Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલાર અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ગઈકાલે ઠેર-ઠેર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન શુભમન ગીલ બર્મિંગહામમાં ચોક્કા-છક્કા સાથે રનોનો વરસાદ વરસાવી રહ્યો હતો. તેમણે ઈંગ્લેન્ડની ધરતી પર બેવડી સદી કરીને એક વ્યક્તિગત રેકોર્ડ પણ સર્જયો હતો. બીજી તરફ તે ઈંગ્લેન્ડમાં સૌથી વધુ રન નોંધાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે, અને સુનિલ ગાવસ્કરનો ૨૨૧ રનનો રેકોર્ડ તોડ્યો છે. તે ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી વટાવીને ૨૬૯ રન કરનાર તથા ૨૫૦ થી વધુ રન કરનાર છઠ્ઠો ભારતીય બેટધર પણ બન્યો છે. ક્રિકેટની ચર્ચા વચ્ચે પાકિસ્તાનની ટીમ હોકી રમવા ભારતના પ્રવાસે આવનાર હોવાની સંભાવનાએ એક નવી જ ચર્ચા જગાવી છે.
મેઘરાજાની મહેરથી જગતનો તાત ખુશ છે, અને રાજ્યમાં હરખની હેલી ફેલાવા પામી છે, પરંતુ દેશના કેટલાક વિસ્તારોમાં મેઘો મુસીબત બનીની ત્રાટક્યો છે, અને ભારેપૂર તથા લેન્ડસ્લાઈડના કારણે જાનમાલની હાનિ થઈ રહી છે, ત્યારે એવું કહી શકાય કે સિક્કાની બે બાજુ હોય છે, ક્યાંક કુદરત મહેર કરે છે, તો ક્યાંક અતિવૃષ્ટિ થતા કહેર પણ વર્તાય છે. જામનગરમાં પણ રંગમતી ડેમના પાટીયા ખોલાતા કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ ગઈ છે.
જલવર્ષા અને રનવર્ષાના ખુશીવર્ધક સમાચારોની સાથે સાથે મેઘગર્જના તથા વીજળીના ચમકારા સાથે ઘનઘોર માહોલમાં થતા વરસાદને પણ પાછળ છોડી દ્યે તેવા દાવાઓ, આક્ષેપો, પ્રતિઆક્ષેપો અને નિરર્થક બફાટ સહિતના કેટલાક તથ્યપૂર્ણ નિવેદનોનો પણ ગુજરાતમાં જાણે કે વરસાદ વરસી રહ્યો છે.
ગુજરાતમાં મનરેગા કૌભાંડ હવે રાજ્યવ્યાપી બની રહ્યું છે અને જામનગર સહિતના રાજ્યના જિલ્લાઓમાંથી મનરેગાના કામોની પંચવર્ષિય વિજિલન્સ તપાસ બેસાડવાની માંગણી ઉઠી રહી છે, તેવામાં ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા અને આમઆદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની નિવેદનબાજી ગાજવીજ અને તોફાની આંધી સાથેના મેઘપ્રકોપ જેવો જ રાજકીય માહોલ સર્જી રહી છે.
હકીકતમાં ભાજપના સંસદસભ્ય મનસુખભાઈ વસાવાએ કહ્યું હતું કે વિપક્ષના નેતાઓ પણ મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા છે, અને કૌભાંડ કરનારી એજન્સીની યાદીમાં દરેક પક્ષોના નેતાઓને રૂપિયા અપાયા હોવાનો ઉલ્લેખ તેમણે જોયો હતો.
આમઆદમી પાર્ટીના ધારાસભ્ય અને મનસુખભાઈ વસાવાના ટીકાકાર ચૈતરભાઈ વસાવાએ વ્યંગમાં મનસુખભાઈ વસાવાના વખાણ કરતા કહ્યું છે કે જિલ્લાથી ગાંધીનગર સુધી ધારાસભ્યો અને સાંસદોને પણ હપ્તા પહોંચે છે, ત્યારે મનસુખભાઈ વસાવાએ જે કહ્યું છે, તે સાચી વાત છે. તેઓ પોતાના જ પક્ષોની સરકારના શાસનમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ચૈતરભાઈ વસાવાએ મનસુખભાઈ વસાવાને આ નિવેદન બદલ અભિનંદન પણ આપ્યા છે.
જો કે, તે પછી કૌભાંડ કરનારી એજન્સીને નર્મદા જિલ્લામાં મનુખભાઈ વસાવા જ લાવ્યા હોવાનો આક્ષેપ કરીને પડકાર ફેંક્યો કે જો હિંમત હોય તો મનસુખભાઈ કટકી ખાનારાઓના નામ જાહેર કરે, ચૈતરભાઈ વસાવાએ દાદાનું બુલડોઝર માત્ર નાના લોકો પર જ ફરે છે, અને માલેતુજારો મોજ કરે છે, તથા રાજ્યના ગૃહમંત્રી માત્ર ફાંકા ફોજદારી જ કરે છે, તેવા કડક કટાક્ષો પણ કર્યા છે.
આમ, ભારતીય જનતા પક્ષના જ સાંસદ જ્યારે બધા પક્ષોને હપ્તા મળતા હોવાની વાત કરતા હોય અને ચૈતરભાઈના આક્ષેપોમાં વજુદ હોય તો મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રીને મક્કમતાથી નિર્ણય લઈને મનરેગાના મુદ્દે વહેલાસર રાજવ્યાપી તપાસની ઘોષણા કરી દેવી જોઈએ, કારણ કે જો આ મુદૃો ઉચ્ચ કે સર્વોચ્ચ અદાલતો સુધી પહોંચશે, અને ત્યાંથી આદેશ થયા પછી તપાસ કમિટી નિમવી પડશે, તો તે ઝટકા સમાન હશે, જ્યારે સવેળા સર્વગ્રાહી તપાસની જાહેરાત થશે, તો રાજ્ય સરકાર અને ખુદ મુખ્યમંત્રીની વિશ્વસનિયતાને ડાઘ લાગતો બચી જશે, તેવા અભિપ્રાયોમાં દમ છે.
ભારતીય જનતા પક્ષના કેટલાક નેતાઓ વિપક્ષનું કામ કરે છે. તો કેટલાક વિપક્ષના નેતાઓ ભાજપ સરકારની વાહવાહી કરે છે. તો સુરતમાં આમઆદમી પાર્ટી અને કોંગ્રેસ ચૂંટણીના ચક્રવ્યૂહને ભૂલીને ચોક્કસ મુદૃે એકજૂથ થઈ જાય, ત્યારે એવું પણ કહી શકાય કે કાં તો લોકતંત્ર પુખ્ત બની ગયું છે, અથવા તો તદૃન સૂસ્ત થઈ ગયું છે, અને સગવડિયું રાજકારણ રમાઈ રહ્યું છે.
ભાજપના ધારાસભ્ય જ જો ભાજપના જ કોર્પોરેટરોનો જૂનાગઢમાં અઠવાડિયામાં ખુલાસો માંગતા હોય અને ભરૂચમાં સાંસદ મનરેગાની ગોબાચારીમાં તમામ પક્ષો (ભાજપ સહિત) ના નેતાઓની સંડોવણી સ્વીકારતા હોય કે અમદાવાદમાં યુવા ભાજપના નેતા ભાજપના જ ધારાસભ્ય પર ભેદભાવ રાખતા હોવાનો આક્ષેપ કરતા હોય, એટલું જ નહીં, ભાજપના કેટલાક નેતાઓ ગૃહમંત્રીના નામનો દુરૂપયોગ કરીને પાર્ટીના પાયાના કાર્યકરોની અવગણના કરતા હોવાના તથા પબ્લિકનો અવાજ દબાવી દેવાના આક્ષેપો કરતા હોય ત્યારે એવું કહી શકાય કે ઘર ફૂટે ઘર જાય...આભ ફાટ્યું હોય ત્યાં થીગડું દેવા ક્યાં જવું ?
જે હોય તે ખરૃં, પરંતુ ગુજરાતમાં આવીને અરવિંદ કેજરીવાલે જે રીતે આગામી વિધાનસભાની ચૂંટણીનું રણશીંગુ ફૂંક્યું છે, તે જોતા દિલ્હીમાં થયેલા પરાજયનો બદલો લેવા તેઓ ગુજરાતમાં ભાજપની સત્તા ખૂંચવી લેવાની તૈયારી કરી રહ્યા હોય, તેમ જણાય છે. જો કે, અત્યારે તો તેમણે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને લલકાર્યા છે, ત્યારે જોઈએ, આગે આગે હોતા હૈ ક્યા ?
અત્યારે તો મેઘાવી માહોલ અને મોહર્રમની તૈયારીઓ વચ્ચે જામનગરમાં એક જ સવાલ અગ્રીમતાથી પુછાઈ રહ્યો છે કે જામનગરમાં આ વખતે જન્માષ્ટમીનો મેળો ક્યાં, કેવો અને કેટલા દિવસ માટે યોજાશે, જસ્ટ વેઈટ એન્ડ વોચ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial