Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉત્તર ગુજરાતમાં અનરાધારઃ બે-ત્રણ કલાકમાં જળબંબાકારઃ ઠેર-ઠેર જલભરાવઃ પરિવહન-જનજીવન ખોરવાયુઃ હવામાન ખાતાનુ રેડએલર્ટ
અમદાવાદ/જામનગર તા.૩: રાજયમાં ઘણાં સ્થળે ૨૪ કલાકમાં પાંચ ઈંચ સુધી અને આજે સવારે બે-ત્રણ કલાકમાં જ સાડા આઠ ઈંચ સુધી વરસાદ પડયો હોવાના અહેવાલો છે. ઠેર-ઠેર જલભરાવ થતા પરિવહન ઠપ્પ થયું છે તથા જનજીવનને માઠી અસર પહોંચી છે. હવામાન ખાતાએ કેટલાક સ્થળે વરસાદનુ આજે રેડએલર્ટ જાહેર કર્યું છે.
ગઈકાલથી ગુજરાતમાં મેઘવૃષ્ટિ થઈ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૬૨ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વડગામમાં ૮.૬ ઈંચ નોંધાયો છે. જયારે વિજાપુરમાં ૬.૫ ઈંચ, પાલનપુરમાં ૬.૧ ઈંચ, દાંતીવાડામાં ૬.૦ ઈંચ વરસાદ નોંધાયો છે.
તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે તંત્ર દ્વારા શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. મેઘરાજા બનાસકાંઠા પર મહેરબાન થયા હતા અને બનાસકાંઠાને જળબંબકાર કરી દીધું હતું. ભારે વરસાદના પગલે ઠેર ઠેર રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.
વડગામમાં અને પાલનપુરમાં ભારે વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. પાલનપુરના ડોક્ટર હાઉસની પાછળના ભાગમાં તથા મફતપુરામાં લોકોના ઘર અને દુકાનોમાં પાણી વળતાં ઘરવખરી સહિતનો સામાન પલળી જતાં પારાવાર નુકસાન થયું છે. ઘરમાં પાણી ઘૂસી જતાં વૃદ્ધો અને બાળકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. અવિરત વરસાદના કરાણે જનજીવન ઠપ્પ થઇ ગયું છે.
આજે વહેલી સવારે ૬ વાગ્યાથી ૮ વાગ્યા સુધીમાં બનાસકાંઠાના ધાનેરામાં ૩.૮૬ ઇંચ, વડગામમાં ૧.૯૭ ઇંચ, ડીસામાં ૧.૮૯ ઇંચ, દાંતીવાડામાં ૦.૮૩ અને પાલનપુરમાં ૦.૭૯ ઇંચ વરસાદ ખાબક્યો છે. હજુ પણ બનાસકાંઠાના કેટલાક તાલુકાઓમાં વરસાદ ખાબકી રહૃાો છે.
વર્તમાન ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને, આજે ૩ જુલાઈ ૨૦૨૫, ગુરુવારના રોજ પાલનપુર, દાંતીવાડા, વડગામ, ધાનેરા તેમજ ડીસા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદના કારણે મહેસાણાના ધરોઈ ડેમની પાણીની આવકમાં વધારો થયો છે. ધરોઈ ડેમની સપાટી ૬૧૦.૨૯ ફૂટ સુધી પહોંચી ગઈ છે. ડેમમાં ભયજનક સ્તર ૬૨૨ ફૂટ છે. સ્ત્રાવ ક્ષેત્રમાં ભારે વરસાદના કારણે ડેમમાં ૫૯૧૬૬ ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ પાણીનો કુલ જથ્થો ૫૯.૫૯ ટકા નોંધાયો છે.
મહેસાણા જિલ્લાના સતલાસણા-દાંતા માર્ગ ઉપર આંબાઘાટા નજીક ભેખડ ધસી પડી હતી. મળતી માહિતી મુજબ, ભેખડ ધસી પડતા એક માર્ગીય રસ્તો બંધ કરવામાં આવ્યો છે. વરસાદને કારણે પથ્થર રોડ ઉપર ધસી આવ્યો હતો. જોકે આ ઘટના રાત્રે બની હોવાથી કોઈ જાનહાનિ નથી થઈ.
આજે બનાસકાંઠા પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં રેડએલર્ટ અપાયુ છે, જયારે ઓરેન્જ એલર્ટ હેઠળ કચ્છ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, ખેડા, આણંદ, પંચમાહાલ, દાહોદ, વડોદરા તથા યલો એલર્ટ હેઠળ મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત,તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં ૨૪ કલાકના વિરામ બાદ મેઘરાજાએ ફરીથી પૂન; ધમાકેદાર પધરામણી કરી છે, અને માત્ર બે કલાકના સમયગાળા દરમિયાન ધોધમાર ત્રણ ઇંચ પાણી પડી ગયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
જોડીયામાં સવારે ૧૦.૦૦ વાગ્યાથી વરસાદ શરૂ થઈ ગયો હતો, અને બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધીમાં ધોધમાર ત્રણ ઇંચ થી વધુ પાણી પડી ગયું હોવાના અહેવાલો મળ્યા છે.
આ વરસાદને લઈને જોડિયાની ઉંડ નદી બે કાંઠે થઈ હતી, તેમજ ઠેર ઠેર પાણી ફરી વળ્યા હતા. હજુ પણ વરસાદી વાતાવરણ હોવાથી વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial