Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વૈશ્વિક નીતિ નિયમો અને માનવતાને નેવે મૂકીને પાકિસ્તાને કરેલા પ્રપંચનો પર્દાફાશ
ગયા શનિવારે 'મન હોય તો માળવે જવાય'ની આ લેખમાળામાં આપણે કારગીલ યુદ્ધની પ્રારંભિક વિગતો તથા સંલગ્ન હિસ્ટ્રીની સંક્ષિપ્ત વિગતો અને તેના કારણો તથા તારણો જાણ્યા. આ યુદ્ધ પાકિસ્તાને ખૂલ્લી દગાબાજીથી ભારત પર થોપ્યું હતું અને આ એવું યુદ્ધ હતું જેનું સ્વરૂપ આતંકવાદી હતું. આ યુદ્ધ વૈશ્વિક નીતિ નિયમો તથા માનવતાને પણ નેવે મૂકીને પાકિસ્તાને શરૂ કર્યું હતું પરંતુ અંતે ઉંધા માથે પછડાવું પડ્યું અને ભારતની દબાવેલી જમીન પરત કરવાની સાથે સાથે પોતાની સૈન્ય સુવિધાઓ, સૈનિકો તથા યુદ્ધ સામગ્રીની ભારે ખુવારી પણ ભોગવવી પડી હતી.
આ યુદ્ધ જેટલા દિવસ ચાલ્યું તેના પ્રારંભથી જે જે દિવસે મહત્ત્વપૂર્ણ ઘટનાઓ બની અને સંઘર્ષ થયો તેની સંક્ષિપ્તમાં તારીખવાર જાણકારી મેળવીએ.
સર્વપ્રથમ ત્રીજી જુલાઈ-૧૯૯૯ના દિવસે કારગીલના પહાડોમાં કેટલાક આતંકવાદીઓ તથા પાક.ના સશસ્ત્ર જવાનોને ઢોર ચરાવતા ગોવાળિયાઓ જોયા હોયની જાણકારી ભારતીય સેનાના જવાનોને મળી હતી અને ભારતીય જવાનોએ તેની જાણ પોતાના ઉચ્ચ અધિકારીઓની ચેનલ મારફત હેડકવાર્ટર સુધી પહોંચાડી હતી.
તે પછી હકીકત તપાસવા પાંચમી મેના દિવસે ભારતીય સૈનિકોની ટૂકડી પહોંચી હતી અને ઘાત લગાવીને બેઠેલા પાક.ના સૈનિકોએ (જેઓ કાશ્મીરી વિદ્રોહીની વેશભૂષામાં હતા) હુમલો કર્યાે હતો, અને આ પ્રથમ પ્રત્યક્ષ સંઘર્ષમાં ભારતના પાંચ જવાનો વીરગતિ પામ્યા હતા. ભારતીય સેનાના જવાનો શહીદ થતા જ ઉચ્ચકક્ષા સુધી એવો સંદેશ પહોંચ્યો હતો કે આ પ્રકારનો હુમલો અને સંઘર્ષ માત્ર તાલીમબદ્ધ સેનાના જવાનો જ કરી શકે છે.
તે પછી પાક.ની સેનાએ ભારતીય જવાનો પર હુમલાઓ ચાલુ રાખ્યા હતા. તા.૯મી મેના દિવસે ભારતીય સેનાના દારૂગોળાના ગોડાઉન તથા ડેપોને ઉડાડવાનો પ્રયાસ કર્યાે હતો અને ભારે ગોળીબારી કરી હતી. આ હુમલાઓ પછી ભારતીય સેનાના હેડકવાર્ટર સુધી આ ઘૂસણખોરી પાક.ની સેનાનું જ કારસ્તાન હોવાનું સ્પષ્ટપણે પ્રતિત થયા પછી ભારતીય સેનાએ પણ નવેસરથી વ્યૂહરચના ઘડી હતી અને ઓપરેશન વિજયના મંડાણ થયા હતા.
૧૦ મેના ઓપરેશન વિજયની ઘોષણા
બીજા જ દિવસે પાક.ની સેનાના વેશધારી જવાનોએ અન્ય સ્થળે એલઓસી પાર કરીને દ્રાસ અને કકસર સેક્ટર તથા જમ્મુ-કાશ્મીરના અન્ય ઘણાં સ્થળે ભારતમાં વધુ ઘૂસણખોરી કરી હતી અને ઘર્ષણ વધુ તિવ્ર બન્યું હતું. આ દિવસે ઓપરેશન વિજયની વિધિવત ઘોષણા કરીને ભારતીય સેનાએ પૂરેપૂરી તાકાતથી લડી લેવાનું મન બનાવ્યું હતું અને ઉચ્ચકક્ષાએથી મળતા માર્ગદર્શન તથા સૂચનાઓ મુજબ પાક.ની સેના પર વળતો પ્રહાર કરવાનો પ્રારંભ કરી દીધો હતો. ભારતીય સેનાની કાશ્મીર ખીણમાં ડિપ્લોય કરેલી સૈન્ય બટાલિયનોને કરગીલ જિલ્લા તરફ મોકલવામાં આવ્યા હતા તે પછી ભિષણ જંગ ખોલાયો હતો. પાક. સેના નબળી પડવા લાગી હતી. ભારતીય સેના એક પછી એક હિલ્સ જીતની જતી હતી અને પાક.ની સેનાને પીછેહઠ કરવી પડી રહી હતી. ભારતીય વાયુસેનાનો લોજિસ્ટિક સપોર્ટ પણ સતત મળતો રહ્યો હતો. આ યુદ્ધ કારગીલ પૂરતું મર્યાદિત રહ્યું હતું પરંતુ જો તે જો પૂર્ણકક્ષાના યુદ્ધમાં પરિણામે તો પણ તેને પહોંચી વળવા ભારતીય સેનાના ભૂમિદળ, વાયુદળ અને નૌકાદળ સજ્જ હતા અને તમામ સંભાવનાઓ વિચારીને પ્લાનીંગ કરાયું હતું પરંતુ અંતે પાકિસ્તાનની સેનાને પરોઠના પગલાં ભરવા પડ્યા હતા.
સૌરભ કાલિયાની ટૂકડી
૧૪ મે-૧૯૯૯ના દિવસે કેપ્ટન સૌરભ કાલિયાની સાથે અર્જુનરાય, ભંવરલાલ બગારિયા, ભિકારાવ, મૂલરામ અને નરેશસિંહ સૌપ્રથમ ઘૂસણખોરોની ભાળ લેવા ગયા અને તે પછી ભિષણ સંઘર્ષ શરૂ થયો હોવાનો ઉલ્લેખ પણ કારગીર યુદ્ધમાં જોેવા મળે છે.
ઘૂસણખોરીની ખરાઈ
પહેલાં તો ભારતીય સેનાએ પણ એવું માન્યું હતું કે, આ સ્થાનિક અસંતુષ્ટોનું કામ હોઈ શકે, કારણ કે કોઈ દેશ પોતાની સેનાને આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ સરહદ કે એલઓસી અથવા એલએસી ઓળંગીને બાજુના દેશની જમીન પર પોતાની ભૂમિસેનાને સશસ્ત્ર સંઘર્ષ માટે મોકલી શકતો નથી અને એવું કરે, તો તે એકટ ઓફ વોર અથવા યુદ્ધ કરવાનું કૃત્ય ગણાય. ભારતીય સેનાનો એકાદ અઠવાડિયા સુધી સંઘર્ષ ચાલુ રાખ્યો અને એક પછી એક ઘટનાક્રમોને સાંકળીને પૂરપૂરી ખરાઈ કરી કે પાક. સેના જ ભારતમાં વેશ બદલીને ઘૂસી ગઈ છે તે પછી પાકિસ્તાનના આ કૃત્યને યુદ્ધની પહેલ ગણીને ભારતે તેનો જોરદાર (સૈન્ય દ્વારા) જવાબ આપવાનો નિર્ણય લીધો અને તે માટે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મુક્યો, જે મંજૂર થતા જ ભારતીય સેનાએ વ્યૂહાત્મક રીતે યુદ્ધમાં આગળ વધવાનું નક્કી કરી લીધું.
તે સમયે કેન્દ્રમાં એનડીએની સરકાર હતી, જેની કેબિનેટ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ સહિતની ઉચ્ચ કમિટીઓમાં યુદ્ધના સંદર્ભે વ્યાપક ચર્ચા-વિચારણા પછી ધડાધડ કેટલાક નિર્ણય લેવાયા.
દેશને સંબોધન
વર્ષ ૧૯૯૯ની ૨૫ તારીખે વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ દેશને કારગીલમાં થયેલી ઘૂસણખોરીની જાણકારી આપી. ભારતીય વાયુસેનાએ પણ ઓપરેશન વિજય અંતર્ગત તા. ર૬ મેના પાકિસ્તાની સૈનિકો પર હવાઈ હુમલા શરૂ કર્યા.
ભીષણ યુદ્ધનો પ્રારંભ
આ રીતે વાયુસેનાના સહયોગથી ભૂમિદળ દ્વારા પાકિસ્તાની પર દ્વિ-પાંખિયો હુમલા કર્યા પછી દુશ્મન દેશે ભારતીય વાયુસેનાના મિગ-ર૧ અને મિગ-ર૮ ને હવામાં પ્રહાર કરનારી મિસાઈલોના શિકાર બનાવ્યા અને મિગ-ર૭ના પાયલોટ કમ્બપતિ નચિકેતાને ઈમરજન્સી એક્ઝિટ લેવું પડ્યું. દુશ્મન દેશની સીમામાં લેન્ડીંગ થતા દુશ્મન સેનાએ નચિકેતાને યુદ્ધકેદી બનાવ્યા.
તા. ર૮ મેના પણ એમઆઈ ૧૭ પર ગોળીબાર થતાં જ ક્રૂ મેમ્બર્સ શહીદ થઈ ગયા. તે પછી ભારતીય સેનાના ભૂમિદળે સીધા ચઢાણ ચડવાના ઘણાં પડકારજનક પરાક્રમો કરીને દુશ્મનોના દાંત ખાટા કરવાની હામ ભીડી.
પહેલી જૂન-૧૯૯૯ના કારગીલની પહાડીઓની ટોચે બેઠેલા કાયરોએ શ્રીનગરથી લદાખ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ફાયરીંગ શરૂ કરીને ભારતીય સેના તરફ આવતા રાશન, દૂધ, શાકભાજી તથા યુદ્ધ સામગ્રીને અપવાનો પ્રયાસ કર્યાે.
બીજી તરફ ભારતના કૂટનૈનિક પ્રયાસો પણ ચાલી રહ્યા હતા અને ખુલ્લા પડી ગયેલા પાકિસ્તાન પર વૈશ્વિક દબાણ પણ વધી રહ્યું હતું. આ કારણે ત્રીજી જૂને પાકિસ્તાને ભારતના પાયલોટ નચિકેતાને છોડી મૂક્યા.
પાકિસ્તાનના પ્રપંચનો પર્દાફાશ
આટલે સુધી યુદ્ધ પહોંચ્યા પછી પણ પાક. કારગીલના ઘૂસણખોરો પાકિસ્તાન સેનાના જવાનો જ છે તે સ્વીકારી રહ્યું નહોતું પરંતુ જો તે જવાનો પાક.ની સેનાના ન હોય, તો તેને ખદેડતા વાયુસેનાના વિમાનોને ટાર્ગેટ બનાવવા તથા તે ઘૂસણખોરોને કવર આપવા ભારત સાથે યુદ્ધ કરવાની શું જરૂર? તેવા પ્રશ્નો સાથે વિશ્વ સમુદાય પાકિસ્તાન પર દબાણ વધારી રહ્યો હતો, તો બીજી તરફ ભારતીય સેનાએ એક પછી એક ચોકીઓ પર કબજો કરીને પાકિસ્તાની સેનાના જવાનો પાસેથી મળેલા એ દસ્તાવેજોને સાર્વજનિક કરી દીધા, જે કારગીલના ઘૂસણખોરોના વેશમાં પાકિસ્તાની સેનાના જવાનોની ઓળખ તથા કારગીલ પચાવી પાડવાના દુશ્મન દેશના ઈરાદાઓ જાહેર કરતા હતા. આ કારણે પાકિસ્તાનના પ્રપંચોનો વૈશ્વિક પર્દાફાશ થઈ ચૂક્યો હતો.
તા. ૬ઠ્ઠી જૂન-૧૯૯૯થી ભારતીય સેના જબરદસ્ત હુમલાઓ સાથે આગળ વધી, તા.નવમી જૂને ભારતીય સેનાએ પાક.ની છદમ્વેશી સૈનિકોને કચડીને બટાલિક સેક્ટર કબજે કરી લીધું. આ પરાક્રમ તા.૯મી જૂને ભારતીય સેનાએ કર્યું હતું. જેનો જય જય કાર દેશભરમાં ગૂંજી ઉઠ્યો હતો. બટાલિક સેક્ટરના બે સ્થળે દુશ્મનોને પતાવીને અથવા ભગાડીને ભારતીય તિરંગો ફરીથી લ્હેરાવા લાગ્યો હતો.
પરવેઝનો પ્રપંચ પકડાયો
સરહદ પર લડાઈ થતી હતી ત્યારે દુશ્મન દેશના સંદેશા-વ્યવહારને આંતરવા (ઈન્ટર સેક્ટર કરવા)ની અદ્યતન ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરીને ભારતીય સેનાએ પાકિસ્તાનની સેનાના વડા જનરલ પરવેઝ મુશર્રફ અને લેફ્ટનન્ટ જનરલ અજીજખાન વચ્ચે થયેલી વાતચીત રેકોર્ડ કરી લીધી હતી. આ વાતચીત દુનિયા સમક્ષ મૂકીને ભારતે પરવેઝ મુશર્રફના પ્રપંચનો પર્દાફાશ કરી દીધો હતો. આ વાતચીત પરથી એ પુરવાર થઈ ગયું હતું કે, પરવેઝ મુશર્રફે જ પૂર્વાયોજન રીતે પાક.ની સેનાને કાશ્મીરી વિદ્રોહીઓનો વેશ પહેરાવીને કારગીલ પર કબજો કરવાનો મિથ્યા પ્રયાસ કર્યાે હતો.
પાકિસ્તાની સેનાની પીછેહઠ
તા. ૧૩ જૂને દ્રાસ સેક્ટરની તોલોલિંગ પહાડી પર ઘૂસણખોરોના વેશમાં રહેલા પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેનાએ હણી નાખ્યા હતા. ટોચ ઉપર રહેલા પાકિસ્તાની સૈનિકો ઉબડ-ખાબડ અને સીધા ચઢાણો ચડતા ભારતીય સૈનિકો પર ગોળીબાર અને તોપમારો કરતા હોવા છતાં ભારતીય સેના આગળ વધી રહી હતી. આ દરમિયાન ઘાયલ થતાં ભારતીય સૈનિકોને પરત લઈ જઈને સારવાર કરવી અને શહીદ થતા જવામર્દોના પાર્થિવ દેહને સન્માનભેર લઈ જવાની કપરી કામગીરી પણ હૃદય પર પથ્થર રાખીને નિભાવાઈ રહી હતી અને દેશ માટે ફના થઈ જવાના જુસ્સા સાથે માથા પર કફન બાંધીને લડી રહેલા ભારતીય જવાનો અખૂટ ધીરજ, સાહસ, પરાક્રમ અને હિંમત સાથે દુશ્મનોને કચડી રહ્યા હતા. તે સમયે ભારતમાં શહીદોને શ્રદ્ધાંજલિ સાથે ભારતીય સેનાનો જય જય કાર થઈ રહ્યો હતો અને આખા દેશમાં દેશભક્તિનો જુવાળ ચરમસીમાએ પહોંચ્યો હતો. આપણાં દેશની વિવિધતામાં એકતાના આબેહૂબ દર્શન તે સમયે સરહદે લડી રહેલા ભારતીય સેના તથા દેશવાસીઓમાં થઈ રહ્યા હતા.
વર્ષ ૧૯૯૯ની ૧૩મી જૂને પહાડી પર રહેલા પાકિસ્તાની સૈનિકો હણાવા લાગ્યા, ત્યારે કેટલાક કાયર પાક. સૈનિકો પીઠ દેખાડીને ભાગવા લાગ્યા હતા. ભારતીય સેનાએ તોતલિંગની પહાડી સર કરી લીધી હતી અને ભારતીય તિરંગો લહેરાવી દીધો હતો.
આવતા અઠવાડિયે જુસ્સેદાર કહાની
આ યુદ્ધ ર૬ જુલાઈ સુધી ચાલ્યું હતું. આવતા અઠવાડિયે તા. ૧૪ જૂન પછીની જુસ્સેદાર યુદ્ધની કહાની પ્રસ્તુત કરીશ. આ તમામ કહાનીઓ વાસ્તવિક શૌર્ય અને સમર્પણ તથા દેશભક્તિનો ત્રિવેણી સંગમ છે. કદાચ જુદા જુદા સંદર્ભાેમાં થોડી અલગ અલગ રીતે આ શૌર્ય કથાઓ રજૂ થઈ હોઈ શકે, પરંતુ કારગીલના યુદ્ધે પાક.ના પ્રપંચ અને ભારતીય સેનાની તાકાતનો પરિચય તો દુનિયાને કરાવી જ દીધો છે.
વૈશ્વિક પ્રવાહો-ઘટનાક્રમો જોતા સ્થિતિ પ્રવાહી
આઝાદ ભારતમાં યુદ્ધો તથા સરહદે અશાંતિ
કાશ્મીર યુદ્ધ દેશના મુખ્ય યુદ્ધોમાં પાંચમું યુદ્ધ ગણાય. ભારત આઝાદ થયું તે સમયે ભારત-પાક. વચ્ચે પ્રથમ યુદ્ધ થયું હતું. તે પછી વર્ષ ૧૯૬૨માં ભારત-ચીન, વર્ષ ૧૯૬૫ અને વર્ષ ૧૯૭૧માં ભારત સાથે પાક.ના યુદ્ધો અને તે પછી કારગીલનું યુદ્ધ પાંચમું ગણાય. જો કે, વર્ષ ૧૯૬૭, વર્ષ ૧૯૮૭, વર્ષ ૨૦૨૩-ર૪ના ભારત-ચીન વચ્ચેના લિમિટેડ યુદ્ધ, ભારતે પાક.માં કરેલી એરસ્ટ્રાઈકો, સર્જીકલ સ્ટ્રાઈકો તથા ભારત-ચીન વચ્ચે થતી રહેતી ટકરામણો અને પાકિસ્તાન દ્વારા સતત સીઝફાયર ઉલ્લંઘનના કારણે ભારતની પાકિસ્તાન અને ચીન સાથેની સરહદો પર મોટાભાગે અશાંતિ જ રહી છે તેવું કહી શકાય. હવે ઓપરેશન સિંદૂર સુધીના ઘટનાક્રમો તથા સાંપ્રત વૈશ્વિક પ્રવાહો તથા બદલાતા સમીકરણો જોતા હજુ પણ સરહદે સંપૂર્ણ શાંતિની બાબતે સ્થિતિ પ્રવાહી જ ગણાય.
વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial