Advertisement
Author: નોબત સમાચાર

ગ્રાહકને આપવા માટેની બંગડી ગિરવે મૂકી દેવાઈઃ અન્ય શખ્સે બંગડી ઓગાળી નાખી!

વિશ્વાસઘાત અંગે નગરના ત્રણ સામે ફોજદારીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: રાજકોટના એક વેપારીએ જામનગરના ગ્રાહકને આપવા માટે રૂ।.અઢી લાખથી વધુની કિંમતની બે બંગડી જામનગરના એક શખ્સને આપ્યા પછી આ શખ્સે તે બંગડી ગિરવે મૂકી રૂ।.દોઢ લાખ ઉપાડી લીધા હતા અને ગિરવે મેળવનાર શખ્સે તે બંગડી ઓગાળી નાખી હતી. ત્યારપછી અન્ય એક શખ્સે નોટરી સમક્ષ લખાણ કરી આપી નગરના શખ્સને બચાવવાનો પ્રયાસ કર્યાે હતો. આ ત્રણેય શખ્સ સામે પોલીસમાં વિશ્વાસઘાત અંગે ફરિયાદ કરવામાં આવી છે.

રાજકોટ શહેરના ગુંદાવાડી-કેનાલ રોડ પર જયરાજ પ્લોટમાં રહેતા અને મૂળ જામનગરના સત્યસાંઈનગરવાળા હાર્દિકભાઈ અનિલભાઈ ચાવડા નામના આસામી રાજકોટમાં સોનીકામ કરે છે. તેઓએ ગયા ઓક્ટોબર મહિનામાં જામનગરના ગુલાબનગર નજીકના મોહનનગર આવાસમાં રહેતા કેયુર નીતિનભાઈ સંઘવી નામના શખ્સને સોના તથા કોપરની અંદાજે ૬૦ ગ્રામની બે બંગડી આપી હતી.

આ બંગડીઓમાં બે તોલાથી વધુ સોનુ હતું. તે બંગડીઓ જયપાલસિંહ નરેન્દ્રસિંહ રાણા નામના ગ્રાહક આવશે તેમને આપવાની છે તેમ કહી હાર્દિકભાઈએ બંગડીઓ કેયુરને આપી હતી. અંદાજે રૂ।.૨ લાખ ૫૫ હજારની સોનાની બે બંગડી આવી જતા કેયુર નીતિનભાઈએ તે બંગડી ગ્રાહક જયપાલસિંહ રાણાને આપવાની બદલે મહાલક્ષ્મીના ચોકમાં રહેતા રવિ સોની નામના શખ્સને ત્યાં રૂ।.દોઢ લાખમાં ગીરવે મૂકી દીધી હતી. તે રકમ મળી જતા કેયુર નિશ્ચિત બની ગયો હતો અને રવિએ પોતાની પાસે આવેલી આ બે બંગડીને ઓગાળી નાખી હતી.

ત્યારપછી ગ્રાહક જયપાલસિંહ રાણાએ રાજકોટના વેપારી હાર્દિકભાઈનો સંપર્ક કરતા તેઓએ કેયુરને પૂછતા તેણે રવિ સોની પાસે આ બંગડીઓ ગીરવે મૂક્યાનું અને રવિ સોનીએ તે બંગડીઓને ઓગાળી નાખ્યાનું જણાવતા વેપારી તથા ગ્રાહક ચોંકી ગયા હતા. આ પ્રકરણમાં જીગ્નેશ સોલંકી નામના ત્રીજા શખ્સની એન્ટ્રી થઈ હતી. તેણે રવિ સોનીને બચાવવા માટે સોનાની ઉપરોક્ત બંગડીઓની કિંમત ચૂકવી આપવા માટેનું નોટરી સમક્ષ લખાણ કરી આપ્યું હતું. તે પછી પણ પાંચ મહિના વિત્યે વેપારી હાર્દિકભાઈને કે ગ્રાહક જયપાલસિંહને તેઓની બંગડી નહીં મળતા આખરે હાર્દિકભાઈએ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કેયુર નીતિનભાઈ સંઘવી, રવિ સોની તથા જીગ્નેશ સોલંકી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરવા અંગે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh