક બંદોબત પણ જાળવ્યો હતો. જામનગરની ડેન્ટલ કોલેજમાં પણ વ્યસનમુકિતનો સંદેશ અપાયો હતો અને વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh